Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ‘ગર્ભગૃહમાં સ્થાપિત થઈ રહી છે પ્રભુની નવી પ્રતિમા, તો શ્રીરામલલા વિરાજમાનનું શું...

    ‘ગર્ભગૃહમાં સ્થાપિત થઈ રહી છે પ્રભુની નવી પ્રતિમા, તો શ્રીરામલલા વિરાજમાનનું શું થશે?’: જ્યોતિર્મઠ શંકરાચાર્યે કર્યા સવાલ, જેના જવાબ પહેલેથી જ આપી ચૂક્યું છે ટ્રસ્ટ- વાંચો

    મહત્વની વાત એ છે કે રામ મંદિર ટ્રસ્ટ પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે નવીન પ્રતિમાની જરૂર શા માટે છે અને જે હાલની પ્રતિમા છે, જેને શ્રીરામલલા વિરાજમાન કહે છે, તેનું શું કરવામાં આવશે. આ સિવાય, શ્રીરામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ક્ષ નૃપેન્દ્ર મિશ્રા પણ સ્પષ્ટતા કરી ચૂક્યા છે.

    - Advertisement -

    અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠાને હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા છે ત્યારે એક નવો વિવાદ શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યોતિર્મઠ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ રામ મંદિર ટ્રસ્ટને એક પત્ર લખીને પ્રશ્ન ઉઠાવ્યા કે જો મંદિરમાં નવીન મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તો શ્રીરામલલા વિરાજમાનનું શું થશે? રામલલા વિરાજમાન એટલે ભગવાનની એ પ્રતિમા, જેની હાલ પૂજા કરવામાં આવે છે. 

    અહીં નોંધવું જોઈએ કે નવનિર્મિત શ્રીરામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની એક નવીન પ્રતિમા પણ બિરાજમાન થનાર છે. જેની પહેલી તસવીર હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવી. આ તસવીરમાં ભવ્ય આસન પર પ્રભુ બિરાજમાન જોવા મળે છે. આ પ્રતિમા અરુણ યોગીરાજ નામના મૂર્તિકારે તૈયાર કરી છે. 22 જાન્યુઆરીએ તેની પ્રાણપ્રતિષ્ઠા થશે. 

    શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું કહેવું છે કે જે રામલલા વિરાજમાનની પ્રતિમાની પૂજા 1949થી આજદિન સુધી થતી આવી છે તેને સ્થાને નવીન પ્રતિમા શા માટે મૂકવામાં આવી રહી છે. તેમણે ટ્રસ્ટને લખેલા પત્રમાં કહ્યું કે, ‘હમણાં સુધી રામભક્ત એવું જ સમજતા હતા કે આ નવું મંદિર શ્રીરામલલા વિરાજમાન માટે બનાવવામાં આવી રહ્યું છે, પણ હવે કોઇ નવી મૂર્તિને નિર્માણાધીન મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠા માટે લાવવા પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્યાંક તેનાથી શ્રીરામલલા વિરાજમાનની ઉપેક્ષા ન થઈ જાય.’ 

    - Advertisement -

    તેમણે આગળ લખ્યું કે, ‘સ્વયંભૂ, દેવ અસુર અથવા પ્રાચીન પૂર્વજો દ્વારા સ્થાપિત મૂર્તિ ખંડિત થઈ જાય તોપણ તેના સ્થાન નવી મૂર્તિ સ્થાપિત ન થઈ શકે. બદ્રીનાથ અને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ તેનાં પ્રમાણ છે.’ આગળ તેઓ લખે છે કે, ‘ધર્મશાસ્ત્ર અને કાયદા વગેરેની દ્રષ્ટિમાં તો આ અયોગ્ય ગણસે જ પરંતુ શ્રીરામલલા વિરાજમાન પર બહુ મોટો અન્યાય કહેવાશે.’

    અહીં ઉલ્લેખનીય છે કે શ્રીરામલલા વિરાજમાનનો સંદર્ભ પ્રભુની હાલની પ્રતિમા સાથે છે, જેની પૂજા વર્ષ 1949થી થતી આવી છે. 

    મંદિર ટ્રસ્ટ પહેલાં જ કરી ચૂક્યું છે સ્પષ્ટતા 

    અહીં મહત્વની વાત એ છે કે રામ મંદિર ટ્રસ્ટ પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે નવીન પ્રતિમાની જરૂર શા માટે છે અને જે હાલની પ્રતિમા છે, જેને શ્રીરામલલા વિરાજમાન કહે છે, તેનું શું કરવામાં આવશે. આ સિવાય, શ્રીરામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને 2014થી 2019 સુધી મોદી સરકારમાં મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ આ બાબતે તાજેતરમાં જ માહિતી આપી હતી. 

    એપ્રિલ, 2023માં જ્યારે જાણકારી સામે આવી કે રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની નવીન પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે ત્યારે આ પ્રશ્ન સર્જાયો હતો કે તો શ્રીરામલલા વિરાજમાનનું શું થશે? ત્યારે ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા પ્રમુખ અને શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું કે આખરે બે પ્રતિમાઓ શા માટે સ્થાપિત થઈ રહી છે.

    તેમના જણાવ્યા અનુસાર, બે પ્રકારની પ્રતિમાઓ હોય છે. એક ‘ઉત્સવ મૂર્તિ’ અને બીજી ‘પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિ.’ પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિ એક વખત વિધિવત રીતે બિરાજમાન થઈ જાય પછી તે સ્થળેથી ખસેડી શકાતી નથી. જ્યારે ‘ઉત્સવ મૂર્તિ’ પ્રસંગોપાત પોતાનું સ્થાન બદલી શકે છે. જેમકે, કોઇ શોભાયાત્રા આયોજીત કરવામાં આવી હોય કે ઝાંકી હોય ત્યારે તેને મંદિરની બહાર લઇ જઈ શકાય છે. 

    વધુમાં, હાલની જે શ્રીરામલલા વિરાજમાન પ્રતિમા છે તે કદમાં ઘણી નાની છે, જેથી મંદિરમાં ભગવાનના દર્શન કરવા ભક્તો માટે સરળ થઈ રહે તે માટે ભગવાનની નવીન પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમા પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિ હશે અને શ્રીરામલલા વિરાજમાન ઉત્સવ મૂર્તિ. એટલે કે વિવિધ પ્રસંગોએ શ્રીરામલલા વિરાજમાન નગરચર્યાએ નીકળી શકશે. જ્યારે મોટી પ્રતિમા પોતાના સ્થાને જ રહેશે. 

    ગર્ભગૃહમાં બંને પ્રતિમાઓ બિરાજશે 

    નવીન પ્રતિમા મોટા કદની હોવાના કારણે 19 ફિટ દૂરથી પણ ભક્તો દર્શન કરી શકશે. જે નાની પ્રતિમા સાથે શક્ય નથી. શ્રીરામલલા વિરાજમાન વિગ્રહ માત્ર 6 ઇંચ ઊંચાઈ ધરાવે છે, જ્યારે ભગવાનના બંધુઓ અને પરમભક્ત હનુમાનજીના વિગ્રહ તેનાથી પણ નાના છે. આ જ કારણ છે કે મંદિર ટ્રસ્ટે નવી પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.

    પરંતુ તેનો અર્થ એ નથી કે શ્રીરામલલા વિરાજમાન ગર્ભગૃહમાં નહીં બિરાજે, ભગવાન, તેમના ભાઈઓ અને હનુમાનજીની પ્રતિમા આ નવીન પ્રતિમાની બરાબર સામે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. જેથી નવનિર્મિત મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની 2 પ્રતિમાઓ હશે. પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિ અને ઉત્સવ મૂર્તિ. જેથી શ્રીરામલલા વિરાજમાનનું શું થશે તેવો પ્રશ્ન જ સર્જાતો નથી.

    મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે પણ કહી હતી આ જ વાત 

    આ જ બાબત મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના ઇન્ટરવ્યુ પરથી પણ જાણવા મળે છે. ડિસેમ્બર, 2023માં ANIનાં તંત્રી સ્મિતા પ્રકાશ સાથેની એક વાતચીતમાં જ્યારે તેમને બે પ્રતિમાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે વિગતવાર જાણકારી આપી હતી. 

    તેઓ કહે છે કે, “નવા મંદિરમાં જેઓ દર્શન માટે આવશે તેઓ ઓછામાં ઓછા 25–30 ફિટ દૂરથી ભગવાનના દર્શન કરશે. જેથી ભક્ત ભગવાનના ચરણોના દર્શન કરી શકે અને આંખોમાં જોઈ શકે તે માટે અન્ય મૂર્તિ હોવી જોઈએ. આ કારણે અમે નિર્ણય કર્યો કે એક ઊભેલી અવસ્થામાં પ્રતિમા હોવી જોઈએ.” વીડિયોમાં 10:10થી આ વાતચીત સાંભળી શકાશે.

    તેમણે પણ સ્પષ્ટ કર્યું હતું કે ગર્ભગૃહમાં બંને પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે અને નવીન પ્રતિમાની બરાબર આગળ શ્રીરામલલા વિરાજમાન વિગ્રહ સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત, તેમણે પણ ઉત્સવ મૂર્તિ અને પ્રાણપ્રતિષ્ઠાનો અર્થ સમજાવ્યો હતો, પરંતુ તે માટે શબ્દ વાપર્યા હતા ‘ચલ મૂર્તિ’ અને ‘અચલ મૂર્તિ.’ એટલે કે નવીન પ્રતિમા અચલ મૂર્તિ હશે, જે સ્થાન બદલશે નહીં, જ્યારે ચલ મૂર્તિનું સ્થાન બદલી શકાશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં