લદાખ લોકસભા બેઠક પરથી ભાજપે સિટિંગ સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલને સ્થાને અન્ય નેતાને ટીકીટ આપ્યા બાદ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીના સમર્થકોએ સોશિયલ મીડિયા પર અપપ્રચાર શરૂ કરી દીધો છે. તેમના નામે ખોટાં નિવેદનો ફેરવવામાં આવી રહ્યાં છે, જેને લઈને ભાજપ નેતાએ પોતે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે તેમણે ક્યારેય આવું કહ્યું નથી અને પોતે ભાજપમાં જ રહેશે.
સોશિયલ મીડિયા પર ઘણાં કોંગ્રેસ સમર્થક અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને ભાજપ નેતા જામયાંગ ત્સેરિંગના નામે નિવેદન ચડાવી દેવામાં આવ્યું. નિવેદન આ પ્રકારે છે: ભાજપમાં સામેલ થવું અને મોદીનું સમર્થન કરવું મારો સૌથી ખરાબ નિર્ણય હતો. મને તેમની રણનીતિ વિશે ખબર ન હતી. લદાખના લોકો મને કૃપા કરીને માફ કરે.”
I want to clarify that I never said these words. I strongly condemn those spreading false statements by misusing my name. As a loyal BJP Karyakarta, I've always admired our most dynamic leader Sh. Narendra Modi Ji and all our leadership. https://t.co/IPxsFIXCTr
— Jamyang Tsering Namgyal (Modi Ka Parivar) (@jtnladakh) April 25, 2024
આ બાબતે તેમણે પોતે સ્પષ્ટતા કરી છે. ભાજપ નેતાએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા માંગું છું કે મેં ક્યારેય આ શબ્દો કહ્યા નથી. મારા નામનો દુરુપયોગ કરીને ખોટાં નિવેદનો ફેલાવવામાં આવી રહ્યાં છે, જેને હું વખોડી કાઢું છું. એક વફાદાર ભાજપ કાર્યકર્તા તરીકે હું હંમેશા અમારા નેતા નરેન્દ્ર મોદીજી અને તેમના નેતૃત્વનું સન્માન કરતો આવ્યો છું.”
ઉલ્લેખનીય છે કે ભાજપે નામગ્યાલને સ્થાને અન્ય એક નેતાને અહીંથી ટીકીટ આપતાં વર્તમાન સાંસદ નારાજ થયા હોવાના અહેવાલો ફરતા થયા હતા. તેમના જે નિવેદનને ટાંકવામાં આવ્યું, તેમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપે પારદર્શક પદ્ધતિ વગર નવા ઉમેદવારની પસંદગીનો નિર્ણય લીધો છે. તેમણે પાર્ટી નેતૃત્વ સમક્ષ અસહમતિ દર્શાવી છે અને કાર્યકર્તાઓનો અવાજ પહોંચાડ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે પરિસ્થિતિનું આકલન કરીને ચર્ચા કર્યા બાદ આગળ શું કરવું તે નક્કી કરીને લદાખના લોકોના હિતમાં નિર્ણય કરીશું.
તેમના નિવેદન બાદ ચર્ચા ચાલતી હતી કે સંભવતઃ જામયાંગ ત્સેરિંગ કોઇ નિર્ણય કરશે, પણ તેમણે પોસ્ટ કરીને તમામ શંકા-કુશંકાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
નોંધવું જોઈએ કે જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ એ જ નેતા છે, જેઓ આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ સંસદમાં તેમણે આપેલા ભાષણને લઈને દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે ધારા હટાવવાના મોદી સરકારના નિર્ણયનું પુરજોર સમર્થન કરીને કોંગ્રેસની ભરી સભામાં ઝાટકણી કાઢી હતી. પછીથી ભાજપના અનેક મોટા નેતાઓએ તેમની પ્રશંસા કરી હતી તો સોશિયલ મીડિયા પર પણ તેમનું સંબોધન ખૂબ વાયરલ થયું હતું.