આગામી 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આજથી અનુષ્ઠાન શરૂ થઇ ચુક્યા છે. આજથી (16 જાન્યુઆરી 2024) શરૂ થયેલા આ અનુષ્ઠાનો 21 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં વિધિ વિધાનો અનુસાર અલગ-અલગ પૂજાઓ વગેરે કરવામાં આવશે. આ દરમિયાન રામ મંદિરમાં પ્રાયશ્ચિત પૂજા પણ કરવામાં આવી છે. કોઈ પણ શુભ કે મંગલ કાર્ય કરતા પહેલા આ વિધિનું વિશેષ પ્રાવધાન છે.
મળતી માહિતી અનુસાર અયોધ્યા રામ મંદિરમાં સવારે 9 વાગીને 30 મિનિટે પ્રાયશ્ચિત પૂજા શરૂ કરવામાં આવી હતી. વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવી રહેલી આ પૂજા 5 કલાક સુધી ચાલશે. આ પૂજામાં પ્રભુ શ્રીરામ પાસેથી ક્ષમા યાચના કરવામાં આવશે. આ પૂજામાં માત્ર યજમાને જ બેસવાનું હોય છે અને શારીરિક, આંતરિક, માનસિક અને બાહ્ય તેમ તમામ રીતે પ્રાયશ્ચિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય પ્રાયશ્ચિત પૂજાનો સીધો અર્થ થાય છે કે યજમાન દ્વારા જાણતા-અજાણતા જો કોઈ ભૂલ થઇ હોય તો તેનો પશ્ચાતાપ કરવામાં આવે. પ્રભુના વિગ્રહના નિર્માણ દરમિયાન છીણી અને હથોડા જેવા સાધનોનો ઉપયોગ થયો હશે અને તેવામાં ભગવાનને ઈજા પહોંચી હશે, અથવા તો અનેક ચૂક થવાની સંભાવનાઓ પણ છે. જેથી વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા પહેલા પ્રાયશ્ચિત પૂજા કરવામાં આવે છે.
પ્રાયશ્ચિત પૂજા કરવા પાછળ અન્ય એક કારણ તે પણ છે કે મંદિર નિર્માણ વખતે ધરતી માતાના પેટાળમાં ખોદકામ કરવામાં આવ્યું હશે. તે દરમિયાન અનેક જીવ-જંતુઓ તેમજ વૃક્ષો અને છોડવાઓને નુકસાન પહોંચ્યું હશે. આ પ્રકારની હાની બાદ પણ પ્રાયશ્ચિત પૂજા કરવાનું પ્રાવધાન છે. આ પૂજામાં અનેક રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તે પૈકી એક છે ‘ગૌદાન પ્રાયશ્ચિત’ જેમાં યજમાને ગૌદાન કરવાનો સંકલ્પ લેવાનો હોય છે. આ વિધિમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે અને તમામ વિધિ-વિધાનમાં તેઓ જ બેસશે.
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આજથી અનુષ્ઠાન શરૂ
ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આજથી અનુષ્ઠાન શરૂ થઇ ચુક્યા છે. અનુષ્ઠાન પહેલા રામ મંદિરને સરયુ નદીના પવિત્ર જળથી ધોવામાં આવ્યું છે. અનુષ્ઠાનના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસે જણાવ્યું કે, “સૌપ્રથમ દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવશે. પૂજામાં કૂલ સાત અધિવાસ રહેશે. કૂલ 121 આચાર્યોની દેખરેખ હેઠળ તમામ પૂજાઓ સંપન થશે.”