નવરાત્રિના પહેલા દિવસે કોંગ્રેસે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. તેમાં 144 ઉમેદવારોનાં નામ છે. જોકે, આ લિસ્ટ સામે આવ્યાના થોડા સમય બાદ હોબાળો મચી ગયો જ્યારે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંઘનું કથિત રાજીનામું સોશિયલ મીડિયામાં વાયરલ થયું.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘનું આ ‘રાજીનામું’ વાયરલ થયા બાદ બાદ સોશિયલ મીડિયા પર તે પ્રશ્ન પૂછવાનું ચાલુ થયું કે, શું મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંઘે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે? આ એટલા માટે પૂછવામાં આવી રહ્યું છે કારણે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાજીનામાંની વાત કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવા અંગે દિગ્વિજય સિંઘનો એક પત્ર ખૂબ વાયરલ થયો હતો.
વાયરલ થયેલા લેટરમાં લખ્યું છે કે, “પાંચ દાયકાની મારી રાજકીય સફરમાં કોંગ્રેસમાં રહીને મને ઘણા અનુભવો મળ્યા. એક સામાન્ય કાર્યકર્તાથી લઈને એક પ્રદેશના મુખ્યમંત્રી સુધીની સફર મેં કોંગ્રેસ પાર્ટીમાં રહીને પૂર્ણ કરી. પાર્ટીએ મને રાષ્ટ્રીય મહાસચિવથી લઈને રાજ્યસભાના સભ્ય જેવાં મહત્વનાં પદ પર લાવવાનું કામ કર્યું, જેના માટે હું આજીવન આભારી રહીશ. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી શીર્ષ નેતૃત્વની ઉદાસીનતા જોઈને મને દુખ થયું છે. મધ્ય પ્રદેશમાં પાર્ટી કાર્યકર્તા કેન્દ્રિત દળ ન બનીને હવે વિશેષ નેતા કેન્દ્રિત થઈ ગઈ છે. જેના કારણે હું મારી જાતને અસહજ અનુભવું છું.”
પત્રમાં આગળ જણાવાયું હતું કે, “મધ્ય પ્રદેશની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગીમાં મારા દ્વારા આપવામાં આવેલાં નામોને ધ્યાનમાં લેવામાં આવ્યાં નથી. નિષ્ઠાવાન કાર્યકરોને પ્રાધાન્ય ન આપવાથી મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. હું હવે એવા તબક્કે પહોંચી ગયો છું જ્યાં મને લાગે છે કે હું હવે આવા અન્યાયપૂર્ણ વાતાવરણમાં રહી શકતો નથી.” આગળ લખવામાં આવ્યું કે, “હું એ તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું જેમણે વર્ષોથી મારી વિવિધ પાર્ટીની ભૂમિકામાં મારુ સમર્થન કર્યું છે. ભારે હ્રદય સાથે હું પાર્ટી સાથેના મારા જોડાણને સમાપ્ત કરવાનો નિર્ણય જાહેર કરું છું. હું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું. તેને સ્વીકારો.”
રાજીનામાંને લઈને શું બોલ્યા દિગ્વિજય સિંઘ?
જોકે, આ પત્ર વાયરલ થયાના થોડા સમય બાદ તેમણે આ પત્ર ફેક હોવાનું જણાવ્યું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની વાતને જૂઠી ગણાવી હતી. દિગ્વિજય સિંઘે કોંગ્રેસમાંથી રાજીનામાંની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.
भाजपा @BJP4India झूठ बोलने में माहिर है। मैंने १९७१ में कांग्रेस की सदस्यता ली थी। पद के लिए नहीं बल्कि विचारधारा से प्रभावित हो कर जुड़ा था और जीवन की आख़िरी साँस तक कांग्रेस में रहूँगा।
— digvijaya singh (@digvijaya_28) October 15, 2023
इस झूठ की मैं पुलिस में शिकायत दर्ज कर रहा हूँ। @INCIndia @DGP_MP pic.twitter.com/X1AjVQBXvb
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘે રાજીનામાંની વાતને નકારતા કહ્યું કે ભાજપ જૂઠું બોલવામાં નિપુણ છે. મેં 1971માં કોંગ્રેસની સદસ્યતા લીધી હતી. પદ માટે નહીં, પરંતુ વિચારધારાથી પ્રભાવિત થઈને જોડાયો હતો અને જીવનના અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ. હું આ જુઠ્ઠાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યો છું.”
आख़िरी सांस तक कांग्रेस में रहूँगा : दिग्विजय सिंह
— Piyush Babele||पीयूष बबेले (@BabelePiyush) October 15, 2023
भाजपा ने आज दिग्विजय सिंह जी का फर्जी इस्तीफ़ा वायरल किया था। pic.twitter.com/V8CNAUCUvZ
@DGP_MP महोदय क्या आप इन झूठे लोगों पर FIR दर्ज़ करेंगे? @INCMP @BJP4India pic.twitter.com/4o54AeSvpl
— digvijaya singh (@digvijaya_28) October 15, 2023
કોંગ્રેસ નેતાએ આ મામલે DGP મધ્ય પ્રદેશને પત્ર લખીને FIR નોંધવા કહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ફરિયાદ પોસ્ટ કરતાં લખ્યું કે, “મહોદય, શું તમે આ જુઠા લોકો સામે FIR દાખલ કરશો?”
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંઘ 1993થી 2003 એમ બે ટર્મ માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલ તેઓ રાજ્યસભા સાંસદ છે. 2019માં ભોપાલ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ ભાજપનાં પ્રજ્ઞા ઠાકુર સામે હાર ચાખવી પડી હતી.