Monday, May 6, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં 5 વાગ્યા પછી 16 લાખથી વધુ લોકોએ મતદાન...

    ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં 5 વાગ્યા પછી 16 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું? શું છે વાયરલ થઇ રહેલા દાવાનું સત્ય- ફેક્ટચેક

    ઘણા યુઝરો આ દાવો કરીને બીજા તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ પણ મોટી સંખ્યામાં મતદાન થયું હોવાનું કહીને સંશય પેદા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર ગુજરાત ચૂંટણીને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે બીજા તબક્કાના મતદાનમાં પાંચ વાગ્યા પછી 16 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. ઘણા યુઝરો આ દાવો કરીને બીજા તબક્કામાં સમય પૂર્ણ થયા બાદ પણ મોટી સંખ્યામાં મતદાન થયું હોવાનું કહીને સંશય પેદા કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

    ટ્વિટર પર કોંગ્રેસ સમર્થક યુઝર અચલ શાહે એક ટ્વિટમાં આ દાવો કર્યો હતો. જેમાં તેમણે ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં પાંચ વાગ્યા પછી 16 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હોવાનો દાવો કરીને સવાલ ઉભા કર્યા હતા. 

    અન્ય પણ કેટલાક યુઝરોએ આ પ્રકારના દાવા કર્યા હતા. 

    - Advertisement -

    બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાને આવ્યું કે અખબાર ‘ધ હિન્દુ’એ 10 ડિસેમ્બરના રોજ ચૂંટણી પંચના આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં મતદાન 6.5 ટકા જેટલું વધ્યું હતું. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું કે પાંચ વાગ્યા પછી લગભગ 16 લાખ લોકોએ મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના પ્રારંભિક ડેટા અનુસાર, 93 વિધાનસભાઓમાં 58.8 ટકા મતદાન થયું હતું. પરંતુ પછીથી જ્યારે નવો ડેટા સામે આવ્યો, તેમાં આ ટકાવારી 65.3 ટકા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પહેલા તબક્કાના પ્રારંભિક આંકડાઓ અનુસાર, મતદાન 60.11 ટકા થયું હતું, પરંતુ ચૂંટણી પંચે પછીથી જારી કરેલા આંકડાઓમાં આ મતદાન 63.14 ટકા હોવાનું જણાવાયું હતું. પરંતુ ‘ધ હિન્દુ’એ એ નહીં જણાવ્યું કે આવું શા માટે થયું હતું. 

    ત્યારબાદ 12 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ નેતા પવન ખેડાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મીડિયા સામે નિવેદનમાં તેમણે કહ્યું કે, આ વધારો અસામાન્ય હતો. કોંગ્રેસે એવો પણ દાવો કર્યો કે, “એક મતદારને મત આપવા માટે 60 સેકન્ડ લાગે છે. પરંતુ ચૂંટણી પંચના તાજા ડેટા અનુસાર, મતદારોએ આ પ્રક્રિયા 25-30 સેકન્ડમાં જ પૂરી કરી લીધી હતી. જે માણસમાત્ર માટે અશક્ય છે.”

    આમાં ‘અસામાન્ય’ જેવું કંઈ નથી 

    પ્રથમ દ્રષ્ટિએ ભલે આ બાબત અસામાન્ય લાગે પરંતુ આમાં ‘અસામાન્ય’ જેવું કશું નથી. મતદાન પૂર્ણ થયા બાદ આ વધારો એટલા માટે જણાયો હતો કારણ કે દરેક મતદાન મથકેથી ટકાવારી મોકલવામાં સમય લાગતો હોય છે. 

    અહીં નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણી વખતે ચૂંટણી પંચે એક ‘વોટર ટર્નઆઉટ’ નામની એપ્લિકેશન લૉન્ચ કરી હતી. આ એપ્લિકેશન આવી તે પહેલાં મતદાન પૂરું થાય ત્યારપછી જ લોકો અને મીડિયાને તેની ટકાવારી જાણવા મળતી હતી. પરંતુ આ એપની મદદથી હવે દિવસમાં થોડા-થોડા સમયે આ ટકાવારી સામે આવતી રહે છે. 

    જોકે, વિવિધ જગ્યાએથી ડેટા એકત્ર કરવામાં અને એપ્લિકેશન ઉપર અપલોડ કરવામાં એક કલાકનો સમય લાગે છે. બીજું એ પણ નોંધવા જેવું છે કે વોટિંગ મશીન (EVM) કોઈ નેટવર્ક સાથે જોડાયેલાં હોતાં નથી. જેથી અન્ય સ્થળેથી તેમાંની વિગતો પણ મેળવી શકાતી નથી. જેના કારણે રિયલ ટાઈમ ડેટા મેળવવો અશક્ય બાબત છે. 

    આ ડેટા મેળવવા માટે દરેક મતદાન મથકના અધિકારી જે-તે સમય સુધીમાં થયેલા મતદાનની વિગતો ઝોનલ અધિકારીને આપે છે અને તેઓ રિટર્નિંગ ઓફિસરને મોકલાવે છે. જ્યાંથી તેઓ ચૂંટણી પંચને મોકલે છે. અનેક વિધાનસભા બેઠકો ઉપર હજારો મતદાન મથકો ઉપર આ પ્રક્રિયા થતી હોવાના કારણે તેમાં સમય લાગે તે સ્વાભાવિક છે. 

    આ જ કારણ છે કે મતદાન પૂર્ણ થયાના એક કલાક પછી પણ ચોક્કસ આંકડો મળી શકતો નથી અને સાત વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થાય છે. જેથી જે આંકડાઓ 5 વાગ્યા સુધીમાં અપલોડ કરવામાં આવ્યા હોય તે ખરેખર એક કલાક જૂના હોય છે. 

    ઉપરાંત, ચૂંટણીનો એક નિયમ એવો પણ છે કે મતદાનનો સમય (અહીં 5 વાગ્યે) પૂર્ણ થયા બાદ પણ જેટલા લોકો મતદાન મથકના પરિસરમાં હોય તેમને મતદાન કરવા દેવામાં આવે છે. જ્યાં આવા લોકો લાઈનમાં ઉભા હોય ત્યાં મતદાન પાંચ પછી પણ ચાલે છે. જોકે, પાંચ પછી ગેટ બંધ થઇ જાય છે અને ત્યારપછી આવતા મતદારોને પ્રવેશ મળતો નથી. 

    આ બધી બાબતોને ધ્યાનમાં રાખતાં એ સમજી શકાય તેમ છે કે જે ડેટા 7 વાગ્યે પ્રકાશિત થાય એ ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા પહેલાં લાઈનમાં ઉભેલો છેલ્લો મતદાર મતદાન પૂર્ણ કરે ત્યાં સુધીનો હોય છે. અખબાર દિવ્ય ભાસ્કરના સમાચાર પરથી પણ આ જ બાબત સ્પષ્ટ થાય છે. 

    જેથી, પાંચ વાગ્યા પછી 16 લાખ લોકોએ મતદાન કર્યું તેમ કહેવું ભ્રામક છે. કારણ કે આ સમગ્ર પ્રક્રિયા લાંબી હોય છે અને તેમાં સમય લાગે છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં