તાજેતરમાં સમાચાર સામે આવ્યા, જેમાં જણાવવામાં આવ્યું કે, ભારત અને ચીન વચ્ચેની સરહદ ‘લાઈન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ’ (LAC) નજીક પેંગોંગ તળાવ પાસે ચીન પોતાનો આર્મી બેઝ બનાવી રહ્યું છે. ‘હિંદુસ્તાન ટાઈમ્સ’માં પ્રકાશિત આ સમાચારને આધારે હવે કોંગ્રેસે મોદી સરકાર સામે આરોપો લગાવવાની નવી તક શોધી કાઢી છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુદ્દો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે મે, 2020 સુધી જે જગ્યા ભારતના કબજામાં હતી ત્યાં હવે ચીન પોતાનો બેઝ બનાવી રહ્યું છે. પરંતુ હકીકત એ નથી જે કોંગ્રેસ જણાવીને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે.
પહેલાં એ જાણવું જરૂરી છે કે તાજા રિપોર્ટમાં શું જાણવા મળ્યું છે. આ રિપોર્ટ અનુસાર, પૂર્વ લદાખમાં પેંગોંગ તળાવ નજીક ચીનની સેનાએ અન્ડરગ્રાઉન્ડ બંકર બનાવ્યાં છે, જ્યાં હથિયારો, ઇંધણ વગેરે રાખવામાં આવે છે તેમજ અહીં સૈન્ય વાહનો માટે ટકાઉ શેલ્ટરો પણ બનાવવમાં આવ્યાં છે. આ બાબતો સેટેલાઇટ ઇમેજ પરથી જાણવા મળી હોવાનું કહેવાય છે.
જ્યાં આ પીપલ્સ લિબરેશન આર્મી (ચીનની સેનાનું આધિકારિક નામ) પોતાનો બેઝ બનાવી રહી છે તે ઠેકાણાને સીરીજપ (Sirijap કે Sirjap) કહેવાય છે, જે પેંગોંગ લેક નજીક પહાડોની વચ્ચે સ્થિત છે. આ જગ્યા LACથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલી છે. કહેવાય છે કે મે, 2020માં અહીં બંને પક્ષો વચ્ચે તણાવ શરૂ થયો તે પહેલાં અહીં કોઇ માનવીય વસાહત ન હતી.
અહેવાલ અનુસાર, આ બેઝ 2021-22 વચ્ચે બનાવવામાં આવ્યો હોવાનું પ્રતીત થાય છે. 30 મે, 2024ના રોજ લેવામાં આવેલી એક સેટેલાઇટ તસવીરમાં મોટું અન્ડરગ્રાઉન્ડ બંકરથી માંડીને હેવી આર્મર્ડ વેહિકલ માટેનાં શેલ્ટરો અન્ય ઠેકાણાં જોવા મળ્યાં હતાં. આ બેઝ ગલવાન ખીણથી 120 કિલોમીટર દૂર આવેલો હોવાનું કહેવાય છે, જ્યાં જૂન, 2020માં બંને દેશોની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. એ પણ જાણવા મળ્યું છે કે 2020ની આ ઘટના બાદ ભારતે પણ ફોરવર્ડ એરિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શરૂ કરી દીધું છે.
How can China build a military base near Pangong Tso, on a land which was under Indian occupation, until May 2020?
— Mallikarjun Kharge (@kharge) July 7, 2024
Even as we enter the 5th year of the "CLEAN CHIT" given by PM @narendramodi on Galwan, where our brave soldiers sacrificed their lives, China continues to impinge… pic.twitter.com/Fe7T6iKIDF
આ રિપોર્ટને ટાંકીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. પરંતુ આ સવાલો ઉઠાવવામાં તેમણે એક ખોટો દાવો કરી દીધો છે. ખડગેએ કહ્યું કે, ચીન જ્યાં સૈન્ય ઠેકાણું ઊભું કરી રહ્યું છે તે જમીન મે, 2020 સુધી ભારતના કબજામાં હતી. ખડગેએ આ દાવો કરીને વડાપ્રધાન મોદી પર પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે, ચીન એવી જગ્યાએ પોતાનાં બેઝ બનાવી રહ્યું છે, જ્યાં પહેલાં ભારતનું નિયંત્રણ હતું. સાથે કહ્યું કે LAC પર યથાસ્થિતિ જાળવી ન રાખવા બદલ મોદી સરકાર જવાબદાર છે.
મલ્લિકાર્જુન ખડગેના દાવાથી વિપરીત હકીકત એ છે કે આ વિસ્તાર સીરીજપ વર્ષ 1962થી જ ચીનના કબજામાં છે અને ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા, જેમની ભૂલોનાં પરિણામો દેશ ભોગવતો આવ્યો છે. ખડગેએ પોતાની પોસ્ટમાં પણ આ વિસ્તારનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ દાવો કર્યો કે તે ભારતના કબજામાં હતો, પરંતુ હકીકત એ છે કે કોંગ્રેસની સરકાર દરમિયાન તે ચીન પાસે જતો રહ્યો હતો.
1962ના યુદ્ધના પ્રારંભમાં ચીને કબજે કરી લીધો હતો આ વિસ્તાર
વર્ષ 2005માં પ્રકાશિત યુનાઈટેડ સર્વિસ ઇન્સ્ટિટ્યૂશન ઑફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક જર્નલમાં જણાવાયું છે કે કઈ રીતે વર્ષ 1962માં ચીને આ સીરીજપ વિસ્તાર પર હુમલો કરીને તેને કબજે કરી લીધો હતો.
Sir please stop spreading #FakeNews. Here’s a news item from 2013 when you ran the government clearly stating the Chinese had denied you access to Sirijap – the area in question. Also they built a full fledged obs/intel base in the area by 2009 – also when you were in power… https://t.co/5TmjQLNp0c pic.twitter.com/lhyyscXjnl
— Abhijit Iyer-Mitra (@Iyervval) July 7, 2024
માહિતી અનુસાર, 21 ઑક્ટોબર, 1962ના રોજ ચીનની સેનાએ સીરીજપ 1 અને 2 ઉપર હુમલો કરી દીધો હતો અને લગભગ 2.5 કલાક સુધી દારૂગોળો વરસાવ્યો હતો. ત્યારબાદ લાઇટ ટેન્કથી હુમલો કર્યો હતો. જેના કારણે સિરીજાપમાં ભારતીય પોસ્ટનું કોમ્યુનિકેશન ખોરવાઈ ગયું હતું. પછીથી જુનિયર કમિશન્ડ ઑફિસર (JCO) રબીલાલ થાપાની એક ટીમ બોટ થકી આ વિસ્તાર પાસે પહોંચી હતી અને તેના નિરીક્ષણ બાદ આવીને રિપોર્ટ આપતાં જણાવ્યું હતું કે મેજર ધન સિંઘ થાપા સહિતની આખી સૈન્ય ટુકડી વીરગતિ પામી હતી. આ રિપોર્ટ અનુસાર, 22 ઑક્ટોબર સુધીમાં ચીનની સેના પેંગોંગ લેકના ઉત્તર કિનારા પર કબજો કરી ચૂકી હતી.
પરમવીર ચક્ર વિજેતા મેજર ધન સિંઘ સીરીજપની જ પોસ્ટ પર હતા
વધુ ઇતિહાસમાં ઊંડાણપૂર્વક જોઈએ તો, ચીને જૂન, 1958માં પેંગોંગ તળાવ નજીકના ખુરનક કિલ્લાને કબજે કર્યો હતો. આ કિલ્લાની પશ્ચિમમાં અને તળાવના ઉત્તર કિનારે સિરીજાપ આવેલ છે. 1962ના યુદ્ધમાં ભારતે અહીં પોતાનો બેઝ બનાવ્યો હતો અને ઘણી પોસ્ટ ઉભી કરી હતી. અહીં ત્રણ પોસ્ટ બનાવાઈ હતી, સિરીજાપ- 1, 2 અને 3. આ ત્રણેયને સાથે સિરીજાપ કોમ્પ્લેક્સ કહેવાતો. અહીં જમીન માર્ગે પહોંચવું શક્ય ન હતું અને બોટથી શસ્ત્રસરંજામ પહોંચાડવો પડતો.
કહેવાય છે કે ચીને સપ્ટેમ્બર, 1962થી જ અહીં ઘેરો ઘાલવા માંડ્યો હતો. અહીં સીરીજપ-1નું નેતૃત્વ મેજર ધનસિંઘ થાપા કરી રહ્યા હતા. અહીં 19 ઑક્ટોબરથી જ ચીને તૈયારીઓ કરવા માંડી હતી અને 21 ઑક્ટોબરના રોજ હુમલો કરી દીધો. આ હુમલામાં ભારતીય જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, પરંતુ તેમ છતાં જ્યારે ચીની સૈનિકો પોસ્ટની નજીક આવ્યા તો તેઓ ઘાયલ અવસ્થામાં પણ લડ્યા હતા અને અનેક ચીનીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. પરંતુ આખરે ચીનની સેનાએ પોસ્ટ પર કબજો મેળવી લીધો હતો.
થાપા અંતિમ ક્ષણ સુધી લડતા રહ્યા અને ચીની સૈનિકોને માર્યા પણ ખરા, પરંતુ પછી ઘેરાઈ ગયા હતા અને ચીનની સેના દ્વારા ‘યુદ્ધકેદી’ તરીકે બંદી બનાવી લેવામાં આવ્યા હતા. તેઓ યુદ્ધમાં વીરગતિ પામ્યા હોવાનું માનીને ભારત સરકારે તેમને મરણોત્તર પરમવીર ચક્ર (યુદ્ધ સમયનો સર્વોચ્ચ સન્માન પુરસ્કાર) એનાયત કર્યો હતો. પરંતુ પછીથી જાણવા મળ્યું કે તેઓ જીવિત છે અને ચીનના શિનજિયાંગમાં રાખવામાં આવ્યા છે. ત્યાં તેમને ચીનની સેનાએ બહુ ટોર્ચર કર્યું હતું. પરંતુ મે, 1963માં વતન પરત ફર્યા હતા. ત્યારબાદ ફરી સેનામાં જોડાયા અને લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયા હતા.
મે, 2013ના રિપોર્ટમાં પણ આ વિસ્તારનો ઉલ્લેખ
વધુ સાબિતી માટે મે, 2013ના સમાચાર છે, જેમાં જણાવાયું હતું કે ચીને LACથી 5 કિલોમીટર અંદર ભારતની ભૂમિમાં રોડ બનાવી દીધો હતો. આ ન્યૂઝસ્ટોરી જણાવે છે કે ચીને ફિંગર-4 એરિયા સુધી રોડ બનાવી દીધો હતો, જે સિરીજાપ વિસ્તારમાં આવે છે. આ જ વિસ્તાર હાલ ફરી વિવાદમાં આવ્યો છે. ચીને ત્યારે અહીં પોતાનો દાવો માંડ્યો હતો અને કહ્યું હતું કે તે તેમના હેઠળ આવે છે.
અર્થાત, અત્યારે ચીન જે હરકતો કરી રહ્યું છે તે 1962માં નેહરુની ભૂલનાં પરિણામે ભારતે ગુમાવેલી જમીન પર કરી રહ્યું છે. ત્યારે જે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી તે હમણાં ખોટા દાવા કરીને મોદી સરકારને જવાબદાર ઠેરવી રહી છે. પરંતુ સરકાર અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે કે ભારતે ચીનની સેનાને વર્તમાન સમયમાં એક ઇંચ પણ અંદર આવવા દીધી નથી. પરંતુ કોંગ્રેસને ભારત સરકાર અને ભારતીય સેનાની વાતો પર વહેલો વિશ્વાસ બેસતો નથી.
(વધારાનો સંદર્ભ- પુસ્તક- પરમવીર ચક્ર વિજેતાઓની શૌર્યગાથાઓ: રાજ ભાસ્કર)