Sunday, April 2, 2023
More
  હોમપેજફેક્ટ-ચેકશું સ્મશાનની વિધિ પર પણ GST લાગ્યો? ગુજરાતના જાણીતા પત્રકારની ટ્વિટનો જવાબ...

  શું સ્મશાનની વિધિ પર પણ GST લાગ્યો? ગુજરાતના જાણીતા પત્રકારની ટ્વિટનો જવાબ આપીને PIBએ દુષ્પ્રચાર ખુલ્લો પાડ્યો

  પોતાને ન્યૂઝવ્યૂઝ ડોટ કોમના એડિટર ગણાવતા ગુજરાતના જાણીતા પત્રકાર ડૉ. ધીમંત પુરોહિતે 18 જુલાઈના રોજ એક ટ્વિટ કર્યું હતું અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્મશાન સેવાઓ પર 18 ટકા જીએસટી લાગુ પડશે. 

  - Advertisement -

  દેશમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જીએસટીને લઈને ચર્ચા ચાલે છે ત્યારે એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે સ્મશાનમાં થતી અંતિમવિધિ માટેની સેવાઓ ઉપર પણ જીએસટી લાગુ કરવામાં આવશે. જોકે, ભારત સરકારે સ્મશાન સેવાઓ પર જીએસટી લાગુ થવાના દાવા કરતા આ તમામ અહેવાલોને ખોટા ઠેરવ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે આ દાવા ભ્રામક અને તથ્યહીન છે. 

  ગત 29 જૂને 47મી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, રસ્તા, પુલ, રેલવે, મેટ્રો, એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્મશાન વગેરેના વર્ક કોન્ટ્રાકટ પર લાગુ જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. આ ઘોષણા બાદ અમુક પત્રકારો અને વિપક્ષના નેતાઓએ આનું ઊંધું અર્થઘટન કરીને ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા. 

  પત્રકાર ધીમંત પુરોહિતના ટ્વિટનો સ્ક્રીનશોટ (Source: Twitter)

  અમદાવાદ સ્થિત ન્યૂઝવ્યૂઝ ડોટ કોમના એડિટર અને ગુજરાતના જાણીતા પત્રકાર ડૉ. ધીમંત પુરોહિતે 18 જુલાઈના રોજ એક ટ્વિટ કર્યું હતું અને જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્મશાન સેવાઓ પર 18 ટકા જીએસટી લાગુ પડશે. જોકે, હવે તેમની પ્રોફાઈલ પર આ ટ્વિટ દેખાઈ રહ્યું નથી.

  - Advertisement -

  આ ઉપરાંત, અખબાર ગુજરાત સમાચાર જૂથની ચેનલ GSTVના ફેસબુક પેજ પરથી પણ ભ્રામક સમાચારો શૅર કરવામાં આવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, ‘સરકાર મર્યા બાદ પણ શાંતિથી સળગવા નહીં દે, લાકડા પર 18 ટકા જીએસટી. જે બાદ પોસ્ટમાં લોકોના ખભે બંદૂક ફોડી સરકારને આડેહાથ લેવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

  ત્યારબાદ કર્ણાટકના કોંગ્રેસ ધારાસભ્ય પ્રિયાંક ખડગેએ પણ એક ટ્વિટ કરીને ભાજપ સરકાર અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, ભાજપ સરકાર તમને શાંતિથી મરવા પણ નહીં દે. આ સાથે તેમણે એક ન્યૂઝ આર્ટિકલ શૅર કર્યો હતો. જોકે, તે લેખમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સેવાઓ પર નહીં પરંતુ બાંધકામના કોન્ટ્રાક્ટ પર જીએસટી લાગુ કરવામાં આવશે. 

  ત્યારબાદ અન્ય કેટલાક સોશિયલ મીડિયા યુઝરોએ પણ આ જ દાવા સાથે ટ્વિટ શૅર કર્યાં હતાં. 

  સોશિયલ મીડિયા પર આ ખોટા સમાચાર વાયરલ થયા બાદ ભારત સરકાર તરફથી સ્પષ્ટતા કરવી પડી હતી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટચેકિંગ માટેના ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી. પીઆઈબીએ જણાવ્યું કે, સ્મશાન કે શબઘરની સેવાઓ ઉપર કોઈ જીએસટી લાગુ કરવામાં આવ્યો નથી અને આ દાવા ભ્રામક છે. એ પણ જણાવવામાં આવ્યું કે, જીએસટી સેવાઓ પર નહીં પરંતુ બાંધકામના વર્ક કોન્ટ્રાક્ટ પર લાગુ કરવામાં આવશે. 

  જીએસટી એક્ટ 2017ના શેડ્યુલ 3ના સેક્શન 7(4) માં આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અંતિમવિધિ, દફનવિધિ, સ્મશાન કે શબઘરની સેવાઓ તેમજ ટ્રાન્સપોર્ટેશનને જીએસટીમાંથી બાકાત રાખવામાં આવે છે. આ પહેલાં સ્મશાનના બાંધકામના કોન્ટ્રાક્ટ પર 12 ટકા જીએસટી લાગુ કરવામાં આવતો હતો, જે જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજ્યોની સંમતિથી 18 ટકા કરવામાં આવ્યો છે. 

  (સાભાર: નાણામંત્રાલય)

  જોકે, આ બેઠક બાદ થયેલી જાહેરાતને ફેરવી-તોળીને તેને જુદી રીતે રજૂ કરવામાં આવી હતી. પરંતુ આખરે પીઆઈબીએ સ્પષ્ટતા કરી છે. 

  આથી, સ્મશાન સેવાઓ પર 18 ટકા જીએસટી લાગુ થશે તેવા દાવા ભ્રામક અને ખોટા ઠરે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં