Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભગતસિંહની ડાયરીમાં છ વખત વીર સાવરકરના પુસ્તકોના અવતરણ, ડૉ આંબેડકરે કરી હતી...

    ભગતસિંહની ડાયરીમાં છ વખત વીર સાવરકરના પુસ્તકોના અવતરણ, ડૉ આંબેડકરે કરી હતી પ્રશંસા : દલિતો માટે કર્યાં હતાં કામ

    વીર સાવરકર દુનિયાના પહેલા કવિ હતા જેમણે આંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલો પર ખીલા અને કોલસાથી કવિતાઓ લખી અને ત્યારબાદ કંઠસ્થ કરી લીધી હતી. 

    - Advertisement -

    વિનાયક દામોદર સાવરકર ન માત્ર સ્વતંત્રતા સેનાની હતા પરંતુ તેઓ મહાન દેશભક્ત, ક્રાંતિકારી, ચિંતક, લેખક, કવિ, ઓજસ્વી વક્તા અને દેશને ગૌરવશાળી બનાવવાનો વિચાર ધરાવનારા સ્વપ્નદ્રષ્ટા પણ હતા. જેમનું આખું જીવન રાષ્ટ્રયજ્ઞમાં સમર્પિત થઇ ગયું હોય તેવા વીર સાવરકર જેવા બહુ ઓછા ક્રાંતિકારીઓ અને દેશભક્તો છે. તેમની કલમમાં આગ હતી, તેમના કાર્યોમાં પણ ક્રાંતિનો અગ્નિ ઝળહળતો હતો. 

    વીર સાવરકર એવા મહાન સપૂત હતા જેમની કવિતાઓ અને વિચારો પણ ક્રાંતિ કરતા હતા અને તેઓ સ્વયં પણ એક મહાન ક્રાંતિકારી હતા. તેમનામાં તેજ પણ હતું, તપ પણ હતું અને ત્યાગ પણ હતો. 1909માં લખેલા પુસ્તક ‘ધ ઇન્ડિયન વૉર ઓફ ઇન્ડિપેન્ડન્સ-1857’માં સાવરકરે આ લડાઈને બ્રિટિશ સરકાર વિરુદ્ધ સ્વતંત્રતાની પહેલી લડાઈ ગણાવી હતી. વીર સાવરકર 1911 થી 1921 સુધી અંદામાન જેલમાં રહ્યા હતા. 1921 માં તેઓ સ્વદેશ પરત ફર્યા અને ત્યારબાદ 3 વર્ષની સજા કાપી હતી. 

    9 ઓક્ટોબર, 1942ના રોજ ભારતની સ્વતંત્રતા માટે ચર્ચિલને સમુદ્રી તાર મોકલ્યો અને આજીવન અખંડ ભારતના પક્ષધર રહ્યા હતા. સાવરકર એકમાત્ર ભારતીય હતા જેમને એક જ જીવનમાં બે વખત આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. કાળાપાણીની કઠોર સજા દરમિયાન તેમને અનેક યાતનાઓ આપવામાં આવી. અંદામાન જેલમાં તેમને છ મહિના સુધી અંધારા ઓરડામાં રાખવામાં આવ્યા હતા. દુનિયાના તેઓ પહેલા કવિ હતા જેમણે આંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલો પર ખીલા અને કોલસાથી કવિતાઓ લખી અને ત્યારબાદ કંઠસ્થ કરી લીધી હતી. 

    - Advertisement -

    વીર સાવરકર અને બલિદાની ક્રાંતિકારી ભગતસિંહ 

    આ પ્રકારે યાદ કરેલી 10 હજાર પંક્તિઓને તેમણે જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી લખી હતી. અનેક પ્રકારની કઠોર પીડાઓ સહન કર્યા બાદ પણ સાવરકર અંગ્રેજો સામે ઝૂક્યા ન હતા. સાવરકર જેલમાં રહીને પણ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રહ્યા હતા. શહીદ ભગતસિંહના મનમાં સાવરકરના દેશપ્રેમ અને તેમના વિચારોને લઈને કેટલી શ્રદ્ધા હતી તે બાબત ભગતસિંહ દ્વારા લખવામાં આવેલા એક લેખ થકી સમજી શકાય છે. 

    15  અને 22 નવેમ્બર 1924ના ‘મતવાલા’ અંકમાં બે વખત પ્રકાશિત થયેલા ‘વિશ્વપ્રેમ’ નામના લેખમાં ભગતસિંહ સાવરકર અંગે લખે છે કે, “વિશ્વપ્રેમી એ વીર છે જેને વિપ્લવવાદી, કટ્ટર અરાજકવાદી કહેવામાં આપણે બિલકુલ શરમ અનુભવતા નથી, એ જ વીર સાવરકર. 

    ભગતસિંહે સાવરકરના પુસ્તક ‘1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ’નો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો હતો અને ક્રાંતિકારીઓએ તેનો પ્રચાર પણ કર્યો હતો. કેટલાક લેખકોએ દાવો કર્યો છે કે સાવરકર અને ભગતસિંહ રત્નાગીરીમાં મળ્યા હતા, પરંતુ આ બાબતી નિર્વિવાદ પુષ્ટિ થઇ શકી નથી. ગાંધીજીના શિષ્ય વાય ડી ફડકે અનુસાર, ભગતસિંહે સાવરકરના પુસ્તક ‘1857 ના સ્વાતાંત્ર્ય સંગ્રામ’ પરથી પ્રેરણા લીધી હતી. ભગતસિંહે પોતાની જેલ ડાયરીમાં પણ અનેક લેખકોના અવતરણ ટાંક્યાં છે. 

    તેમાં માત્ર સાત ભારતીય લેખકો છે, જેમાંથી સાવરકર જ એકમાત્ર એવા ભારતીય છે જેમના એકથી વધુ અવતરણ તેમણે ડાયરીમાં ટાંક્યા છે, જે તમામ છ એક જ પુસ્તક ‘હિંદુપદપાદશાહી’માંથી લેવામાં આવ્યા છે. 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી, તે સમયે સાવરકરે એક કવિતા લખી હતી, જેનો પહેલો અંશ છે.

    હા, ભગત સિંહ, હાય હા!

    ચડ ગયા ફાંસી પર તૂ વીર હમારે લિયે હાય હા!

    રાજગુરુ તુ, હાય હા!

    વીર  કુમાર, રાષ્ટ્રસમર મેં હુઆ શહીદ 

    હાય હા! જય જય હા!

    આજ કી યહ હાય કલ જીતેગી જીત કો 

    રાજમુકુટ લાયેગી ઘર પર

    ગુસ્સે પહલા મૃત્યુ કે મુકુટ પહન લિયા 

    હમ લેંગે હથિયાર વો હાથ મેન 

    જો તુમને પકડા થા દુશમન કો મારતે-મારતે 

    દલિતો સાથેના ભેદભાવ વિરુદ્ધ સાવરકરે ચલાવ્યું હતું અભિયાન, આંબેડકરે કરી હતી પ્રશંસા 

    વીર સાવરકર હંમેશા જાતિવાદથી મુક્ત થઈને કાર્ય કરતા હતા. રાષ્ટ્રીય એકતા અને સમરસતા તેમનામાં ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. રત્નાગિરી આંદોલન સમયે તેમણે જાતિગત ભેદભાવ નાબૂદ કરવાનું અનુકરણીય કાર્ય કર્યું હતું. ત્યાં તેમણે દલિતોને મંદિરમાં પ્રવેશ માટે પ્રશંસનીય અભિયાન ચલાવ્યું હતું. સાથે જ અસ્પૃશ્યતા સમાપ્ત કરવાની દિશામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીએ ત્યારે જાહેર મંચ પરથી વીર સાવરકરના આ અભિયાનની પ્રશંસા કરી હતી. 

    એટલું જ નહીં, બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સાવરકર વિશે કહ્યું હતું – “આ પ્રસંગે હું સામાજિક સુધારાના ક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા કરું છું. જો અસ્પૃશ્યોને મુખ્યપ્રવાહના હિંદુ સમાજનો હિસ્સો બનાવવો હોય તો માત્ર અસ્પૃશ્યતા નાબૂદી પૂરતી નથી. આ માટે ચતુર્વર્ણની પ્રથા પૂરી કરવી પડશે. મને એ કહેતા આનંદ થાય છે કે તમે એવા થોડા લોકોમાંથી એક છો જેમણે આ જરૂરિયાત સમજી છે.

    મહારાષ્ટ્રના મહાન સમાજ સુધારક મહર્ષિ શિંદેએ લખ્યું હતું કે “હું આ સામાજિક ચળવળની સફળતાથી એટલો પ્રસન્ન છું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારું બાકીનું જીવન તેમને (સાવરકરને) આપે” (સત્યશોધક – 5 માર્ચ, 1933). ઉપરાંત, પ્રખ્યાત લેખક પ્રબોધંકર ઠાકરેએ લખ્યું, “હિન્દુ એકતાની જરૂરિયાતને સમજ્યા પછી જાતિ નાબૂદીનો મુદ્દો ગમે તેટલો મુશ્કેલ હોય, તેને હલ કરવો જરૂરી છે. આ દિશામાં સાવરકરના પ્રયાસો પ્રશંસનીય છે. (સ્વરાજ્ય, મુંબઈ, 2 સપ્ટેમ્બર 1936).

    ભારતનો ઈતિહાસ વિશ્વ માટે પ્રેરણારૂપ છે, સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ છે. સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે, વિશ્વગુરુની પાત્રતા ભારતમાં હંમેશા વહેતી રહી છે. કોરોના મહામારીના સંકટ દરમિયાન દેશે વિશ્વના તમામ દેશો માટે હિત સાધવાનો ભાવ રાખ્યો હતો. આ નવું ભારત કોઈપણ ભેદભાવ વિના વસુધૈવ કુટુંબકમની ભાવના પર ચાલી રહ્યું છે. આ જ વીર સાવરકરનું દર્શન હતું. ભારત એક સાર્વભૌમ ગૌરવપૂર્ણ રાષ્ટ્ર બને, સમગ્ર વિશ્વનું પથ-પ્રદર્શક બને એ જ તેમનો વિચાર હતો. ભારત આ દિશામાં નિરંતર આગળ વધી રહ્યું છે.

    (ગુજરાતીમાં મેઘલસિંહ પરમાર દ્વારા અનુવાદિત થયેલો આ લેખ મૂળરૂપે હિંદીમાં બ્રિજેશ દ્વિવેદી દ્વારા લખવામાં આવ્યો છે, જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં