Tuesday, June 25, 2024
More
  હોમપેજએક્સપ્લેઇનરશું હોય છે સંસદનું વિશેષ સત્ર? શા માટે બોલાવવામાં આવે છે?: જાણીએ...

  શું હોય છે સંસદનું વિશેષ સત્ર? શા માટે બોલાવવામાં આવે છે?: જાણીએ અત્યાર સુધીમાં કેટલી વખત યોજાઈ ચૂક્યું છે

  સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર સરકાર પાસે હોય છે. આ માટે સંસદીય મામલાની સમિતિ નિર્ણય લે છે અને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે, જેઓ ઔપચારિક મંજૂરી આપી દે છે. સામાન્ય રીતે ભારતમાં ત્રણ વખત સંસદ સત્ર મળે છે. બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર.

  - Advertisement -

  કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સપ્ટેમ્બરમાં પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર આગામી 18 સપ્ટેમ્બર, 2023થી 22 સપ્ટેમ્બર, 2023 સુધી યોજાશે. આ સત્રનો એજન્ડા શું છે તેની કોઈને કંઈ ખબર નથી. મીડિયામાં અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. કોઈ કહે છે કે સરકાર ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ લાવી રહી છે તો ક્યાંક UCC કે ‘મહિલા અનામત’ સબંધિત બિલ આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. 

  મોદી સરકારે આ સત્રના એજન્ડાને લઈને કોઈ ફોડ પાડ્યો નથી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને માત્ર આ સત્રના આયોજનની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 17મી લોકસભાનું 13મુ સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર સાથે મળશે અને આ દરમિયાન પાંચ બેઠકો યોજાશે. આ સત્ર સંસદના નવા ભવનમાં યોજાશે કે જૂનામાં, તે વિશે પણ કોઈ જાણકારી મળી નથી. 

  સંસદનું સત્ર શું હોય છે? 

  દેશની સંસદ અગત્યનું સ્થાન છે, અહીં જ કાયદાઓ ઘડવામાં આવે છે અને રદ થાય તો એ પણ અહીં જ થાય છે. એટલે જ તેને લોકશાહીનું મંદિર કહેવાય છે. સંસદનાં બે ગૃહ છે- ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું લોકસભા. સંસદનું સત્ર મળે ત્યારે આ બંને ગૃહ કામગીરી કરે છે. આ દરમિયાન બેઠકો મળે છે, સરકાર ખરડા રજૂ કરે છે, સાંસદો તેની ઉપર ચર્ચા કરે છે અને પસાર કરે કે રદ કરે છે. 

  - Advertisement -

  સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર કેન્દ્ર સરકાર પાસે હોય છે. આ માટે સંસદીય મામલાની સમિતિ નિર્ણય લે છે અને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે, જેઓ ઔપચારિક મંજૂરી આપી દે છે. સામાન્ય રીતે ભારતમાં ત્રણ વખત સંસદ સત્ર મળે છે. બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. બજેટ સત્ર ફેબ્રુઆરી-માર્ચમાં યોજાય છે. મોન્સૂન સત્ર જુલાઈ-ઓગસ્ટમાં અને શિયાળુ સત્ર નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાય છે. જોકે, આ માટે કોઈ તારીખો નક્કી હોતી નથી. આ સિવાય રાષ્ટ્રપતિ પાસે પણ સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર હોય છે. જોકે, તેઓ ચર્ચામાં ભાગ લેતા નથી.

  બંધારણ કહે છે કે સંસદ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત મળવી જોઈએ અને આ બે સત્ર વચ્ચેનો સમય 6 મહિનાથી વધારેનો ન હોવો જોઈએ. જેથી એ પણ જરૂરી નથી કે ત્રણ સત્રો યોજાય જ, પણ સામાન્યતઃ આ ત્રણ સત્રો યોજાતાં રહ્યાં છે.

  વિશેષ સત્ર એટલે શું?

  સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર પણ સરકારને છે. જ્યારે સરકારને લાગે કે કોઈ મહત્વના મુદ્દે ગૃહમાં ચર્ચા જરૂરી છે તો તેઓ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. જેના આધારે રાષ્ટ્રપતિ કે લોકસભા સ્પીકર આ વિશેષ સત્ર બોલાવી શકે છે. જોકે, આ માટે લોકસભાના કુલ સભ્યોમાંથી દસમા ભાગના સભ્યો એટલે કે 55 સભ્યોની સહમતી હોવી જરૂરી છે. 

  અત્યાર સુધીમાં કેટલી વખત આયોજન થયું?

  ભારતની સંસદનું પ્રથમ વિશેષ સત્ર 14-15 ઓગસ્ટ, 1947ના રોજ બોલાવવામાં આવ્યું હતું. આ જ સમયે દેશને સ્વતંત્રતા મળી હતી. ત્યારબાદ 1972ની 14-15 ઓગસ્ટની રાત્રે પણ વિશેષ સત્ર યોજાયું હતું, જેનો એજન્ડા દેશની સ્વતંત્રતાના 25 વર્ષની ઉજવણી હતો. આ ક્રમ 1997માં પણ જાળવી રાખવામાં આવ્યો અને સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થવા પર 14-15 ઓગસ્ટે વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. 

  આ સિવાય ફેબ્રુઆરી 1977માં બે દિવસ માટે રાજ્યસભાનું એક વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું, જેનો એજન્ડા હતો- તમિલનાડુ અને નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસનનો સમય લંબાવવો. આ સમયે લોકસભા ભંગ હતી, એટલે રાજ્યસભાનું જ સત્ર યોજાયું હતું. ઉપરાંત, જૂન, 1991માં પણ હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે વિશેષ સત્ર યોજાયું હતું. ઓગસ્ટ, 1992માં ‘ભારત છોડો આંદોલન’નાં 50 વર્ષ પૂર્ણ થવા પર 9 ઓગસ્ટની મધ્ય રાત્રિએ એક વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું. 

  જુલાઈ, 2008માં મનમોહનસિંઘ સરકારે એક વિશેષ સત્ર યોજ્યું હતું. ત્યારે ડાબેરી પાર્ટીઓએ મનમોહનસિંઘ સરકારને આપેલું સમર્થન ખેંચી લીધું હતું, જેથી વિશ્વાસ મત સાબિત કરવા એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. 

  મોદી સરકારે એક જ વખત યોજ્યું છે વિશેષ સત્ર 

  નરેન્દ્ર મોદી સરકારે અત્યાર સુધી એક જ વખત વિશેષ સત્ર બોલાવ્યું છે. જે જૂન, 2017માં આયોજિત કરવામાં આવ્યું હતું. આ સત્રમાં પહેલી વખત બન્યું હતું કે સંસદે કોઈ ખરડો પસાર કરવામાં આવ્યો હોય. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા માટે 30 જૂન, 2017ની મધ્ય રાત્રિએ સરકારે બંને ગૃહનું એક વિશેષ સત્ર બોલાવ્યું હતું, જે બેઠક જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મળી હતી. આ સત્રમાં જ મોદી સરકારે GST લાગુ કર્યો હતો. 

  વિશેષ સત્રમાં ખરડા પસાર કરવાની પરંપરા તો મોદી સરકાર શરૂ કરી ચૂકી છે અને મોદી સરકારનાં કાર્યકાળનાં 9 વર્ષોમાં માત્ર એક જ વખત અતિ મહત્વના મુદ્દે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. હવે જ્યારે ફરી વિશેષ સત્ર બોલાવાયું છે ત્યારે ચર્ચાનો વિષય એ છે કે હવે શું આવશે? જોકે આ ‘શું આવશે?’નો જવાબ 18 સપ્ટેમ્બરે જ મળશે, જ્યારે સંસદનું વિશેષ સત્ર શરૂ થશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં