Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘પીએમ મોદીએ રાજસ્થાનના મંદિરમાં દાન કર્યા હતા માત્ર 21 રૂપિયા’: વાયરલ વીડિયોના...

    ‘પીએમ મોદીએ રાજસ્થાનના મંદિરમાં દાન કર્યા હતા માત્ર 21 રૂપિયા’: વાયરલ વીડિયોના આધારે દાવો, જાણીએ શું છે હકીકત

    મુદ્દો ચર્ચામાં આવ્યો 2 દિવસ પહેલાં, જ્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં મંદિરના પૂજારી અમુક લોકોની હાજરીમાં મંદિરનું દાનપાત્ર ખોલે છે, જેમાંથી ત્રણ કવર નીકળે છે. પૂજારી દાવો કરે છે કે સફેદ રંગનું અવર પીએમ મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં દાનપત્રમાં નાખ્યું હતું અને તેને ખોલવા પર તેમાંથી 21 રૂપિયા નીકળ્યા છે.

    - Advertisement -

    છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં એક સમાચાર બહુ વાયરલ થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજસ્થાનના ભીલવાડાના એક મંદિરમાં પીએમ મોદીએ માત્ર 21 રૂપિયા દાન કર્યા હતા. એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે. લોકો જાતજાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે. પરંતુ હકીકત એ નથી જે બતાવવામાં આવી રહી છે. 

    આ મુદ્દો ચર્ચામાં આવ્યો 2 દિવસ પહેલાં, જ્યારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં મંદિરના પૂજારી અમુક લોકોની હાજરીમાં મંદિરનું દાનપાત્ર ખોલે છે, જેમાંથી ત્રણ કવર નીકળે છે. પૂજારી દાવો કરે છે કે સફેદ રંગનું અવર પીએમ મોદીએ આ વર્ષે જાન્યુઆરીમાં દાનપત્રમાં નાખ્યું હતું અને તેને ખોલવા પર તેમાંથી 21 રૂપિયા નીકળ્યા છે. ત્રણ કવરમાંથી એકમાં 21, બીજામાં 2100 અને ત્રીજામાં 121 રૂપિયા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો. પૂજારી કહે છે, “વીડિયોમાં જે થોડુંઘણું દેખાયું હતું, તેમાં સફેદ વસ્તુ દેખાય છે. બાકીનાં બે કવર સફેદ નથી, આ એક સફેદ છે, જે તમારી સામે જ ખોલ્યું અને તેમાંથી 21 રૂપિયા મળી આવ્યા છે.” 

    રાજસ્થાન કોંગ્રેસ નેતા ધીરજ ગુર્જરે આ વીડિયો 25 સપ્ટેમ્બરના રોજ શૅર કરીને પીએમ મોદીને ટેગ કરીને લખ્યું કે, ‘ગુર્જર સમાજ એક સીધી, સાચી, ઈમાનદાર, સરળ અને સ્વાભિમાની કોમ છે અને કોઇ પણ સમાજને આ રીતે છેતરવો એ સારી બાબત નથી.’ આગળ લખ્યું કે, દેવધામ ભીલવાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પીએમ મોદીએ ગુર્જર સમાજને કહ્યું હતું કે તેમણે તેમને જે આપવાનું હતું એ દાનપાત્રમાં નાખી દીધું છે. પરંતુ આજે દાનપેટી ખોલી તો તેમાંથી કવરમાંથી 21 રૂપિયા મળ્યા છે. ત્યારબાદ તેમણે કટાક્ષ કર્યો કે ‘શું આ જ ગુર્જર સમાજને આપેલી ભેટ છે?’

    - Advertisement -

    ત્યારબાદ પણ આ પ્રકારની અનેક પોસ્ટ્સ જોવા મળી, જેમાં આ જ પ્રકારના દાવા કરવામાં આવ્યા હોય. એટલું જ નહીં, મીડિયામાં પણ આ પ્રકારની ખબરો જોવા મળી. 

    વાયરલ વીડિયોના આધારે મીડિયામાં પ્રકાશિત સમાચારો

    ગુજરાતી મીડીયામાં પણ આ પ્રકારના દાવા જોવા મળ્યા. ‘વાઇબ્સ ઑફ ઇન્ડિયા’એ ‘રાજસ્થાનમાં ગુર્જર મંદિરમાં દાનનો વિવાદ : પૂજારીનો દાવો, PM મોદીએ માત્ર રૂ. 21નું દાન કર્યું’ હેડલાઈન સાથે સમાચાર પ્રકાશિત કર્યા અને પૂજારીને ટાંકીને દાવો કર્યો કે પીએમ મોદીએ માત્ર 21 રૂપિયા દાન કર્યું હતું.

    વાસ્તવિકતા શું છે?

    એ સાચું છે કે 28 જાન્યુઆરી, 2૦23ના રોજ પીએમ મોદી રાજસ્થાનના ભીલવાડા સ્થિત માલાસેરી ડુંગરી મંદિરની મુલાકાતે ગયા હતા. અહીં ભગવાન દેવનારાયણના 1111મા અવતરણ મહોત્સવ પર વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વડાપ્રધાને પણ ભાગ લીધો હતો. મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી તેમજ એક જનસભા પણ સંબોધી હતી. વીડિયોમાં જે દાન આપવાની વાત થાય છે તે તેમણે આ જ મુલાકાત દરમિયાન આપ્યું હતું. જેથી પીએમ મોદીએ દાનપત્રમાં દાન આપ્યું હતું તે વાત પણ સાચી છે, પરંતુ 21 રૂપિયાવાળી વાત સાચી નથી. 

    પીએમ મોદીના આ કાર્યક્રમ દરમિયાનનાં તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. પીએમ મોદીએ જે સમયે દાનપત્રમાં દાન આપ્યું હતું ક્ષણો પણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેને ધ્યાનથી જોતાં જણાશે કે પીએમ મોદીએ રૂપિયાની નોટ દાનપાત્રમાં નાખી હતી. વીડિયોમાં ક્યાંય પણ કોઇ પણ કવર જોવા મળતું નથી. પૂજા બાદ વડાપ્રધાન હાથમાં રહેલી રૂપિયાની નોટો દાનપાત્રમાં નાખે છે અને નોંધવા જેવી બાબત એ છે કે આ સમયે પૂજારી તેમની પાછળ જ ઊભેલા દેખાય છે. આ એ જ પૂજારી છે જેમણે હાલ દાવો કર્યો છે કે પીએમ મોદીના કવરમાંથી 21 રૂપિયા મળ્યા છે. 

    વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીએ કોઈ કવર દાનપાત્રમાં નાખ્યું ન હતું. ઉપરાંત, હાલ 20 રૂપિયાની નોટ બતાવીને દાવો કરવામાં આવે છે કે તેમણે આ નોટ દાનપાત્રમાં નાખી હતી, પરંતુ વીડિયોમાં જે જોવા મળે છે તે અનુસાર વડાપ્રધાને 20 રૂપિયાની નોટ નાખી જ ન હતી. તેમણે જે રકમ નાખી હતી તેને કોઇ પણ રીતે ગણી શકાય તેમ નથી. દાનપાત્ર ખોલ્યા બાદ પણ તેમાંથી પીએમ મોદીએ કઈ નોટો નાખી હતી તે સ્વાભાવિક રીતે કહી શકાય નહીં. તેમ છતાં આઠ મહિના પછી એક વીડિયો વાયરલ થાય છે અને તેને લઈને દાવો કરવામાં આવે છે કે પીએમ મોદીએ માત્ર 21 રૂપિયા દાન કર્યા હતા. જે કોઇ રીતે સત્ય નથી. 

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે પીએમ મોદીને ટાર્ગેટ કરીને આ પ્રકારનાં જુઠ્ઠાણાં ચલાવીને રાજકીય લાભો મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં