Sunday, April 21, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકશું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે જગન્નાથ મંદિરમાં જાતીય ભેદભાવ કરવામાં આવ્યો?: ગર્ભગૃહમાં...

  શું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે જગન્નાથ મંદિરમાં જાતીય ભેદભાવ કરવામાં આવ્યો?: ગર્ભગૃહમાં પ્રવેશ ન અપાયો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર શરૂ થયો દુષ્પ્રચાર- અહીં જાણો સત્ય

  ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં દિલ્હીના હૌઝ ખાસ સ્થિત આ જગન્નાથ મંદિરના સેક્રેટરી રવિન્દ્રનાથ પ્રધાને આ આરોપોને તથ્યવિહોણા ગણાવીને સાચી હકીકત જણાવી છે.

  - Advertisement -

  તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ્સ ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં નવી દિલ્હીના એક જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે જાતીય ભેદભાવ થતા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના હૌઝ ખાસ સ્થિત આ જગન્નાથ મંદિરના સેક્રેટરી રવિન્દ્રનાથ પ્રધાને આ આરોપોને તથ્યવિહોણા ગણાવીને સાચી હકીકત જણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ચાલતા દુષ્પ્રચારની પોલ ખોલી નાંખી છે, જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે દ્રૌપદી મુર્મૂ જનજાતીય સમાજથી આવતાં હોવાના કારણે તેમને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. 

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભગવાન સામે ભેદભાવનું કોઈ સ્થાન હોય ન શકે. જે પ્રકારે ઓનલાઇન પ્રોપગેન્ડા ચલાવવામાં આવી રહ્યો છે તેનાથી હું વ્યથિત છું. એક દિવસ પહેલાં જ તેમને આ બાબતની જાણકારી મળી હોવાનું કહીને તેમણે ઉમેર્યું કે, આ પ્રકારનું જુઠ્ઠાણું ફેલાવીને ભવિષ્યમાં રાષ્ટ્રપતિની કોઈ મંદિરની મુલાકાતને રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

  તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના જન્મદિવસના રોજ મંદિરના દર્શન કર્યા હતા. એ જ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પણ હતી. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ યાત્રાના સમયે પણ આવી શક્યાં હોત પરંતુ તેમણે વહેલા આવવાનો નિર્ણય લીધો હતો, જેથી તેમની ઉપસ્થિતિના કારણે શ્રદ્ધાળુઓને કોઈ પરેશાની ન થાય. તેમનો કાર્યક્રમ 5-10 મિનિટનો જ હતો, પરંતુ તેઓ અહીં 45 મિનિટ સુધી રોકાયાં હતાં. તેમણે ઉમેર્યું કે, રાષ્ટ્રપતિ દ્વારા મંદિરે આવીને ભગવાનના આશીર્વાદ લેવા એ ત્યાં હાજર લોકો માટે પણ ગૌરવની ક્ષણો હતો. 

  - Advertisement -

  રાષ્ટ્રપતિ સાથે ભેદભાવની વાત સદંતર ખોટી

  આગળ રવિન્દ્રનાથ પ્રધાને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે ભેદભાવ હોવાની વાત ખોટી છે. દર વર્ષે રથયાત્રાના દિવસે ગર્ભગૃહ માત્ર 30 મિનિટ માટે ખોલવામાં આવે છે. ભગવાનના આવાહનમાં મુખ્ય અતિથિ ભાગ લે છે અને તે સમયે માત્ર પૂજારી અને મુખ્ય અતિથિ જ ગર્ભગૃહમાં જઈ શકે છે. જ્યારે રાષ્ટ્રપતિ આવ્યાં ત્યારે અમે મંદિર પરિસરના નિયમો સાથે પ્રોટોકોલ્સનું પણ પાલન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ લાકડાની બાઉન્ડરી પાસે ઉભા રહીને પૂજા કરવાનો નિર્ણય લીધો હતો. તેમના માટે ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી પરંતુ તેમણે ઇનકાર કરીને કહ્યું કે તેઓ કાં તો ઊભાં-ઊભાં પૂજા કરશે અથવા તો ફ્રેશ પર બેસી જશે. 6 પંડિતોમાંથી 2ને તેમની નજીક જવાની પરવાનગી હતી, બાકીનાને સુરક્ષાકર્મીઓએ દૂરથી જ પૂજા કરાવવા માટે કહ્યું હતું. રવીન્દ્રનાથ પ્રધાને કહ્યું કે, જો રાષ્ટ્રપતિએ કહ્યું હોત તો અમે તેમને ગર્ભગૃહમાં લઇ ગયા હોત. 

  તેમણે ઉમેર્યું કે, આખરે તેઓ રાષ્ટ્રપતિ છે. તેમના કહેવા પર બધું જ થઇ શક્યું હોત, પણ તેમણે એવો કોઈ આગ્રહ ન કર્યો, જે મંદિરના નિયમોથી વિરુદ્ધ હોય. પૂજા દરમિયાન રવિન્દ્રનાથ પ્રધાન પણ તેમની નજીક ગયા ન હતા. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડુંગળી-લસણને સ્પર્શ પણ કરતાં નથી, આ તેમની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે. તેમણે ઓડિશાની શાન ગણાવીને કહ્યું કે, ભેદભાવનો સવાલ ક્યાંથી આવ્યો એ તેમને સમજાતું નથી. 

  અન્ય મંત્રીઓને કેમ ગર્ભગૃહમાં જવાની પરવાનગી આપવામાં આવી હતી, તેમ પૂછતાં રવિન્દ્રનાથ પ્રધાને જણાવ્યું કે, “જો તમે દિલ્હી LG, ધર્મેન્દ્ર પ્રધાન અને અન્યોની વાત કરતા હોવ તો તેઓ જે-તે યાત્રાના મુખ્ય અતિથિ હતા અને મેં કહ્યું તેમ, પુરીમાં રાજા ભગવાનની પૂજા કરીને યાત્રા માટે આવાહન કરે છે તે રીતે અહીં અમારા મુખ્ય અતિથિ આ વિધિ કરે છે. જે કોઈ મંત્રીના ગર્ભગૃહમાં ફોટા હશે તેનો અર્થ એ કે તેઓ યાત્રાના મુખ્ય અતિથિ હશે. તેમણે ઉમેર્યું કે, “તેઓ પણ આ નિયમોનું એટલું જ પાલન કરે છે અને તેમના પરિજનો પણ ગર્ભગૃહમાં પ્રવેશ કરતા નથી. ઘણાને ખબર નહીં હોય કે ભગવાનની મૂર્તિ નીચે શાલિગ્રામ પથ્થરો હોય છે અને તેને પગથી સ્પર્શ કરવું એ અપવિત્ર માનવામાં આવે છે. પુરીમાં પૈસા લઈને ગર્ભગૃહમાં પ્રવેશ અપાતો, પણ તે નિયમ ઘણા સમય પહેલાં ખતમ થઇ ગયો છે. દિલ્હીમાં પૂજા કરતા પંડિત સિવાય ગર્ભગૃહમાં કોઈ પ્રવેશતું નથી.”

  પ્રધાને કહ્યું કે, જ્યારથી તેમણે આ અફવા વિશે સાંભળ્યું છે ત્યારથી તેઓ ભગવાન જગન્નાથ પ્રાર્થના કરી રહ્યા છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સદબુદ્ધિ આપે. તેમણે કહ્યું, “મને ડર છે કે આ પ્રકારની અફવાઓના કારણે રાષ્ટ્રપતિની ભવિષ્યની મંદિર યાત્રાઓ પર પણ અસર પડશે. જો રાષ્ટ્રપતિ મુલાકાત લેતા હોય તો એ મંદિર માટે સન્માનની વાત છે. પરંતુ તમને લાગે છે કે આ પ્રકારની અફવાઓ ફેલાય તો તેઓ મંદિરે જવાનું ચાલુ રાખશે? જો તેઓ મંદિરે ન જવાનો નિર્ણય કરે તો એ દુઃખદ હશે. તેમણે એક શ્રદ્ધાળુ તરીકે મંદિરે જવાનું ચાલુ રાખવું જોઈએ. 

  સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો દુષ્પ્રચાર

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 20 જૂન, 2023ના રોજ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવાની શરૂ થઇ ગઈ કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. દાવા કરવામાં આવ્યા કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગર્ભગૃહમાં પ્રવેશ ન અપાયો પણ અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા મંત્રીઓને પૂજા કરવા દેવામાં આવી હતી. 

  ‘ધ દલિત વૉઇસ’ નામના ટ્વિટર હેન્ડલે એક તરફ ગર્ભગૃહમાં પૂજા કરતા મંત્રીઓનો અને બીજી તરફ ગર્ભગૃહની બહાર ઊભેલાં રાષ્ટ્રપતિનો ફોટો મૂકીને એવું દર્શાવવાના પ્રયાસ કર્યા કે રાષ્ટ્રપતિ સાથે ભેદભાવ થયો હતો. 

  પ્રોપગેન્ડા પોસ્ટ્સ માટે જાણીતા દિલીપ મંડલે આ જ બાબતનો ઉલ્લેખ કરીને લખ્યું કે, દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિને બહારથી ઉભા રહીને પૂજા કરવી પડી. તેમણે પૂજારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી દીધી હતી. 

  એક વ્યક્તિએ લખ્યું કે, લાકડાની બાઉન્ડ્રી રાષ્ટ્રપતિ માટે જ મૂકવામાં આવી હતી અને ઉમેર્યું કે, ભારતમાં જાતિના આધારે જ સન્માન આપવામાં આવે છે. 

  આ ટ્વિટ્સમાં મંત્રીઓના જે ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો એ 2020 અને 2021ની રથયાત્રાનો વખતના છે. આ કિસ્સાઓમાં મંત્રીઓ મુખ્ય અતિથિ તરીકે ભગવાનની પૂજા કરવા માટે ગર્ભગૃહમાં પહોંચ્યા હતા. પુરીના જગન્નાથ મંદિરે રાજા પૂજા કરે છે, જ્યારે અન્ય મંદિરોમાં મુખ્ય અતિથિઓ આ વિધિ પૂર્ણ કરે છે. રથયાત્રાના દિવસે જેઓ પૂજા કરે તેમને જ ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે અને 30 મિનિટમાં પૂજા પૂર્ણ થયા બાદ ફરી બંધ કરી દેવાય છે. જો રાષ્ટ્રપતિ આવાહન સમયે આવ્યાં હોત તો તેમણે પણ ગર્ભગૃહમાં જઈને પૂજા કરી હોત.  

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં