Monday, November 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’ નેતાઓનું નવું કારસ્તાન: ભાજપના સરપંચના નામ સાથે સોશિયલ મીડિયા પર ખોટો...

    ‘આપ’ નેતાઓનું નવું કારસ્તાન: ભાજપના સરપંચના નામ સાથે સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કર્યો, સભામાં જઈને પ્રશ્નો પૂછતાં નેતાઓએ ભાગવું પડ્યું- Video

    ગામના સરપંચ અને આગેવાનોએ પાર્ટીના નેતાઓ ઉપર હિંદુવિરોધી પ્રચાર કરવાનો આરોપ મૂક્યો, કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી વિશે પણ સવાલો કર્યા.

    - Advertisement -

    ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર આમ આદમી પાર્ટી જેટલો સોશિયલ મીડિયા ઉપર પૂરજોશથી પ્રચાર કરી રહી છે, તેના કરતાં જમીની સ્તરે સ્થિતિ તદ્દન વિપરીત છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેવા નેતાઓએ પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો સ્થાનિક નેતાઓ અને કાર્યકરોના વિરોધના કિસ્સાઓ પણ સામે આવતા રહ્યા છે. હવે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ‘આપ’ નેતાઓ ઉપર ભાજપના સરપંચના નામે ખોટો પ્રચાર કરવાનો આરોપ લાગ્યો છે. 

    ઘટના જૂનાગઢના તોરણીયા ગામની છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીની સભામાં જઈને ગામના સરપંચ અને અન્ય આગેવાનો પાર્ટીના નેતાઓ ઉપર તેમના અને અન્ય સરપંચના નામે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ખોટો પ્રચાર કરવાનો આક્ષેપ કરી, પાર્ટીના નેતાઓને તેમના દિલ્હીના મંત્રીની ‘હિંદુવિરોધી શપથ’ વિશે પણ સવાલો કરતા જોવા મળે છે.

    વિડીયોમાં ગામના સરપંચ એક પોસ્ટનો સ્ક્રીનશોટ બતાવીને કહે છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓએ જૂનાગઢના તોરણીયા, વિજાપુર સહિત ચાર ગામના સરપંચ આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયા મૂકી દીધી હતી. પરંતુ હકીકત એ હતી કે સરપંચો તેમને મળ્યા જ ન હતા. 

    - Advertisement -

    ગામના સરપંચ અનુસાર, આમ આદમી પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને વિસાવદર વિધાનસભાના સહ-સંગઠન મંત્રી સાથે તોરણીયા, સોળવદર અને વિજાપુર ગામના સરપંચો, માજી સરપંચો અને આગેવાનોએ પંજાબના ધારાસભ્યો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હોવાનો દાવો કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને કોઈ આમ આદમી પાર્ટીના નેતાને મળ્યા ન હતા. તેમના નામ સાથે ‘આપ’ નેતાઓએ ખોટી રીતે પ્રચાર કર્યો હતો. 

    જોકે, ત્યાં હાજર આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ સ્વીકાર્યું હતું કે તેમણે મુલાકાત લીધી ન હોવા છતાં ખોટી રીતે પોસ્ટ મૂકવામાં આવી હતી. માથે ‘આપ’ની ટોપી પહેરેલ એક વ્યક્તિ કહેતા સંભળાય છે કે, તેમણે (અન્ય એક આપ નેતાએ) મૂકેલી પોસ્ટ ખોટી હતી અને સરપંચોએ કોઈ મુલાકાત લીધી ન હતી. 

    આ ઉપરાંત, ત્યાં હાજર લોકોએ ‘આપ’ નેતાઓ અને તેમની પાર્ટી ઉપર હિંદુ ધર્મના દેવી-દેવતાઓના અપમાનનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ તેમને હિંદુ ધર્મ વિરુદ્ધ પ્રચાર કરવા દેશે નહીં. ઉપરાંત તેમણે ‘આપ’ નેતાઓ ઉપર મફતની લાલચ આપીને ગામની ભોળી જનતાને ભરમાવવાના પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    સભામાં ગામના લોકોએ આમ આદમી પાર્ટીના નેતાઓને દિલ્હીની કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી વિશે પણ સવાલો કર્યા હતા. જેઓ હજારો હિંદુઓના ધર્માંતરણ માટે યોજાયેલા એક કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં હિંદુઓને તેમના દેવી-દેવતાઓને ન માનવા માટે શપથ પણ લેવડાવવામાં આવી હતી. જેનો આમ આદમી પાર્ટી પાસે કોઈ સંતોષકારક જવાબ હોય તેમ જણાયું ન હતું. ત્યારબાદ સભા વિખેરાઈ ગઈ હતી અને ‘આપ’ નેતાઓએ સભા અધૂરી મૂકીને જવું પડ્યું હતું. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા થકી માહોલ બનાવવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહી છે. જોકે, જમીન પર તદ્દન વિપરીત સ્થિતિ છે. ઠેરઠેર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીના નેતાઓનો વિરોધ થઇ રહ્યો છે, શહેરોમાં પણ પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે રોડ શૉ અધૂરો છોડીને ભાગવું પડ્યું હતું. 

    બીજી તરફ, પાર્ટીના જ અમુક નેતાઓએ કાર્યકરોને છેતર્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેના કારણે કાર્યકરોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. ચૂંટણીના માંડ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આ સ્થિતિ સર્જાતા પાર્ટીના નેતાઓ હવે વધુ એક સ્તર નીચે આવ્યા છે અને જેમને પાર્ટી સાથે કશું લાગતું-વળગતું જ ન હોય તેમના નામે પ્રચાર શરૂ કર્યો છે. જોકે, સોશિયલ મીડિયાના જમાનામાં હવે કશું છૂપું રહેતું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં