Saturday, May 18, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકરાહુલ ગાંધીનાં ગુણગાન ગાવાની લ્હાયમાં થાપ ખાઈ ગયા કોંગ્રેસી કાર્યકરો, વાયનાડમાં 50...

    રાહુલ ગાંધીનાં ગુણગાન ગાવાની લ્હાયમાં થાપ ખાઈ ગયા કોંગ્રેસી કાર્યકરો, વાયનાડમાં 50 લાખના ખર્ચે બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હોવાના દાવા કર્યા: હકીકત શું છે, જાણો

    ટ્વિટ વાયરલ થયા બાદ કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ અને સમર્થકોએ પણ એ જ તસ્વીર અને એ જ શબ્દો સાથે આ જ પ્રકારનાં ટ્વિટ્સનો મારો ચાલુ કર્યો અને રાહુલ ગાંધીનાં ગુણગાન ગાયાં. 

    - Advertisement -

    માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળતાં સાંસદપદ બહાલ થયા બાદ કોંગ્રેસ ઈકોસિસ્ટમ ફરી એક વખત રાહુલ ગાંધીને ‘લૉન્ચ’ કરવાના પ્રયાસ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમાં પાછળ નથી. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર અમુક પોસ્ટ વાયરલ થઇ હતી, જેમાં રાહુલ ગાંધીએ તેમના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં 50 લાખના ખર્ચે બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હોવાના દાવા કરવામાં આવ્યા હતા.

    કોંગ્રેસ કાર્યકર્તા અને બોરસદ યુથ કોંગ્રેસનાં ઉપપ્રમુખ દક્ષા રાઠોડે X (અગાઉનું ટ્વિટર) પર કોંગ્રેસ સાંસદનો એક ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘રાહુલ ગાંધીએ તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં સાંસદ ફંડમાંથી 50 લાખ 42 હજારના ખર્ચે બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું.’ સાથે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સાંસદો પર કટાક્ષ પણ કર્યો. ટ્વિટમાં યુથ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનાં અકાઉન્ટને ટેગ કરવામાં આવ્યાં હતાં. 

    આ ટ્વિટ વાયરલ થયા બાદ કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓ અને સમર્થકોએ પણ ટૂલકિટ મળી હોય તેમ એ જ તસ્વીર અને એ જ શબ્દો સાથે આ જ પ્રકારનાં ટ્વિટ્સનો મારો ચાલુ કર્યો અને રાહુલ ગાંધીનાં ગુણગાન ગાયાં. 

    - Advertisement -

    કોંગ્રેસ કાર્યકર્તાએ પોસ્ટ કરેલી તસ્વીરમાં રાહુલ ગાંધી એક તકતી સાથે ઉભેલા નજરે પડે છે. જેની ઉપર 13 ઓગસ્ટ, 2023ની તારીખ લખવામાં આવી છે. હોસ્પિટલનું નામ છે અને તેની ઉપર લખવામાં આવ્યું છે- HT Installation (ઇન્સ્ટોલેશન). કૌંસમાં (MP ફંડ- 50,42,000) લખવામાં આવ્યું છે. ઉદ્ઘાટક તરીકે રાહુલ ગાંધીનું નામ છે. 

    ક્યાં થાપ ખાઈ ગયા કોંગ્રેસી કાર્યકર્તાઓ?

    સામાન્ય સમજની વાત છે કે 50 લાખના ખર્ચે હોસ્પિટલ બને નહીં. એટલામાં બાંધકામ તો દૂર પરંતુ જમીનનો ટુકડો પણ કદાચ નહીં આવે. તકતીમાં રકમ જોઈને કોંગ્રેસી કાર્યકર્તાઓએ ધારી લીધું હશે કે આટલા ખર્ચે રાહુલ ગાંધીએ હોસ્પિટલ બનાવડાવી નાખી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમણે હોસ્પિટલ નહતી બનાવી પરંતુ પહેલેથી ઉભેલી હોસ્પિટલમાં પાવર ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તકતીમાં જે HT installation લખવામાં આવ્યું છે, તેનો અર્થ થાય- હાઈટેન્શન લાઈન ઇન્સ્ટોલેશન.

    સાંસદ પદ બહાલ થયા બાદ 13 ઓગસ્ટે રાહુલ ગાંધીએ પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ડૉ. આંબેડકર ડિસ્ટ્રિક્ટ મેમોરિયલ કેન્સર સેન્ટર ખાતે હાઈટેન્શન લાઈન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધા માટે તેમણે પોતાના એમપી ફંડમાંથી 50 લાખ રૂપિયા આપ્યા હતા. જે વાતનો ઉલ્લેખ તેમણે પોતે સંબોધનમાં કર્યો હતો.

    જેથી રાહુલ ગાંધીએ 50 લાખના ખર્ચે હોસ્પિટલ બનાવડાવી હોવાનો કોંગ્રેસી કાર્યકર્તાઓ-સમર્થકોનો દાવો સદંતર ખોટો છે. તેમણે પાવર ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું, હોસ્પિટલનું નહીં. જે હોસ્પિટલ બાંધવાની વાત કરવામાં આવી રહી છે તેનું નિર્માણ 1994માં કરવામાં આવ્યું હતું.

    દરેક સાંસદો MP ફંડનો ઉપયોગ કરતા હોય છે

    રહી વાત એમપી ફંડની, તો કેન્દ્ર સરકારની એક યોજના (સાંસદ સભ્ય સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના) હેઠળ દરેક સાંસદને દર વર્ષે 5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે. (પહેલાં આ રકમ 2 કરોડ રૂપિયા હતી, 2011-12માં 5 કરોડ કરવામાં આવી હતી) જે કેન્દ્ર સરકારનું મંત્રાલય પૂરા પાડે છે. આ રકમ સાંસદોએ પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો માટે વાપરવાની હોય છે, જેમાં રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

    જે-તે કામ માટે સાંસદો સરકારને ભલામણ કરી શકે અને ત્યારબાદ મંત્રાલય જરૂર જેટલી રકમની ફાળવણી કરે છે. સાંસદોની ભલામણ બાદ આ રકમ જિલ્લા તંત્રને આપવામાં આવે અને જિલ્લા તંત્ર રાજ્ય સરકાર સાથે મળીને કામ પૂરું કરાવે છે. આ પ્રક્રિયા દરેક પાર્ટીના દરેક સાંસદો કરે છે. જેથી માત્ર રાહુલ ગાંધીએ જ કર્યું હોય તેમ પણ નથી. રૂટિન પ્રક્રિયા છે અને દરેક સાંસદો એમપી ફંડનો ઉપયોગ કરતા હોય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં