Friday, November 22, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરશું છે આતંકી સંગઠન હમાસ, જેની સામે યુદ્ધે ચડ્યું છે ઇઝરાયેલ: સરળ...

    શું છે આતંકી સંગઠન હમાસ, જેની સામે યુદ્ધે ચડ્યું છે ઇઝરાયેલ: સરળ શબ્દોમાં જાણો અત:થી ઇતિ

    હમાસ પોતાને પેલેસ્ટાઇનને ઇઝરાયેલના ‘કબજા’માંથી મુક્ત કરાવવા માટેની એક સ્વતંત્રતા ચળવળ તરીકે ઓળખાવે છે પરંતુ વાસ્તવમાં તે છે એક આતંકવાદી સંગઠન. જે અત્યાર સુધી ઇઝરાયેલ પર હિંસક હુમલાઓ કરતું આવ્યું છે.

    - Advertisement -

    દાયકાઓ બાદ ફરી એક વખત યહૂદી દેશ ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ઉભો છે. શનિવારે (7 ઓક્ટોબર, 2023) આતંકવાદી સંગઠન હમાસ દ્વારા અચાનક ભીષણ હુમલો કરી દેવાતાં અનેક ઇઝરાયેલી નાગરિકોનાં મોત થયાં. ત્યારબાદ ઈઝરાયેલે પણ તાબડતોબ કાર્યવાહી શરૂ કરી અને ‘ઑપરેશન આયરન સ્વોર્ડ્સ’ લૉન્ચ કરીને હમાસનાં ઠેકાણાંને નિશાન બનાવવાનાં શરૂ કર્યાં. આખરે રવિવારે સરકારે અધિકારિક રીતે યુદ્ધનું પણ એલાન કરી દીધું. 

    ઇઝરાયેલના કાયદા અનુસાર, સરકાર સિક્યુરિટી કેબિનેટની મંજૂરીથી યુદ્ધનું એલાન કરી શકે છે અને આવા સમયે ઇઝરાયેલ અને તેના નાગરિકોની સુરક્ષા માટે કોઇ પણ પ્રકારનાં લશ્કરી પગલાં લઇ શકાય છે. જેથી આ યુદ્ધ હવે ભીષણ બનશે અને ઇઝરાયેલના સૈનિકો હમાસનો ખાત્મો કરવા માટે મરણિયા થઈને લડશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. 

    આમ તો ઇસ્લામી આતંકી સંગઠન હમાસ અવારનવાર ઇઝરાયેલ પર નાના-મોટા હુમલાઓ કરતું રહે છે, પરંતુ આ હુમલો સૌથી ભીષણ હતો. કારણ કે એક તરફ ગાઝા પટ્ટી પરથી ઇઝરાયેલ પર એકસાથે 5 હજાર રૉકેટ છોડવામાં આવ્યાં અને બીજી તરફ અનેક આતંકવાદીઓ સરહદ પાર કરીને ઇઝરાયેલમાં ઘૂસી આવ્યા અને નાગરિકોને ટાર્ગેટ કરવાના શરૂ કર્યા. વધુમાં, અગાઉ હમાસના કોઇ કારસ્તાન પહેલાં જ ઇઝરાયેલની જગવિખ્યાત ઇન્ટેલિજન્સ એજન્સી ‘મોસાદ’ તેને નિષ્ફળ બનાવી દેતી, પરંતુ આ વખતે ઇન્ટેલિજન્સ પણ ઘણે અંશે નિષ્ફળ ગયું (તેનું કારણ આ જ લેખમાં ચર્ચીશું) અને એવી સ્થિતિ સર્જાઇ કે ઇઝરાયેલે યુદ્ધમાં ઉતરવું પડ્યું. 

    - Advertisement -

    હમાસ, તેની સ્થાપના, ઈતિહાસ અને ઇઝરાયેલ સાથે દુશ્મનાવટ વિશે જાણીએ તે પહેલાં ઇઝરાયેલની ભૌગોલિક સ્થિતિ જાણવી જરૂરી છે. ઇઝરાયેલના પૂર્વ ભાગે છે વેસ્ટ બેન્ક નામનો વિસ્તાર અને પશ્ચિમમાં એક પટ્ટી આવેલી છે તેને ગાઝા કહેવાય છે. આ ગાઝા અને વેસ્ટ બેન્ક સંયુક્ત રીતે કહેવાય છે પેલેસ્ટાઇન. 

    વર્ષ 1948માં ઇઝરાયેલની દેશ તરીકે સ્થાપના થઈ તે પહેલાં હાલ ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન જ્યાં સ્થિત છે તે ભૂભાગ પેલેસ્ટાઇન કહેવાતો હતો. નવા દેશની સ્થાપના બાદ અમુક હિસ્સામાં ઇઝરાયેલ દેશ સ્થપાયો અને બાકીના ભાગમાં પેલેસ્ટેનિયનોનું શાસન હતું. પરંતુ પછીથી જેટલાં પણ યુદ્ધો થયાં તેમાં ઇઝરાયેલ વિજય મેળવતું ગયું અને વિસ્તારો સમાવતું ગયું. આખરે વેસ્ટ બેન્ક, ગાઝા અને જેરુસલેમનો પૂર્વ ભાગ પેલેસ્ટેનિયનો પાસે રહ્યા, જે સંયુક્ત રીતે આજે પેલેસ્ટાઇન તરીકે ઓળખાય છે. 

    વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી કરે છે શાસન 

    વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટીનું શાસન છે. જોકે, તેમાં પણ વચ્ચે-વચ્ચે ઇઝરાયેલી સેટલમેન્ટ્સ આવેલાં છે. એટલે કે ત્યાં ઈઝરાયેલી લોકો રહે છે અને તે વિસ્તારોમાં પેલેસ્ટાઇનના લોકોને જવાની પરવાનગી હોતી નથી અને વિસ્તાર સંપૂર્ણપણે ઈઝરાયેલની સેનાના કબજા હેઠળ રહે છે.

    1995માં થયેલી એક સમજૂતી બાદ વેસ્ટ બેન્કને ત્રણ પ્રકારના વિસ્તારોમાં વહેંચવામાં આવ્યું હતું. એરિયા A, એરિયા B અને એરિયા C. જેમાંથી એરિયા Aનું સંચાલન સંપૂર્ણપણે પેલેસ્ટાઇન ઓથોરિટી કરે છે. એરિયા Bનું સંચાલન પેલેસ્ટાઇન ઓથોરિટીના હાથમાં છે પરંતુ સુરક્ષા ઇઝરાયેલની સેના કરે છે. જ્યારે એરિયા C સંપૂર્ણપણે ઇઝરાયેલની સેનાના કબજા હેઠળ હોય છે. સૌથી મોટો વિસ્તાર એરિયા C છે, જે 60 ટકા ભૂભાગ ધરાવે છે. એરિયા B 22 ટકા અને એરિયા A 18 ટકા વિસ્તાર ધરાવે છે. 

    આમ તો વેસ્ટ બૅન્ક અને ગાઝા બંને ઇઝરાયેલવિરોધી છે પરંતુ હિંસક રીતે વિરોધ કરવામાં ગાઝા આગળ છે. અહીં શાસન છે હમાસનું. જેને ઇઝરાયેલ, અમેરિકા સહિત અનેક દેશોએ આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. 

    શું છે ગાઝા પટ્ટી?

    ગાઝા પટ્ટી ઈઝરાયેલની દક્ષિણ-પશ્ચિમે આવેલો 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો એક પટ્ટો છે. તેની વસ્તી લગભગ 23 લાખ લોકોની છે, જેમાંથી મોટાભાગના ગરીબી, ભૂખમરો સહિતની અનેક સમસ્યાઓ વચ્ચે જીવે છે. ઉપરાંત, વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પણ ગાઝા વિશ્વના સૌથી ગીચ વિસ્તારો પૈકીનો એક છે. 

    વર્ષ 2006થી ગાઝામાં હમાસનું શાસન છે. 1948માં ઈઝરાયેલની સ્થાપના બાદ લગભગ 2 દાયકા સુધી ગાઝા પર ઇજિપ્તનું શાસન હતું. 1967માં ઈઝરાયેલે 6 ડે વૉરમાં જીત મેળવ્યા બાદ ગાઝા અને વેસ્ટ બેન્ક પર શાસન મેળવી લીધું હતું. ત્યારબાદ 38 વર્ષ સુધી ઈઝરાયેલે ગાઝા પર શાસન કર્યું અને 21 જેટલાં યહૂદી સેટલમેન્ટ્સ પણ બનાવ્યાં હતાં. 

    વર્ષ 2005માં આંતરરાષ્ટ્રીય રાજકારણના કારણે ઇઝરાયેલે ગાઝામાંથી સેના હટાવી લીધી અને વેસ્ટ બેન્ક બાદ ગાઝા પણ પેલેસ્ટેનિયન ઓથોરિટીના કબજા હેઠળ આવી ગયું. વર્ષ 2006માં અહીં ચૂંટણી યોજાઈ અને તેમાં હમાસે જીત મેળવી લીધી હતી. ત્યારથી તેનું જ શાસન છે અને ફરી ક્યારેય ચૂંટણી થઈ નથી. 

    શું છે હમાસ? સ્થાપના કઈ રીતે થઈ હતી?

    હમાસ પોતાને પેલેસ્ટાઇનને ઇઝરાયેલના ‘કબજા’માંથી મુક્ત કરાવવા માટેની એક સ્વતંત્રતા ચળવળ તરીકે ઓળખાવે છે પરંતુ વાસ્તવમાં તે છે એક આતંકવાદી સંગઠન. જે અત્યાર સુધી ઇઝરાયેલ પર હિંસક હુમલાઓ કરતું આવ્યું છે. માત્ર ઇઝરાયેલ જ નહીં, અમેરિકા, યુકે, કેનેડા સહિતના અનેક દેશોએ તેને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. હમાસ એ વાસ્તવમાં એક ટૂંકું નામ છે, જેનું ફૂલફોર્મ કંઈક આવું છે- હરકત-અલ-મુકવામા અલ-ઇસ્લામિયા’ 

    હમાસની સ્થાપના ડિસેમ્બર, 1987માં થઈ હતી. તેની સ્થાપના પાછળ પેલેસ્ટાઇનના શેખ અહમદ યાસીનનો હાથ છે. તે સમયે ઇઝરાયેલ સામે લડવા માટે પેલેસ્ટેનિયનોએ પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ (PIJ) નામનું સંગઠન બનાવ્યું હતું પરંતુ તેની સાથે અમુક બાબતોને લઈને મતભેદો થતાં હમાસનો ઉદય થયો. 1988માં હમાસે એક ચાર્ટર પ્રકાશિત કર્યું હતું, તેમાં ઇઝરાયેલનો સંપૂર્ણ નાશ કરીને આખા ભૂભાગ પર ઇસ્લામિક શાસન સ્થાપવાની વાત કહેવામાં આવી હતી. જોકે, વર્ષોની લડાઇ બાદ પણ ખાસ ન મેળવી શકતાં અને ખાસ કરીને ઇઝરાયેલની શક્તિઓ જોતાં હમાસ આ ઇરાદાઓમાં નબળું પડ્યું છે પરંતુ હજુ પણ તેઓ ઇઝરાયેલને દેશ માનતા નથી. 

    સૌથી પહેલો હુમલો એપ્રિલ, 1993માં કર્યો હતો 

    હમાસે સૌથી પહેલો હુમલો એપ્રિલ, 1993માં કર્યો હતો જ્યારે ઇઝરાયેલના વડાપ્રધાન યીત્ઝાક રિબિન અને પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના વડા યાસિર અરાફાત વચ્ચે સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી હતી. આ હુમલાના પાંચ મહિના બાદ બંને વચ્ચે સમજૂતી થઈ અને પેલેસ્ટેનિયન ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી. જે હેઠળ પહેલાં વેસ્ટ બેન્ક અને ત્યારબાદ ગાઝામાં પેલેસ્ટેનિયનોને પોતાનું શાસન ચલાવવા માટે માર્ગ મોકળો કરી આપવામાં આવ્યો. ત્યારબાદ PLO અને ઇઝરાયેલે એકબીજાને માન્યતા પણ આપી દીધી. 

    આ સમજૂતીને લઈને પણ હમાસે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ PLO સાથે મતભેદો વધતા જતાં તેમણે વર્ષ 2006ની ચૂંટણી જીતીને ગાઝા પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લીધું હતું. ત્યારથી તેઓ ગાઝા પર શાસન કરે છે અને આ ધરતીનો ઉપયોગ ઇઝરાયેલ પર હુમલાઓ કરવા માટે કરતા રહે છે. 

    કેવું છે હમાસનું માળખું?

    હમાસનું માળખું કંઈક એવું છે, જેમાં સૌથી પહેલાં પોલિટબ્યુરો આવે છે, જે 15 સભ્યોની એક સમિતિ છે. જેનો વડો ઇસ્માઇલ હનિયાહ છે. જોકે, તે ગાઝામાં રહેતો નથી પરંતુ કતારથી સંગઠન ચલાવે છે. આ સિવાય હમાસના નેતાઓ તૂર્કીમાં પણ સક્રિય છે.

    ગાઝામાં વડાપ્રધાન પણ છે. ઉપરાંત, યાહ્યા સિનવાર નામનો એક આતંકવાદી પણ સંગઠનમાં ઊંચું સ્થાન ધરાવે છે અને જે કામ સંગઠનોમાં કાર્યવાહક પ્રમુખનું હોય છે તે કામ તે સંભાળે છે. તે અગાઉ હમાસની મિલિટરી વિંગનો સભ્ય હતો અને ઈઝરાયેલની જેલમાં 22 વર્ષ સજા કાપી ચૂક્યો છે. 2011માં હમાસે એક ઇઝરાયેલી સૈનિકને કિડનેપ કરી લીધા બાદ ઇઝરાયેલની સરકાર સાથે સોદો કર્યો હતો અને હજારો આતંકવાદીઓને છોડાવી લીધા હતા, તેમાં આ યાહ્યા પણ સામેલ હતો. આ સિવાય અનેક હમાસ કમાન્ડરો અને આતંકવાદીઓ ગાઝામાં સક્રિય છે, અનેકને ઇઝરાયેલે આટલાં વર્ષોમાં મારી નાખ્યા છે, જેમાં સંગઠનનો સ્થાપક યાસીન પણ સામેલ છે. વર્ષ 2004માં ઈઝરાયેલે શેખ અહમદ યાસીનને ઠાર કર્યો હતો. 

    હમાસ શરિયા આધારિત પેલેસ્ટેનિયન બેઝિક લૉના આધારે શાસન ચલાવે છે. જેનું માળખું અને પદ્ધતિ પેલેસ્ટેનિયન ઓથોરિટી જેવાં જ છે, જેઓ હમાસ પહેલાં શાસન ચલાવતા હતા. પરંતુ કટ્ટર ઇસ્લામિક વિચારધારાને વરેલા આતંકવાદી સંગઠને નિયમોમાં થોડાઘણા ફેરફારો કર્યા છે. જેમકે મહિલાઓએ શું પહેરવું, જાહેરમાં પુરૂષો અને મહિલાઓ માટે કેવા નિયમો લાગુ પડશે વગેરેને લઈને હમાસના નિયમો વધુ કડક છે. આ ઉપરાંત, હમાસે ગાઝામાં મીડિયા, પ્રદર્શનો, રાજકીય વિરોધ અને NGO વગેરે પર પણ અનેક પ્રતિબંધો મૂક્યા છે. 

    ઈસ્લામિક દેશો હમાસને પૂરું પાડે છે ભંડોળ 

    વેસ્ટ બેન્કમાં સક્રિય PLOને અમેરિકા અને યુરોપિયન યુનિયન સહિતના દેશો તરફથી અધિકારિક રીતે આર્થિક સહાય મળે છે પરંતુ આતંકવાદી સંગઠન ઘોષિત થઈ ચૂકેલા હમાસને આ દેશો કોઇ મદદ કરતા નથી. જેના કારણે ગાઝાની આર્થિક સ્થિતિ પાકિસ્તાન કરતાં પણ વધુ નબળી છે. ખાસ કરીને ઇજિપ્ત અને ઇઝરાયેલે વર્ષ 2006-07માં પોતાની સરહદો બંધ કરી દીધા બાદ વેપાર ઠપ થઈ ગયો હતો. જેના કારણે ગાઝામાં રહેતા લાખો લોકોએ આધાર માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી મદદ પર જ રાખવો પડે છે. હમાસને કતાર તરફથી આર્થિક મદદ મળે છે. આ ઉપરાંત, UNની એજન્સીઓ અને PA તરફથી પણ આર્થિક મદદો મળતી રહે છે. 

    ઇજિપ્તે સરહદ બંધ કરી દીધા બાદ હમાસે ટનલોના એક નેટવર્કના માધ્યમથી ઇજિપ્તથી ગાઝા માલસામાન લાવવા-લઇ જવા પર ટેક્સ નાખીને આવક મેળવવાની શરૂ કરી હતી. જેનાથી ગાઝામાં ભોજન, દવા, વીજઉત્પાદન, ગેસથી માંડીને હથિયારો માટે ખર્ચ કરવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2013માં ઇજિપ્તમાં સરકાર બદલાતાં હમાસ પ્રત્યેનું વલણ પણ બદલાયું અને બંને વચ્ચે સંબંધો વધુ બગડ્યા હતા. 2013માં ઈજિપ્તની સેનાએ આ ટનલો બંધ કરી દીધી અને બીજી તરફ ગાઝાની ઇજિપ્ત સાથેની સરહદો પર આતંકવાદીઓનો સફાયો કરવાનો પણ શરૂ કર્યો હતો. જોકે, 2018માં ઇજિપ્તે સરહદેથી ગાઝામાં થોડીઘણી ચીજવસ્તુઓનો વેપાર કરવા માટે પરવાનગી આપી હતી. જેના ટેક્સથી હમાસ મહિને 12 મિલિયન ડોલરની કમાણી કરે છે. 

    આ બધા સિવાય આજે હમાસને સૌથી વધુ મદદ મળતી હોય તો તે ઈરાન છે. જે આતંકી સંગઠનને ભંડોળ પણ પૂરું પાડે છે, હથિયારો પણ આપે છે અને આતંકીઓને તાલીમ પણ આપે છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાન હાલ દર વર્ષે હમાસ, PIJ અને પેલેસ્ટાઇનનાં અન્ય સંગઠનો વચ્ચે 100 મિલિયન ડોલરની લહાણી કરે છે. 

    આ સિવાય તૂર્કી પણ હમાસને મદદ પૂરી પાડે છે. જોકે, તૂર્કી કહે છે કે તેઓ માત્ર રાજકીય રીતે હમાસનું સમર્થન કરે છે પરંતુ વખતોવખત તેમની ઉપર આતંકી સંગઠનને આર્થિક મદદ કરવાના આરોપો પણ લાગતા રહ્યા છે. 

    ઇઝરાયેલ સાથે શું દુશ્મની છે?

    ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છત્રીસનો આંકડો છે. હમાસ અવારનવાર ઇઝરાયેલ પર હુમલાઓ કરતું રહે છે અને દર વખતે ઊંધા માથે પછડાટ ખાધી છે. તેનું કારણ એ છે કે હમાસ પાસે મર્યાદિત શસ્ત્રો, સંસાધનો અને ભંડોળ છે. તેમણે ઘણોખરો આધાર ઈરાન જેવા દેશો પર રાખવો પડે છે, જ્યારે ઇઝરાયેલ એક સ્વતંત્ર દેશ છે, જેની પોતાની મજબૂત સેના અને ઇન્ટેલિજન્સ છે. ઉપરાંત, તકનીકી બાબતોમાં પણ ઇઝરાયેલ અનેક રીતે હમાસ કરતાં ચડિયાતું છે. જેથી એક રીતે જોવા જોઈએ તો લશ્કરી તાકાતમાં હમાસ ક્યાંય ઈઝરાયેલની બરાબરી કરી શકે તેમ નથી. 

    ઇઝરાયેલ સામે હમાસનું ‘પ્રિય’ શસ્ત્ર છે રૉકેટ. કહેવાય છે કે આ શસ્ત્રો પણ ઈરાન જ પૂરાં પાડે છે. પરંતુ આટલાં વર્ષોમાં ઇરાન પાસેથી આતંકી તાલીમ મેળવ્યા બાદ હવે હમાસે પોતાની રીતે પણ રૉકેટ બનાવવાનાં શરૂ કર્યાં છે. આ રૉકેટ તેઓ ઇઝરાયેલ પર મારતા રહે છે, પરંતુ ઇઝરાયેલની સેના પાસે આયરન ડૉમ છે, જે 100માંથી 99 રૉકેટને હવામાં જ તોડી પાડે છે. 

    આ સિવાય હમાસના આતંકવાદીઓ સરહદ પાર કરીને પણ ઘૂસતા રહ્યા છે. 2006માં આ આતંકીઓ ઇઝરાયેલ જઈને એક સૈનિકને પકડી લાવ્યા હતા અને ત્યારબાદ ઈઝરાયેલની જેલમાં બંધ આતંકવાદીઓને છોડાવવા માટે સોદો કર્યો હતો. જેના પરિણામસ્વરૂપ ઈઝરાયેલે પોતાના સૈનિકને છોડાવવા હજારો પેલેસ્ટેનિયાનોને છોડવા પડ્યા હતા. 

    વર્ષ 2021માં પણ હમાસે અવળચંડાઈ કરીને ઇઝરાયેલ પર રૉકેટ છોડ્યાં હતાં અને યુદ્ધની સ્થિતિ સર્જાઇ હતી. 11 દિવસ સુધી ચાલેલી આ લડાઈમાં હમાસે ગાઝાથી લગભગ ચારેક હજાર જેટલાં રૉકેટ છોડ્યાં હતાં, જેમાં 10 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને સેંકડો લોકોને ઈજા પહોંચી હતી. બીજી તરફ, ઈઝરાયેલે એર સ્ટ્રાઈક કરીને ગાઝામાં હમાસનાં ઠેકાણાં તોડી પાડ્યાં હતાં. નોંધનીય છે કે ગાઝાનો હવાઈ પ્રદેશ ઈઝરાયેલના કબજામાં છે, જેથી એરસ્ટ્રાઈક કરવા માટે જરૂર પડે છે માત્ર ફાઇટર જેટ અને એક પાયલટની. બીજી કોઇ પણ પ્રકારની પરવાનગી લેવી પડતી નથી કે તેમની ઉપર કોઇ નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવી શકાતો નથી.

    2 વર્ષ સુષુપ્ત રહ્યું હમાસ, અચાનક કરી દીધો હુમલો 

    મે, 2021માં 11મા દિવસે યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ હમાસ ઠંડુ પડ્યું હતું અને ત્યારથી ઇઝરાયેલ પર કોઇ હુમલો કર્યો ન હતો. બીજી તરફ તેઓ ઈઝરાયેલની સરકારને એ વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા કે જો તેમને આર્થિક સ્થિરતા મળે તો તેઓ કોઈ આતંકી ગતિવિધિમાં સામેલ થશે નહીં. એક તરફ હમાસે સમય આવ્યે ઇઝરાયેલ સામે આતંકવાદી હુમલો કરવા માટે તૈયારીઓ ચાલુ રાખી હતી પરંતુ બીજી તરફ ઇન્ટેલિજન્સ મારફતે એવો સંદેશ મોકલ્યો કે હવે પછી તેઓ ઇઝરાયેલ સાથે કોઇ સંઘર્ષમાં નહીં ઉતરે. 

    આ જાળમાં ફસાઈને ઈઝરાયેલની સરકારે ઑક્ટોબર, 2021માં ગાઝાના નાગરિકોને કામઅર્થે ઇઝરાયેલ આવવા માટે પરવાનગી આપવાની પણ શરૂ કરી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, હમાસે ઇઝરાયેલને આશ્વાસન આપ્યું કે તેમને ઇઝરાયેલ સાથે સંઘર્ષમાં ઉતરવામાં રસ નથી પરંતુ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમના નાગરિકોને ઇઝરાયેલમાં કામ કરવાની પરવાનગી મળે, જ્યાં વધુ વેતન મળે છે. એક રીતે હમાસે એવું ચિત્ર ઊભું કર્યું કે તેઓ હવે ઇઝરાયેલ સાથે કોઇ પણ પ્રકારના સૈન્ય સંઘર્ષમાં ઉતરશે નહીં. 

    પરંતુ આખરે ઓક્ટોબર, 2023માં હમાસે પોત પ્રકાશ્યું અને અચાનક ઇઝરાયેલ પર ભીષણ હુમલો કરી દીધો અને અનેક ઇઝરાયેલી નાગરિકોને મારી નાખ્યા. અત્યાર સુધીમાં ઈઝરાયેલના 700 નાગરિકો માર્યા ગયા છે. અન્ય દેશોની સરખામણીએ આ આંકડો કદાચ નાનો લાગે, પરંતુ અન્ય દેશોની વસ્તીની સાપેક્ષે જોઈએ તો ઇઝરાયેલને થયેલું આ નુકસાન લાખો નાગરિકોનાં મોત બરાબર છે. 

    હવે ઈઝરાયેલે હમાસનો સંપૂર્ણ સફાયો કરવા માટે શસ્ત્રો ઉપાડી લીધાં છે અને અધિકારીક રીતે યુદ્ધ પણ જાહેર કર્યું છે. ઈઝરાયેલના સૈન્ય અધિકારીઓનું કહેવું છે કે હવે તેઓ કોઇ જાળમાં ફસાશે નહીં અને એક જ ભૂલ બીજી વખત નહીં કરે. હવે ઇઝરાયેલનો મકસદ માત્ર હમાસનો નાશ કરવાનો હશે. જેથી આવનારા દિવસોમાં આ યુદ્ધ વધુ ભીષણ બનવાનું.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં