Thursday, May 9, 2024
More
    હોમપેજદેશવડાપ્રધાન મોદીના સહયોગથી મહિલાઓની ઉંચી ઉડાન: પીએમ મોદીએ 'સશક્ત નારી-વિકસિત ભારત' કાર્યક્રમમાં...

    વડાપ્રધાન મોદીના સહયોગથી મહિલાઓની ઉંચી ઉડાન: પીએમ મોદીએ ‘સશક્ત નારી-વિકસિત ભારત’ કાર્યક્રમમાં ‘નમો ડ્રોન દીદી યોજના’ અંતર્ગત ડ્રોન સોંપ્યા, જાણો વધુ

    કેન્દ્રની ભાજપ સરકાર થોડા-થોડા સમયે દેશના નાગરિકોની સુખાકારી માટે અવનવી યોજનાઓ લાવતી રહે છે. અલગ-અલગ ક્ષેત્રમાં આવડત ધરાવતા દેશના કરોડો લોકો માટે અલગ-અલગ પ્રકારની યોજનાઓનો આમાં સમાવેશ થાય છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (11 માર્ચ 2024) દિલ્હીમાં પૂસા ખાતે રાષ્ટ્રીય કૃષિ રીસર્ચ સેન્ટરમાં ‘સશક્ત નારી-વિકસિત ભારત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાને નમો ડ્રોન દીદી’ યોજના અંતર્ગત પ્રશિક્ષિત મહિલાઓ દ્વારા ડ્રોન પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું. આ કાર્યક્રમમાં જ વડાપ્રધાન મોદીએ 1000થી વધુ મહિલાઓને ડ્રોન સોંપ્યા હતા. આ કાર્યક્રમમાં દેશના 11 ભાગોથી આવેલી ‘ડ્રોન દીદીઓ’એ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાને લખપતિ દીદીઓને પણ સન્માનિત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભાજપ સરકાર થોડા-થોડા સમયે દેશના નાગરિકોની સુખાકારી માટે અવનવી યોજનાઓ લાવતી રહે છે. અલગ-અલગ ક્ષેત્રમાં આવડત ધરાવતા દેશના કરોડો લોકો માટે અલગ-અલગ પ્રકારની યોજનાઓનો આમાં સમાવેશ થાય છે. આ યોજનાઓ પૈકી કેટલીક યોજનાઓ એવી પણ છે જે માત્ર મહિલાઓના લાભ માટે શરૂ કરવામાં આવી હોય. આવી જ એક યોજના છે ‘નમો ડ્રોન દીદી યોજના’. આ યોજનાની શરૂઆત કૃષિ ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને વધારવા માટે કરવામાં આવી હતી. આ યોજના દ્વારા મહિલાઓને ડ્રોન પાયલોટ બનાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવે છે, સાથે જ તેમણે અત્યાધુનિક ડ્રોન લેવા નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.

    ક્યારે થઈ યોજનાની ઘોષણા?

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બર 2023ના રોજ વિડીયો કોન્ફરન્સ મારફતે નમો ડ્રોન દીદી યોજના પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે મહિલાઓ પાછળ 1,261 કરોડનું બજેટ ફાળવ્યું હતું. બજેટના આ રૂપિયા મારફતે આગામી સમયમાં હજારો મહિલાઓને લાભ આપવામાં આવશે. આ યોજના થકી કૃષિ ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને વધારવામાં આવશે. આ માટે ડ્રોન નિર્માતા કંપની ગરુડ એરોસ્પેસ દ્વારા અનેક મહિલાઓને પ્રશિક્ષિત કરી રહી છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 20 રાજ્યોમાં મહિલા સેલ્ફ હેલ્પ ગૃપને ડ્રોન વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાને આખા દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મારફતે લાગુ કરવામાં આવશે.

    - Advertisement -

    મહિલાઓને આપવામાં આવશે પ્રશિક્ષણ

    નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત મહિલાઓને ખાસ પ્રકારનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ અંતર્ગત ડેટા એનાલીસીસ તેમજ ડ્રોનની સાર-સંભાળ સંબંધિત ટ્રેનીંગ આપવામાં આવશે. આ યોજનામાં મહિલાઓને ડ્રોન ઉડાડવા માટે પણ ખાસ ટ્રેનીંગ આપશે. ડ્રોન ઉડાડવા ઉપરાંત આ ડ્રોન મારફતે પાક નિરીક્ષણ, કીટનાશક તેમજ ખાતરનો છંટકાવ અને વાવણી કરવા માટેની ટ્રેનીંગ આપવામાં આવશે.

    યોજના ફાયદા

    નમો ડ્રોન દીદી યોજના થકી મહિલાઓને અનેક ફાયદા થશે. આ યોજના મારફતે મહિલાઓને વધુ સશક્ત બનાવવામાં આવશે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવશે અને તેમને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થશે. આ યોજના થકી કૃષિ પાછળ આવતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાશે. યોજના લાગુ થયા બાદ મહિલાઓ માટે નવી રોજગારની તકો ઉભી થશે. નમો ડ્રોન દીદી યોજના ભારત સરકારનું અતિ મહત્વકાંક્ષી પગલું છે.

    આ યોજનાથી મહિલાઓના હાથ તો મજબૂત થશે જ, બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. દવા છાંટવા, રોપણી કરવી કે પછી ખાતર નાખવા જેવા શ્રમવાળા કામમાં ઓછી મજૂરી સાથે વધુ કામ કરી શકાશે. ડ્રોનની મદદથી થોડા સમયમાં વધુ જમીન પર કામ કરી શકાશે.

    ઉલ્લેખનીય છે કે મહિલા સેલ્ફ હેલ્પ સમૂહોને ડ્રોનની ખરીદી પર તેની કિંમતના 80 ટકા, કે પછી વધુમાં વધુ 8 લાખ રૂપિયા સુધીની સહાયતા આપવામાં આવશે. આ ઉપરાંત બાકી વધેલી રકમ પર કૃષિ ઇન્ફ્રા નાણાકીય સહાયતા અંતર્ગત વધારાની લોન પણ મળી શકશે. આ લોન પર 3 ટકા વ્યાજ સબસીડી પણ આપવામાં આવશે. તેમ કહી શકાય કે ડ્રોન અને તેના પ્રશિક્ષણ પાછળનો મોટાભાગનો ખર્ચ સરકાર પોતે જ ઉઠાવશે.

    બીજી તરફ મહિલા ડ્રોન પાયલોટને પણ આ બાબતે પ્રશિક્ષિત કરવામાં આવશે. તેમને 10થી 15 ગામડાઓનું એક સમૂહ બનાવીને આપવામાં આવશે, જ્યાં એક પ્રશિક્ષિત મહિલાને ડ્રોન દીદી તરીકે નીમવામાં આવશે. તેમની નિમણુક બાદ તેમને દર મહીને સરકાર દ્વારા ₹15,000 વેતન પણ આપવામાં આવશે.

    કોણ કરી શકે આવેદન, અને શું છે પ્રક્રિયા?

    ઉલ્લેખનીય છે કે આ યોજના માત્ર ભારતીય મહિલાઓ માટે જ છે. તેના માટે આવેદન કરવા માટે મહિલા નિમ્ન આર્થિક વર્ગમાંથી આવતી હોવી જોઈએ અને તેઓ કૃષિ ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોવા જોઈએ. આ યોજનાના આવેદન માટે મહિલાએ પોતાનું આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, બેંકની પાસબુક, પાન કાર્ડ, મેલ આઈડી આપવાના રહેશે.

    સરકારી યોજના માટે આવેદન પ્રક્રિયાની વાત કરીએ તો ઈચ્છુક મહિલાએ તેનો લાભ લેવા ઓનલાઈન આવેદન આપવાનું રહેશે. આ માટે પહેલા તેમણે યોજનાની આધિકારિક વેબસાઈટ પર જવાનું રહેશે, જ્યાં તેમને યોજનાનું હોમ પેજ જોવા મળશે. હોમ પેજના ડેશ બોર્ડ પર નવી નોંધણી કે પછી સાઈન-અપ અથવા તો લોગ-ઇન કરવા માટે જણાવ્યું હશે. અહીં તેમને નવા આવેદન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ એક ફોર્મ ફોરમેટ ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.

    આ ડેશબોર્ડમાં માંગવામાં આવેલા ડોકયુમેન્ટ પણ રજુ કરવાના રહેશે. ફોર્મ ભરાઈ ગયા બાદ તેને ફરી એક વાર વ્યવસ્થિત ચેક કરીને તેને સબમિટ કરી દેવાનું રહેશે. ફોર્મ સબમિટ થયા બાદ આપના મેલ-આઈડી કે પછી રજીસ્ટ્રેશન કરાયેલા મોબાઈલ નંબર પર જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં