Saturday, May 4, 2024
More
    હોમપેજગુજરાતસાળંગપુર વિવાદ: હનુમાનજીના અપમાન મુદ્દે એકઠા થયા સાધુ-સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મોટો...

    સાળંગપુર વિવાદ: હનુમાનજીના અપમાન મુદ્દે એકઠા થયા સાધુ-સંતો, સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને મોટો નિર્ણય

    બેઠકમાં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે અગામી 5 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સનાતની સંતોની કોર કમિટીની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત આખા દેશના સાધુ-સંતો ભાગ લેશે.

    - Advertisement -

    સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે શરૂ થયેલો વિવાદ વધુ વેગ પકડી રહ્યો છે. સનાતન સંસ્કૃતિમાં અને હનુમાનજીને પોતાના આરાધ્ય દેવ માનતા સાધુ-સંતો ભારોભાર નારાજગી દર્શાવી રહ્યા છે. તેવામાં હવે સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો સંકલ્પ લીધો છે. અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે હનુમાન આશ્રમમાં મળેલી અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સાધુ-સંતો ઉપરાંત કેટલાક હિંદુ સંગઠનો પણ આગામી સમયની વ્યૂહરચના બનાવવા જોડાયા હતા. સાથે જ આ બેઠકમાં હનુમાનજીને લઈને નિવેદન આપનાર વડતાલ સ્વામિનારાયણ સંસ્થાના નૌતમ સ્વામીને તમામ હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારનો સંકલ્પ લીધો છે. અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ સનાતની સંતો દ્વારા સ્વામિનારાયણ મંદિરોમાં ન જવું, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે એક મંચ પર ન બેસવું, તેમના સંપ્રદાયના કોઈ કાર્યક્રમમાં ન જવું કે તેમને સનાતન સંસ્કૃતિના કોઈ ધાર્મિક મેળાવડામાં ન આમંત્રિત કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. સંતોની આ મહત્વપૂર્ણ બેઠકમાં મહામંડલેશ્વરમા વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ (સરખેજ), મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ (જૂનાગઢ), મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ (કચ્છ), મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ (દાહોદ), હર્ષદ ભારતી બાપુ (નાસિક) સહિત કેટલાક હિંદુ સંગઠનોના અગ્રણીઓએ હાજરી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે આ અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં હાજર સંતોએ હનુમાનજીના અપમાન બાબતે ભારોભાર અણગમો વ્યક્ત કર્યો હતો. બેઠકમાં હાજર સંત ડૉ. જ્યોતિરનાથ મહારાજે જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે, સનાતનના સંતો સ્વામિનારાયણ સંતોની સાથે હવે કોઈપણ કાર્યક્રમમાં નહીં જાય અને તેઓને બોલાવીશું પણ નહીં. સાથે જ મોહક ગંગાદાસ બાપુએ પણ નારાજગીના સૂરમાં કહ્યું હતું કે સરકાર આ બાબતે કડક પગલાં લે એવી વિનંતી કરવામાં આવશે. હનુમાનજી અમારા ભગવાન છે. સાથે જ તેમણે શાસ્ત્રોને કોર્ટમાં રજૂ કરવાની વાત પણ કરી હતી.

    - Advertisement -

    આ ઉપરાંત ગિરનાથી બેઠકમાં ભાગ લેવા આવેલા સાધ્વી ગીતા દીદીએ પણ જણાવ્યું હતું કે “અમારા હનુમાન શક્તિશાળી છે. અમારા સનાતનીઓમાં હનુમાનજી વસે છે, એટલે લોકો સાળંગપુર આવે છે. અમારા વડીલ સાધુ-સંતો જે નિર્ણય લેશે એ યોગ્ય રહેશે.” આ સાથે જ આ અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારી બેઠકમાં હનુમાનજીને લઈને વાંધાજનક નિવેદન આપનાર નૌતમ સ્વામીને તમામ હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

    આ સાથે જ બેઠકમાં તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સારંગપુર વિવાદને લઈને અગામી 5 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સનાતની સંતોની કોર કમિટીની બેઠક યોજવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત આખા દેશના મહત્વના સાધુ-સંતો ભાગ લેશે. આ કોર કમિટીની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સાળંગપુર હનુમાનજીના અપમાન મુદ્દે અગામી કાર્યવાહીઓની રણનીતિ ઘડવામાં આવશે. જોકે સરખેજ ખાતે મળેલી હાલની બેઠકમાં આ મુદ્દાને કોર્ટમાં લઇ જવા સુધીની ચર્ચાઓ સાધુ-સંતો દ્વારા કરવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં