Friday, April 26, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકશું પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કર્યું?: આપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા વાયરલ...

    શું પીએમ મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અપમાન કર્યું?: આપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા વાયરલ કરવામાં આવેલા વિડીયોનું ફેક્ટચેક

    આ અધૂરી વિડીયો ક્લિપ આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓના કેટલાક નેતાઓ, સાંસદો તેમજ અન્યોએ શૅર કરીને મજાક ઉડાવી હતી તો કોઈકે કહ્યું હતું કે કાર્યકાળ પૂર્ણ થઇ ગયા બાદ વડાપ્રધાન રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છે. 

    - Advertisement -

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂર્ણ થતો હોઈ ગઈકાલે તેમના માટે સંસદ ભવન ખાતે વિદાય સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓ, વિપક્ષ નેતાઓ, સાંસદો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનો એક વિડીયો આજે સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ અધૂરો વિડીયો શૅર કરીને પીએમ મોદીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હોવાની વાતો વહેતી મૂકવામાં આવી છે. 

    આ અધૂરી વિડીયો ક્લિપ આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓના કેટલાક નેતાઓ, સાંસદો તેમજ અન્યોએ શૅર કરીને મજાક ઉડાવી હતી તો કોઈકે કહ્યું હતું કે કાર્યકાળ પૂર્ણ થઇ ગયા બાદ વડાપ્રધાન રાષ્ટ્રપતિનું અપમાન કરી રહ્યા છે. 

    આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ટ્વિટર પર એક 14 સેકન્ડનો વિડીયો શૅર કર્યો હતો. જેની સાથે તેમણે કટાક્ષ કરતી ટિપ્પણી પણ કરી હતી. અહીં નોંધવું જોઈએ કે ફેક ન્યૂઝ ફેલાવવામાં આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહનું નામ ઘણીવાર આવી ચુક્યું છે. તાજેતરમાં જ તેમણે સેનાની ભરતીને લઈને પણ ખોટા સમાચારો ફેલાવ્યા હતા. 

    - Advertisement -

    સંજય સિંહ બાદ આમ આદમી પાર્ટીના પ્રવક્તા સર્વેશ મિશ્રાએ પણ આ જ વિડીયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. આ ઉપરાંત, અન્ય પણ ટિપ્પણીઓ કરી હતી.

    ઉપરાંત, કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા વિપિન યાદવે પણ એનાથી નાનો માત્ર 6 સેકન્ડનો વિડીયો શૅર કરીને પીએમ મોદીની મજાક ઉડાવી હતી. 

    કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજ દ્વારા સંચાલિત સંગઠન ઑલ ઇન્ડિયા પરિસંઘના અધિકારીક ટ્વિટર હેન્ડલ પરથી પણ આ વિડીયો શૅર કરવામાં આવ્યો અને જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી હતી. 

    સમારોહના ફૂટેજમાંથી માત્ર એક નાનો હિસ્સો લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો કરી દીધો હતો અને પીએમ મોદીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ અસત્ય લાંબો સમય ટક્યું ન હતું અને નેટિઝન્સે આખો વિડીયો શૅર કરીને આ જુઠ્ઠાણાંની પોલ ખોલી હતી. 

    સમારોહના અધિકારીક વિડીયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંનેએ એકબીજાનું અભિવાદન કર્યું હતું. વડાપ્રધાનનું અભિવાદન કર્યા બાદ રાષ્ટ્રપતિએ પીએમની પાછળ ઉભેલા કોઈક વ્યક્તિ સાથે ટૂંકી વાતચીત કરી હતી. દરમિયાન, વડાપ્રધાનનું ધ્યાન જમણી તરફ ગયું હતું. વાયરલ વિડીયો કલીપમાં આ જ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, જે બાદ જોવા મળે છે કે તરત વડાપ્રધાન રાષ્ટ્રપતિની પાછળ આવતા ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળ્યા હતા. 

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના સમગ્ર કાર્યકાળ દરમિયાન નેતાઓ-સાંસદોને પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતમાં કામ કરવાનો સંદેશ આપતા રહ્યા, પરંતુ વિપક્ષી પાર્ટીઓ સતત આવાં કામોમાં જ વ્યસ્ત રહી. હવે, જ્યારે રાષ્ટ્રપતિ સેવાનિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે પણ તેમણે આ સિલસિલો જાળવી રાખ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં