Friday, October 4, 2024
More
    હોમપેજવિશેષક્યારેક કલાકારોએ પીછેહઠ કરી, તો ક્યારેક ડિસ્ટ્રીબ્યુટર જ ન મળ્યા…'72 હૂરેં'ના ડાયરેક્ટર...

    ક્યારેક કલાકારોએ પીછેહઠ કરી, તો ક્યારેક ડિસ્ટ્રીબ્યુટર જ ન મળ્યા…’72 હૂરેં’ના ડાયરેક્ટર પાસેથી જાણીએ શા માટે ફિલ્મ રિલીઝ કરવામાં લાગ્યો 11 વર્ષનો સમય- Exclusive

    ફિલ્મ બનાવવાના તેમના અનુભવોથી લઈને સમગ્ર પ્રક્રિયા દરમિયાન આવેલા પડકારો વિશે વાત કરે છે ફિલ્મ 72 હૂરેંના ડાયરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ.

    - Advertisement -

    આતંકવાદ અને ઇસ્લામી કટ્ટરપંથની સમસ્યા પર બનેલી 72 હૂરેં ફિલ્મ શુક્રવાર (7 જુલાઈ 2023)ના રોજ રીલીઝ થઈ ગઈ છે. ગુલાબ સિંહ તંવર દ્વારા નિર્મિત આ ફિલ્મને સંજય પૂરણ સિંહ ચૌહાણે નિર્દેશ કરી છે. 11 વર્ષમાં અનેક સંઘર્ષોમાંથી પસાર થયા બાદ આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી શકી છે અને તેને સારા રિવ્યૂ સાથેસાથે દર્શકોનો પ્રેમ પણ મળી રહ્યો છે. ઑપઇન્ડિયાએ 72 હૂરેં ફિલ્મના ડાયરેક્ટર સંજય પૂરણ સિંહ ચૌહાણ સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આ ફિલ્મ બનાવવા પાછળ તેમણે કેવા-કેવા પડકારોનો સામનો કરવો પડ્યો.

    72 હૂરેં ફિલ્મના ડાયરેક્ટર ચૌહાણ વિશે વાત કરી તો તેઓ એક ફિલ્મ નિર્દેશક સાથે સાથે સ્ક્રીન રાઈટર પણ છે. વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘લાહોર’ માટે તેઓ ખાસ ઓળખાય છે. તેમને સર્વશ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ ડાયરેક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ICFT-UNESCOએ તેમને ગાંધી મેડલથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત ગોવામાં આયોજિત IIFAમાં તેમની ખાસ નોંધ લેવામાં આવી હતી. વર્ષ 1983માં ભારતના ક્રિકેટ વર્લ્ડકપની જીત પર બનેલી ફિલ્મ ’83’ માટે તેમને IIFAમાં બેસ્ટ અડોપ્ટેડ સ્ટોરીનો અવોર્ડ પણ મળ્યો હતો. તેઓ ફિલ્મફેરથી માંડીને સ્ટારડસ્ટ એવોર્ડ માટે પણ નોમીનેટ થઇ ચૂક્યા છે તેમજ રાષ્ટ્રીય પુરસ્કારો અને IIFAની જ્યુરીમા પણ તેઓ સામેલ રહ્યા છે.

    પ્રશ્ન: ફિલ્મ ’72 હૂરેંના બનવા અને રિલીઝ થવામાં 11 વર્ષ લાગી ગયાં. આખરે તેનું કારણ શું? એક દાયકાથી પણ વધુ સમય સુધી આપને કેવા સંઘર્ષો સામે ઝઝૂમવું પડ્યું?

    - Advertisement -

    જવાબ: અમે લોકો ઘણા લાંબા સમયથી આના પર કામ કરી રહ્યા હતા- આઈડિયાથી માંડીને વાર્તા લખવા સુધી, તમામ પ્રક્રિયામાં એક લાંબો સમય લાગી ગયો. ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ નોન-કન્વેન્શનલ કામ કરીએ તો ફંડ્સની સમસ્યા આવે છે. અમારા જે નિર્માતા હતા, તેઓ પહેલી વાર આ પ્રકારની કોઈ ચીજ પર કામ કરી રહ્યા હતા, ત્યારબાદ અશોક પંડિત આમાં જોડાયા. ગુલાબ સિંહ આ ફિલ્મને ફંડ આપી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે કોઈને કોઈ કારણોથી કામ અટકી જતું હતું. ઘણીવાર અભિનેતાઓ પાછીપાની કરી નાંખતા હતા, કારણકે તેમને ડર હતો કે તેમનો વિરોધ થશે, તેમના પર સમસ્યા આવશે કારણ કે ફિલ્મનો ચહેરો તેઓ જ હતા. એક-બે વાર આવું થયું છે. અમે કામ ઉતાવળે પતાવવાનું વિચાર્યું, પરંતુ તે ઉતાવળમાં પણ સમય લાગી ગયો. ત્યારબાદ અમે પવન મલ્હોત્રા પાસે ગયા. તેઓ તે સમયે બીજા કામમાં વ્યસ્ત હતા. તેમણે કહ્યું કે તેઓ આ ફિલ્મમાં કામ કરવા તો માંગે છે, પણ થોડી રાહ જોવી પડશે. આ લગભગ 2014-15ની વાત હશે. પવન મલ્હોત્રા પહેલેથી નિર્ધારિત ફિલ્મોમાં વ્યસ્ત હતા. ફિલ્મ પૂરી શૂટ થઈ જ નહોતી શકતી. કોઈ ભાગ શૂટ કરી લેતા હતા, કે ફરી કોઈ સમસ્યા આવી જતી. પરંતુ, શુટિંગથી પણ વધારે સમસ્યા પોસ્ટ-પ્રોડક્શનમાં આવી. ફિલ્મ તો તૈયાર થઇ ગઈ હતી પણ અનેક પડકારો એમનેમ ઉભા હતા. તેને પાર પાડવામાં પણ ઘણો સમય લાગ્યો. ગુલાબ સિંહ પોતાના પૈસે જ ફિલ્મ બનાવી રહ્યા હતા, કોઈ સ્ટુડિયો વગેરેનું બેકિંગ એમાં હતું જ નહીં. જે મોટા પ્રોડક્શન હાઉસ છે તે આવા હાર્ડ હિટીંગ કોન્ટેન્ટમાં હાથ નાંખતા જ નથી. અમે આઉટ સોર્સિંગથી કામ ચલાવી રહ્યા હતા- કોઈ પાસે એક કામ કરાવ્યું તો કોઈ પાસે બીજું. અંતે વર્ષ 2019માં અમારી ફિલ્મ તૈયાર થઇ અને ‘ઇન્ડિયન પૈનોરમા ફિલ્મ ફેસ્ટીવલ’માં પ્રદર્શિત થવાની હતી. અમે જુલાઈ 2019 સુધી તૈયાર હતા, પરંતુ દુર્ભાગ્યવશ કોરોના મહામારી આવી ગઈ. દુનિયાભરના અનેક ફિલ્મ ફેસ્ટીવલમાં અમારે જવાનું હતું. કોરોના દરમિયાન અને તેના બાદ પણ કેટલાક સમય સુધી લોકો એટલા ત્રાસી ગયા હતા કે આ પ્રકારની હાર્ડ હિટીંગ ફિલ્મ માટે તૈયાર નહોતા. ત્યારબાદ જયારે સિનેમાઘરો ફરી ખુલવા લાગ્યાં અને દર્શકોની સંખ્યા પણ વધવા લાગી તો અમે ડિસ્ટ્રીબ્યૂટર્સ અને એક્સહિબિટર્સ શોધવાના શરૂ કર્યા પણ અમને કોઈ ન મળ્યું. ત્યારબાદ અમે નાના સ્તરે પોતે જ ડિસ્ટ્રીબ્યૂટ કરવાનું નક્કી કર્યું, ત્યારે જ ‘The Kerala Story’ના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સામે આવ્યા અને તેમણે ડિસ્ટ્રીબ્યૂશનન બીડું ઉપાડ્યું. તેમની કંપની અને તેમની ઓફિસ આમાં સહભાગી થઇ. તેઓ ઈચ્છતા હતા કે આ પ્રકારની ફિલ્મો લોકો વચ્ચે આવે. ત્યારબાદ અશોક પંડિત પણ અમારી સાથે જોડાયા. જેમણે પોસ્ટ પ્રોડક્શનને આગળ વધારવા અમારી મદદ કરી. તેમણે પોતાના સંપર્કો વાપર્યા. આ વર્ષની શરૂઆતમાં જ અમે રિલીઝ કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ વિશેષજ્ઞો પાસેથી સલાહ લેવામાં આવી અને ફિલ્મ અત્યારે રિલીઝ કરવામાં આવી. બસ આ બધામાં જ આટલો સમય લાગી ગયો.

    પ્રશ્ન 2: આપે જણાવ્યું કે અનેક એક્ટર્સ આ ફિલ્મથી બેકઆઉટ કરી ગયા, જેઓ બોલિવુડના તથાકથિત A લિસ્ટર એક્ટર્સ છે કે પછી ક્યારેક ક્યારેક સ્ક્રિપ્ટ વિશેષ એક્ટરને ધ્યાને રાખીને લખવામાં આવે છે. આના પર પ્રકાશ પાડો કે આ પડકારો કેવા હતા.

    જવાબ: એક વાત તો સ્પષ્ટ હતી કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપ એક્ટર્સ કહેવાય છે તેઓ આ પ્રકારની ફિલ્મો કરવાના જ નથી. તેમની પોતાની એક વિચારધારા હોય છે અને તેઓ એક ખાસ પ્રકારના સિનેમામાં કામ કરે છે, તેમની એક છબી હોય છે અને તેઓ એ જ પ્રકારની પ્રોડક્ટ્સ તેઓ નક્કી કરે છે અને કમર્સિયલ ફિલ્મો કરે છે. ત્યારબાદ આવે છે શ્રેષ્ઠ એક્ટર્સ, જેઓ પાત્ર ઉમદા રીતે નિભાવે છે અને લોકો વચ્ચે પોતાની આગવી છાપ છોડે છે. પણ તેમાંથી પણ કોઈ આ પ્રકારની ફિલ્મને લઈને તૈયાર નહોતા, કારણકે તેમને તેમના કરિયર પર જોખમ લાગી રહ્યું હતું. અમુક લોકો તૈયાર થયા પણ તેમાંથી પણ કેટલાક લોકોએ અંત સમય સુધીમાં બેકઆઉટ કરી દીધું. તેઓ કહેવા લાગ્યા કે આ પ્રકારની ફિલ્મો કરવા માટે તેઓ સહજ નથી, તેમનો પરિવાર સહજ નથી. તેમનું કહેવું હતું કે કાલે ઉઠીને કશુંક થઈ ન જાય, ધમકીઓ મળવા માંડશે.

    પ્રશ્ન 3: 2014 બાદ દેશમાં સરકાર બદલાઈ ગઈ, શું તમને ફિલ્મ બનાવવા દરમિયાન આ બંને વચ્ચે કોઈ ફરક અનુભવાયો? શું પરિસ્થિતિઓ કે કશું બદલાયું?

    જવાબ: અમે ’72 હૂરેં’ પર ઘણા સમય પહેલાં, 2014થી પણ પહેલાંથી કામ શરૂ કર્યું હતું. પણ અમને સમય લાગ્યો. અમારો સંઘર્ષ અવિરત ચાલુ રહ્યો, જે એક દાયકાથી પણ વધુ સમય સુધી ચાલ્યો. 2014 પછી થોડો ફરક જોવા મળ્યો છે, જેનો ફાયદો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અથવા ‘ધ કેરાલા સ્ટોરી’ જેવી ફિલ્મોને થયો. તેનાથી પણ ફરક પડ્યો કે લોકોએ ઉત્સાહ બતાવ્યો, લોકો આવી ફિલ્મ જોવા જવા લાગ્યા. પરંપરાગત પ્રોડક્શન હાઉસ કે સ્ટુડિયો આવી ફિલ્મોને નોન-કમર્શિયલ કહીને બેક કરતા નથી, ન તો તેઓ આ મુદ્દાઓ પર ફિલ્મો બનાવવા માગે છે. જોકે લોકોએ કહ્યું હતું કે તમે સત્ય બતાવશો તો અમે તમારી ફિલ્મ જોવા આવીશું. આનાથી અમને ક્યાંકને ક્યાંક ડિસ્ટ્રીબ્યૂટર્સ મળ્યા છે અને તેમને પણ વિશ્વાસ છે કે લોકો આ ફિલ્મ જોવા આવશે.

    પ્રશ્ન 4: ફિલ્મ 72 હૂરેં માટે તો ચર્ચાઓ ચાલતી જ રહેશે, પરંતુ આ દરમિયાન લોકો એ પણ જાણવા માંગશે કે આપે જ્યારે આ ફિલ્મ બનાવવાનું શરુ કર્યું અને અત્યાર સુધી 11 વર્ષોનો જે સંઘર્ષ છે, આ દરમિયાન પરિવારને ધમકી વગેરે મળી કે પછી પરિવારે કોઈ ડર વ્યક્ત કર્યો?

    જવાબ: હું મારી પત્ની સાથે મુંબઈમાં રહું છું, મારા માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. પહેલાં તો કોઈને ખબર ન પડી કે આ ફિલ્મમાં શું થઈ રહ્યું છે. રિલીઝ થવાનો સમય આવતાંની સાથે જ ધમકીઓનો દોર શરૂ થઇ ગયો. મારી પત્નીને આ ફિલ્મ વિશે કે પછી કેવું બધું ચાલી રહ્યું છે તે વિશે વધુ માહિતી નહોતી. હવે જ્યારે ધમકીઓ આવી રહી છે, ત્યારે મુશ્કેલી થવી સ્વાભાવિક છે, ચિંતા થાય જ છે.

    પ્રશ્ન 5: ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઇટ રાખવાનું કારણ શું છે? આ કોઈ સામાન્ય બાબત નથી લાગતી, એવું લાગે છે કે તેની પાછળ કોઈ બૌદ્ધિક ચર્ચા થઈ હશે? અમે આ વિશે વધુ જાણવા માંગીએ છીએ.

    જવાબ: ફિલ્મની વાર્તા અથવા નેરેટિવ કહેવાની આ રીત છે. 2 આત્માઓ, 2 મૃત લોકો જેમની પાસે શરીર નથી… દુનિયા અને રંગ જોવ આંખો જોઈએ, શરીર જોઈએ. વરસાદ અથવા એવું કંઈક અનુભવવા માટે તમારે ત્વચાની જરૂર પડે. પરંતુ, જ્યારે તમારી પાસે બાયોલોજીકલ શરીર ન હોય અને તમે તેના વિના ફરતા હોવ, ત્યારે તમે કંઈપણ જોઈ શકતા નથી. તમારા જીવનમાંથી રંગો ચાલ્યા ગયા છે, અહેસાસ ચાલ્યા ગયા છે, લાગણીઓ જતી રહી છે. કારણ કે આ દુનિયા ખૂબ જ સુંદર છે અને જ્યારે તમે તમારી આંખો ખોલો છો ત્યારે તે જાણી શકાય છે, સ્વર્ગ અહીં જ છે, જ્યારે તમે તમારી આંખો બંધ કરો છો ત્યારે નહીં. જેમની પાસે શરીર નથી, તેમના માટે બ્લેક એન્ડ વ્હાઇટ તેમના દ્રષ્ટિકોણથી તે કહેવાનો પ્રયાસ છે … જેમના જીવનમાં કોઈ રસ અને રંગ બચ્યા નથી.

    પ્રશ્ન 6 : હિંદુ ધર્મ વિશે એવી ઘણી ફિલ્મો આવી છે, જેમાં વિવિધ પ્રકારના સંદેશ આપવામાં આવતા હોય છે. સુધારાવાદી ફિલ્મો બને છે અને ધર્મ વિશે સારું-ખરાબ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે મોટાભાગના હિંદુ નિર્માતા-નિર્દેશકોએ આવી ફિલ્મો બનાવી છે. પરંતુ મુસ્લિમ નિર્માતા અથવા દિગ્દર્શક શા માટે ઇસ્લામના કુરિવાજો પર ફિલ્મ બનાવવાનો પ્રયાસ નથી કરતા? તે પણ ત્યારે જ્યારે બોલિવૂડમાં ઘણા મુસ્લિમ ડિરેક્ટર્સ ટોચ પર છે.

    જવાબ: આ અંગે અશોક પંડિત અને ગુલાબસિંહ સાથે પણ મારી ચર્ચા થઈ હતી. બંનેએ પણ કહ્યું હતું કે, સમાજમાં જે કુરિવાજો ચાલે છે, સમય જતાં તેની ઉપર ફિલ્મો બને છે, ચર્ચા થાય છે, લોકો વાતો કરે છે. જો મારા દેશમાં આતંકવાદની સમસ્યા હોય તો હું તેના વિશે વાત કેમ ન કરી શકું? તમે મને આવું કરવાથી કેવી રીતે રોકી શકો છો? આપણા જ ફિલ્મ નિર્માતાઓએ બાળલગ્નથી લઈને સતી અને જાતિપ્રથા સુધીની ઘણી બધી બાબતો વિશે વાત કરી છે. પરંતુ, તમે એવો કેવો અલગ નિયમ બનાવ્યો છે કે જેના વિશે વાત ન થઈ શકે? વારંવાર એવું કહેવામાં આવે છે કે આતંકવાદનો કોઈ મઝહબ નથી હોતો, પછી અચાનક તેઓ મઝહબને નિશાન બનાવવાની વાત કરવા માંડે છે. અમે શરૂઆતથી જ સ્પષ્ટ છીએ કે અમે માત્ર આતંકવાદની વાત કરી રહ્યા છીએ, તમે ફિલ્મ જુઓ અને તેના પર પ્રતિક્રિયા આપો. અમે તમારી બાબતોમાં નિષ્ણાત નથી. તમને 32 મળે, 72 મળે કે 94, અમને કોઈ વાંધો નથી. પરંતુ, તમે જે કરી રહ્યા છો તેના માટે આ પદ્ધતિ ખોટી છે. આ જ વાત આ ફિલ્મમાં બતાવવામાં આવી છે, માનવતાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ દેશના હિતની વાત છે. એક રાષ્ટ્રીય સમસ્યા છે, તેની વાત કરવામાં આવી છે.

    પ્રશ્ન 7: યુવાનોમાં કટ્ટરપંથનો ફેલાવો એ એક મોટી સમસ્યા છે. ફિલ્મ ’72 હૂરેં’ના ટ્રેલર પરથી એ પણ જાણવા મળે છે કે તેમાં આ સમસ્યા વિશે વાત કરવામાં આવી છે. તમને શું લાગે છે, યુવાનો કટ્ટરપંથી બનવા પાછળની આ સમસ્યાનું કારણ અને નિદાન શું છે? તમે ફિલ્મ બનાવતી વખતે ઘણું રિસર્ચ કર્યું છે, તેથી અમે તમારો અનુભવ જાણવા માંગીએ છીએ.

    જવાબ: મને લાગે છે કે જ્યારે તમે કોઈને ગેરમાર્ગે દોરો છો, કોઈને છેતરો છો, સમાજમાં કોઈ પણ પરિસ્થિતિને બહાનું બનાવીને કેટલાક લોકો પોતાના ઈરાદા પાર પાડવા માટે ષડયંત્ર કરે છે, ચાલાકી કરે છે. એકે-47 કોઈના હાથમાં આવે તે પહેલાં તેના મનમાં એક વિચાર રોપવામાં આવે છે. જન્નત અને શહાદતની અવધારણાઓ તેના મગજમાં નાંખવામાં આવે છે. કસાબ અને અન્ય આતંકવાદીઓ એવા પણ છે જેમની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે તેમણે ’72 હૂરેં’ વિશે ઉલ્લેખ કર્યો હતો. તેમને એક વિશેષ તાલીમ આપવામાં આવે છે, જેમાં એવું કહેવામાં આવે છે કે મૃત્યુ બાદ તેમને શું મળશે. આ વિશે તેમણે પોતે પૂછપરછમાં જણાવ્યું છે.

    પ્રશ્ન 8: ફિલ્મ ’72 હૂરેં’ના ટ્રેલરને સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મેળવવામાં ઘણી મુશ્કેલી પડી હતી અને આ દરમિયાન ફિલ્મના કેટલાક સીનને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું. તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો?

    જવાબ: વાસ્તવમાં આ ફિલ્મ સેન્સર બોર્ડે 2019માં પાસ કરી હતી અને અમને A સર્ટિફિકેટ મળી ગયું હતું. કેટલાક ફેરફારો કર્યા પછી અને ફિલ્મને ટ્રીમ કર્યા પછી, બધું જ એક ચોક્કસ પ્રક્રિયા હેઠળ કરવામાં આવ્યું હતું. અમારે ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું હતું એટલે જ સેન્સર દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. મને લાગે છે કે કામ પૂરું થઈ ગયું હતું. એ વખતે અમે રિલિઝ માટે તૈયાર નહોતા એટલે ટ્રેલર બન્યું નહોતું. પછીથી જ્યારે રિલીઝનું પ્લાનિંગ કરવામાં આવ્યું ત્યારે ટ્રેલર પર કામ શરૂ થઇ ગયું. અમે એક સારું ટ્રેલર બનાવ્યું. ત્યારબાદ અમે તેને 18 જૂન, 2023ના રોજ દિલ્હીના સેન્સર બોર્ડમાં પાસ કરવા માટે અરજી કરી હતી, કારણ કે આ ફિલ્મ પણ દિલ્હીથી જ સેન્સર કરવામાં આવી હતી. પછી અમને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ સ્ક્રીન થઇ ગઈ છે. ટ્રેલર સામાન્ય રીતે ફિલ્મની રિલીઝના એક મહિના પહેલાં રિલીઝ થતા હોય છે, 10 દિવસ ખૂબ જ ઓછા હોય છે. એટલે જ અમારે ટ્રેલરની રિલિઝ ડેટ બદલવી પડી હતી. તેને 26 જૂને પીવીઆરમાં રિલીઝ કરવાનું હતું, પરંતુ પછીથી 28 જૂને કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમાચાર મીડિયામાં પણ આવ્યા હતા. એ દિવસે બપોરે સેન્સર બોર્ડે અમને એક પત્ર મોકલ્યો હતો કે અમે તમને પાસ કરી દઈશું પણ તમે આ-આ બાબતો (લાશના પગવાળું દ્રશ્ય અને કુરાન શબ્દ) હટાવી દો. અમારી દલીલ એવી હતી કે ટ્રેલરમાં એ જ વસ્તુઓ છે, જેને ફિલ્મમાં સેન્સર કરી દેવામાં આવી છે. તો પછી શા માટે તેને કાપી નાખવાનું કહેવામાં આવ્યું? બીજું, ટ્રેલર રિલીઝ માટે તૈયાર હતું ત્યારે છેલ્લી ઘડીએ અમને આ વાત શા માટે કહેવામાં આવી જે અગાઉ પણ કહી શકાયું હોત. અમારી પાસે પહેલેથી જ ઓછો સમય હતો. તમે 1 દિવસ અગાઉ કહો તો પછી તેને એડિટ કરીને એક દિવસમાં સબમિટ કેવી રીતે કરી શકાય? તેમાં ઘણી બધી પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે. જેને પૂરી કરવા માટે ફિલ્મની રિલીઝ ડેટ ચૂકી જવાય તેમ હતી. તેથી અમે ટ્રેલર ડિજિટલ પર રિલીઝ કર્યું અને અમે તેને થિયેટરોમાં લઈ જઈ શક્યા નહીં. આ દર્શાવે છે કે કેટલીક બાબત એવી રીતે થવી જોઈએ કે જેથી લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય. ફિલ્મ બનાવવામાં પહેલેથી જ ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે, જો ઉપરથી સમસ્યાઓ વધી જાય તો તે યોગ્ય નથી.

    પ્રશ્ન 9: ફિલ્મ ’72 હૂરેં’ પછી તમે કયા પ્રોજેક્ટ પર કામ કરશો? તમારા મગજમાં હવે પછીનો પ્રોજેક્ટ શું છે, શું તૈયારીઓ ચાલી રહી છે?

    જવાબ: હું કેટલીક બાબતો પર કામ કરી રહ્યો છું, પણ કયો પ્રોજેક્ટ આગળ વધશે એ હજુ મેં નક્કી કર્યું નથી. જેવું કંઈ નક્કી થઈ જાય કે તરત જ હું પોતે જ આ વિશે જણાવીશ.

    ’72 હૂરેં’ ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક મૌલાના કહી રહ્યા છે કે ‘તમે નેકી અને જેહાદનો માર્ગ પસંદ કર્યો છે, તે તમને સ્વર્ગ તરફ દોરી જશે’. જેવું ફિલ્મના દિગ્દર્શક સંજય પૂરણ સિંહે કહ્યું હતું તેમ આ ફિલ્મમાં આતંકવાદની સમસ્યાની વાત કરવામાં આવી છે. એ કોઈ નવી વાત નથી કે ઘણાં ભાષણોમાં મૌલાનાઓએ ઘણીવાર લોકોને ઉશ્કેરીને કહ્યું છે કે જો તેઓ ઈસ્લામ માટે ‘જેહાદ’નો માર્ગ અપનાવશે તો તેમને ’72 હૂરો મળશે. ઘણા તો આ હૂરોની વિશેષતાઓ જણાવીને લાલચ પણ આપે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં