Friday, October 18, 2024
More
    હોમપેજદેશકોણ છે IAS પૂજા ખેડકર અને શું છે વિવાદ?: જાતિ અને દિવ્યાંગતાનાં...

    કોણ છે IAS પૂજા ખેડકર અને શું છે વિવાદ?: જાતિ અને દિવ્યાંગતાનાં પ્રમાણપત્રોની તપાસ શરૂ, નોકરી ગુમાવવાનો વારો આવી શકે- જાણો અત્યાર સુધીનો ઘટનાક્રમ

    નોકરી પર હાજર થવા પહેલાં જ (પ્રોબેશન પીરીયડ) VVIP સુવિધાઓ મેળવવા ધમપછાડા કરવાથી ચર્ચામાં આવેલાં અધિકારીની નોકરી હવે જોખમમાં મૂકાઈ છે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રનાં IAS અધિકારી પૂજા ખેડકર ચર્ચામાં છે. નોકરી પર હાજર થવા પહેલાં જ (પ્રોબેશન પીરીયડ) VVIP સુવિધાઓ મેળવવા ધમપછાડા કરવાથી ચર્ચામાં આવેલાં અધિકારીની નોકરી હવે જોખમમાં મૂકાઈ છે. કરોડોની મિલકત અને લાખોની આવક ધરાવતાં પૂજાએ જે જાતિ અંગેના અને દિવ્યાંગતાના પ્રમાણપત્રો મૂક્યાં હતાં, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે પોતાને OBC અને દિવ્યાંગ ગણાવીને પરીક્ષા આપી હતી. હવે તેને લઈને એક પેનલનું ગઠન કરીને તપાસ કરવામાં આવી રહી છે. જો આમાં થોડી પણ ગેરરીતિ સામે આવી તો તેમની નોકરી જઈ શકે છે. બીજી તરફ, તાજેતરમાં જ તેમની માતાનો ગરીબ ખેડૂતો સામે પિસ્તોલ લહેરાવતો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો હતો. જે મામલે તેમની સામે FIR નોંધવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે IAS પૂજા ખેડકર ત્યારે ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમની VVIP માંગોથી ત્રાસીને પુણેના જિલ્લા અધિકારીએ ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી. આ દરમિયાન તેમની એક વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી, જેમાં તેમણે બત્તીવાળી ગાડી, VIP નંબર, સુખ-સુવિધાઓથી સજ્જ ખાનગી કેબિન અને પર્સનલ સ્ટાફની માંગ કરી હતી. આ વોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ પૂજા વિવાદોમાં આવ્યાં અને એક પછી એક નવા વિવાદો ઉમેરાતા ગયા. ત્યારબાદ તેમની માતાનો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયાન તે પણ સામે આવ્યું હતું કે પૂજાએ પોતાની ખાનગી ઓડી ગાડી પર બ્લ્યુ-રેડ લાઈટો લગાવી હતી અને તેની પર મહારાષ્ટ્ર સરકારનું બૉર્ડ પણ લગાવ્યું હતું.

    વિવાદમાં આવ્યા બાદ માતાનો વિડીયો વાયરલ થયો, હવે FIR

    વાયરલ થયેલા વિડીયોમાં પૂજાના માતા મનોરમા ખેડકર હાથમાં બંદૂક લઈને કેટલાક ગરીબ ખેડૂતોને ધમકાવતા નજરે પડ્યાં હતાં. આ દરમિયાન તેમની પાછળ કેટલાક બાઉન્સર પણ જોવા મળ્યા હતા. આરોપ લગાવવામાં આવ્યા હતા કે પૂજાના પિતાએ પોતાની સરકારી નોકરી દરમિયાન અઢળક સંપત્તિ ભેગી કરી હતી અને તેમાં અનેક જમીનોનો પણ સમાવેશ થાય છે. આ વિડીયો પુણેના મુલ્શી વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે IAS પૂજાના પરિવારે જે જમીન ખરીદી હતી, તેની આસપાસની જમીન પર તેઓ કબજો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

    - Advertisement -

    આ પહેલાં પણ પૂજાની માતાનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે મીડિયા કર્મચારીઓને ધમકાવતા નજરે પડ્યાં હતાં. મીડિયા કેમેરા પર હાથ મારતા તેમણે કહ્યું હતું કે, “જો મારી દીકરીએ આત્મહત્યા કરી લીધી, તો તમને બધાને અંદર કરાવી દઈશ.” ઉલ્લેખનીય છે કે પિસ્તોલ દેખાડવાના મામલે પૂજાની માતા વિરુદ્ધ FIR દાખલ કરી દેવામાં આવી છે.

    કેન્દ્ર સરકારે આપ્યા તપાસના આદેશ

    પોતાના ટ્રેનિંગ પિરિયડ દરમિયાન જ વિવાદમાં આવેલાં IAS પૂજા ખેડકરની નોકરી જોખમમાં આવી શકે છે. પૂજાએ પોતાને દિવ્યાંગ અને ઓબીસી ગણાવીને UPSCની પરીક્ષા આપી હતી. હવે કેન્દ્ર સરકારે આ મામલે તપાસ કરવાના આદેશ આપી દીધા છે. આ માટે સિંગલ સભ્યની પેનલની રચના કરવામાં આવી છે. જો ખોટી હકીકતો રજૂ કરવાનો આક્ષેપ સાચો ઠરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ના એડિશનલ સેક્રેટરી મનોજ દ્વિવેદી આ મામલે તપાસ કરશે.

    દસ્તાવેજોની તપાસમાં જે પણ ઓથોરિટીએ પૂજાને દસ્તાવેજો તૈયાર કરી આપ્યા, તેની તપાસ કરવામાં આવશે કે દસ્તાવેજો મેળવવા રજૂ કરવામાં આવેલાં ડોકયુમેન્ટની યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે કેમ. તેમજ પૂજા ખેડકર એઇમ્સમાં મેડિકલ ટેસ્ટ માટે કેમ હાજર ન થયાં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમને ‘પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટીઝ (PwBD)’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ ડીઓપીટી મહારાષ્ટ્ર સરકારને આ મામલે શું કરવું તેની ભલામણ કરશે. જો ગેરરીતિ સામે આવી તો તેમની નોકરી તો જઈ શકે જ છે, પરંતુ છેતરપિંડીનો કેસ પણ દાખલ થઈ શકે છે.

    ડીઓપીટી આ મામલાની તપાસ માટે સમાજ કલ્યાણ મંત્રાલયનો સહયોગ પણ માંગશે. પૂજા ખેડકરે પોતાને આર્થિક રીતે નબળા વર્ગનાં ગણાવ્યાં છે, પરંતુ તેમના પિતા પણ IAS રહી ચૂક્યા છે અને લોકસભા ચૂંટણી લડતા સમયે તેમણે પોતાની 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. પૂજા ખેડકર દ્વારા દાવો કરવામાં આવેલી દ્રષ્ટિ અને માનસિક દિવ્યાંગતા સરકારી નોકરી માટે જરૂરી ધોરણને પૂર્ણ કરે છે કે કેમ તે અંગે એઈમ્સના ડોકટરોની પણ સલાહ લેવામાં આવી રહી છે.

    પૂજાના જાતિ અને દિવ્યાંગતાનાં પ્રમાણપત્ર શંકાના દાયરામાં

    કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી આ સમિતિના રિપોર્ટ બાદ પૂજા ખેડકરના ઓબીસી સર્ટિફિકેટ અને મેન્ટલ ડિસેબિલિટી અંગેના દાવાનું સત્ય બહાર આવી શકશે. તેમણે પોતાની પસંદગી માટે પોતાને નોન-ક્રીમી લેયર ઓબીસી, નોન-ક્રીમી લેયર અને માનસિક રીતે દિવ્યાંગ ગણાવ્યા હતા. તેમણે સિલેકશનની પ્રક્રિયામાં પોતાને માનસિક રીતે બીમાર હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, બાદમાં જ્યારે મેડિકલ ચેકઅપની વાત આવી ત્યારે તેમણે 6 વાર મેડિકલ તપાસમાં જવાનું ટાળ્યું હતું.

    આવી સ્થિતિમાં, હજુ પણ એક પ્રશ્ન છે કે જો પૂજાએ ચેકઅપ કરાવવાની ના પાડી હતી, તો પછી તેમની પસંદગી કેવી રીતે કરવામાં આવી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2021માં પૂજાને OBC PwBD 1 માં સ્પોર્ટ્સ ઓથોરિટીમાં સહાયક નિયામક તરીકે પસંદ કરવામાં આવી હતી, પરંતુ 2023માં તેમણે રહસ્યમય રીતે તેની કેટેગરી 4M PwBD 1ને બદલીને PwBD 5 કરી હતી અને IAS તરીકે સિલેક્ટ થયાં હતાં.

    પૂજા અને તેમનો પરિવાર કરોડોના આસામી

    સાથે જ પૂજાએ જે ઓબીસી અનામતના આધારે નોકરી મેળવી તેના પર પણ સવાલો ઉભા થયા છે. તેમણે અનામતને નોન-ક્રીમી લેયર ઓબીસી તરીકે લીધી છે. આ અનામતનો લાભ લેનારાની આવક ₹8 લાખથી ઓછી હોવી જોઈએ. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રની વિવાદિત IAS પૂજા ખેડકર માતા-પિતા પાસે કરોડોની સંપત્તિ છે. તેમના પિતા દિલીપ ખેડકર તાજેતરમાં જ અહમદનગરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા જ્યારે તેમના માતા હાલમાં સરપંચ છે. તેના માતા-પિતા પાસે માત્ર ₹20 કરોડની ખેતીની જમીન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂજાના પોતાના નામે જ 22 કરોડ રૂપિયાની જમીન અને 2 ફ્લેટ રજિસ્ટર્ડ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં