Monday, April 22, 2024
More
  હોમપેજએક્સપ્લેઇનરગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી હતી ભારતીય એપ્સ, સરકારના કડક વલણ બાદ...

  ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી હતી ભારતીય એપ્સ, સરકારના કડક વલણ બાદ બેકફૂટ પર આવી કંપની: જાણો શું છે મામલો, શા માટે થઈ હતી કાર્યવાહી

  કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તક્ષેપ બાદ કંપની બેકફૂટ પર આવી છે. કંપની તરફથી હજુ સુધી કોઈ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ભારત સરકારે ગૂગલને સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય સ્ટાર્ટઅપ્સને સુરક્ષા આપવા માટે ભારત સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

  - Advertisement -

  તાજેતરમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી કેટલીક ભારતીય એપ્સ હટાવી દેવામાં આવી હતી. ગૂગલે આ કાર્યવાહી શુક્રવારે (1 માર્ચ) કરી હતી. ભારતીય એપ્સ હટાવી દેવામાં આવતાં સરકારે પણ ટેક કંપની સામે લાલ આંખ કરી હતી. ભારત સરકારના કડક વલણ અને હસ્તક્ષેપ બાદ ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દેવાયેલી એપ્સને રિસ્ટોર કરવા માટે સહમતી દર્શાવી હતી અને તે દિશામાં કામ પણ શરૂ કરી દેવાયું છે. કંપનીએ 1 માર્ચના રોજ નોકરી, શાદી ડોટ કોમ અને 99Acres જેવી અન્ય કેટલીક ભારતીય એપ્સને પેમેન્ટ પોલિસીના ઉલ્લંઘન બદલ હટાવી દીધી હતી.

  ગૂગલ પ્લે સ્ટોર પર આ એપ્સ નહીં દેખાતા કેન્દ્ર સરકાર પણ મેદાને ઉતરી હતી. કેન્દ્રની મોદી સરકારે ભારતીય એપ્સ અને સ્ટાર્ટઅપ્સની સુરક્ષા માટે ગૂગલ સામે કડક વલણ અપનાવ્યું હતું. જે બાદ હવે Naukari.Com અને 99Acress સહિતની કેટલીક એપ્સ પ્લે સ્ટોરમાં ફરી રિસ્ટોર થઈ ગઈ છે. હજુ પણ અમુક એપ પ્લે સ્ટોરમાં જોવા મળી રહી નથી. તેના માટેની કાર્યવાહી પણ હાલ ચાલુ છે. ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે, શા માટે ગૂગલે કેટલીક ભારતીય એપ્સ પર આ પ્રકારની કાર્યવાહી કરી? સરકારના હસ્તક્ષેપ બાદ તે એપ્સ ફરી પ્લે સ્ટોરમાં રિસ્ટોર કરવાની શરૂ કરી દેવામાં આવી. આ સમગ્ર મામલે સરકારની શું ભૂમિકા હતી.

  ગૂગલે શા માટે કરી કાર્યવાહી?

  ગૂગલે પોતાના પ્લે સ્ટોરનો ઉપયોગ કરવાની પોલિસીમાં બદલાવ કર્યો છે. જેને લઈને ગૂગલે સર્વિસ ચાર્જને 11%થી વધારીને 26% કરી દીધો હતો. જે બાદ ઘણીબધી એપ્સ દ્વારા આ સર્વિસ ચાર્જ આપવામાં આવ્યો નહોતો. તે પછી ગૂગલે તેવી તમામ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે કંપનીએ ભારતની કેટલીક એપ્સને પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. આ પહેલાં દેશની એન્ટિટ્રસ્ટ ઓથોરીટીએ જૂની સિસ્ટમ ખતમ કરવાનો આદેશ આપ્યો હતો.

  - Advertisement -

  ગૂગલે આ મામલે કહ્યું હતું કે, ઘણી જાણીતી ફર્મ અને કંપનીઓએ તેમના બિલિંગ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ઘણી કંપનીઓ વેચાણ પર લાગુ થયેલો ચાર્જ આપતી નથી. ગૂગલે પહેલાં પણ આ એપ્સને લઈને સ્પષ્ટ કહી દીધું હતું કે, તે આ તમામ એપ્સને હટાવવામાં જરાપણ સંકોચ કરશે નહીં. જે બાદ આખરે શુકવારે (1 માર્ચ) ગૂગલે એ તમામ એપ્સ પર કાર્યવાહી હાથ ધરી હતી અને પ્લે સ્ટોર પરથી તે તમામ એપ્સને હટાવી દીધી હતી.

  કઈ એપ્સને પ્લેટ સ્ટોર પરથી હટાવવામાં આવી હતી?

  ગૂગલ દ્વારા પ્લે સ્ટોર પરથી હટાવાયેલી એપ્સમાં Shaadi.com, Matrimoney.com, Bharat Matrimony, Naukri.com, 99acress, Kuku FM, Stage, Alt Balaji’s (Altt), QuackQuak સમાવેશ થાય છે. આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોરની બિલિંગ પોલિસીના ઉલ્લંઘન બદલ હટાવવામાં આવી હતી. ગૂગલે શુક્રવારે આ તમામ એપ્સને એક-એક કરીને હટાવી દીધી હતી. આ તમામ એપ્સ કંપનીઓના નિવેદનો પણ સામે આવ્યાં હતાં. ઘણી કંપનીઓએ ગૂગલની આ નીતિનો વિરોધ કર્યો છે. સાથે ગૂગલને આવું વલણ છોડવા માટે પણ કહ્યું છે.

  શું કહ્યું કંપનીઓએ?

  Bharat Matrimony.comના સ્થાપક મુરુગવેલ જાનકીરામને ગૂગલના આ પગલાને ભારતીય ઈન્ટરનેટનો કાળો દિવસ ગણાવ્યો. તેમણે જણાવ્યું કે તેની એપ્સ એક પછી એક ડિલીટ થઈ રહી છે. તે જ સમયે, Shaadi.comના સ્થાપક અનુપમ મિત્તલે પણ કહ્યું કે, આજનો દિવસ ભારતીય ઇન્ટરનેટ માટે કાળો દિવસ છે. ગૂગલે તેના એપ સ્ટોરમાંથી મુખ્ય એપ્સ હટાવી દીધી છે.

  તેમણે વધુમાં કહ્યું કે, તે બીજી વાત છે કે કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ગૂગલનો ખોટા નેરેટિવ અને દુઃસાહસ દર્શાવે છે કે તેને ભારત માટે બહુ ઓછું માન છે. આ નવી ડિજિટલ ઈસ્ટ ઈન્ડિયા કંપની છે. આ વસૂલાત બંધ થવી જોઈએ! QuackQuackના સ્થાપક અને CEO રવિ મિત્તલે કહ્યું કે, ગૂગલે કોઈપણ પૂર્વ ચેતવણી વિના એપને અચાનક હટાવી દેવાથી આશ્ચર્ય થયું છે. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં, ગૂગલની કઠોર રણનીતિઓના કારણે, અમારી પાસે તેમની મનસ્વી નીતિઓને અનુસરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

  ભારત સરકાર આવી મેદાને

  આ સમગ્ર મામલો જોઈને આખરે સરકાર પણ ભારતીય એપ્સની વ્હારે આવી હતી. શુક્રવારે (1 માર્ચ) ગૂગલે કાર્યવાહી કરી હતી. જે બાદ ગણતરીના કલાકોમાં જ ભારત સરકાર ભારતીય એપ્સની પડખે આવીને ઊભી રહી ગઈ હતી. ગૂગલની કાર્યવાહી બાદ, સરકારે કંપનીનો સંપર્ક કર્યો હતો અને કંપનીને પોતાનો નિર્ણય બદલવા માટે કહેવામાં આવ્યું હતું. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કહ્યું કે, “ભારત ખૂબ જ સ્પષ્ટ છે, અમારી નીતિ પણ ખૂબ જ સ્પષ્ટ છે. અમારા સ્ટાર્ટ-અપને એ તમામ સુરક્ષાઓ મળશે જેની તેને જરૂર છે. મેં પહેલાં જ ગૂગલને ફોન કર્યો છે. મેં તે ડેવલપર્સને પણ ફોન કર્યા છે, જેમને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યા છે.”

  તેમણે વધુમાં કહ્યું કે, “અમે આવતા અઠવાડિયામાં તમામ સાથે મુલાકાત કરીશું. તેની મંજૂરી આપવામાં નહીં આવે. આ રીતે ડી-લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવશે નહીં.” આ મામલે કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે, ગૂગલનું આ વલણ બિલકુલ સ્વીકાર્ય નથી. કોઈપણ મોટી કંપની ભારતીય સ્ટાર્ટઅપ્સનું ભાવિ નક્કી કરી શકતી નથી. તેમણે વિવાદનો ઉકેલ લાવવા માટે અસરગ્રસ્ત કંપનીઓ અને ગૂગલને આવતા અઠવાડિયે બેઠક માટે બોલાવ્યા છે.

  ફરી રિસ્ટોર કરાઈ ભારતીય એપ્સ

  બિલ પેમેન્ટ વિવાદ પર મોદી સરકારનું કડક વલણ જોઈને ગૂગલે પ્લે સ્ટોર પરથી ભારતીય કંપનીઓની એપ્સને હટાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. તેણે શનિવારે પ્લે સ્ટોર પર દૂર કરાયેલી તમામ એપ્સને રિસ્ટોર કરી દીધી છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તક્ષેપ બાદ કંપની બેકફૂટ પર આવી છે. સાથે જ કંપની તરફથી હજુ સુધી કોઈ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ ભારત સરકારે ગૂગલને સ્પષ્ટ કહ્યું છે કે, ભારતીય સ્ટાર્ટઅપ્સને સુરક્ષા આપવા માટે ભારત સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

  હાલ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાયેલી એપ્સને ફરીથી રિસ્ટોર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેનાથી એપ્સ કંપનીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. સરકારે આ મામલે આવતા અઠવાડિયામાં ગૂગલ સહિત અસરગ્રસ્ત એપ્સની કંપનીઓ સાથે મિટિંગનું આયોજન કર્યું છે. જે બાદ કોઈ મોટો નિર્ણય લેવાય શકે તેવી અટકળો વહેતી થઈ છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં