Sunday, November 10, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને UNમાં રજૂ થયેલા પ્રસ્તાવ પર ભારતે કેમ ન કર્યું...

    ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને UNમાં રજૂ થયેલા પ્રસ્તાવ પર ભારતે કેમ ન કર્યું મતદાન?- સરળ શબ્દોમાં સમજો

    UNGAના પ્રસ્તાવમાં ભારતે મતદાન ન કરવાથી નવી ચર્ચા ઉઠી છે કે આખરે આ નિર્ણય કેમ કરવામાં આવ્યો? જેનાં મુખ્ય કારણો જોઈએ. 

    - Advertisement -

    છેલ્લા વીસેક દિવસથી આતંકવાદી સંગઠન હમાસ અને યહૂદી દેશ ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આખી દુનિયા આ યુદ્ધ પર નજર રાખીને બેઠી છે અને ઘણા દેશો ઇઝરાયેલના સમર્થનમાં છે તો અમુક હમાસની કરતૂતોને છાવરી રહ્યા છે. આવા સમયે સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકા પણ અગત્યની બની જાય. શુક્રવારે (27 ઓક્ટોબર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આ યુદ્ધને લઈને એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમાં તાત્કાલિક યુદ્ધવિરામનું આહવાન કરવામાં આવ્યું હતું. અહીં ભારતે જે સ્ટેન્ડ લીધું તેની ચર્ચા ચાલી રહી છે. 

    આ પ્રસ્તાવ જૉર્ડન દ્વારા રજૂ કરવામાં આવ્યો, જેનું શીર્ષક હતું- ‘નાગરિકોની સુરક્ષા અને કાયદાકીય અને માનવીય કર્તવ્યો કાયમ કરવાં’. જ્યારે મતદાન થયું તો તેના સમર્થનમાં કુલ 120 મતો પડ્યા, વિરોધમાં 14 મતો જ્યારે 45 દેશો મતદાનથી દૂર રહ્યા. મતદાનથી દૂર રહેનારા દેશોમાંથી એક ભારત પણ છે. વિરોધમાં ઇઝરાયેલ, અમેરિકા, હંગેરી જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યારે દૂર રહેનાર દેશોમાં ભારત સાથે ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, જાપાન, યુકે વગેરેનો સમાવેશ થાય છે.

    આ સમગ્ર યુદ્ધમાં ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ રહ્યું છે. ભારતે કોઇ પણ સ્વરૂપમાં, કોઇ પણ પ્રકારના આતંકવાદને વખોડી કાઢ્યો છે અને ઇઝરાયેલના આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને પોતાના નાગરિકોની સુરક્ષા કરવાના પગલાનું સમર્થન કર્યું છે. બીજી તરફ ભારત પેલેસ્ટાઇનના અસ્તિત્વનું પણ સમર્થન કરે છે અને બંને રાજ્યો વિવાદનો અંત લાવીને સહ-અસ્તિત્વ ધરાવે તેની ઉપર ભાર મૂકવામાં આવતો રહ્યો છે. 

    - Advertisement -

    UNGAના પ્રસ્તાવમાં ભારતે મતદાન ન કરવાથી નવી ચર્ચા ઉઠી છે કે આખરે આ નિર્ણય કેમ કરવામાં આવ્યો? જેનાં મુખ્ય કારણો જોઈએ. 

    પ્રસ્તાવમાં હમાસ કે તેનાં આતંકી કૃત્યોનો ઉલ્લેખ ક્યાંય નહીં 

    જોર્ડને યુએનમાં જે પ્રસ્તાવ રજૂ કર્યો હતો તેમાં ગાઝામાં યુદ્ધવિરામની વાત કરવામાં આવી હતી. ગાઝા ઈઝરાયેલની પશ્ચિમ સરહદે આવેલો નાનકડો પટ્ટો છે, જે પેલેસ્ટાઇનનો ભાગ છે. (વેસ્ટ બેન્ક અને ગાઝા સંયુક્તરૂપે પેલેસ્ટાઇન કહેવાય છે) અહીં આતંકવાદી સંગઠન હમાસનું શાસન છે. 7 ઓક્ટોબરે હમાસે હુમલો કર્યા બાદ ઇઝરાયેલ વળતા જવાબ તરીકે સતત એરસ્ટ્રાઈક કરી રહ્યું છે અને હવે ગ્રાઉન્ડ ઑપરેશનની પણ તૈયારી ચાલી રહી છે. તે જ સમયે યુએનમાં આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેમાં તાત્કાલિક આ કાર્યવાહી બંધ કરવા અપીલ કરવામાં આવી. 

    આ પ્રસ્તાવના સમર્થનમાં મતદાન ન કરવા પાછળ ભારતે મુખ્ય કારણ જણાવ્યું કે તેમાં હમાસનો ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ સમગ્ર યુદ્ધ પાછળ હમાસનો જ હાથ છે, કારણ કે તેમણે સૌથી પહેલાં 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર એકસાથે હજારો રૉકેટ છોડ્યાં હતાં અને સરહદપારથી આતંકવાદીઓ મોકલ્યા હતા, જેમાં હજારો ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા. ત્યારબાદ ઈઝરાયેલે કાર્યવાહી કરવાની ફરજ પડી. પરંતુ તેમ છતાં પ્રસ્તાવમાં હમાસનો ઉલ્લેખ કે તેનાં આતંકવાદી કૃત્યોની ટીકા કરવામાં આવી નહીં. જેથી ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ થયેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર વિરામ લગાવવાનું આહવાન કરતા પ્રસ્તાવ પર મતદાન ન કર્યું.

    કેનેડાએ સુધારો સૂચવ્યો, પણ પ્રસ્તાવ સ્વીકૃત ન થયો: ભારતે આપ્યું હતું સમર્થન 

    આ મુદ્દે અન્ય દેશોએ પણ વાંધો ઉઠાવ્યો. પ્રસ્તાવ જ્યારે ચર્ચા માટે મૂકવામાં આવ્યો ત્યારે કેનેડાએ એક સુધારો સૂચવ્યો હતો અને તેમાં હમાસના આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કરવા માટે કહેવામાં આવ્યું. સાથોસાથ આતંકવાદીઓ દ્વારા જે ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે તેમની મુક્તિ માટે પણ માંગ કરવામાં આવી. 

    કેનેડાના આ સુધારા સૂચવતા પ્રસ્તાવને અમેરિકાએ સમર્થન આપ્યું. જેમાં લખવામાં આવ્યું હતું- “મહાસભા 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલમાં થયેલા હમાસના આતંકવાદી હુમલાઓ અને નાગરિકોને બંધક બનાવવાનાં કૃત્યોને વખોડી કાઢે છે અને તેની નિંદા કરે છે. તેમજ સભા આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર બંધકોની સુરક્ષા તેમજ તેમની સાથે માનવીય વ્યવહારની માંગ કરે છે અને આહવાન કરે છે કે તેમને તાત્કાલિક કોઇ પણ શરત વિના મુક્ત કરવામાં આવે.”

    ભારત અને અન્ય 87 દેશોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું, જ્યારે 55 દેશોએ તેનો વિરોધ કર્યો. જ્યારે 23 દેશો મતદાનથી અળગા રહ્યા. પરિણામે બહુમતી ન મળતાં કેનેડાનો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો ન હતો. 

    ભારતે શું કહ્યું? 

    આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ યોજના પટેલે હમાસના આતંકવાદી હુમલાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલમાં થયેલા આતંકી હુમલા આઘાતજનક હતા અને ભારત તેને વખોડી કાઢે છે. જેમને બંધક બનાવવામાં આવ્યા છે તેમની તાત્કાલિક અને બિનશરતી મુક્તિ કરવામાં આવવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, વિસ્તારમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા કથળી રહી છે તેને જોતાં ભારત ચિંતા વ્યક્ત કરે છે અને તમામ પક્ષોને શાંતિ સ્થાપવા માટે અપીલ કરે છે. 

    ભારતીય પ્રતિનિધિએ આગળ કહ્યું, “ભારત બગડતી સુરક્ષા સ્થિતિ અને ચાલી રહેલા સંઘર્ષમાં નાગરિકોનાં થતાં મોતને લઈને ચિંતિત છે. વિસ્તારમાં શત્રુતા વધવાથી માનવીય સંકટમાં જ વધારો થશે. આ બાબતને લઈને તમામ પક્ષો જવાબદાર બને તે જરૂરી છે.” તેમણે ઉમેર્યું કે, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે ભારતે હંમેશા બંને રાજ્યોના સહઅસ્તિત્વને સમર્થન આપ્યું છે. 

    તેમણે એમ પણ કહ્યું કે, આતંકવાદ એક ઘાતક બીમારી છે અને તેની ન તો કોઇ સરહદ હોય છે, ન રાષ્ટ્રીયતા કે ન કોઇ જાતિ. ક્યાંય પણ કોઇ પણ રીતે આતંકવાદી કૃત્યોને યોગ્ય ઠેરવવાના પ્રયાસો થવા ન જોઈએ. ભારતે આ સાથે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર મતભેદોને દૂર કરીને, આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સનું વલણ દાખવવાની અપીલ કરી હતી. 

    આ ઘટના પરથી ભારતે એટલું સ્પષ્ટ કરી દીધું છે કે વિશ્વમાં ક્યાંય પણ, કોઇ પણ સ્વરૂપે અને કોઇ પણ પ્રકારે આતંકવાદને સહન કરવામાં આવશે નહીં અને ભારત હંમેશા આતંકવાદની વિરુદ્ધ ઉભું રહેશે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં પણ ભારતે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. જે દિવસે ઇઝરાયેલ પર હુમલા થયા તે જ દિવસે PM મોદીએ X પર પોસ્ટ કરીને તેને વખોડી કાઢ્યા હતા અને ઇઝરાયેલને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને સંદેશ પણ આપ્યો હતો કે ભારત આતંકવાદની વિરુદ્ધ હતું અને રહેશે. UNમાં પણ ભારતે આ જ સંદેશ આપ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં