Sunday, July 14, 2024
More
  હોમપેજવિશેષરથયાત્રા વિશેષ: જ્યારે પાકિસ્તાની સેનાએ સળગાવી દીધો હતો ભગવાન જગન્નાથનો ભવ્ય રથ,...

  રથયાત્રા વિશેષ: જ્યારે પાકિસ્તાની સેનાએ સળગાવી દીધો હતો ભગવાન જગન્નાથનો ભવ્ય રથ, વાત બાંગ્લાદેશના ધામરાઈની દાયકાઓ પ્રાચીન રથયાત્રાની

  આજે પણ ત્યાં રથયાત્રા તો યોજાય છે પણ તેની એ દાયકાઓ જૂની ભવ્યતા અને દિવ્યતા ક્યાંક ખોવાઈ ગઈ છે અને પાછી આવી શકી નથી. પાકિસ્તાની સેનાની હિંદુવિરોધી કરતૂતો અને ભવ્ય રથનું નાશ થવું, આજે પણ એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયાં છે.

  - Advertisement -

  આજે રથયાત્રાનું પવિત્ર પર્વ. દાયકાઓથી ચાલતી આવેલી પરંપરા મુજબ આજે પણ ભગવાન નગરચર્યાએ નીકળ્યા અને આશીર્વાદ વરસાવ્યા. આપણે ત્યાં જગન્નાથ પુરીની રથયાત્રા બહુ પ્રખ્યાત છે. બીજો ક્રમ અમદાવાદની રથયાત્રાનો આવે. અન્ય પણ કેટલાંક સ્થળોએ ભગવાનની યાત્રાઓ યોજાય છે. દર વર્ષે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે, દર વર્ષે એ જ ભક્તિભાવ, એટલા જ ઉત્સાહ અને એટલા જ સમર્પણભાવથી આ પરંપરા અનુસરવામાં આવે છે. આ વર્ષે પણ તેમાં કોઈ ઉણપ જોવા ન મળી અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાનની રથયાત્રા યોજાઈ.

  પુરી, અમદાવાદ કે દેશનાં અન્ય સ્થળોએ યોજાતી રથયાત્રા વિશે તો કોઈ અજાણ હોય એવું ભાગ્યે જ બને, પણ બહુ ઓછાને ખબર હશે કે હાલની પુરી અને અમદાવાદની રથયાત્રા જેટલી ભવ્યતા સાથે યોજાય છે એટલી જ ભવ્યતા સાથે એક સમયે હાલના બાંગ્લાદેશમાં પણ રથયાત્રા યોજાતી. 

  આ રથયાત્રા એટલે ધામરાઈની રથયાત્રા. આજે બાંગ્લાદેશની સ્થિતિ અલગ છે. હિંદુઓ પર અત્યાચાર ધીમેધીમે સામાન્ય બાબત બનતી જાય છે, પણ થોડા દાયકાઓ પહેલાં ત્યાં પરિસ્થિતિ જુદી હતી. 1971 પહેલાં બાંગ્લાદેશ જેવું કશું ન હતું અને 1947 પહેલાં પાકિસ્તાન ન હતું. ત્યારે આ વિસ્તારો અખંડ ભારતનો ભાગ હતા. 1947માં ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન બન્યું. ત્યારે હાલ જે બાંગ્લાદેશ છે એ પૂર્વ-પાકિસ્તાન કહેવાતું. 1971માં બાંગ્લાદેશ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું. 

  - Advertisement -

  ધામરાઈ બાંગ્લાદેશના ઢાકાથી ચાળીસેક કિલોમીટર દૂર આવ્યું. અહીં પાંચસો વર્ષથી અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજવાની પરંપરા ચાલતી આવે છે. 1672માં પણ આ રથયાત્રા યોજાયાના ઉલ્લેખો જોવા મળે છે. આ રથયાત્રાનો રથ ભવ્ય રહેતો. જેની ઊંચાઈ હાલ જે જગન્નાથ પુરીમાં યોજાતી રથયાત્રાના રથની છે તેના કરતાં પણ વધુ હતી. લગભગ એકાદ મહિના સુધી તેની તૈયારીઓ ચાલતી અને ઠેકઠેકાણેથી ભક્તો ભાગ લેવા માટે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આવતા. કહેવાય છે કે બંગાળ, ઓડિશા, આસામ અને નેપાળથી શ્રદ્ધાળુઓ ધમરાઈ આવતા અને આ એક મહિના સુધી ચાલતા પર્વમાં સહભાગી થતા. 

  ઓગણીસમી સદીના ત્રીજા દાયકાની આસપાસ આ રથયાત્રા માટે નવો રથ બનાવવાનું નક્કી થયું. આ કામ ઉપાડ્યું ત્યાંના જમીનદારોએ. આ માટે આસપાસના વિસ્તારોમાંથી સુથારો અને કારીગરોને બોલાવાયા, સામાન એકઠો કરાયો અને નવો રથ બનાવવાનું કામ શરૂ થયું. લગભગ એકાદ વર્ષની મહેનત પછી નવો અને ભવ્ય રથ બનીને તૈયાર થયો હતો. આ રથની ઊંચાઈ હતી 60 ફિટ. આજે પુરીમાં જે રથમાં ભગવાન જગન્નાથ યાત્રા કરે છે તેની ઊંચાઈ 44 ફિટ જેટલી હોય છે. એટલે આ ધામરાઈની રથયાત્રાનો રથ હાલના પુરીના રથ કરતાં પણ ઊંચો હતો. તે 45*45 ફિટના પાયા પર બનાવાયો હતો અને પૈંડાંની સંખ્યા હતી 32. આ રથ સાથે બે લાકડાના ઘોડા બનાવવામાં આવ્યા હતા. જેની સાથે 1 હજાર કિલોગ્રામ વજન ધરાવતાં દોરડાં જોડવામાં આવતાં. જેને ભક્તો ખેંચીને ભગવાનને યાત્રા કરાવતા. યાત્રા જશોમાધવ મંદિરેથી નીકળીને અડધો કિલોમીટર દૂર ગોપી નગર મંદિરે પહોંચતી.

  બાંગ્લાદેશના હિંદુ ઉદ્યોગપતિ આગળ આવ્યા હતા

  1947માં ભાગલા પડ્યા બાદ આ વિસ્તાર પાકિસ્તાન સરકાર હેઠળ જતો રહ્યો અને 1950માં જમીનદારીની પ્રણાલી સમાપ્ત થઇ. ત્યારે હાલના બાંગ્લાદેશના તંગલી જિલ્લાના શહેર મિર્ઝાપુરના એક ઉદ્યોગપતિ રાઈ બહાદૂર રાનડા પ્રસાદ સાહા આગળ આવ્યા અને તેમણે આ રથની જાળવણીથી માંડીને અષાઢી બીજના દિવસે ધામરાઈની પવિત્ર રથયાત્રા યોજવા સુધીની જવાબદારીઓ ઉપાડી. 

  સાહાની ઓળખ એક દાનવીર તરીકેની હતી. તેમણે અનેક શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી હતી અને અન્ય પણ સેવાકાર્યો કરતા. તેમણે જ આ ધામરાઈની રથયાત્રા યોજવાનું કામ પોતાને માથે લીધું હતું. પરંતુ પાકિસ્તાની સેનાને તેમની સાથે વેર હતું. આમ તો કહેવાય છે કે તેમને પાકિસ્તાની સરકાર સાથે પણ સારા સબંધો હતા પરંતુ તેમ છતાં એપ્રિલ 1971માં તેમનું અને તેમના પુત્ર ભવાની પ્રસાદ સાહાનું પાકિસ્તાની સેનાએ અપહરણ કરી લીધું હતું. મે, 1971માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા પણ બીજા જ દિવસે તેમને ફરી ઉપાડી લેવાયા. ત્યારપછી તેમનું શું થયું એ આજે પણ બહાર આવી શક્યું નથી. પ્રબળ સંભાવના તો એ જ હોય શકે કે પાકિસ્તાનની સેનાએ તેમને બંનેને મારી નાંખ્યા હોય. 

  માર્ચથી મે 1971નો આ એ સમય હતો જ્યારે પાકિસ્તાનની સેનાએ ત્યારના પૂર્વ પાકિસ્તાન (એટલે આજનું બાંગ્લાદેશ)માં ‘ઓપરેશન સર્ચલાઈટ’ ચલાવીને બંગાળીઓ અને ખાસ કરીને બંગાળી હિંદુઓનો નરસંહાર કર્યો હતો. કહેવાય છે કે આ નરસંહારમાં 30 લાખ લોકો માર્યા ગયા હતા અને ચાર લાખથી વધુ મહિલાઓનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે લગભગ એક કરોડ લોકો શરણ મેળવવા માટે ભારત આવી ગયા હતા. 

  જે વ્યક્તિએ રથયાત્રા યોજવાનું કામ ઉપાડ્યું હતું તેમને જ પાકિસ્તાની સેનાએ ગાયબ કરી દીધા હતા. પણ આટલાથી તેમને ‘સંતોષ’ ન થયો તો 10 જૂન, 1971ના રોજ જે ભવ્ય રથમાં યાત્રા યોજાતી તેને આગ લગાવી દેવામાં આવી હતી. ત્યારે રથયાત્રાને માત્ર 15 જ દિવસ બાકી હતા. જોકે, ક્યાંક કહેવાય છે કે રથયાત્રાના આગલા દિવસે રથ બાળવામાં આવ્યો હતો. 

  એક અઠવાડિયા સુધી સળગતો રહ્યો હતો રથ

  રથ એટલો ભવ્ય હતો કે આગ લગાવી દીધા બાદ તેને સંપૂર્ણ રાખ થવામાં એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો. પવિત્ર રથ નષ્ટ થઇ જવાના કારણે તે વર્ષે રથયાત્રા યોજાઈ શકી ન હતી. તેના બીજા વર્ષે પણ યાત્રા ન યોજાઈ. આખરે બે વર્ષના અંતરાલ બાદ 1973માં યાત્રા ફરી યોજાઈ પણ તેની ભવ્યતા ન રહી. ત્યારે એક બીજો રથ બનાવ્યો અને તેમાં ભગવાનની યાત્રા કાઢવામાં આવી હતી. થોડાં વર્ષો પછી નવો રથ બનાવી દેવામાં આવ્યો હતો. 

  વર્ષ 2009માં ભારત સરકારે મદદનો હાથ લંબાવીને નવો રથ બનાવવા માટે કામ શરૂ કરાવ્યું હતું. તત્કાલીન ભારતીય હાઈકમિશનર અને જશોમાધવ મંદિર સમિતિ (જે મંદિર આ રથયાત્રાનું આયોજન કરે છે) વચ્ચે એક MoU સાઈન થયા હતા અને એક વર્ષ પછી 2010માં રથ બનીને તૈયાર થયો હતો. આ નવો રથ 40 ફિટ ઊંચો છે અને 16 પૈંડાં ધરાવે છે. ત્રણ માળ જેટલી તેની ઊંચાઈ છે. ત્યારથી આ જ રથનો ઉપયોગ થાય છે. 

  આજે પણ ત્યાં રથયાત્રા તો યોજાય છે પણ તેની એ દાયકાઓ જૂની ભવ્યતા અને દિવ્યતા ક્યાંક ખોવાઈ ગઈ છે અને પાછી આવી શકી નથી. હવે ત્યાં ન તો મહિનાઓ સુધી કાર્યક્રમો થાય છે તો ન અન્ય દેશોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પાકિસ્તાની સેનાની હિંદુવિરોધી કરતૂતો અને ભવ્ય રથનું નાશ થવું, આજે પણ એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયાં છે. 

  ઓપરેશન સર્ચલાઈટ 

  ‘ઓપરેશન સર્ચલાઈટ’ એ પાકિસ્તાની સેનાએ ત્યારના પૂર્વ પાકિસ્તાનમાં ચલાવેલા એક સૈન્ય ઓપરેશનનું કોડનેમ હતું, જેમાં લાખો બંગાળી હિંદુઓની કત્લેઆમ કરવામાં આવી હતી. માર્ચ, 1971માં પાકિસ્તાની સૈન્યએ આ ઓપરેશન લૉન્ચ કર્યું અને યોજના એ હતી કે મહિનાના અંત સુધીમાં પૂર્વ પાકિસ્તાનનાં મહત્વનાં શહેરો પર નિયંત્રણ મેળવી લેવાય અને ત્યારબાદ એક મહિનામાં બંગાળીઓને મારીને હટાવી દેવામાં આવે. 

  મે મહિનાના મધ્યભાગમાં આ ઓપરેશનનો અત્યંત ખરાબ સમય આવ્યો અને આ નરસંહારમાં 30 લાખ લોકોની હત્યા કરી નાંખવામાં આવી. 1 કરોડ લોકો ભારત આવી ગયા હતા. આ દરમિયાન હિંદુઓને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યા હતા. 

  આ હિંસા ત્યારબાદ બાંગ્લાદેશ લિબરેશન વૉરમાં પરિણમી અને બાંગ્લાદેશમાંથી પાકિસ્તાની સૈન્યને દૂર કરવા માટે હિંસક ચળવળો ચાલી. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનનાં જૂથો એકઠાં થયાં અને પાકિસ્તાની સૈન્ય સામે લડત ચલાવી. પછી આ લડાઈમાં ભારતની એન્ટ્રી થઇ અને પછી જે થયું તેને આપણે 1971નું યુદ્ધ કહીએ છીએ. આખરે 16 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સૈન્યએ ભારત સામે આત્મસમર્પણ કરી દીધું હતું. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં