Tuesday, April 16, 2024
More
  હોમપેજવગેરે...સ્પોર્ટ્સઓસ્ટ્રેલિયા પાસેથી પરત લઈ લેવામાં આવશે વર્લ્ડ કપ ટ્રોફી, 3 મેચ બાદ...

  ઓસ્ટ્રેલિયા પાસેથી પરત લઈ લેવામાં આવશે વર્લ્ડ કપ ટ્રોફી, 3 મેચ બાદ નક્કી થશે ચેમ્પિયન: જાણો ‘ICC અને BCCI વચ્ચેની સમજુતી’વાળા સમાચારની વાસ્તવિકતા

  લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલેથી જ નિર્ધારિત પાંચ મેચોની ટી-20 સીરીઝને આગળ વધારી દેવામાં આવી છે. તેના બદલે વર્લ્ડકપ વિજેતા નક્કી કરવા માટે વધુ 2 મેચો રમાશે. BCCIએ આ માટે પહેલા જ ICC સાથે વાત કરી લીધી હતી.

  - Advertisement -

  સોશિયલ મીડિયા પર એક આર્ટિકલ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા હજુ સુધી વર્લ્ડ કપ 2023નું વિજેતા નથી બન્યું અને તેમની પાસેથી વર્લ્ડ કપ ટ્રોફી પરત લઇ લેવામાં આવશે. અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપ 2023ના વિજેતાનો નિર્ણય વધુ 2 મેચ બાદ કરવામાં આવશે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ICC સાથે પહેલાં જ વાત કરી લીધી હતી. એવો દાવો કરવામાં આવે છે કે, જે પણ ફાઈનલ અને આ બંને મેચ જીતશે તે જ વર્લ્ડ કપ વિજેતા બનશે. આ દાવાની વાસ્તવિકતા જાણતા પહેલાં તે જાણીએ કે આ વાયરલ રિપોર્ટમાં શું લખ્યું છે.

  નોંધનીય છે કે 19 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને જીત મેળવી હતી અને વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો. પરંતુ હવે એક આર્ટિકલને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓસ્ટ્રેલિયા પાસે રહેલી વર્લ્ડ કપ ટ્રોફી હવે જોખમમાં છે.

  વાયરલ થઈ રહેલો દાવો (ફોટો ऑपइंडिया)

  લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલેથી જ નિર્ધારિત પાંચ મેચોની ટી-20 સીરીઝને આગળ વધારી દેવામાં આવી છે. તેના બદલે વર્લ્ડકપ વિજેતા નક્કી કરવા માટે વધુ 2 મેચો રમાશે. BCCIએ આ માટે પહેલાં જ ICC સાથે વાત કરી લીધી હતી. રિપોર્ટ અનુસાર BCCI અને ICC વચ્ચેની સમજૂતીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં ભારત ફાઇનલ મેચ હારશે તો વધુ 2 મેચ મુંબઇ અને કોલકાતામાં રમાશે.

  - Advertisement -

  દાવામાં કહેવામાં આવ્યું છે કે આ માટે પીચ તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને મુંબઈની પીચ પર કેરોસીન રેડવામાં આવી રહ્યું છે. ભારતના યજમાન હોવાને કારણે તેમને આમ કરવાની છૂટ મળી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની જીત તેમને આ શ્રેણીમાં 1-0ની લીડ અપાવવામાં સફળ રહી છે. ICCના અધિકારીઓએ ટ્રોફી અને ખેલાડીઓના મેડલ્સ પરત લઇ લીધા છે.

  રિપોર્ટમાં ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેના નિવેદનને પણ ટાંકવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર ગ્રેગ બાર્કલેનું નિવેદન છે કે, “નિયમ એ નિયમ છે. તમામ ટીમોએ તેમને ફોલો કરવા પડશે. મેચ દરમિયાન અમ્પાયરો અને ICCના અધિકારીઓ જો નિયમોને ધ્યાનથી જોયા હોત તો તેઓ ઓસ્ટ્રેલિયાને જીતની ઉજવણી કરવા ન દેત.” લેખમાં ગ્રેગ બાર્કલેને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે 2027માં સાઉથ આફ્રિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં યોજાનારા વર્લ્ડ કપમાં પણ આ નિયમ લાગુ પડશે. જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ ત્રણ ટીમોમાંથી કોને યજમાન માનવામાં આવશે.

  શું છે વધુ 2 ફાઈનલ મેચોની વાસ્તવિકતા?

  હવે નજર કરીએ વાયરલ થઇ રહેલા દાવાની વાસ્તવિકતા પર. વાસ્તવમાં આ રિપોર્ટ એક વ્યંગ લેખ છે. તેને ધ રોર (TheRoar.com.au) નામની ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વેબસાઈટ રમત જગતના સમાચાર પ્રસારિત કરે છે અને તેમણે જ આ લેખ છાપ્યો છે જેને લોકો જોરશોરથી શેર કરી રહ્યા છે. મોટી મેચો બાદ હારનારી ટીમના ચાહકોને ટોણા મારવા માટે આવા લેખો લખવાની પરંપરા રહી છે અને આ પણ તેનો જ એક ભાગ છે.

  વર્લ્ડ કપના વિજેતાનો નિર્ણય તારીખ 19મી નવેમ્બરના રોજ થઈ ચૂક્યો છે. આગામી 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી શરૂ થઈ જ રહી છે. વાસ્તવમાં તેને સ્થગિત કરવામાં આવી જ નથી અને ન તો હવે મુંબઈ અને કોલકાતામાં કોઈ 2 મેચ યોજાવા જઈ રહી છે. ICCના ચેરમેને પણ આવું કોઇ નિવેદન આપ્યું નથી કે ન તો ICC અને BCCI વચ્ચે આવો કોઇ કરાર થયો છે. વાસ્તવમાં આ લેખ માત્ર મનોરંજન માટે લખવામાં આવ્યો છે, જેને લોકો સાચો માની રહ્યા છે. વર્લ્ડ કપના નિર્ણયને બદલી શકે તેવો કોઈ નિયમ નથી. ઑપઇન્ડિયાના ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં