Sunday, September 15, 2024
More
    હોમપેજમંતવ્યચાલો જાણીએ ઇમરાન ખાનની ધરપકડ જે કેસમાં થવાની છે એ તોષાખાના કેસ...

    ચાલો જાણીએ ઇમરાન ખાનની ધરપકડ જે કેસમાં થવાની છે એ તોષાખાના કેસ શું છે? નરેન્દ્ર મોદીનાં આ મામલે પાકિસ્તાનીઓ મોંફાટ વખાણ કરી રહ્યાં છે

    ઇમરાન ખાનનો તોષાખાના કેસ હવે તેમને જ ભારે પડી ગયો છે.એટલુંજ નહીં પરંતુ આ બાબતે પાકિસ્તાનીઓ નરેન્દ્ર મોદીનું ઉદાહરણ ટાંકીને તેમનાં મોંફાટ વખાણ પણ કરી રહ્યાં છે.

    - Advertisement -

    પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ ગમેતે સમયે થઇ શકે છે. તેમની ધરપકડ સમયે તેમજ ત્યારબાદ તેમની પાર્ટી પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફના કાર્યકર્તાઓ કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ ન આપે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. પરંતુ ઇમરાન ખાન જે કેસમાં ‘અંદર જવાનાં’ છે તે ઇમરાન ખાનનો તોષાખાના કેસ શું છે તેનાં વિષે આપણે આજે વિગતવાર માહિતી લઈશું.

    ઇમરાન ખાનનો તોષાખાના કેસ શું છે?

    ઉર્દુમાં તોષાખાના ખાના એટલે ઈંગ્લીશમાં ટ્રેઝરી અને ગુજરાતીમાં ખજાનો. આપણા દેશમાં પણ વડાપ્રધાન કે પછી મુખ્યમંત્રીઓને દેશ-વિદેશથી મળતી ભેટ જ્યાં સચવાતી હોય છે તેને તોષાખાના કહેવામાં આવે છે. આ જ રીતે પાકિસ્તાનમાં પણ ત્યાંના વડાપ્રધાન જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય અને તેમને વિદેશી સરકારો દ્વારા જે ભેટ આપવામાં આવે તેને તોષાખાનામાં સાચવવા માટે મૂકી દેવામાં આવતી હોય છે.

    પાકિસ્તાનનાં કાયદા અનુસાર આ તોષાખાનાની કોઇપણ ભેટ જે-તે વડાપ્રધાન તેની નક્કી કરેલી કિંમત ચૂકવીને ખરીદી શકતો હોય છે. પરંતુ ઇમરાન ખાને આમ ન કર્યું. તેમણે તોષાખાનામાં રાખેલી અને તેમને જ મળેલી ભેટ ખરીદી તો નહીં પરંતુ તેને બારોબાર વેંચી દઈને તેની રોકડી કરી લીધી!

    - Advertisement -

    ઇમરાન ખાનનો તોષાખાના કેસ એ રીતે સામે આવ્યો કે ઇમરાન ખાને તેમને મળેલી કિંમતી ઘડિયાળો અને અન્ય કેટલીક ભેટો તોષાખાનામાં જમા તો કરી જ નહીં પરંતુ તેને વેંચી દઈને લગભગ ત્રણ કરોડ સાઈઠ લાખ ડોલર્સ ($ 36,000,000) ઘરભેગા કરી દીધાં છે તે હકીકત અહીં સરકાર બદલાયા પછી સામે આવી. 1 અમેરિકન ડોલર સામે આજે પાકિસ્તાની રૂપિયાનો ભાવ લગભગ 282 PKR છે, હવે તમે જ ગણતરી કરો કે ઇમરાન ખાને પોતાનાં નામે પાકિસ્તાનને મળેલી ભેટો બરોબર વેંચીને કેટલી રકમ ઘરભેગી કરી હોવાનો આરોપ તેમનાં પર લાગી રહ્યો છે.

    આ આરોપ સામે આવ્યા બાદ ઇસ્લામાબાદની સેશન્સ કોર્ટે ઇમરાન ખાન વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી  કરી દીધું હતું, પરંતુ ઇસ્લામાબાદ હાઈકોર્ટે તેનાં પર 13 માર્ચ સુધી રોક લગાવી દીધી હતી. હવે એ મુદત પણ પુરી થતાં લાહોર પોલીસ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે તૈયાર થઇ ગઈ છે.

    ઇમરાન ખાનની ધરપકડનો ‘લંડન પ્લાન’

    ઇમરાન ખાને ગઈકાલે એક વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે તેમની ધરપકડનો પ્લાન પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ઘડ્યો છે. આ તમામ યોજના શરીફ અત્યારે જ્યાં સ્થાઈ છે એટલેકે લંડનમાં ઘડાઈ હોવાથી ઈમરાને આ યોજનાને લંડન પ્લાન નામ આપ્યું છે. ઈમરાને કહ્યું હતું કે “આ બધું લંડન પ્લાનનો જ એક ભાગ છે અને એક એવી સમજુતી થઇ છે કે ઈમરાનને જેલમાં નાખવામાં આવે અને PTI પડી ભાંગે જેથી નવાઝ શરીફ સામેનાં તમામ કેસો પાછા ખેંચાઈ જાય.”

    પાકિસ્તાનીઓ કરી રહ્યાં છે નરેન્દ્ર મોદીનાં વખાણ

    પાકિસ્તાનીઓ ઇમરાન ખાનના તોષાખાના કેસનો હવાલો લઈને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ભરપેટ વખાણ કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં રહેલો કટ્ટરમાં કટ્ટર મોદી દ્વેષી આજે કહી રહ્યો છે કે ઈમરાને મોદી પાસેથી શીખવું જોઈતું હતું કે તોષાખાનાની ભેટનો યોગ્ય ઉપયોગ શું હોઈ શકે છે.

    આપણે જાણીએ છીએ કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે વિદાય લઇ રહ્યાં હતાં અને દિલ્હી વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યાં હતાં ત્યારે તેમણે પોતાની વ્યક્તિગત બચતમાંથી 21 લાખ રૂપિયા ત્રીજા અને ચોથા વર્ગના ગુજરાત સરકારનાં કર્મચારીઓની કન્યાઓનાં ભણતર માટે દાન કરી દીધાં હતાં.

    આટલું જ નહીં પરંતુ 2019નાં જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મળેલી લગભગ 1800 જેટલી ભેટની તેમણે હરાજી કરાવી હતી અને તેમાંથી મળેલી સમગ્ર રકમ મિશન ગંગામાં તેમણે દાન કરી દીધી હતી.

    આ રીતે તોષાખાનાની ભેટનો યોગ્ય ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે રીતે કરતાં આવડ્યો એની સાવ વિરુદ્ધમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન તરીકે ઇમરાન ખાને આ ભેટની રોકડી કરી લેતાં આજે પાકિસ્તાનીઓ નરેન્દ્ર મોદીનાં વખાણ કરતાં થાકતાં નથી.

    પાકિસ્તાનના જાણીતા પત્રકાર રઉફ કલાસરા કહે છે કે. “પાકિસ્તાનનાં લોકો વડાપ્રધાન મોદીની ટીકા કરતાં હોય છે, પરંતુ તોષાખાના મામલામાં તેમની સામે પાકિસ્તાનનો કોઈ નેતા ટકી શકતો નથી. પાકિસ્તાની નેતાઓએ વડાપ્રધાન મોદી પાસેથી શીખવું જોઈએ. વડાપ્રધાન મોદીએ વિદેશથી મળેલી કરોડો રૂપિયાની ભેટની કન્યાઓનાં શિક્ષણ માટે હરાજી કરાવી દીધી હતી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી હતાં ત્યારે પણ તોષાખાનામાં પોતાને મળેલી તમામ ભેટ જમા કરવી અને પછી તેની હરાજી કરીને કન્યા શિક્ષણમાં આપી દીધી.”

    કલાસરાનો આરોપ છે કે છેલ્લાં 20 વર્ષમાં એવો એક પણ પાકિસ્તાની નેતા નથી જેણે પોતાને મળેલી ભેટોની લુંટ ન કરી હોય. તેમણે ઇમરાન ખાન પર ઘડિયાળો ઉપરાંત નેકલેસ, પેન જે દેખાયું એ પોતાનાં ઘરે લઇ ગયા હોવાનો આરોપ પણ મુક્યો હતો જેમાં તેમણે નવાઝ શરીફનું નામ પણ ઉમેર્યું હતું. તેમનાં કહેવા અનુસાર રાષ્ટ્રપતિ આરીફ અલ્વી અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને AK-47 ભેટમાં મળી હતી તેને તેઓ પોતાનાં ઘરે લઇ ગયાં હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં