Sunday, September 8, 2024
More
    હોમપેજદુનિયાનેપાળમાં પ્લેન ક્રેશની આ પહેલી ઘટના નહીં, અગાઉ પણ ભયાનક દુર્ઘટનાઓમાં ગયા...

    નેપાળમાં પ્લેન ક્રેશની આ પહેલી ઘટના નહીં, અગાઉ પણ ભયાનક દુર્ઘટનાઓમાં ગયા છે લોકોના જીવ: જાણો પાડોશી દેશમાં વારંવાર કેમ બને છે આ પ્રકારના બનાવ, કયાં કારણો જવાબદાર

    નેપાળમાં વર્ષ 2023માં પણ આવો જ એક વિમાન અકસ્માત સર્જાયો હતો. યેતી એરલાઇન્સનું વિમાન પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં પણ જાનહાનિ થઈ હતી. દોઢ વર્ષ પછી નેપાળમાં જ આવી વધુ એક ઘટના બની છે.

    - Advertisement -

    નેપાળમાં રાજધાની કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 19 લોકોને લઈને જઈ રહેલું ખાનગી એરલાઇન્સનું વિમાન (Nepal Plane Crash) હમણાં ક્રેશ થઈ ગયું. બુધવારે (24 જુલાઈ) બનેલી આ ઘટનામાં 18 લોકોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક માત્ર પાયલોટ જ જીવિત બચી શક્યો છે. પોખરા જઈ રહેલા શૌર્ય એરલાઇન્સના આ પ્લેનમાં ક્રૂ મેમ્બરો સહિત 19 લોકો સવાર હતા. તાજી જાણકારી મુજબ ઘટનાસ્થળ પરથી 18 મૃતદેહો મળી આવ્યા છે. એકમાત્ર પાયલોટ જીવિત બચ્યો છે.

    પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા પાયલોટ કેપ્ટન એમ. શાક્યને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના તમામ વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. 9N-AME પ્લેન શૌર્ય એરલાઇન્સ હતું. જોકે, દુર્ઘટના કયા કારણોસર સર્જાઈ તેના કોઈ ચોક્કસ કારણો સામે આવ્યાં નથી. આ જ રીતની એક દુર્ઘટના આ જ વર્ષમાં મે મહિનામાં થઈ હતી, ત્યારે પ્લેન ક્રેશમાં 22 લોકોના જીવ ગયા હતા. 1992માં નેપાળમાં હમણાં સુધીની સૌથી વધુ ભયાનક દુર્ઘટના થઈ હતી. ત્યારે પ્લેન ક્રેશમાં 167 લોકોનાં મોત થયાં હતાં.

    નેપાળમાં વર્ષ 2023માં પણ આવો જ એક વિમાન અકસ્માત સર્જાયો હતો. યેતી એરલાઇન્સનું વિમાન પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં ક્રેશ થઈ ગયું હતું, જેમાં પણ જાનહાનિ થઈ હતી. દોઢ વર્ષ પછી નેપાળમાં જ આવી વધુ એક ઘટના બની છે. આ એક-બે ઘટનાઓની વાત નથી. અગાઉનાં વર્ષોમાં પણ આવી ઘટનાઓ સામે આવતી રહે છે.

    - Advertisement -

    નેપાળની ભૌગોલિક સ્થિતિ અને સતત બદલાતું હવામાન એક કારણ

    જોવા જઈએ તો નેપાળના આ વિમાન અકસ્માતો પાછળ ઘણાં કારણો જવાબદાર છે. પહેલું એ કે પાડોશી દેશનું ભૂગોળ વિચિત્ર છે અને એટલે પાયલોટને દેશના અમુક અંતરિયાળ વિસ્તારોમાં આવેલાં એરપોર્ટ્સ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. ઉપરાંત, અહીં હવામાન પણ બહુ જલ્દી બદલાય જાય છે અને ઘણી વખત પૂર્વાનુમાન પણ લગાવી શકાતું નથી. જેના કારણે આવું હવામાન ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ફ્લાઇટને લેન્ડ કરવામાં ક્યારેક મુશ્કેલી સર્જી દે છે. 2023માં નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીના એક સેફ્ટી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભૂગોળ અને તેને લગતા અન્ય પડકારોના કારણે જ દેશમાં છેલ્લા એક દાયકામાં ઘણા વિમાન અકસ્માતો સર્જાયા છે. 

    નેપાળનું મુખ્ય એરપોર્ટ છે કાઠમાંડુ એરપોર્ટ. કાઠમાંડુ ત્યાંની રાજધાની પણ છે. આ એરપોર્ટ ચારેબાજુ પર્વતોથી ઘેરાયેલું છે, જેના કારણે પાયલોટ્સને લેન્ડિંગ માટે અન્ય એરપોર્ટ કરતાં થોડી વધુ મહેનત કરવી પડે છે. ખાસ કરીને મોટાં વિમાનોને વધુ સાચવવું પડે છે. ઉપરાંત, એરપોર્ટ શહેરની તદ્દન બાજુમાં જ સ્થિત છે અને આસપાસ ઘરો પણ આવેલાં છે. આ સિવાય અન્ય અમુક એરપોર્ટ એવા ઠેકાણે આવેલાં છે જ્યાં ટેબલટોપ રનવે છે. અહીં એક અને મોટેભાગે બંને ઠેકાણે બીજી તરફ સીધી ખીણ જ હોય છે. આ પરિસ્થિતિમાં પાયલોટ્સે બહુ સાવચેતીપૂર્વક વિમાન લેન્ડ કરાવવાં પડે છે. જો થોડીઘણી પણ ચૂક થઈ તો ભયાનક અકસ્માત સર્જાઇ શકે છે.

    જોકે, હવામાનની બાબતમાં વધુ સારા ઈન્ફ્રાસ્ટ્રકચરની મદદથી સચોટ અનુમાનો લગાવી શકાય છે અને તેનાં કારણે અકસ્માતો અટકાવી શકાય તેમ છે, પરંતુ નેપાળની આર્થિક સ્થિતિ પણ એટલી મજબૂત નથી કે તેઓ મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકે. જેના કારણે એવી અત્યાધુનિક ટેક્નોલોજીની પણ મદદ લઇ શકાતી નથી જે હવામાન અને જે-તે સમયની કે નજીકના ભવિષ્યની ભૌગોલિક સ્થિતિનું અનુમાન લગાવી શકે.

    વિમાનોની જાળવણી કરવામાં પણ આર્થિક ક્ષમતા બધારૂપ બને છે

    આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે જ નેપાળની એરલાઇન્સ વિમાનો ખરીદવામાં, તેની જાળવણી કરવામાં અને અપગ્રેડ કરવામાં વધુ રૂપિયા નાખી શકતી નથી. ઘણાં વિમાનો હવે જૂનાં થઈ ગયાં છે અને અમુક પ્રાથમિક બાબતોનો પણ તેમાં અભાવ છે, જે દુનિયામાં અન્યત્ર સામાન્ય કહેવાય છે. વિમાનોની જાળવણી પણ બરાબર થઈ શકતી નથી. આ સિવાય, મોટાભાગના કિસ્સાઓમાં તો નેપાળી એરક્રાફ્ટ ઑપરેટરો નવાં વિમાનો પણ ખરીદતા નથી અને અગાઉ વપરાયેલાં વિમાનો પર પસંદગી ઉતારે છે. જ્યારે સુરક્ષા માપદંડોની વાત આવે તો તેમની રાજકારણીઓ સાથેની સાંઠગાંઠના કારણે તેઓ અમુક બાબતોમાં નિયમોનું પાલન ન પણ કરતા હોય તો બચી જાય છે.

    એવિએશન સેક્ટરમાં ભ્રષ્ટાચાર પણ એટલો જ

    કહેવાય છે કે નેપાળની એર ઑપરેટિંગ અને સેફ્ટી મેકેનિઝમ પણ પરવારી ચૂકી છે. કારણ ભ્રષ્ટાચાર છે. એવિએશન સેક્ટરમાં ભરપૂર ભ્રષ્ટાચાર થતો હોવાનું અહેવાલો જણાવે છે. અગાઉ થયેલા અકસ્માતો બાદ એવિએશન મંત્રાલયને જેટલી ભલામણ કરવામાં આવી હતી અને આવા અકસ્માતો અટકાવવા માટે જે સૂચનાઓ આપવામાં આવી હતી તેમાંથી અડધાથી વધારેનું હજુ પાલન પણ કરવામાં આવ્યું નથી. આ બધાં સુરક્ષા કારણોસર જ યુરોપિયન યુનિયને નેપાળ એરલાઇન્સની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

    પાયલોટને વધુ સારી ટ્રેનિંગ, શિસ્તતા શીખવવાની જરૂર

    આ સિવાય, ક્રુ મેનેજમેન્ટ અને ટ્રેનિંગમાં પણ સમસ્યા છે. રિપોર્ટ્સ જણાવે છે કે, અમુક અકસ્માતો અંતિમ ક્ષણે પાયલોટે ખોટા નિર્ણય લેવાના કારણે સર્જાયા હતા, જે જો વધુ સારા કૌશલ્ય ધરાવતા પાયલોટ્સના હાથમાં હોત તો ઘટના ટાળી પણ શકાઈ હોત. જોકે, કહેવાય છે કે નેપાળ પાસે સારા પાયલોટ્સ છે પણ શિસ્તતા અને અનુશાસનના નામે ઘણા મીંડું છે. 

    જાન્યુઆરી, 2023માં થયેલા અકસ્માત પાછળ સામે આવ્યું હતું કે પાયલોટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર પણ અનુસરી ન હતી અને ભૂલથી વિમાનનો પાવર બંધ કરી દીધો હતો, જેના કારણે પ્લેન ક્રેશ થયું હતું. આ ભૂલ કરતાં પણ બેદરકારી કહી શકાય અને વિમાન ચલાવનાર વ્યક્તિ માટે આવી બેદરકારી પોસાય નહીં. ઘણા રિપોર્ટમાં જણાવાયું છે કે નેપાળના પાયલોટ્સને વધુ સારી તાલીમની જરૂર છે, જેથી આવી ભૂલોના કારણે થતા અકસ્માતો ટાળી શકાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં