Sunday, April 28, 2024
More
    હોમપેજસ્પેશ્યલવિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ વિશેષ: જ્યારે ભાગલાની બલિ ચડી ગયાં હતાં લાખો...

    વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ વિશેષ: જ્યારે ભાગલાની બલિ ચડી ગયાં હતાં લાખો જીવન, માનવ ઇતિહાસના સૌથી મોટા વિસ્થાપનની પીડા આજે પણ નથી ભૂલી શક્યો દેશ

    14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું.

    - Advertisement -

    દેશ સ્વતંત્રતાનાં 76 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આવતીકાલે 77મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને (14 ઓગસ્ટ) ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવશે. ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. 

    2021માં વડાપ્રધાન મોદીએ આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, “દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા.” વડાપ્રધાને આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, “આ દિવસ ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી એકતા, સામાજિક સદ્ભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે.” 

    આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશ એ બલિદાનીઓને યાદ કરી રહ્યો છે જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરતાં લખ્યું કે, ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ ભારતવાસીઓને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે, જેમનું જીવન દેશના ભાગલાની બલિ ચડી ગયું. તેમની સાથે જ આ દેશ એ લોકોના સંઘર્ષ અને કષ્ટોની પણ યાદ અપાવે છે, જેમને વિસ્થાપનનો દંશ સહન કરવા મજબુર થવું પડ્યું. આવા તમામ લોકોને મારા શત-શત નમન.’

    - Advertisement -

    વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી ભારતનું રાજ્પત્ર પણ જારી કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાનના એલાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક ગેઝેટ જારી કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકાર ભારતની વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને વિભાજન દરમિયાન લોકોએ સહેલી યાતના અને વેદનાનું સ્મરણ કરાવવા માટે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઘોષિત કરે છે. 

    અરાજકતાના માહોલ વચ્ચે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા

    14 ઓગસ્ટ 1947નો દિવસ એ દિવસ હતો જ્યારે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું. લાખો લોકોએ રાતોરાત ભાગવું પડ્યું અને લાખો લોકો માર્યા ગયા હતા. 

    14-15 ઓગસ્ટે ભારતને બ્રિટિશ રાજમાંથી મુક્તિ તો મળી જ પરંતુ તેની સાથે દેશનું વિભાજન પણ થયું અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. વિભાજનથી દેશના બે ટુકડા કરી દેવામાં આવ્યા અને પૂર્વ-પશ્ચિમ બંને તરફ અમુક વિસ્તારને પાકિસ્તાનને અલગ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી. પછીથી 1971ના યુદ્ધમાં ભારતની જીત બાદ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું.

    ભાગલા પડ્યા તેની સાથે જ ઇતિહાસનું સૌથી મોટું સ્થળાંતરણ જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર છોડીને ભાગવું પડ્યું હતું. સૌથી વધુ અસર પંજાબ અને બંગાળમાં જોવા મળી હતી કારણ કે આ બંને રાજ્યોની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. આ આખા પ્રકરણમાં દોઢ કરોડ લોકોએ ઘર-સંપત્તિ છોડીને ભાગવું પડ્યું હતું. બાળકો, વૃદ્ધો, મહિલાઓ તમામ હિંસાની ચપેટમાં આવ્યા હતા અને લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.

    કરોડો લોકો, લાખો પરિવારો પ્રભાવિત થયા

    માનવ ઇતિહાસના સૌથી મોટાં વિસ્થાપનો પૈકીના એક આ વિભાજનના કારણે કરોડો લોકો, લાખો પરિવારો અને સેંકડો ગામો, શહેરો, કસ્બાઓ પ્રભાવિત થયા. લોકોએ રાતોરાત પૈતૃક સ્થળો છોડી દેવાં પડ્યાં અને શરણાર્થી તરીકે એક નવું જીવન જીવવા મજબુર બનવું પડ્યું. વિભાજન બાદ થયેલાં રમખાણોમાં 20 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. મહિલાઓ સાથે બળાત્કાર થયા હતા તો ક્યાંક શરણાર્થીઓ ભરેલી ટ્રેનમાં નરસંહાર થયા હતા. બંગાળ, બિહાર, પંજાબ વગેરે ક્ષેત્રોમાં સાંપ્રદાયિક રમખાણો થયાં હતાં. પાકિસ્તાનથી લોહીથી લથબથ ટ્રેન પણ ભારત આવી હતી. 

    15 ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કોઈ પણ રાષ્ટ્ર માટે તેની સ્વતંત્રતાનો દિવસ અનેરું મહત્વ ધરાવે છે અને આનંદનો અવસર હોય છે. પરંતુ સ્વતંત્રતા સાથે-સાથે દેશે વિભાજનનો એ આઘાત પણ સહન કરવો પડ્યો અને શરૂઆત તેની હિંસક પીડાઓ સાથે થઇ, જેણે લાખો ભારતીયો પર પીડાનાં નિશાન છોડી દીધાં. સ્વતંત્રતાનો આનંદ તો છે જ, પરંતુ સાથેસાથે વિભાજનની પીડા અને હિંસા પણ દેશ માટે એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયાં છે. આમ તો દેશ ભૂતકાળને પાછળ છોડીને બહુ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આવનારાં અમુક વર્ષોમાં વિશ્વના નકશા પર મોખરાનું સ્થાન ધરાવશે, પરંતુ વિભાજનની આ પીડા ક્યારેય ભૂલી ન શકાય તે માટે આ દિવસને કેલેન્ડર પર સ્થાન મળે એ જરૂરી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં