Thursday, May 2, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકRSS યુનિફોર્મમાં ઉભેલા ભાજપ નેતા અને તેમના પુત્રનો ફોટો ફરતો કર્યો, ગણાવી...

    RSS યુનિફોર્મમાં ઉભેલા ભાજપ નેતા અને તેમના પુત્રનો ફોટો ફરતો કર્યો, ગણાવી દેવાયા મણિપુર કાંડના મુખ્ય આરોપી: સોશિયલ મીડિયામાં વામપંથી ગેંગનો દુષ્પ્રચાર- વિગતો

    ભાજપ નેતાએ મણિપુરના DGPને પત્ર લખ્યો, તેમને અને RSSને બદનામ કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ.

    - Advertisement -

    તાજેતરમાં મણિપુરનો એક ઘૃણાસ્પદ વિડીયો વાયરલ થયો હતો, જેમાં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી અને ત્યારબાદ ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. આ વિડીયોએ આખા દેશને હચમચાવી મૂક્યો. બીજી તરફ પોલીસે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરી છે. એક તરફ આ મુદ્દો ચર્ચામાં છે તો બીજી તરફ મણિપુરની આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર વામપંથીઓએ ફેક ન્યૂઝ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. 

    સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ્સ શૅર કરવામાં આવી રહી છે, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ગણવેશ (સફેદ શર્ટ+ખાખી પેન્ટ) પહેરેલા બે વ્યક્તિઓ જોવા મળે છે. તેમની તસ્વીર શૅર કરીને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ મણિપુરના ભયાનક કાંડના આરોપીઓ છે. 

    સોશિયલ મીડિયા પર આવી અનેક પોસ્ટ જોવા મળી જેમાં આ બંનેની તસ્વીર સાથે ખોટી માહિતી ફેલાવવામાં આવી હોય. એક ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, મણિપુરની યુવતીઓ સાથે બળાત્કાર અને નગ્ન પરેડ પાછળ RSS-BJPની જોડી છે.’ આ દુષ્પ્રચાર ફેલાવવામાં વામપંથી નેતાઓ પણ પાછળ નથી. CPI(M) નેતા અને પૂર્વ સાંસદ સુભાષિની અલીએ ભાજપ નેતા અને તેમના પુત્રની RSSના યુનિફોર્મની તસ્વીર સાથે મણિપુરના વાયરલ વિડીયોના સ્ક્રીનશોટ શૅર કર્યા અને સાથે લખ્યું કે, ‘તેઓ મણિપુરના આરોપીઓ છે. કપડાં પરથી તેમને ઓળખી કાઢો.’ 

    - Advertisement -

    આ ટ્વિટને ક્વોટ કરીને CPI(M) મહારાષ્ટ્રના ટ્વિટર અકાઉન્ટ પરથી પણ એક ટ્વિટ કરવામાં આવ્યું, જેમાં પીએમ મોદીને ટેગ કરીને લખવામાં આવ્યું કે શું તેઓ આ આરોપીઓને કપડાં પરથી ઓળખી શકે? ત્યારબાદ એમ પણ દાવો કરવામાં આવ્યો કે તેઓ મણિપુરની ઘૃણાસ્પદ ઘટનાના આરોપીઓ છે. 

    તેલુગુ ભાષામાં કરવામાં આવેલા એક ટ્વિટમાં ભાજપ નેતા અને પુત્રની તસ્વીર પોસ્ટ કરીને લખવામાં આવ્યું, ‘ જુઓ, આ સંસ્કારી લોકો… આ એ જ બે આરોપીઓ છે જેમણે મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવી હતી.’ 

    શું છે સત્ય?

    જે બે વ્યક્તિઓની તસ્વીર મણિપુરની ઘટના સાથે જોડીને શૅર કરવામાં આવી રહી છે તે પિતા-પુત્ર છે. તેમાં જે પિતા છે એ મણિપુર ભાજપના ઉપ-પ્રમુખ છે. તેઓ RSS સાથે પણ સંકળાયેલા છે. પરંતુ દેખીતી રીતે મણિપુરની ઘટનામાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમની અને તેમના પુત્રની તસ્વીરને શૅર કરીને ખોટી રીતે મણિપુરની ઘટના સાથે જોડવામાં આવી રહ્યા છે. 

    ટ્વિટર હેન્ડલ ‘Bunch Of Thoughts’ પરથી ટ્વિટ કરીને આ ફેક ન્યૂઝનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેની સાથે એક સ્ક્રીનશોટ પણ જોડવામાં આવ્યો હતો, જેમાં પણ ભાજપ નેતા અને તેમના પુત્ર પર આરોપ લગાવવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે મણિપુરની યુવતીઓ સાથે બળાત્કાર અને નગ્ન પરેડ પાછળ RSS-ભાજપની જોડી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ આ ઘટનામાં કોઈ પણ રીતે સંડોવાયેલા નથી.

    મણિપુરની ઘટના પર ફેક ન્યૂઝ અને દુષ્પ્રચાર ફેલાવાનો શરૂ થયા બાદ ભાજપ નેતાએ પણ જવાબ આપ્યો હતો. તેમણે એક ટ્વિટના રિપ્લાયમાં કહ્યું કે, ‘તમે શા માટે મારા અને મારા પુત્રના ફોટાનો ઉપયોગ કરી રહ્યા છો? આપણે હવે કોર્ટમાં મળીશું. આ પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવા બદલ હું માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છું. હું ચિદાનંદ સિંઘ, મણિપુર ભાજપનો ઉપપ્રમુખ છું અને મારો પરિવાર ક્યારેય આવા ઘૃણાસ્પદ ગુનામાં સામેલ રહ્યો નથી.’ 

    તેમણે મણિપુર રાજ્ય પોલીસ વડા (DGP)ને પણ એક પત્ર લખ્યો હતો અને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે લખ્યું કે તેમનો અને તેમના પુત્રનો ફોટો તેમના ફેસબુક પેજ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફેસબુક અને ટ્વિટર પર અમુક અકાઉન્ટ્સ દ્વારા ફરતો કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, આ ઘટના સાથે તેમને કે તેમના પરિવારને  કશું જ લાગતું-વળગતું નથી અને આ તેમને અને RSSને બદનામ કરવાનો પ્રયાસ છે. જેથી આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં