Sunday, May 5, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકફેક્ટચેક: શું પીએમ મોદી કેમેરાનું ઢાંકણ બંધ રાખીને ચિત્તાની તસ્વીરો ખેંચી રહ્યા...

    ફેક્ટચેક: શું પીએમ મોદી કેમેરાનું ઢાંકણ બંધ રાખીને ચિત્તાની તસ્વીરો ખેંચી રહ્યા હતા?

    પીએમ મોદીએ શનિવારે પોતાના જન્મદિને ચિત્તા છોડ્યા બાદ ફોટોગ્રાફી પણ કરી હતી, આ દરમિયાનની તેમની એક તસ્વીર એડિટ કરીને શૅર કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈકાલે જન્મદિવસ હતો. જન્મદિન નિમિત્તે તેમણે નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. જ્યાં તેમણે ચિત્તાની ફોટોગ્રાફી પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી ફોટોગ્રાફી કરી રહ્યા હતા તે દરમિયાનની એક તસ્વીરને એડિટ કરીને શૅર કરવામાં આવી રહી હતી. જોકે, દર વખતની જેમ આ વખતે પણ સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું પકડાઈ ગયું હતું. 

    મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ આઈએએસ જવાહર સરકારે પીએમ મોદીનો એડિટેડ ફોટો સોશિયલ મીડિયામાં શૅર કર્યો હતો. જેમાં પીએમ મોદી કેમેરાથી ફોટોગ્રાફી કરતા જોવા મળે છે અને એ કેમેરાનું ઢાંકણ બંધ હોવાનું દેખાય છે. આ એડિટેડ તસ્વીર શૅર કરીને જવાહર સરકારે કટાક્ષ કર્યો હતો. જોકે, પછીથી જુઠ્ઠાણું પકડાઈ જતાં ટ્વિટ ડીલીટ કરી નાંખ્યું હતું પરંતુ સ્ક્રીનશોટ ફરતા થઇ ગયા હતા.

    જવાહર સરકારનું ટ્વિટ (તસ્વીર: twitter)

    આ ઉપરાંત, કોંગ્રેસ પાર્ટીના પણ અમુક ટ્વિટર હેન્ડલો પરથી આ પ્રકારની એડિટેડ તસ્વીરો શૅર કરવામાં આવી હતી. 

    - Advertisement -

    મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસના અધ્યક્ષ અમન દૂબેએ પણ આ તસ્વીર શૅર કરીને લખ્યું હતું કે, લેન્સ કવર હટાવ્યા વગર ફોટોગ્રાફી કરવાની અદભૂત કળા.

    તસ્વીર (twitter)

    ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય વીરેન્દ્ર ચૌધરીએ આ તસ્વીર ટ્વિટ કરીને લખ્યું હતું કે, આવી રીતે (બંધ કેમેરાથી) તસ્વીરો કોણ ખેંચે છે? 

    જોકે, આ દુષ્પ્રચાર લાંબો સમય ટકી શક્યો નહીં અને યુઝરોએ જ પોલ ખોલી નાંખી હતી. જે વ્યક્તિએ આ તસ્વીર એડિટ કરી હશે તેને કેમેરાનું બરાબર જ્ઞાન ન હશે એમ યુઝરો માની રહ્યા છે. કારણ કે એડિટ કરેલી તસ્વીરમાં ઢાંકણ પર ‘Canon’ લખેલું દેખાય છે. જ્યારે વડાપ્રધાન જે કેમેરાથી તસ્વીર લઇ રહ્યા હતા એ ‘Nikon’ કંપનીનો હતો! એક કંપનીનો કેમેરા લેન્સ બીજી કંપનીના કેમેરા પર ફિટ બેસતો નથી. 

    તસ્વીરનું વધુ અધ્યયન કરતાં જાણવા મળ્યું કે, વડાપ્રધાનની અસલી તસ્વીરને મિરર ઇફેક્ટ દ્વારા ફ્લિપ કરી નાંખવામાં આવી હતી. જેના કારણે એડિટ કરેલી તસ્વીરમાં કેમેરાની કંપનીનું નામ ઊંધું વંચાય છે. જ્યારે સાચી તસ્વીરમાં આ લખાણ બરાબર દેખાય છે. 

    જેથી એ સ્પષ્ટ છે કે પીએમ મોદી ફોટોગ્રાફી કરતી વખતે બરાબર પદ્ધતિથી જ તસ્વીરો ખેંચી રહ્યા હતા, પરંતુ તેમની મૂળ તસ્વીરને એડિટ કરીને તેમની મજાક ઉડાવવામાં આવી હતી.

    વર્ષ 1952માં ભારતમાંથી ચિત્તા વિલુપ્ત થઇ જવાની અધિકારીક ઘોષણા બાદ 70 વર્ષ બાદ દેશમાં ફરી ચિત્તા લાવવામાં આવ્યા છે અને શનિવારે પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમપીના કુનો નેશનલ પાર્કમાં આ આઠ ચિત્તા છોડ્યા હતા. આ તમામ નામિબિયાથી લાવવામાં આવ્યા છે.

    ભારત પહોંચેલા આ આઠ ચિત્તામાં ત્રણ નર અને પાંચ માદા છે. બે નર ચિત્તા ભાઈ છે અને બંનેની ઉંમર સાડા પાંચ વર્ષ છે. ત્રીજાની ઉંમર સાડા ચાર વર્ષ છે. જ્યારે માદા ચિત્તામાંથી એકની ઉંમર બે વર્ષ, એકની અઢી વર્ષ, એકની 3 વર્ષ અને બેની ઉંમર પાંચ-પાંચ વર્ષ છે. 

    આ ચિત્તા એક મહિના સુધી એક ચોક્કસ વિસ્તારમાં જ રહેશે અને તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. ત્યારબાદ ત્રીસ દિવસ પછી તેમને જંગલોમાં છોડી મૂકવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં