Tuesday, April 30, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ3500 શ્રમિકોની અથાગ મહેનત, કુદરતી આફતો સામે રક્ષણ, હજારો વર્ષો સુધી અડીખમ...

    3500 શ્રમિકોની અથાગ મહેનત, કુદરતી આફતો સામે રક્ષણ, હજારો વર્ષો સુધી અડીખમ રહેવાની ક્ષમતા: જાણો કઈ રીતે થઈ રહ્યું છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ

    અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં લોખંડના એક પણ ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 3,500 કામદારો સમયમર્યાદા સુધીમાં મંદિરનું બાંધકામ પૂર્ણ કરવાનું વિશાળ કાર્ય પૂર્ણ કરી રહ્યાં છે.

    - Advertisement -

    22 જાન્યુઆરી 2024ના શુભ દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવમાં આવશે. તાજેતરમાં જ વડાપ્રધાનના ભૂતપૂર્વ સચિવ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ ન્રૂપેન્દ્ર મિશ્રાએ ANIના સ્મિતા પ્રકાશ સાથેના એક પૉડકાસ્ટમાં રામ મંદિરને લઈને જાણકારી આપી છે. તેમણે પ્રતિમાઓ અને મંદિર નિર્માણ વિશે વિસ્તારથી માહિતી આપી છે. તેમણે તે પણ જણાવ્યું હતું કે, નિશ્ચિત સમયમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવા માટે 3,500 શ્રમિકો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.

    પ્રાણપ્રતિષ્ઠા માટે પ્રભુ શ્રીરામની મંદિર યાત્રા

    ન્રૂપેન્દ્ર મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, મંદિર માટે ભગવાન શ્રીરામની ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારબાદ જ્યારે પ્રતિમાઓ અયોધ્યા પહોંચશે ત્યારે પ્રાણપ્રતિષ્ઠા યાત્રાની શરૂઆત થશે. સરયૂ નદીમાં ડૂબકી લગાવીને યાત્રાનો શુભારંભ થશે. તેમણે કહ્યું, “રામલલાની પ્રતિમાઓને શહેરના વિવિધ મંદિરોમાં લઈ જવામાં આવશે.”

    તેમણે ઉમેર્યું કે, “જે બાદ પ્રભુની પ્રતિમાને ભવ્ય રામ મંદિરના પરિસરમાં રાખવામાં આવશે અને પ્રાણપ્રતિષ્ઠાના સમય સુધી પ્રભુની આંખો ઢાંકી દેવામાં આવશે. આ તમામ આયોજન બ્રહ્મ મુહૂર્તમાં ગર્ભગૃહમાં થશે. સામાન્ય જનતા તે વિધિ જોઈ શકશે નહિ. પ્રાણપ્રતિષ્ઠાના સમયે રામલલાની આંખો ખોલવામાં આવશે. વિશેષરૂપે પ્રાણપ્રતિષ્ઠા એટલા માટે કરવામાં આવે છે કે તેનાથી પ્રતિમામાં ભગવાનનો વિશેષ અંશ (ગુણ) આવે. આ સામાન્યથી અસાધારણ તરફ સ્થળાંતરીત થવાની પ્રક્રિયા છે.

    - Advertisement -

    પ્રભુ શ્રીરામની પ્રતિમાઓ બનાવવાની પ્રક્રિયા

    મિશ્રાએ વધુમાં કહ્યું કે, ત્રણ પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે તાજેતરની જે પ્રતિમા છે તે 1947-49માં પ્રગટ થઈ હતી અને દશકોથી તેની જ પૂજા કરવામાં આવી રહી છે. તે પ્રતિમા પણ ગર્ભગૃહમાં જ સ્થાપિત કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ જ્યારે રામ મંદિર આવશે તો ગર્ભગૃહથી માત્ર 25-30 ફૂટ દૂરથી દર્શન કરી શકશે. પ્રાચીન પ્રતિમા ઘણી નાની છે માટે તેના વ્યવસ્થિત દર્શન થઈ શકશે નહીં, તેથી મંદિરમાં ભક્તોના સંતોષજનક દર્શન સુનિશ્ચિત કરવા માટે નવી પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે.

    પ્રતિમાઓમાંની એક પ્રતિમા અચલ હશે. એટલે કે પ્રાણપ્રતિષ્ઠા બાદ તે પ્રતિમાને ક્યારેય પણ સ્થળાંતરીત નહીં કરી શકાય. તે પ્રતિમા સ્થાયી હશે. બીજી પ્રતિમા ઉત્સવ પ્રતિમા હશે. એટલે કે તે પ્રતિમાને વિશેષ રીતે ઉત્સવમાં યાત્રા તરીકે બહાર કાઢી શકાશે. એટલે વિશેષ અવસર પર રામલલાની શહેરમાં શોભાયાત્રા કાઢી શકાશે. જેમ કે, જગન્નાથપુરી યાત્રા, તિરૂપતિ બ્રહ્મોત્સવમ. એવી સંભાવનાઓ દેખાઈ રહી છે કે, ટ્રસ્ટ જગન્નાથ યાત્રાની જેમ રામલલાની વાર્ષિક યાત્રા પણ શરૂ કરશે. પરંતુ હજુ તેને અંતિમ રૂપ નથી અપાયું.

    તમામ અચલ પ્રતિમાઓ અનોખા પથ્થરમાંથી બની છે. એકવાર પથ્થરોની પસંદગી કર્યા બાદ તેને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ રોક મેકેનિક્સમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. તે કર્ણાટકના મૈસૂર સ્થિત ભારત સરકારનું એક સંસ્થાન છે, જે વિવિધ પથ્થરોની શક્તિ નિર્ધારિત કરીને તેનું પરીક્ષણ કરવામાં સક્ષમ છે. રામલલાની પ્રતિમાઓ બનાવવા માટે પસંદ કરાયેલા પથ્થર પર પ્રદૂષણની અસર નહીં થાય. તે પાણીમાં પણ સુરક્ષિત છે. તેનાથી પ્રતિમાઓની ગુણવત્તા વધી જશે.

    પસંદ કરાયેલા પથ્થરો રાજસ્થાન અને કર્ણાટકથી આવ્યા હતા. વિશેષજ્ઞ મૂર્તિકારો તમામ પ્રતિમાઓને ગુપ્ત સ્થાનો પર તૈયાર કરી રહ્યા છે. તમામ પ્રક્રિયા ખૂબ જ ગોપનીય રાખવામાં આવી છે. જ્યાં પ્રતિમાઓ બનાવવામાં આવી રહી છે ત્યાં હવે વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફીની અનુમતિ આપવામાં આવી છે. નોંધનીય છે કે, પ્રતિમાઓ માટે સામગ્રી નક્કી કરવા માટેની બેઠક દરમિયાન, ધાતુની જગ્યાએ સ્થાયિત્વને લઈને પથ્થરોની પસંદગી કરવામાં આવી હતી.

    3,500 શ્રમિકો નિર્માણ કરી પૂર્ણ કરી રહ્યા છે

    સાઈટ પર કામ કરનારા શ્રમિકો વિશે જણાવતા મિશ્રાએ કહ્યું હતું કે, ભવ્ય રામ મંદિરના નિર્માણકાર્યને પૂર્ણ કરવા માટે 3,500 શ્રમિકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. ગર્ભગૃહ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. નીચેના સ્થાન પર, ગ્રાઉન્ડ ફ્લોરની એકદમ નીચે, 100 પથ્થરોના ભીતચિત્રો હશે. જેમાં ભગવાન રામના જન્મથી લઈને વનવાસથી પરત ફરી અયોધ્યાના રાજાના રાજ્યાભિષેક સુધીનો ઇતિહાસ દર્શાવવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અથાગ મહેનતથી કરવામાં આવી રહ્યું છે.

    હજારો વર્ષો સુધી મંદિર અડીખમ રહેશે

    મિશ્રાએ જણાવ્યું કે, મંદિરનું નિર્માણ કાર્ય એક પડકારજનક કાર્ય છે. માટીના પરીક્ષણ બાદ જાણવા મળ્યું કે, સો વર્ષ પહેલાં સરયૂ નદી તે જ વિસ્તારમાંથી પસાર થતી હતી અને તે જગ્યાને અડીને વહેતી હતી. જેનાથી માટી પાયા માટે ઉપયોગી બની શકી નહીં. IIT ચેન્નાઈના સલાહકારોએ નિર્માણ કંપનીને સમગ્ર વિસ્તારમાં 15 ઊંડા ખાડા ખોદીને માટી હટાવવાનુ કહ્યું હતું અને ત્યારબાદ તે ખાડાને ફિલ્ટર કરેલી માટી અને વિશેષ રીતે બનાવેલા સિમેન્ટથી ભરી દેવામાં આવ્યા. તેનાથી તે માટી પથ્થર જેવી મજબૂત બની ગઈ છે.

    નવી માટીની કેટલીક પરત પર એક ગ્રેનાઈટ બેઝ છે. આ સિવાય મિશ્રાએ ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, મંદિરના પાયામાં દેશભરના પાંચ લાખ ગામોની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે એ સુનિશ્ચિત કરવામાં મદદ કરી છે કે, મંદિરની ઇમારત આજ સુધીના પ્રદેશમાં નોંધાયેલા ભૂકંપ કરતાં 50 ગણા વધુ ભયંકર ભૂકંપો સહન કરી શકે છે. વધુમાં, સરયુ નદીના પૂરથી પણ મંદિરની સંરચનાને અસર નહીં થાય.

    મંદિર 2.5 એકર જમીન પર બનેલ છે. પરિક્રમા અથવા કોરિડોર 8.5 એકર જમીનને આવરી લેશે. ઈસ્ટર્ન ગેટની બહાર દક્ષિણ ભારતીય મંદિર-શૈલીનો દરવાજો હશે. આ ઉપરાંત, જટાયુની 15 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી કાંસાની પ્રતિમા મંદિરની શોભામાં વધારો કરશે. મિશ્રાએ કહ્યું કે, નિર્માણકાર્યમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કારણ કે તેનાથી મંદિરની આવરદા ઘટી જશે. રાજસ્થાનથી વિશેષજ્ઞ શ્રમિકો લાવવામાં આવ્યા છે જેઓ પથ્થર બાંધવાના કામમાં નિષ્ણાંત છે.

    પથ્થરોને જોડાયેલા રાખવા માટે તાંબાની ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે તે ખાતરી કરી છે કે, પથ્થરોની વચ્ચે કોઈપણ જાતનો ગેપ ના રહે. વર્ષ 2020માં, મંદિર ટ્રસ્ટે ભક્તોને નિર્માણ પ્રક્રિયામાં ઉપયોગ માટે તાંબાના સળિયા અને પટ્ટીઓ દાન કરવા કહ્યું હતું. ટ્રસ્ટની આગેવાની હેઠળ 71 એકડ ભૂમિ પર 5-7 વિભિન્ન નિર્માણ પરિયોજનાઓ ચાલી રહી છે. નિર્માણોમાંથી એક તીર્થયાત્રા સુવિધા કેન્દ્ર છે. જ્યાં કોઈપણ સમયે 5,000 શ્રદ્ધાળુઓ રહી શકે છે.

    સંગ્રહ અને સુરક્ષા

    મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં ભક્તો પાસેથી ₹3,500 કરોડ એકત્ર થયા છે. મિશ્રાએ જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે સરકાર પાસેથી કોઈ રકમ લેવામાં આવી નથી. મંદિર નિર્માણ સાથે સંકળાયેલા સંગઠનો જેમ કે વિશ્વ હિંદુ પરિષદ અને તેના જેવા અનેક સંગઠનોએ દેશના પાંચ લાખ ગામડાઓમાં શ્રદ્ધાળુઓ સુધી પહોંચી અને તેમની પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું. ત્યારબાદ જમા થયેલું તે ભંડોળ ટ્રસ્ટના ખાતામાં એકત્રિત કરવામાં આવ્યું હતું.

    સુરક્ષાના સંદર્ભમાં, ઉત્તર પ્રદેશ સરકારે મંદિરની સુરક્ષા માટે યુપી પોલીસમાં એક વિશેષ વિભાગની રચના કરી છે. તે વિભાગને રામ મંદિર પરિસરમાં તહેનાત કરવામાં આવ્યો છે. સરકારે કરેલી બીજી સહાયતા દેશના જુદા જુદા ભાગોમાંથી રેલવે મારફતે અયોધ્યામાં પથ્થરો લાવવાની અને અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સામગ્રી લાવતા ટ્રકો માટે વિશેષ પરવાનગીઓ આપવાની હતી.

    વિશાળ નિર્માણ પરિયોજના

    અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં ઘણી કંપનીઓ, વ્યક્તિઓ અને એજન્સીઓએ ભાગ લીધો છે. લાર્સન એન્ડ ટુબ્રો મંદિરના બાંધકામ અને અયોધ્યામાં પર્યટન સ્થળોના બ્યુટિફિકેશન અથવા અપગ્રેડેશનનું સંચાલન કરી રહી છે. જ્યારે IIT કાનપુર મંદિરના માળખાકીય એન્જિનિયરિંગ પર કામ કરી રહી છે. IIT ચેન્નાઈ મુખ્યત્વે પાયા, તરાપો અને પ્લીન્થ પર કામ કરી રહી છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI) ભૂકંપ અને અન્ય કુદરતી પડકારોને ધ્યાનમાં રાખીને પત્થરોની સ્થિરતા પર તમામ કાર્ય કરી રહી છે.

    સીપી કુકરેજા આર્કિટેક્સ અને L&Tએ જાન્યુઆરી 2022માં અયોધ્યા માટે તેમનો માસ્ટર બ્લ્યુપ્રિન્ટ પ્લાન રજૂ કર્યો હતો. આ પરિયોજનામાં સરયૂ રિવરફ્રન્ટના પુનર્વિકાસની સાથે-સાથે સાર્વજનિક સુવિધાઓ, સ્ટ્રીટ ફર્નિચર, રોડને પહોળી કરવી અને ‘પદયાત્રીઓ’ માટે વિકાસનો સમાવેશ થાય છે. આ સિવાય સરયૂ નદી પાસે એક સૌર શહેર, ઘાટ, લકઝરી રિવરફ્રન્ટ, હાઉસબોટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધુ એક ભવ્ય મંદિરના લીધે જ સંભવ બન્યું છે. ઓગસ્ટ, 2020થી શરૂ થયેલું નિર્માણ કાર્ય 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ પણ ચાલુ રહેશે. આ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં