Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅમિત શાહના વકીલ રહ્યા, ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો: જાણીએ કોણ છે...

  અમિત શાહના વકીલ રહ્યા, ટ્રિપલ તલાકની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો: જાણીએ કોણ છે જસ્ટિસ યુ.યુ લલિત, જેઓ બની શકે છે દેશના આગલા મુખ્ય ન્યાયાધીશ

  છેલ્લા 8 વર્ષથી કાર્યરત સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ ઉદય ઉમેશ લલિત અનેક અગત્યના અને મોટા ચુકાદામાં સામેલ રહ્યા છે.

  - Advertisement -

  દેશના હાલના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) આગામી 26 ઓગસ્ટના રોજ સેવાનિવૃત્ત થઇ રહ્યા છે. જેથી 27 ઓગસ્ટ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ શપથગ્રહણ કરશે. તે માટે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને તેમના આગામી ઉત્તરાધિકારીનું નામ મોકલવા માટે જણાવવામાં આવ્યું હતું. જે બાદ CJI એન.વી રમન્નાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યુ.યુ લલિત (U.U Lalit)નું નામ પ્રસ્તાવિત કર્યું છે. 

  સામાન્ય રીતે CJI જે નામ મોકલે તે જ નામ કેન્દ્ર સરકાર પણ માન્ય રાખે છે અને તેઓ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બને છે. તેને જોતાં જસ્ટિસ યુ.યુ લલિત 27 ઓગસ્ટે દેશના આગામી ચીફ જસ્ટિસ બને તેવી પ્રબળ સંભાવનાઓ છે. મુખ્ય ન્યાયાધીશની ભલામણ બાદ આ નામ કાયદા મંત્રી વડાપ્રધાનને સોંપશે અને જે બાદ વડાપ્રધાન રાષ્ટ્રપતિને આ અંગે માહિતગાર કરશે. 

  જસ્ટિસ યુ.યુ લલિત છેલ્લા 8 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યરત છે. 13 ઓગસ્ટ 2014ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા. ત્યારથી દેશના અનેક મોટા અને ઐતિહાસિક ચુકાદાઓમાં તેમની અગત્યની ભૂમિકા રહી છે. આ ઉપરાંત, તેઓ ગૃહમંત્રી અમિત શાહના પણ વકીલ રહી ચૂક્યા છે. 

  - Advertisement -

  1957માં જન્મેલા જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે વર્ષ 1983માં કારકિર્દીની શરૂઆત કરી હતી. 1985 સુધી બોમ્બે હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કર્યા બાદ તેઓ દિલ્હી ગયા હતા અને 1986માં સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેઓ પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી સાથે કામ કરી ચૂક્યા છે. 29 એપ્રિલ, 2004ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ નિમાયા હતા. 

  ક્રિમિનલ લૉમાં વધુ અનુભવ હોવાના કારણે તેમણે અનેક હાઈ-પ્રોફાઈલ કેસમાં તેઓ વકીલ રહ્યા છે. તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં તેઓ ગૃહમંત્રી અમિત શાહના પક્ષે કેસ લડ્યા હતા. આ ઉપરાંત, તેઓ 2G કૌભાંડ કેસમાં પબ્લિક પ્રોસિક્યૂટર રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘના પણ વકીલ રહ્યા હતા. 

  જસ્ટિસ યુ.યુ લલિત ભારતના સૌથી મોટા અને ચર્ચાસ્પદ રામજન્મભૂમિ-બાબરી કેસમાં પણ પાંચ જજોવાળી ખંડપીઠના સભ્ય હતા. જોકે, મુસ્લિમ પક્ષના વકીલે વાંધો ઉઠાવતા યુ.યુ લલિતે કેસથી પોતાને અલગ કરી દીધા હતા. જસ્ટિસ યુ.યુ લલિત અયોધ્યા સાથે જોડાયેલા એક અવમાનના કેસમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના વકીલ રહ્યા હતા. જેના કારણે મુસ્લિમ પક્ષે વાંધો ઉઠાવ્યો હતો. 

  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે પણ તેઓ મોટા ચુકાદાઓનો ભાગ રહ્યા છે. ઓગસ્ટ 2017માં સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશની બંધારણીય ખંડપીઠે 3-2ની બહુમતીથી ટ્રિપલ તલાકને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યા હતા. જેમાં તત્કાલીન ચીફ જસ્ટિસ જે.એસ ખેહર છ મહિના સુધી ચુકાદા પર સ્ટે મૂકીને સરકારને કાયદો બનાવવાની ભલામણ કરવાના પક્ષમાં હતા જ્યારે જસ્ટિસ યુ.યુ લલિત, કુરિયન જોસેફ અને આર એફ નરીમાને ટ્રિપલ તલાકને બંધારણનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. જે બાદ ચુકાદો પસાર કરવામાં આવ્યો હતો. 

  અન્ય એક અગત્યના ચુકાદામાં, જસ્ટિસ યુ.યુ લલિતની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કેરળના ઐતિહાસિક પદ્મનાભસ્વામી મંદિરનું સંચાલન ત્રાવણકોરના શાહી પરિવારને સોંપવાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને મંદિરની સંપત્તિઓ અને તંત્રનું સંચાલન કરવા માટે રાજ્ય સરકારને ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપનાર કેરળ હાઇકોર્ટના ચુકાદાને પલટાવી દીધો હતો. તેમજ સુપ્રીમ કોર્ટે શાહી પરિવારના અંતિમ શાસકના વારસદારોને અપીલ કરવા માટે પરવાનગી આપી હતી.

  આ ઉપરાંત, ગત વર્ષે જસ્ટિસ યુ.યુ લલિતના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે બોમ્બે હાઇકોર્ટના પોક્સો એક્ટને લઈને કરવામાં આવેલ વિવાદિત ચુકાદાને પલટાવી નાંખ્યો હતો. બોમ્બે હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી અને પીડિત વચ્ચે સ્કિન-ટૂ-સ્કિન સંપર્ક થયો હોય તો જ તેને પોક્સો એક્ટ હેઠળ ગણી શકાય. પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય અયોગ્ય ઠેરવ્યો હતો. 

  આ ઉપરાંત, હાલમાં જ સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને કોર્ટની અવમાનનાના કેસમાં 4 મહિનાની જેલની સજા સંભળાવી હતી. તેમાં પણ તેઓ ખંડપીઠના ત્રણ ન્યાયાધીશો પૈકીના એક હતા. 

  અનેક મોટા કેસોનો ભાગ રહેલા જસ્ટિસ યુ.યુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ બને તેવી સંભાવના છે. જોકે, ઓ CJI બને તો તેમનો કાર્યકાળ ટૂંકો જ રહેશે. કારણ કે તેઓ આ વર્ષે નવેમ્બરમાં સેવાનિવૃત્ત થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનો કાર્યકાળ નક્કી હોતો નથી પરંતુ વયમર્યાદા 65 વર્ષની હોય છે. જસ્ટિસ યુ.યુ લલિતનું હાલ 65મુ વર્ષ ચાલે છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં