Wednesday, May 1, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશું અમરનાથ શિવલિંગ મુસ્લિમ વ્યક્તિએ શોધી કાઢ્યું હતું?: જાણો શું છે સત્ય...

    શું અમરનાથ શિવલિંગ મુસ્લિમ વ્યક્તિએ શોધી કાઢ્યું હતું?: જાણો શું છે સત્ય અને કઈ રીતે ડાબેરીઓએ ઘડી કાઢી હતી ખોટી વાર્તા

    કેટલાક લોકોએ હિંદુ ઉપર ઇસ્લામના ઉપકાર ગણાવવાની આદતવશ એવું કહેવાનું શરુ કર્યું હતું કે અમરનાથ ગુફાની શોધ બૂટા મલિક નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. એ પહેલાં કોઈને પણ આ અંગે જાણકારી ન હતી. જોકે તેમાં કોઈ તથ્ય નથી.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આવેલું અમરનાથ મંદિર હિંદુઓની આસ્થાનું મહાન પ્રતીક છે. અમરનાથ શિવલિંગને ‘બાબા બર્ફાની’ તરીકે ઓળખવામાં આવે છે કારણકે, ભગવાન શિવનું સ્વરૂપ અહીં બરફમાંથી પ્રગટ થાય છે. આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે સ્વયં પ્રગટ થનારું છે. લિદ્દર ઘાટીમાં આવેલી અમરનાથ ગુફામાં શિવજીએ માતા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યું હતું. હિંદુ ધર્મમાં ભગવાન અમરનાથની પૂજા સદીઓથી કરવામાં આવે છે. જોકે, અમરનાથ ગુફાની શોધ અંગે હજુ પણ ગેરમાન્યતા પ્રવર્તે છે.

    કેટલાક લોકોએ હિંદુ ઉપર ઇસ્લામના ઉપકાર ગણાવવાની આદતવશ એવું કહેવાનું શરુ કર્યું હતું કે અમરનાથ ગુફાની શોધ બૂટા મલિક નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. એ પહેલાં કોઈને પણ આ અંગે જાણકારી ન હતી. જોકે તેમાં કોઈ તથ્ય નથી. આપણા પ્રાચીન ગ્રંથોમાં અમરનાથ ધામ યાત્રાનો ઉલ્લેખ છે. એમાં વાર્તા એવી છે કે બૂટા મલિક નામનો વ્યક્તિ અહીં પોતાના ઘેંટા ચરાવતા ફસાઈ ગયો હતો ત્યારે તેની મુલાકાત એક સાધુ સાથે થઈ હતી. સાધુએ મલિકને કોલસાથી ભરેલી એક થેલી આપી, પરંતુ જ્યારે તેણે ઘરે જઈને થેલી ખોલી તો તેમાંથી હીરા નીકળ્યા. આ ચમત્કાર જોઈને બૂટા મલિક ગુફામાં પાછો ગયો પરંતુ, જે સાધુનો તે આભાર માનવા આવ્યો હતો તે ગાયબ હતા અને એ જગ્યાએ તેને શિવલિંગ દેખાયું. આ વાર્તા સામે આવ્યા બાદ અમરનાથ ગુફામાં ચડાવવામાં આવતો એક ભાગ બૂટા મલિકના પરિવારને આપવાની પરંપરા ચાલી નીકળી.

    આમ તો આ વાર્તાના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. પરંતુ ઘણાં મુસ્લિમ બુદ્ધિજીવીઓ વારંવાર આ વાર્તાને એવી રીતે રજૂ કરે છે કે આ બિનસાંપ્રદાયિકતાનું એક મહાન ઉદાહરણ છે અને મુસ્લિમોએ હિંદુઓ પર ઉપકાર કર્યો છે. ‘અમારા બૂટા મલિકે તમારા અમરનાથ મંદિરને શોધ્યું છે’ એવું કહેનારા હંમેશા ઉપકારની ભાવના બતાવતા હોય છે. જુલાઈ 1898માં સ્વામી વિવેકાનંદે પણ અમરનાથની યાત્રા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશ-વિદેશના, વિવિધ વેશભૂષા ધરાવતા લોકો આ યાત્રામાં ભાગ લેતા હતા.

    - Advertisement -

    અહીં એ ઉલ્લેખનીય છે કે, કલ્હણ દ્વારા રચિત ‘રાજતરંગિણી’, જેમાં જમ્મુ-કાશ્મીરના રાજાઓના હજારો વર્ષોના ઇતિહાસનું વર્ણન છે, તેમાં પણ અમરનાથ મંદિર વિશે જણાવવામાં આવ્યું છે. ‘રાજતરંગિણી’ ગ્રંથ 12મી સદીમાં લખવામાં આવ્યો હતો. તેમાં બૂટા મલિકની વાર્તા કે તેના દ્વારા અમરનાથ ગુફાની શોધ વિશે ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ પુસ્તકમાં રાજાઓનું ક્રમબદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાં અમરનાથ તીર્થયાત્રાનો પણ ઉલ્લેખ છે. આનો અર્થ એવો થયો કે ગુફાની યાત્રા કરવાની પરંપરા અત્યંત પ્રાચીન છે.

    ‘રાજતરંગિણી’માં શેષનાગ તળાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે આ તળાવ પાતાળ લોક સાથે જોડાયેલું છે. જો તમે કલ્હાણ દ્વારા રચિત શ્લોકો જોશો, તો તેમાં શિવલિંગને ‘અમરેશ્વર’ કહેવામાં આવ્યું છે. કલ્હણ કહે છે કે, સુસ્રવાસ નામના સાપે દૂર પર્વતની નીચે એક તળાવ બનાવ્યું હતું, જેનું જળ દૂધ જેવું સફેદ હતું. એ શ્લોક નીચે મુજબ છે:

    દુગ્ધાબ્ધિ ધવકં તેન સરો દૂરગિરૌ કૃતમ્ ।

    અમરેશ્વરયાત્રાયાં જનૈરદ્યાપિ દૃશ્યતે ।।

    કલ્હણ જણાવે છે કે, અમરનાથ યાત્રા કરનારા યાત્રાળુઓ આ તળાવના દર્શન પણ કરે છે. એટલું જ નહીં, આ પુસ્તકમાં કાશ્મીરમાં શિવત્વનો મહિમા પણ જણાવવામાં આવ્યો છે. આજે ભલે લોકો જમ્મુ-કાશ્મીરને આતંકવાદી ઘટનાઓ અને ઈસ્લામી કટ્ટરપંથના કારણે ઓળખતા હોય, પરંતુ પહેલાં આ બ્રાહ્મણોની ભૂમિ હતી. કલ્હણ લખે છે- ‘કાશ્મીર પાર્વતી તત્ર રાજા જ્ઞેય: શિવાંશક:’, અર્થાત કાશ્મીર માતા પાર્વતીનું સ્વરૂપ છે અને શિવનો અંશ આ સ્થાનના શાસક છે.

    આનાથી એ સ્પષ્ટ થાય છે કે કાશ્મીર પ્રાચીન કાળથી જ ભગવાન શિવની ભૂમિ કહેવાતું હતું. ‘રાજતરંગિણી’માં કાશ્મીરના અન્ય એક શાસક સામદીમતનો પણ ઉલ્લેખ છે, જેના વિશે કહેવામાં આવ્યું છે કે તે શિવભક્ત હતો અને જંગલમાં જઈને બરફના શિવલિંગની પૂજા કરતો હતો. બરફનું શિવલિંગ ભારતમાં બીજે ક્યાંય જોવા મળતું નથી, જેનો અર્થ એ છે કે કાશ્મીરના રાજાઓ માટે અમરનાથ ભગવાન પહેલાંથી જ મહત્વ ધરાવે છે. ડાબેરીઓએ વર્ષોથી ખૂબ જ ચાલાકીપૂર્વક એવો પ્રયાસ કર્યો છે કે આપણને પોતાનો જ ઈતિહાસ યાદ ન રહે અને હંમેશા પોતાને મુસ્લિમોના ઋણી માનતા રહીએ.

    એટલું જ નહીં, ઘણાં વિદેશી પ્રવાસીઓએ પણ અમરનાથ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. આમાં બે મુખ્ય નામ બેરોન ચાર્લ્સ હુગેલ અને ગોડફ્રે વિગ્નેના છે. જમ્મુ-કાશ્મીરમાં 14મી સદીમાં મુસ્લિમ શાસન આવ્યું અને બળજબરીથી ધર્માંતરણની પ્રક્રિયા પણ આ સદીના અંતમાં શરૂ થઈ. સિકંદર બુતશિકને તે સમયે કાશ્મીરમાં હિંદુ પ્રતિમાઓની તોડફોડ શરૂ કરી હતી. ફ્રેન્ચ ડોક્ટર ફ્રાન્સિસ બેર્નિયર ઔરંગઝેબ સાથે કાશ્મીર ગયા હતા અને એ દરમિયાન તેમણે એક સુંદર ગુફા અને ત્યાં થીજી ગયેલા બરફ વિશે જણાવ્યું હતું, જે અમરનાથનું વર્ણન છે.

    તો વિગ્ને પોતાના પુસ્તક ‘ટ્રાવેલ્સ ઈન કશ્મીર, લદ્દાખ એન્ડ ઈસ્કાર્ડૂ’માં લખ્યું છે કે શ્રાવણ મહિનાની 15મી તારીખે અમરનાથ યાત્રા શરૂ થાય છે. તેમણે લખ્યું છે કે આમાં ઘણી જાતિ-સંપ્રદાયના લોકો સામેલ થાય છે. તેઓ 1840-41 દરમિયાન અમરનાથ ગયા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે ગુફાની મુલાકાતે જઈ શક્યા ન હતા. આ દર્શાવે છે કે અમરનાથ યાત્રા વર્ષોથી ચાલી આવે છે. આ ઉપરાંત, અમરનાથ યાત્રાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ ‘નીલમત પુરાણ’માં પણ જોવા મળે છે.

    ‘નીલમત પુરાણ’ના વર્ણન અનુસાર અમરનાથ યાત્રા વિશે 6ઠ્ઠી-7મી સદીના લોકો પણ જાણતા હતા. ત્યારે તો ઇસ્લામ ભારતમાં આવ્યો પણ ન હતો. ઇસ્લામની સ્થાપના છઠ્ઠી સદીના અંતમાં જ થઈ હતી, તેથી કોઈ બૂટા મલિક પણ બહુ પાછળથી આવ્યો હોવો જોઈએ. ગુફાની બાજુમાંથી સિંધુની એક ઉપનદી અમરગંગા પણ વહેતી હતી. શિવભક્તો તેની માટી પોતાના શરીર પર લગાવતા હતા. એ જ રીતે બર્નિયરે પણ આ યાત્રાનો ઉલ્લેખ કર્યો છે.

    અમિત કુમાર સિંઘ તેમના પુસ્તક ‘અમરનાથ યાત્રા’માં લખે છે કે ‘બર્નિયર ટ્રાવેલ્સ’ પુસ્તકના પેજ નંબર 418માં અમરનાથ યાત્રાનો ઉલ્લેખ છે. ભારતના ઓક્સફોર્ડ ઇતિહાસના લેખક વિન્સેન્ટ એ. સ્મિથે ‘બર્નિયર ટ્રાવેલ્સ’નું સંપાદન કર્યું છે, જેમાં લખ્યું છે કે અમરનાથ ગુફા આશ્ચર્યજનક છે, જ્યાં છત પરથી પાણીના ટીપાં પડે છે અને તેમાંથી બરફનો ખંડ બને છે. હિંદુઓ તેની પૂજા કરે છે.

    આ ઉપરાંત, ડો. સ્ટેને જણાવ્યું હતું કે, શિવલિંગની ઊંચાઈ 2 ફૂટ અને પહોળાઈ 7-8 ફૂટ હોય છે. તો અકબરના ઈતિહાસકાર અબુલ ફઝલ પણ ‘આઈને અકબરી’માં અમરનાથને એક પવિત્ર સ્થળ ગણાવે છે. તેમણે લખ્યું છે કે, 15 દિવસ સુધી વધતું જતું આ શિવલિંગ 2 ગજનું બની જાય છે. 1866માં પ્રકાશિત ‘ધ ઇન્ડિયન એન્સાયક્લોપીડિયા’માં પણ કાશ્મીરી રાજાઓની અમરનાથ યાત્રાનું વર્ણન છે. ડાબેરી ઈતિહાસકારોએ એવી ખોટી માન્યતા ફેલાવી કે અમરનાથ યાત્રા બૂટા મલિકની શોધ પછી શરૂ થઈ હતી.

    હવે અંતમાં આ ‘મલિક’ અટક પાછળનું સત્ય પણ જાણી લો. હુગેલ લખે છે કે મલિક પરિવારને ત્યાં અકબરે નિયુક્ત કર્યો હતો. આ બતાવે છે કે તે સમયે તે અટક નહીં, પણ અકબર દ્વારા આપવામાં આવેલ બિરુદ હતું. આનો અર્થ એ થયો કે સરહદની રક્ષા કરનારાને અમરનાથ ગુફાની શોધ કરનારા અને ગુફાના રક્ષક કહેવામાં આવ્યા હતા. તે અકબરના કહેવા પર ઇસ્લામી સામ્રાજ્યની સરહદની રક્ષા કરતો હતો, અમરનાથ ગુફાની નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં