Sunday, July 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવિપક્ષો રોદણાં રડતા રહ્યા અને દેશ આગળ વધતો રહ્યો: 7.2 ટકા રહ્યો...

  વિપક્ષો રોદણાં રડતા રહ્યા અને દેશ આગળ વધતો રહ્યો: 7.2 ટકા રહ્યો GDP ગ્રોથ, 2013થી સૌથી સારી સ્થિતિમાં ભારતીય અર્થવ્યવસ્થા

  એ પણ જાણવું જરૂરી બને છે કે કઈ રીતે વિપક્ષો અત્યાર સુધી દેશમાં તથાકથિત ‘આર્થિક કટોકટી’નાં રોદણાં રડતા રહ્યા અને દેશમાં ભયનું વાતાવરણ બનાવીને આર્થિક મોરચે સરકારને નિષ્ફ્ળ ઠેરવવા માટે જાતજાતના આરોપો લગાવતા રહ્યા હતા.

  - Advertisement -

  બુધવારે (31 મે, 2023) નાણાકીય વર્ષ 2022-23ના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ના આંકડા જાહેર કરવામાં આવ્યા. આ વર્ષનો GDP ગ્રોથ 7.2 ટકા જેટલો નોંધાયો, જે રિઝર્વ બેન્કના અનુમાન (7) કરતાં પણ વધારે છે. અધિકારીક ડેટા અનુસાર, જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટર દરમિયાન GDP ગ્રોથમાં નોંધપાત્ર 6.1 ટકાનો વધારો જોવા મળ્યો. તેનાથી આગલા ક્વાર્ટરમાં આ ગ્રોથ 4.4 ટકા જેટલો હતો. જેથી અંતિમ ત્રિમાસિક ગાળામાં આ ગ્રોથમાં સારો એવો વધારો થયાનું કહી શકાય. 

  એક તરફ નરેન્દ્ર મોદી સરકાર હેઠળ ભારતની GDPમાં સતત ગ્રોથ થતો જાય છે ત્યારે એ પણ જાણવું જરૂરી બને છે કે કઈ રીતે વિપક્ષો અત્યાર સુધી દેશમાં તથાકથિત ‘આર્થિક કટોકટી’નાં રોદણાં રડતા રહ્યા અને દેશમાં ભયનું વાતાવરણ બનાવીને આર્થિક મોરચે સરકારને નિષ્ફ્ળ ઠેરવવા માટે જાતજાતના આરોપો લગાવતા રહ્યા હતા. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત શપથ લીધાંની સાથે જ તેમના શાસન હેઠળ અર્થવ્યવસ્થા કેવી રહેશે તેની ‘ભવિષ્યવાણી’ વિપક્ષી નેતાઓએ શરૂ કરી દીધી હતી. 4 જુલાઈ, 2019ના એક ટ્વિટમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, સંસદમાં રજૂ કરવામાં આવેલો ઇકોનોમિક સરવે આપણી અર્થવ્યવસ્થા માટે ચિંતા સર્જાવનારો છે. GDP ગ્રોથ સ્થિર થઇ ગયો છે અને તમામ આંકડા ઈશારો કરે છે કે આપણે મંદી તરફ જઈ રહ્યા છીએ.

  - Advertisement -

  31 ઓગસ્ટ, 2019ના ટ્વિટમાં  પ્રિયંકા ગાંધીએ ‘ઇકોનોમિક સ્લોડાઉન’ અને ‘ઈકોનોમી ક્રાઈસિસ’ જેવાં હેશટેગ વાપરીને મોદી સરકાર પર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે, સરકારના શાસનમાં ન GDP ગ્રોથ છે કે ન રૂપિયો મજબૂત થઇ રહ્યો છે.  

  30 નવેમ્બર, 2019ના રોજ અખિલેશ યાદવે એક કાર્ટૂન ટ્વિટ કરીને કેન્દ્રની ભાજપ સરકાર પર કટાક્ષ કરતાં લખ્યું કે, ભાજપની સરકાર GDPમાં ઘટાડાને લઈને કીર્તિમાન સ્થાપિત કરશે. 

  7મી સપ્ટેમ્બર, 2020ના રોજ TMC સાંસદ મહુઆ મોઈત્રાએ એક ટ્વિટ કર્યું, જેમાં પણ તેમણે અર્થવ્યવસ્થાને લઈને મોદી સરકાર અને નાણામંત્રી પર નિશાન સાધ્યું હતું. 

  10 સપ્ટેમ્બર, 2020ના રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “મોદી સરકારની નીતિઓના કારણે કરોડો નોકરીઓ ગુમાવવી પડી છે અને GDPમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. સરકારે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું છે.”

  25 ફેબ્રુઆરી, 2021ના રોજ શશિ થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે, મોદી સરકારમાં માત્ર ગેસ અને ઇંધણમાં જ GDP ગ્રોથ જોવા મળી રહ્યો છે. 

  1 સપ્ટેમ્બર, 2021ના રોજ શિવસેના (ઉદ્ધવ જૂથ) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને આંકડાઓ રજૂ કર્યા અને કહ્યું કે, સરકારે પોતાની વાહવાહી કરવાનું બંધ કરવું જોઈએ. 

  2022માં પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજને રાહુલ ગાંધી સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો ભારત 2022-23માં વાર્ષિક 5 ટકા GDP ગ્રોથ પણ મેળવે તો આપણું ભાગ્ય કહેવાશે.

  હવે મૂળ વાત આવે છે. આ તમામ ‘ભવિષ્યવાણીઓ’ ખોટી ઠરી છે અને તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા બહુ સારી સ્થિતિમાં છે અને જે અનુમાન હતું તેના કરતાં ઘણું સારું પ્રદર્શન કરી રહી છે. 

  ગત 29 મે, 2023ના રોજ અમેરિકી ફર્મ મોર્ગન સ્ટેનલીએ પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે છેલ્લાં 10 વર્ષમાં ભારતે આર્થિક મોરચે ઘણી સફળતા મેળવી છે અને સકારાત્મક પરિણામો મેળવીને વિશ્વમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2013થી ‘23 દરમિયાન આવેલાં મોટા બદલાવોને ટાંકીને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કઈ રીતે ભારતમાં કોર્પોરેટ ટેક્સ 15 ટકા પર સ્થિર છે અને કઈ રીતે ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. હાઇવે નિર્માણ, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ, રિન્યુએબલ એનર્જી પ્રોડક્શન, રેલવે ઇલેક્ટ્રિફિકેશન અને અન્ય અમુક ક્ષેત્રો પર મોદી સરકાર છેલ્લાં 9 વર્ષથી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ જ પ્રયાસોનાં પરિણામ આર્થિક વિકાસમાં જોવા મળી રહ્યાં છે. 

  આ ઉપરાંત, રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું કે કઈ રીતે ભારતમાં હાલ રેકોર્ડ GST સંગ્રહ થઇ રહ્યો છે અને UPI ક્રાંતિના કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. 

  રિપોર્ટમાં આગામી દાયકામાં ભારતના આર્થિક વિકાસનું અનુમાન પણ લગાવવામાં આવ્યું અને નિષ્કર્ષરૂપે જણાવવામાં આવ્યું કે ભારત એશિયા અને ગ્લોબલ ગ્રોથ માટે એક કી-ડ્રાઈવર તરીકે ઉભરી આવશે અને આગામી દાયકામાં ભારતનો ગ્રોથ 2007થી 2011માં જે રીતે ચીનનો વિકાસ થયો હતો એ પ્રમાણેનો રહેશે. ઉપરાંત, એ પણ જણાવવામાં આવ્યું કે GDP અને અન્ય પ્રોડક્ટિવિટી ગ્રોથ અંતર ભારતના પક્ષમાં રહેશે. 

  વિપક્ષના આરોપો-પ્રહારોની વચ્ચે પણ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય અર્થવ્યવસ્થા ઘણું સારું પ્રદર્શન કરી રહી છે અને તેમાં પણ તેમના બીજા કાર્યકાળમાં નોંધપાત્ર પરિણામો જોવા મળ્યાં છે. એપ્રિલમાં GST કલેક્શન રેકોર્ડબ્રેક 1.87 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું જ્યારે મેમાં આ આંકડો 1.57 લાખ કરોડ રહ્યો. છેલ્લા 14 મહિનાથી GST કલેક્શનનો આંકડો 1.4 લાખ કરોડથી નીચે આવ્યો નથી. 

  બીજી તરફ, ભારતનો એક્સપોર્ટ પણ 14 ટકા જેટલો વધ્યો છે અને મેન્યુફેક્ચરિંગ PMI (પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ) 58.7 ટકા જેટલો નોંધાયો, જે છેલ્લા 31 મહિનામાં સૌથી વધુ છે. એપ્રિલના અંત સુધીમાં ભારતનો ફોરેક્સ રિઝર્વ 10 મહિનાના સર્વોચ્ચ સ્તરે (588.78 બિલિયન ડોલર) હતો. જ્યારે દેશનો ફુગાવાનો દર 4.7 ટકા જેટલો નોંધાયો, જે છેલ્લા 18 મહિનામાં સૌથી નીચો આંકડો છે. 

  પેસેન્જર વાહનોનો નિકાસ પણ આર્થિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. ભારતમાં વાહન ડીસ્પેચમાં એપ્રિલ 2023માં વાર્ષિક ધોરણે 13 ટકાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે કોલસા ઉપાદનનના આંકડા પણ દેશના ઔદ્યોગિક વિકાસના સૂચક છે. કોલસાનું ઉપ્તાદન ગયા વર્ષે 12 ટકા વધ્યું હતું જ્યારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરેરાશ 23 ટકા જેટલું વધ્યું છે. 

  દેશનો આ આર્થિક વિકાસ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર દ્વારા લવાયેલી આર્થિક નીતિઓ અને તેના બારીકાઇથી થતા અમલીકરણને આભારી છે. વિપક્ષો સતત ભારતમાં આર્થિક કટોકટીની આશાએ બેઠા રહ્યા અને બીજી તરફ ભારત સતત વિકાસપથ પર આગળ વધતું રહ્યું. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં