Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલ અને તેમનાં બેવડાં ધોરણો: 2013માં દોષી સાંસદોને ડિસ્ક્વોલિફિકેશનથી બચાવતા અધ્યાદેશનો કર્યો...

    કેજરીવાલ અને તેમનાં બેવડાં ધોરણો: 2013માં દોષી સાંસદોને ડિસ્ક્વોલિફિકેશનથી બચાવતા અધ્યાદેશનો કર્યો હતો વિરોધ, હવે ઉતર્યા રાહુલ ગાંધીના સમર્થનમાં 

    દિલ્હી વિધાનસભામાં બોલતી વખતે પણ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, “રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી. તમે તો (સરકાર) બહુ ડરપોક નીકળ્યા.”

    - Advertisement -

    2019ની લોકસભા ચૂંટણી વખતે મોદી સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપવાના કારણે સજા પામેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે લોકસભાનું સભ્યપદ પણ ગુમાવી બેઠા. ગઈકાલે સુરતની કોર્ટે બદનક્ષીના કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ આજે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને ગૃહના સભ્યપદેથી બરખાસ્ત કર્યા હતા. 

    રાહુલ ગાંધીને બંધારણના કાયદા અનુસાર સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા છે. રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1951 કહે છે કે જો કોઈ MP, MLA કે MLC કોઈ ગુનામાં દોષી ઠેરવાય અને 2 વર્ષ કે તેથી વધુની સજા પામે તો તેને સજા મળ્યાના દિવસથી જ તેનું સભ્યપદ રદ કરવામાં આવે છે. 

    કાયદા અનુસાર રાહુલ ગાંધીને બરતરફ કરી દેવામાં આવ્યા છતાં કોંગ્રેસ હાંફળીફાંફળી થઇ ગઈ છે અને મોદી સરકાર ઉપર ‘બદલાના રાજકારણ’ના આરોપો લગાવી રહી છે. જ્યારે સત્ય એ છે કે મોદી સમાજ સામે કરેલી ટિપ્પણીને લઈને તેમની સામે કેસ થયો, કોર્ટે રાહુલને દોષી ઠેરવ્યા અને ત્યારબાદ લોકસભા સચિવાલયે નિયમાનુસાર તેમની સામે કાર્યવાહી કરી, તેમાં સરકાર ક્યાંય વચ્ચે આવતી નથી!

    - Advertisement -

    અન્ય વિપક્ષી પાર્ટીના નેતાઓએ પણ કોંગ્રેસના સૂરમાં જ સૂર પુરાવ્યો અને રાહુલ ગાંધી સામે થયેલી કાર્યવાહીનો વિરોધ કર્યો. તેમાંથી એક નામ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પણ છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લોકસભામાંથી રાહુલ ગાંધીનું ડિસ્ક્વોલિફિકેશન ચોંકાવનારું ગણાવ્યું અને કહ્યું કે, દેશ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને 130 કરોડ લોકોને ‘અહંકારી સત્તા’ સામે એકઠા થવા માટે અપીલ કરી હતી. 

    દિલ્હી વિધાનસભામાં બોલતી વખતે પણ કેજરીવાલે આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, “રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરી દેવામાં આવી. તમે તો (સરકાર) બહુ ડરપોક નીકળ્યા.”

    2013માં કેજરીવાલ નેતાઓના ડિસ્ક્વોલિફિકેશનના સમર્થનમાં હતા  

    નોંધવા જેવી વાત એ છે કે જે અરવિંદ કેજરીવાલ આજે રાહુલ ગાંધી સામેની કાયદાકીય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે તેમણે આજથી 10 વર્ષ પહેલાં દોષી ઠેરવાયેલા સાંસદો, ધારાસભ્યોને રક્ષણ આપતા UPA સરકારના અધ્યાદેશનો વિરોધ કર્યો હતો. તેઓ રાહુલ ગાંધી પર પણ નિશાન સાધી ચૂક્યા છે. 

    શું હતો સરકારનો અધ્યાદેશ?

    સાંસદ કે ધારાસભ્યોના ડિસ્ક્વોલિફિકેશનના નિયમો બંધારણના રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ એક્ટમાં જોવા મળે છે. જેના ખંડ 8(1) અને 8(2) અનુસાર, IPCની અમુક કલમો હેઠળ દોષી જાહેર થનાર વ્યક્તિને તેની સજાના સમયગાળાને ધ્યાનમાં લીધા વગર ડિસ્ક્વોલિફાય કરવામાં આવે છે. જ્યારે તે સિવાયના ગુનાઓ માટે જો વ્યક્તિને ઓછામાં ઓછી બે વર્ષની સજા થઇ હોય તો બરતરફ કરવાનો નિયમ લાગુ પડે છે. 

    2013 પહેલાં આ જ કાયદાનો ખંડ 8(4) અમલમાં હતો. જેમાં એવી જોગવાઈ હતી કે જો કોઈ દોષિત MP, MLA કે MLC કોર્ટના નિર્ણયના 3 મહિનાની અંદર ઉચ્ચ અદાલતમાં સજા વિરુદ્ધ અપીલ કરે તો તેઓ પદ પર યથાવત રહી શકે. જેથી માત્ર ચુકાદા સામેની અપીલ કરીને નેતાઓ પોતાનું પદ બચાવી શકતા હતા. પરંતુ 2013માં એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ખંડ રદબાતલ કરી દીધો હતો.

    સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યા બાદ તત્કાલીન યુપીએ સરકારે અધ્યાદેશ અને પછી ખરડા મારફતે આ ચુકાદો પલ્ટાવવાના પ્રયાસ કર્યા હતા. તત્કાલીન કાયદા મંત્રી કપિલ સિબ્બલે સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરીત અપીલમાં ગયેલા MP, MLA કે MLCને પદ પર બન્યા રહેવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં એવી પણ જોગવાઈ હતી કે આવા નેતાઓ સંસદ કે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે પરંતુ કોર્ટ અરજી પર કોઈ નિર્ણય ન આપે ત્યાં સુધી પોતે મત નહીં આપી શકે કે પગાર-ભથ્થાં ઉપાડી શકશે નહીં. 

    કેજરીવાલ અને તેમની પાર્ટીએ કર્યો હતો ભારે વિરોધ 

    તે સમયે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો ભરપૂર વિરોધ કર્યો હતો અને આ અધ્યાદેશ પરત લેવા માટે માંગ કરી હતી. એટલું જ નહીં, તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ મળ્યા હતા અને અધ્યાદેશ પર હસ્તાક્ષર ન કરવાની અપીલ કરી હતી. 

    કેજરીવાલની આમ આદમી પાર્ટીએ યુપીએ સરકારનો વિરોધ કરીને કહ્યું હતું કે, કલંકિત રાજકારણીઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાના સુપ્રીમ કોર્ટના આદેશને પલટાવનારા વટહુકમની આમ આદમી પાર્ટી નિંદા કરે છે અને ઉમેર્યું હતું કે આ અધ્યાદેશને લોકતંત્ર પર પ્રહાર ગણાવીને કહ્યું હતું કે રાજકારણીઓનો એક વર્ગ ભ્રષ્ટ નેતાઓને બચાવવા માટે એક સ્તર નીચે ઉતરી આવ્યો છે. 

    જોકે, આ અધ્યાદેશનો તો સ્વયં રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો હતો. તેમની જ સરકાર દ્વારા લાવવામાં આવ્યો હોવા છતાં રાહુલ ગાંધીએ તેનો વિરોધ કરીને જાહેરમાં બિલ ફાડી નાંખ્યું હતું અને કહ્યું હતું કે સરકાર ખોટું કરી રહી છે. જોકે, રાહુલ ગાંધીએ ત્યારે અધ્યાદેશ ફાડીને પોતાની જ સરકાર સામે બાંયો ચડાવી ન હોત તો આજે તેઓ ડિસ્ક્વોલિફિકેશનથી બચી શક્યા હોત. 

    તે સમયે પણ અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એક ટ્વિટ કર્યું હતું. 27 સપ્ટેમ્બર, 2013ના રોજ કેજરીવાલે એક ટ્વિટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધી વિચારે છે કે દેશના બધા જ લોકો બેવકૂફ છે. જાતે જ અધ્યાદેશ લાવે છે અને જાતે જ ફાડી નાંખે છે. 

    જે અરવિંદ કેજરીવાલ 2013માં દોષિત ઠરેલ નેતાઓના તાત્કાલિક ડિસ્ક્વોલિફિકેશનના સમર્થનમાં હતા તેઓ હવે દસ વર્ષ પછી રાહુલ ગાંધી સામે એ જ કાયદા હેઠળ થયેલી કાર્યવાહીની વિરુદ્ધ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે. 

    હમણાં સમય અરવિંદ કેજરીવાલનો પણ સારો ચાલી રહ્યો નથી. તેમના બે નજીકના સાથીઓ અને દિલ્હી સરકારના અગત્યના મંત્રી રહી ચૂકેલા મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન હાલ જેલમાં છે. બંને ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. બીજી તરફ, તેમને રાજકીય પાર્ટીઓ તરફથી જોઈએ તેટલું સમર્થન મળી રહ્યું નથી. આ સંજોગોમાં એવા સવાલો ઉભા થયા વગર રહે નહીં કે કેજરીવાલ શું આ પાર્ટીઓનું સમર્થન મેળવવા માટે પોતાનાં સ્ટેન્ડ બદલી રહ્યા છે?  

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં