Friday, May 24, 2024
More
  હોમપેજદેશચંદ્રયાન, સૂર્યયાન બાદ હવે ભારતનું 'સમુદ્રયાન': 'મત્સ્ય 6000' મહાસાગરના રહસ્યો પરથી હટાવશે...

  ચંદ્રયાન, સૂર્યયાન બાદ હવે ભારતનું ‘સમુદ્રયાન’: ‘મત્સ્ય 6000’ મહાસાગરના રહસ્યો પરથી હટાવશે પડદો, જાણો આ મિશનનું અતઃ થી ઇતિ

  સમુદ્રયાન મિશનમાં જે સબમર્સિબલનો ઉપયોગ કરવામાં આવશે તેનું નામ મત્સ્ય 6000 છે. આ સબમર્સિબલની મદદથી સમુદ્રતટથી 6 કિલોમીટર નીચે કોબાલ્ટ, નીકલ અને મેગનીજ જેવી બહુમૂલ્ય ધાતુઓની શોધખોળ કરવામાં આવશે.

  - Advertisement -

  ભારતે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ કરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ મિશન સફળ થયાના એક અઠવાડિયા બાદ જ ભારતે સૂર્યના અધ્યયન માટે ‘આદિત્ય-L1 મિશન’ લૉન્ચ કર્યું હતું. ભારતનું આ પહેલું સૂર્ય મિશન હતું. ત્યારબાદ હવે ભારત સમુદ્રની ઊંડાઈ માપશે અને સમુદ્રની અંદર છૂપાયેલા રહસ્યો જાણવાનો પ્રયાસ કરશે. ભારત જલ્દી જ પોતાના સમુદ્રયાન મત્સ્ય 6000 મિશનની ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુએ આ વિશે જાણકારી આપી છે. દેશભરમાં આ મિશનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તો તેવામાં આ સમુદ્રયાન વિશે માહિતી હોવી જરૂરી છે. અમે અહિયાં સરળ શબ્દોમાં સમુદ્રયાન વિશે માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.

  શું છે સમુદ્રયાન?

  સમુદ્રયાન ભારતનું એક દરિયાઈ મિશન છે. આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વકાંક્ષી છે. મિશન સમુદ્રયાનમાં ત્રણ લોકોને એક સ્વદેશી સબમર્સિબલમાં (એક રીતે સબમરીન) બેસાડીને સમુદ્રની અંદર 6 કિલોમીટર સુધીની ઊંડાઈમાં મોકલવામાં આવશે. જેનાથી સમુદ્રના તળિયે રહેલા સ્ત્રોતો અને જૈવ-વિવિધતાનો અભ્યાસ કરી શકાશે. આ સમુદ્રયાન મિશનમાં જે સબમર્સિબલનો ઉપયોગ કરવામાં આવશે તેનું નામ મત્સ્ય 6000 છે. આ સબમર્સિબલની મદદથી સમુદ્રતટથી 6 કિલોમીટર નીચે કોબાલ્ટ, નીકલ અને મેગનીજ જેવી બહુમૂલ્ય ધાતુઓની શોધખોળ કરવામાં આવશે. આ મિશન ડીપ ઓશન મિશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘બ્લ્યુ ઇકોનોમી’ (સમુદ્રના ક્ષેત્રથી થતી અર્થતંત્રની વૃદ્ધિ) હેઠળ આવે છે.

  મત્સ્ય 6000 શું છે?

  આગળ જણાવ્યું એ મુજબ સમુદ્રયાન મિશન માટે જે સબમર્સિબલનો ઉપયોગ થશે તેને મત્સ્ય 6000 નામ આપવામાં આવ્યું છે. એટલા માટે આ સમુદ્ર મિશનને મત્સ્ય 6000 પણ કહેવામાં આવી રહ્યું છે. મત્સ્ય શબ્દ પ્રાચીન સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. જેનો સામાન્ય અર્થ થાય છે માછલી. જ્યારે મત્સ્ય શબ્દના વ્યાપક અર્થની વાત કરવામાં આવે તો તેનો સંબંધ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર સાથે જોડાય છે. ભગવાન વિષ્ણુનો વાસ પણ સમુદ્રમાં ગણવામાં આવ્યો છે.

  - Advertisement -

  મત્સ્ય 6000નું નિર્માણ લગભગ 2 વર્ષમાં થયું છે. તેને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેકલોલોજી (NIOT)ના વૈજ્ઞાનિકોએ બનાવ્યું છે. આગામી વર્ષ એટલે કે 2024ની શરૂઆતમાં તેને ટેસ્ટિંગ માટે ચેન્નાઈ તટથી બંગાળની ખાડીમાં છોડવામાં આવશે. સમુદ્રમાં 6 કિલોમીટર સુધી નીચે જવું ખૂબ જ પડકારજનક છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આ વર્ષે જૂનમાં બનેલી ટાઈટેનિક દુર્ઘટનાનું પણ ધ્યાન રાખ્યું છે. સમુદ્રમાં ટાઈટેનિકના કાટમાળ સુધી ઉદ્યોગપતિઓને લઈ જનાર સબમરીનમાં ધમાકો થઈ ગયો હતો. તેને ધ્યાને રાખીને ભારતીય વૈજ્ઞાનિકો મત્સ્ય 6000ની ડિઝાઇનને વારંવાર તપાસી રહ્યા છે.

  મત્સ્ય 6000ની વિશેષતા

  મત્સ્ય 6000 એક સબમર્સિબલ છે. જેને બનાવવા માટે ટાઈટેનિયમ એલોયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે દરિયાઈ સપાટીના દબાણ કરતાં 600 ગણું વધારે દબાણ એટલે કે 600 બાર (દબાણ માપવાનું એકમ) સહન કરી શકે છે. દરિયાઈ સપાટીથી 6000 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે.

  સબમર્સિબલનો વ્યાસ 2.1 મીટર છે. તેના દ્વારા ત્રણ લોકોને 12 કલાક માટે 6000 મીટરની ઊંડાઈ સુધી દરિયામાં મોકલવામાં આવશે. તેની પાસે 96 કલાક સુધીની ઇમરજન્સી ઈંડ્યૂરેંસ હશે. એટલે કે એ 96 કલાક સુધી ઑક્સીજન પૂરું પાડી શકશે. 2026માં આ મિશનને લૉન્ચ કરવાની સંભાવના છે. અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાંસ અને ચીન પછી માનવયુક્ત સબમર્સિબલ બનાવનાર ભારત છઠ્ઠો દેશ છે.

  સમુદ્રયાનનો લક્ષ્ય

  સમુદ્રયાનનું સૌથી મોટું લક્ષ્ય છે ભારત સરકારની બ્લ્યુ ઈકોનોમીમાં (સમુદ્રના ક્ષેત્રથી થતી અર્થતંત્રની વૃદ્ધિમાં) સહાયતા કરવી. સાથે જ આ મિશન સમુદ્રની ઊંડાઈ પણ તાગી શકશે. તેનો ઉદ્દેશ્ય સમુદ્રના ઊંડાણમાં દુર્લભ ખનિજોની તપાસ માટે સબમર્સિબલ દ્વારા મનુષ્યને મોકલવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 4100 કરોડ રૂપિયા છે. સમુદ્રયાનને ઊંડા સમુદ્રમાં ગેસ હાઇડ્રેટ, પોલિમેટાલિક મેંગેનીઝ નોડ્યુલ્સ, હાઇડ્રો-થર્મલ સલ્ફાઇડ અને કોબાલ્ટ જેવા સંસાધનોની શોધ માટે મોકલવામાં આવશે. આ વસ્તુઓ 1000 થી 5500 મીટર સુધીની ઊંડાઈમાં જોવા મળે છે.

  સબમર્સિબલ અને સબમરીન વચ્ચે શું છે તફાવત?

  સબમર્સિબલ અને સબમરીન બંને પાણીની અંદર ચાલે છે. પરંતુ તેની ડિઝાઇન, કામ અને ઉદ્દેશ્ય અલગ-અલગ છે. સબમરીન એક પ્રકારનું જલયાન છે, જે પાણીની ઉપર અને પાણીની નીચે બંને જગ્યાએ કામ કરી શકે છે. તે વીજળી અથવા તો ડીઝલ એંજિનથી ચાલે છે. સબમરીન સામાન્યરીતે આકારમાં મોટી હોય છે અને ઘણા લોકોને એકસાથે લઈ જઈ શકે છે. તેનો ઉપયોગ મુખ્ય રૂપે દેખરેખ અને લશ્કરી હેતુઓ માટે કરવામાં આવે છે.

  જ્યારે સબમર્સિબલ એક પ્રકારનું વોટરક્રાફ્ટ છે. જેને માત્ર પાણીની નીચે ચલાવવામાં માટે જ બનાવવામાં આવ્યું છે. તે સામાન્ય રીતે આકારમાં નાનું હોય છે અને સીમિત સંખ્યામાં લોકોને લઈ જઈ શકે છે. સબમર્સિબલનો ઉપયોગ કોઈ ખાસ પ્રકારના સંશોધન માટે કરવામાં આવે છે. તે મિલિટરી ઓપરેશન માટે નથી બન્યા. સબમર્સિબલને પાણીની અંદર જવા માટે જહાજ અથવા તો કોઈ પ્લેટફોર્મની જરૂર પડે છે. આ વાત સબમર્સિબલને સબમરીનથી અલગ પાડે છે કારણ કે સબમરીન સ્વતંત્ર રીતે ઓપરેટ થઈ શકે છે.

  મત્સ્ય 6000ની NIOTમાં ચાલી રહી છે તપાસ

  નેશનલ ઇન્ડટીટ્યુટ ઑફ ઓશન ટેકનોલોજી (NIOT)ના વૈજ્ઞાનિકોએ 2 વર્ષની મહેનત બાદ મત્સ્ય 6000 બનાવ્યું છે. નેશનલ ટેકનોલોજી ઑફ ઓશન ટેકનોલોજી હાલ મત્સ્ય 6000ની ડિઝાઇનની તપાસ કરી રહી છે. આ વર્ષે એપ્રિલમાં ઉત્તરી અટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિકના કાટમાળને જોવા માટે પહોંચેલી સબમરીન બ્લાસ્ટ થઈ ગઈ હતી. આવી ઘટના બન્યા બાદ વૈજ્ઞાનિકોની ટીમ સાવધાનીથી ડિઝાઇનનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં