Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ડિનરનું કહીને રેલીમાં બોલાવ્યા અને અહીં ફુટ પેકેટ પણ ન મળ્યાં’: આમ...

  ‘ડિનરનું કહીને રેલીમાં બોલાવ્યા અને અહીં ફુટ પેકેટ પણ ન મળ્યાં’: આમ આદમી પાર્ટીના નેતાનો આરોપ, રાજીનામું આપ્યું, કહ્યું- ગોપાલ ઇટાલિયાને શરમ આવવી જોઈએ 

  આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું કે, તેમને મોટા નેતાઓએ જનસભા હોવાનું કહીને બોલાવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જાણવા મળ્યું હતું કે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ઉપરાંત તેમના ભોજનની પણ વ્યવસ્થા ન હતી.

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી ચર્ચામાં તો છે, પરંતુ ખોટાં કારણોથી. એક તરફ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાના એક પછી એક વિડીયો વાયરલ થઇ રહ્યા છે તો બીજી તરફ પાર્ટીના નેતાઓથી કાર્યકરો નારાજ હોય તેવા વિડીયો પણ સામે આવતા રહ્યા છે. હવે આવો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કાર્યકરોએ નેતાઓ ઉપર રેલીમાં બોલાવીને ભૂખ્યા રાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. 

  તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે દાહોદમાં જનસભા સંબોધી હતી અને વડોદરામાં રોડ શૉ કર્યો હતો. જોકે, કાર્યકર્તાઓનો આરોપ છે કે તેમને જનસભાનું આયોજન કર્યું હોવાનું કહીને બોલાવવામાં આવ્યા હતા અને એટલું જ નહીં, પરંતુ ડિનરનું કહીને રેલીમાં બોલાવીને ભૂખ્યા રાખ્યા હતા.

  વાયરલ વિડીયોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર કહે છે કે, “અમને દરેક પદાધિકારીઓને પૂછવામાં આવે છે કે તમે કેટલી બસ લાવશો? અમે આસપાસનાં ગામડાંમાંથી ચાર બસ નક્કી કરી હતી. વાઘોડિયા વિધાનસભાની 12 બસ નક્કી કરી હતી.”

  - Advertisement -

  તેમણે આગળ કહ્યું કે, દિલ્હીના નેતાઓ અમને દબાણ કરે છે કે કેમ આટલી જ બસ થઇ. પરંતુ અમે 10 વાગ્યાના ભૂખ્યા પેટે, આસપાસના ગામડાંમાંથી પણ ડોર ટૂ ડોર ફરી વૃદ્ધો સહિતનાં લોકોને લઈને આવ્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ડિનરનું પણ આયોજન હશે. પણ અહીં ડિનરની વાત તો દૂર, ફૂડ પેકેટ પણ નથી મળ્યાં. તેમણે કહ્યું કે, તેમણે જાતે પૈસા ભેગા કરીને તેમના લોકોને ભોજન કરાવ્યું હતું. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે, પાર્ટીના મોટા નેતાઓ કામ તેમની પાસે કરાવે છે અને પૈસા તેમના ખિસ્સામાં જાય છે. 

  વધુ તપાસ કરતાં, આ કાર્યકર વાઘોડિયા વિધાનસભાના સંગઠન મંત્રી નિલેશભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પાર્ટીના નેતાઓના વ્યવહાર અને દિલ્હીના કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રીના વિવાદના કારણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વડોદરાના ‘સયાજી સમાચાર’ સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ પાર્ટીમાં 2017થી જોડાયેલા હતા અને ગામડે-ગામડે ફરીને કામ પણ કર્યું હતું, પરંતુ કેજરીવાલના મંત્રીએ હિંદુઓના ધર્માંતરણ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ દુઃખી છે અને રાજીનામું આપી રહ્યા છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, કેજરીવાલ અને તેમના મંત્રીએ દેશની માફી માંગવી પડશે.

  તાજેતરમાં જ ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે પીએમ મોદી માટે અભદ્ર ભાષા વાપરી હતી. જેને લઈને પણ આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે, “હું કોઈ પક્ષ-વિપક્ષની વાત નથી કરતો. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે. એમના માટે તમે આવા શબ્દોમાં વાત કરો છો? ગોપાલ ઇટાલિયાને બોલતા શરમ આવવી જોઈએ. 

  અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલો કિસ્સો નથી જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ પાયાના કાર્યકરો સાથે છેતરપિંડી કરી હોય. દાહોદમાં કેજરીવાલની જનસભા માટે ગાડીઓ મંગાવ્યા બાદ માલિકોએ ભાડું આપવાનું કહેતાં પાર્ટીના નેતાઓએ ફોન બંધ કરી દીધા હતા. આ મુદ્દો પણ ખૂબ ચર્ચામાં આવ્યો હતો. હવે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં