Monday, October 7, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરલોકસભા ચૂંટણી જાહેર થતાંની સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ: જાણો શું...

    લોકસભા ચૂંટણી જાહેર થતાંની સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ: જાણો શું હોય છે આ ગાઈડલાઈન, આજથી દેશમાં શું-શું બદલાશે

    દેશમાં આચારસંહિતા લાગુ થયા બાદ અનેક પરિવર્તનો આવે છે. સત્તારૂઢ પાર્ટીથી લઈને તમામ રાજકીય પાર્ટીઓ અને મતદાતાઓને પણ આચારસંહિતા અસર કરે છે. આ સાથે વિકાસકાર્યોમાં પણ તેની અસર વર્તાય છે.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. શનિવારે (16 માર્ચ) ચૂંટણી પંચે એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને તારીખોનું એલાન કર્યું હતું. ચૂંટણી કુલ 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે. ગુજરાતમાં 7મેના રોજ ચૂંટણી યોજાય રહી છે. ચૂંટણી પંચે તારીખ જાહેર કરતાંની સાથે જ દેશભરમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) લાગુ કરી દેવામાં આવી છે. જેનાથી ઘણી વ્યવસ્થાઓમાં પરિવર્તનો આવી જશે. સાથે સત્તાધારી અને અન્ય વિપક્ષી પાર્ટીઓ માટે અમુક નિયમો લાગુ પડી જશે. આ નિયમોના ઉલ્લંઘન બદલ ચૂંટણી પંચ કાર્યવાહી પણ કરી શકે છે.

    આદર્શ આચારસંહિતા અનુસાર, મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓ કોઈપણ સ્વરૂપે નાણાકીય અનુદાન જાહેર કરી શકતા નથી. આ દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા કોઈપણ યોજના કે વિકાસને લગતા પ્રોજેક્ટની જાહેરાત કરી શકાતી નથી અને પ્રચાર માટે થઈને સરકારી મશીનરીનો ઉપયોગ પણ થઈ શકતો નથી. આદર્શ આચારસંહિતા શું છે અને તે લાગુ કરવામાં આવ્યા નાદ કયાં-કયાં પરિવર્તનો આવે છે તે જાણીએ.

    શું છે આદર્શ આચારસંહિતા?

    ચૂંટણી પંચ દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે કેટલાક નિયમો બનાવે છે. ચૂંટણી પંચના આ નિયમો અથવા માર્ગદર્શિકાને જ આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા/વિધાનસભા ચૂંટણી દરમિયાન આ નિયમોનું પાલન કરવાની જવાબદારી સરકાર, નેતાઓ અને તમામ રાજકીય પક્ષોની છે. સાથે જ મતદારોએ પણ આચારસંહિતાના કેટલાક નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. ટૂંકમાં ચૂંટણી દરમિયાન નેતાઓ, પક્ષો અને મતદાતાઓને શું ધ્યાન રાખવાનું છે, તેવી સામાન્ય સૂચનાઓને આચારસંહિતા કહેવામાં આવે છે. આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

    - Advertisement -

    આચારસંહિતા ક્યારે લાગુ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે?

    ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. દેશમાં દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય છે અને રાજ્યોમાં પણ અલગ-અલગ સમયે વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે. આ તમામ ચૂંટણીઓ દરમિયાન ઇલેક્શન કમિશન આચારસંહિતા લાગુ કરે છે. આચારસંહિતા લાગુ થયા બાદ તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર અટકાવી દે છે. આ દરમિયાન પરોક્ષ રીતે દેશ પર ઇલેક્શન કમિશનનું શાસન હોય છે. જે બાદ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આચારસંહિતા લાગુ રહે છે. આચારસંહિતા સમાપ્ત થયા બાદ જ સરકાર સ્વતંત્રતાથી તેનું કાર્ય કરી શકે છે.

    લોકસભા ચૂંટણી 2024ના સંદર્ભે જોઈએ તો શનિવારે (16 માર્ચે) જ્યારથી ચૂંટણીનું એલાન થયું ત્યારથી તે લાગુ કરી દેવામાં આવી. હવે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ તારીખ 6 જૂનની છે. 4 જૂનના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. 81 દિવસ સુધી દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે.

    આચારસંહિતા લાગુ થયા બાદ શું પરિવર્તન આવે છે?

    દેશમાં આચારસંહિતા લાગુ થયા બાદ અનેક પરિવર્તનો આવે છે. સત્તારૂઢ પાર્ટીથી લઈને તમામ રાજકીય પાર્ટીઓ અને મતદાતાઓને પણ આચારસંહિતા અસર કરે છે. આ સાથે વિકાસકાર્યોમાં પણ તેની અસર વર્તાય છે. મુદ્દાસર સમજીએ કે આચારસંહિતા લાગુ થયા બાદ શું પરિવર્તન આવે છે.

    1. સરકારી એલાનો પર પ્રતિબંધ

    • ચૂંટણી પેનલની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા લાગુ થાય છે. જે દરમિયાન મંત્રીઓ અને અન્ય અધિકારીઓએ કોઈપણ નાણાકીય અનુદાનની જાહેરાત અથવા વચન આપવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવે છે.
    • સરકારી કર્મચારીઓ સિવાય સરકાર સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિએ શિલાન્યાસ કરવા અથવા કોઈપણ પ્રકારની યોજનાઓ અથવા વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ શરૂ કરવા પર પણ પ્રતિબંધ મૂકાઈ જાય છે.
    • લોકસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત સાથે જ, મંત્રીઓ અને અન્ય સત્તાધિકારીઓ વિવેકાધીન ભંડોળમાંથી અનુદાન અથવા ચૂકવણીની મંજૂરી આપી શકતા નથી.

    2. સરકાર અધિકારીઓ/કર્મચારીઓની બદલી કરી શકે નહીં

    • કેન્દ્ર સરકારના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી પંચના અધિકારીઓ કે કર્મચારીઓ તરીકે કામ કરે છે. સરકાર તેમાં હસ્તક્ષેપ કરી શકે નહીં.
    • આચારસંહિતા હેઠળ સરકાર કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીની બદલી કે પોસ્ટિંગ કરી શકતી નથી. કોઈપણ અધિકારીની બદલી અને પોસ્ટિંગ અત્યંત જરૂરી હોય તો પણ પંચની પરવાનગી વગર સરકાર નિર્ણય લઈ શકતી નથી.

    3. સરકારી નાણાંનો/સંસાધનોનો ન થઈ શકે ઉપયોગ

    • આચારસંહિતા દરમિયાન સરકારી નાણાંનો ઉપયોગ જાહેરાતો કે જનસંપર્ક માટે કરી શકાશે નહીં. જો આવી જાહેરાતો પહેલાંથી ચાલી રહી હોય તો તેને દૂર કરવામાં આવશે.
    • કોઈ નવી યોજના, બાંધકામ, ઉદ્ઘાટન કે શિલાન્યાસ થઈ શકશે નહીં. જો કોઈ કામ શરૂ થઈ ગયું હોય તો તે આગળ વધી શકે છે.
    • જો કોઈપણ પ્રકારની કુદરતી આફત કે રોગચાળો આવે તો જો સરકાર કોઈપણ પગલાં લેવા માંગતી હોય તો તેણે પહેલાં ચૂંટણી કમિશનની પરવાનગી લેવી અનિવાર્ય છે.
    • સરકારી વિમાન, વાહનો, મશીનરી અને કર્મચારીઓ સહિત સરકારી પરિવહનનો ઉપયોગ શાસક પક્ષના હિતોને આગળ વધારવા માટે કરી શકાતો નથી.
    • ચૂંટણી સભાઓ યોજવા માટે મેદાનો અને ફ્લાઇટ માટે હેલિપેડ જેવાં જાહેર સ્થળો તમામ પક્ષો અને ઉમેદવારો માટે સમાન નિયમો અને શરતો પર સુલભ હોવાં જોઈએ. એટલે કે તેનો જેટલો અને જેવો ઉપયોગ સત્તાધારી પાર્ટીના નેતાઓ કરે તેટલો જ અધિકાર વિપક્ષનો પણ છે.

    4. પ્રચાર સંબંધિત નિયમો અને પ્રતિબંધો

    • મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા અથવા કોઈપણ ધાર્મિક સ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપગોગ કરી શકાશે નહીં.
    • રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માટે ગમે તેટલા વાહનો (ટુ-વ્હીલર સહિત)નો ઉપયોગ કરી શકે છે. પરંતુ તેમણે પહેલાં રિટર્નિંગ ઓફિસરની પરવાનગી લેવી પડશે.
    • કોઈપણ પક્ષ કે ઉમેદવારે રેલી કે સરઘસ કાઢતા પહેલાં કે, ચૂંટણી સભા કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી પડશે.
    • રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજેનો ઉપયોગ કરી શકાશે નહીં. રેલી યોજવી હોય તો પણ સવારે 6 વાગ્યા પહેલાં નહીં અને રાત્રે 10 વાગ્યા પછી નહીં.
    • ઇલેક્શન કમિશન અનુસાર, વિશ્રામ ગૃહો, દાયક બંગલા અને અન્ય સરકારી આવાસ પર શાસક પક્ષ કે તેના ઉમેદવારોનો ઈજારો હોવો જોઈએ નહીં. તેનો ચૂંટણી પ્રચાર માટે પ્રચાર કાર્યાલય તરીકે ઉપયોગ કરવા અથવા કોઈપણ પક્ષ દ્વારા જાહેર સભાઓ કરવા માટે પ્રતિબંધિત છે.
    • મુખ્યમંત્રી કે કોઈપણ સરકારી પદાધિકારી ચૂંટણી પ્રચાર માટે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં અને સાયરન ધરાવતી કોઈપણ કાર કે વાહનનો ઉપયોગ કરી શકશે નહીં.
    • મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર બંધ કરી દેવાનો રહે છે.

    5. પક્ષપાતપૂર્ણ કવરેજથી બચવું

    • ભારતનું ઇલેક્શન કમિશન, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સમાચાર પત્રો અને અન્ય મીડિયા પરની જાહેરાતોને લઈને પણ જરૂરી પ્રતિબંધો લાદે છે. અખબારો કે મીડિયાનાં અન્ય માધ્યમોમાં સરકારી ખજાનાની મદદથી જાહેરાતો રજૂ કરવા પર પ્રતિબંધ લગાવે છે.
    • માર્ગદર્શિકા અનુસાર, રાજકીય સમાચારોના પક્ષપાતી કવરેજ અને સત્તાધારી પક્ષની તરફેણમાં સિદ્ધિઓ સંબંધિત પ્રચાર માટે સત્તાવાર મીડિયા માધ્યમોનો ઉપયોગ સખત રીતે ટાળવો જોઈએ.

    6. ભાષણોને લઈને શું છે નિયમ?

    • કોઈપણ પક્ષ કે ઉમેદવાર એવી કોઈપણ પ્રવૃતિમાં સામેલ થશે નહીં કે, જે હાલના મતભેદો વધારી શકે અથવા પરસ્પર દ્વેષ પેદા કરી શકે તથા વિવિધ જાતિઓ અને સમુદાયો, ધાર્મિક અથવા ભાષાકીય આધાર પર લોકો વચ્ચે તણાવ પેદા કરી શકે.
    • જ્યારે પણ કોઈપણ પક્ષ તેના હરીફ પક્ષની ટીકા કરે છે, ત્યારે તેની નીતિઓ અને કાર્યક્રમો તેના ભૂતકાળના રેકોર્ડ અને કામ પૂરતા મર્યાદિત રહેશે. પક્ષો અને ઉમેદવારોએ વ્યક્તિગત જીવનના એવાં તમામ પાસાંઓની ટીકા કરવા પર રોક લગાવવામાં આવે છે, જે અન્ય પક્ષોના નેતાઓ અથવા કાર્યકરોની જાહેર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ નથી.
    • વણચકાસાયેલ આરોપોના આધારે અન્ય પક્ષો અથવા તેમના કાર્યકરોની ટીકા ટાળવી જોઈએ.
    • શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત મતદાન સુનિશ્ચિત કરવા અને મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કોઈપણ મુશ્કેલી અથવા અવરોધ વિના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી ફરજ પરના અધિકારીઓને સહકાર આપવાનો રહે છે.
    • મતદાન પહેલાંના 48 કલાક દરમિયાન અને મતદાનના દિવસે દારૂ પીરસવા કે વિતરણ કરવા પર પ્રતિબંધ.
    • રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા મતદાન મથકો અને કેમ્પો પાસે બિનજરૂરી ભીડ એકત્ર થવા પર પ્રતિબંધ.

    7. ચૂંટણી પંચ બને છે શક્તિશાળી

    • આચારસંહિતા દરમિયાન મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યો પર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવે છે. જો સરકાર કઈપણ કરવા માંગતી હોય તો તેણે પહેલાં ઇલેક્શન કમિશનને જાણ કરવી પડશે અને તેની મંજૂરી લેવી પડશે.
    • કેન્દ્ર કે રાજ્યના કોઈપણ મંત્રી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કોઈપણ અધિકારીને બોલાવી શકતા નથી.

    8. આચારસંહિતાના ઉલ્લંઘન પર શું થશે?

    • આદર્શ આચારસંહિતા પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ લાગુ કરે છે અને આ નિર્ણય પર સામાન્યતઃ તમામ પાર્ટીઓ સહમત હોય છે. પણ કાયદાકીય રીતે તેની કોઇ જોગવાઇ નથી. એટલે કે કોઇ ઉલ્લંઘન કરે તો આ કોડના કોઇ ખંડ હેઠળ કાયદાકીય કાર્યવાહી ન થઈ શકે. ચૂંટણી પંચ નોટિસ પાઠવીને ઠપકો આપી શકે કે અમલ માટે પ્રોત્સાહન આપી શકે છે. 
    • આચારસંહિતાનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી પંચ કોઇ નેતા કે પાર્ટીને નોટિસ પાઠવી શકે છે. જે સ્વયં સંજ્ઞાન લઈને પણ થઈ શકે અને કોઈ વિરોધી પાર્ટીની ફરિયાદ પર પણ થઈ શકે. એક વખત નોટિસ પાઠવવામાં આવ્યા બાદ જે-તે વ્યક્તિ કે પાર્ટી લેખિતમાં જવાબ આપવાનો રહે છે. જેમાં તેઓ કાં તો દોષ સ્વીકારીને માફી માગી લે છે અથવા તો આરોપોનો જવાબ આપે છે. જો વ્યક્તિ આરોપોનો જવાબ આપે તો ચૂંટણી પંચ તેને પોતાની રીતે નોટિસ પાઠવીને સૂચના આપે છે. દરમ્યાન જો કોઇ કાયદાકીય રીતે ગુનો હોય તેવું કૃત્ય કરે તો પછી IPC, CrpC કે અન્ય એકટ હેઠળ કાર્યવાહી કરી શકાય છે.

    ક્યારે શરૂ થઈ હતી આચારસંહિતા?

    આદર્શ આચાર સંહિતા (MCC) 1960માં કેરળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન શરૂ થઈ હતી, જ્યારે વહીવટીતંત્રે રાજકીય પક્ષો માટે આચારસંહિતા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 1968-69ની મધ્ય-ગાળાની ચૂંટણીઓ દરમિયાન 26 સપ્ટેમ્બર, 1968ના રોજ ‘લઘુત્તમ આચારસંહિતા’ના શીર્ષક હેઠળ ભારતના ચૂંટણી પંચ દ્વારા સૌપ્રથમ આદર્શ આચારસંહિતા જારી કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં