Monday, May 6, 2024
More
    હોમપેજગુજરાતદમણના શિવમંદિરમાં 'મજાર'? એક વિડીયો વાયરલ થયો અને હટાવી દેવાયો ઢાંચો: જવાબદારો...

    દમણના શિવમંદિરમાં ‘મજાર’? એક વિડીયો વાયરલ થયો અને હટાવી દેવાયો ઢાંચો: જવાબદારો સામે કાર્યવાહી કરવા મેયરનો કલેક્ટરને પત્ર

    વિડીયો બનાવનાર વ્યક્તિ દેવી દેવતાઓની મૂર્તિઓ બતાવ્યા બાદ તેની બાજુમાં જ ચાંદ અને તારા છપાયેલી લીલા કલરની ચાદર ઢાંકેલા ઢાંચાને બતાવે છે. તેમણે ચાદરનો ખૂણો ઉંચો કરીને તેની નીચે સિમેન્ટ દ્વારા તાજું ચણવામાં આવેલું બાંધકામ પણ બતાવ્યું હતું.

    - Advertisement -

    થોડા દિવસથી ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણના એક શિવ મંદિરનો વિડીયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નાની દમણના એક પ્રાચીન શિવ મંદિરમાં મજાર જેવો ઢાંચો બનાવવામાં આવ્યો છે. વિડીયોમાં આ મંદિર અને મંદિરની અંદર બનાવવામાં આવેલા ઇસ્લામિક મજાર કે દરગાહ જેવો ઢાંચો સ્પષ્ટ નજરે પડે છે. જોકે આ વિડીયો વાયરલ થયા બાદ થોડા જ સમયમાં અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઢાંચો દૂર થયેલો જોવા મળે છે.

    પ્રાથમિક માહિતી અનુસાર, આ વિડીયો નાની દમણનો હોવાનું કહેવાય છે. અલગ-અલગ યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી રહ્યો હોવાના કારણે આ વિડીયો કોણે બનાવ્યો છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થઇ શક્યું. 2 મિનીટ 20 સેકન્ડના આ વિડીયોમાં એક વ્યક્તિને હિન્દીમાં કહેતાં સાંભળી શકાય છે કે, “જુઓ, અહીં છે મહાદેવજીનું શિવલિંગ, આ નંદીજી મહારાજ છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવેલી નંદીજી અને ગણેશજીની મૂર્તિઓ છે.”

    વિડીયો ઉતારનાર વ્યક્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી દેવી માની મૂર્તિ પણ બતાવે છે અને તેની બનાવટના આધારે તે મૂર્તિ પણ પૌરાણિક હોવાનું અનુમાન લગાવે છે. તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ બતાવ્યા બાદ તેની બાજુમાં જ ચાંદ અને તારા છપાયેલી લીલા કલરની ચાદર ઢાંકેલા ઢાંચાને બતાવે છે. વિડીયો બનાવનાર વ્યક્તિએ ચાદરનો ખૂણો ઉંચો કરીને તેની નીચે સિમેન્ટ દ્વારા તાજું ચણવામાં આવેલું બાંધકામ પણ બતાવ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારના મઝહબી બાંધકામ ઈસ્લામિક દરગાહો અને મજારો પર જોવા મળતા હોય છે. આ વિડીયોમાં ઢાંચાની ઉપર કેટલાક મઝહબી ફોટા પણ મૂકેલા જોઈ શકાય છે.

    - Advertisement -

    આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતો થયાના બે દિવસ બાદ અન્ય એક વિડીયો વાયરલ થયો, જેમાં આ ઢાંચો જોવા મળતો નથી. જેથી સંભવતઃ હટાવી દેવામાં આવ્યો હોય શકે. વિડીયોમાં જ્યાં પહેલાં આ મજાર જેવું બાંધકામ હતું, ત્યાં ખાલી સ્થાન જોવા મળે છે.

    બીજી તરફ, દમણના શિવ મંદિરમાં મજાર જેવો ઢાંચો બનાવવાનો આ વિડીયો વાયરલ થયા બાદ દમણના મેયરે પણ તેની નોંધ લીધી હતી. તેમણે કલેક્ટરને એક પત્ર લખીને આ કૃત્યને અંજામ આપનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવા નિવેદન કર્યું છે.

    આ પત્રમાં તેમણે લખ્યું છે કે, “દેવકા ખાતે આવેલા હિંદુ મંદિરમાં કોઈ બદમાશ લોકોએ દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે દરગાહ જેવા ઢાંચાનું નિર્માણ કર્યું છે. આ ઢાંચા પર મુસ્લિમ ચાદર પણ ચઢાવવામાં આવી છે. આ ઢાંચાનો એક વિડીયો આખા દેશમાં વાયરલ થઇ રહ્યો છે અને તે સમુદાયો વચ્ચે તણાવ ઉભો કરી શકે તેમ છે. આપને નિવેદન છે કે આ પ્રકારનું કૃત્ય કરનાર જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવે.”

    આ પત્રને લઈને વધુ માહિતી મેળવવા માટે ઑપઇન્ડિયાએ મેયરનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેમની સાથે વાત થઇ શકી નહોતી. પ્રત્યુત્તર મળ્યે રિપોર્ટ અપડેટ કરી દેવામાં આવશે.

    બીજી તરફ, મંદિરમાં આ ઢાંચો કઈ રીતે બનાવવામાં આવ્યો અને કોણે કૃત્ય કર્યું અને વિડીયો વાયરલ થયા બાદ તેને કોણે હટાવ્યો તે હજુ સુધી સામે આવી શક્યું નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં