Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતગુજરાતમાં આગામી ચાર દિવસ 'હીટવેવ'ની આગાહી: અમદાવાદમાં પાંચ દિવસ રેડ એલર્ટ, જાણો...

    ગુજરાતમાં આગામી ચાર દિવસ ‘હીટવેવ’ની આગાહી: અમદાવાદમાં પાંચ દિવસ રેડ એલર્ટ, જાણો શું હોય છે હીટવેવ? કેમ અપાય છે એલર્ટ? શું છે તેનાથી બચવાના ઉપાયો

    જ્યારે વાતાવરણમાં ઉચ્ચ દબાણ ગરમ હવાને નીચે તરફ ધકેલે છે અને જમીનની નજીક ફસાવે છે, ત્યારે અતિશય ગરમી અનુભવાય છે. જેને હીટવેવ તરીકે ઓળખવામાં આવે છે.

    - Advertisement -

    ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ 21 મેથી અમદાવાદમાં પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે શિક્ષણાધિકારીએ સ્કૂલોના સમયમાં પણ પરિવર્તન કરી દીધું છે. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં સૌ કોઈને હીટવેવ જેવા શબ્દો સાંભળવા મળે છે. પરંતુ ખરેખર હીટવેવ કહેવાય કોને, તેને તપાસવાના માપદંડ કેવા, તેની પરિભાષા શું તે વિશેની માહિતી સામાન્ય લોકોને હોતી નથી. તો આપણે હીટવેવ અને તેના સામાન્ય લક્ષણોથી લઈને તેનાથી બચવાના ઉપાયો અને હિટવેવના કારણો વિશે ચર્ચા કરીશું.

    હીટવેવની હાલની સ્થિતિ જોવામાં આવે તો ગુજરાતના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. કામ વગર લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ તેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ, ભાવનગર, પોરબંદર, સુરત, રાજકોટ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ અને વલસાડ જેવા શહેરોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. હીટવેવના કારણે તંત્ર દ્વારા ઘણા પરિવર્તનો પણ કરવામાં આવ્યા છે. આપણે હીટવેવને વિગતે સમજવા પ્રયાસ કરીશું.

    શું છે હીટવેવ? તેની પરિભાષા શું?

    હીટવેવનો સામાન્ય શાબ્દિક અર્થ થાય છે ‘અતિશય ગરમી’ અથવા ‘ગરમીનું મોજું’. અતિશય ગરમીની આગાહીને હીટવેવ કહેવામાં આવે છે. ‘India Meteorological Department’ (IMD) જેને ભારતીય હવામાન વિભાગ પણ કહેવામાં આવે છે. તે અનુસાર, “હીટવેવ ત્યારે માનવામાં આવે છે, જ્યારે કોઈ હવામાન કેન્દ્ર પર મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જે સામાન્યથી ઓછામાં ઓછું 4.5 ડિગ્રી અથવા તો તેનાથી વધુના બદલાવ સાથે થાય છે. મહત્તમ તાપમાન સામાન્યથી 6.5 ડિગ્રી વધુ હોવાથી ભીષણ ગરમી (હીટવેવ)ની આગાહી કરવામાં આવે છે.”

    - Advertisement -

    ઉપરોક્ત વ્યાખ્યાને સરળતાથી સમજવા પ્રયાસ કરીએ તો ભારતીય વિસ્તારોમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન હીટવેવ ગણાય છે, પરંતુ તે સામાન્ય હીટવેવ ગણાય છે. જ્યારે 40થી ઉપર 45 ડિગ્રી કે પછી તેનાથી વધુ તાપમાન નોંધવામાં આવે તો તે મહત્તમ હીટવેવ કહેવાય છે. દરેક સ્થળોએ હીટવેવની વ્યાખ્યા બદલાતી રહી છે. કારણ કે, દરેક સ્થળની ભૌગોલિક સ્થિતિ એક જેવી હોતી નથી. ઉદાહરણ તરીકે, મેદાન વિસ્તારમાં ગરમી વધુ પડે છે, તો ત્યાં તે મુજબ હીટવેવ જાહેર કરવામાં આવે છે. જ્યારે પહાડી વિસ્તારમાં અને ઠંડા પ્રદેશોમાં ગરમી ઓછી હોય છે તો ત્યાં તે મુજબ હીટવેવ જાહેર કરવામાં આવે છે.

    ભારતની વાત કરવામાં આવે તો મેદાની વિસ્તારોમાં 40 ડિગ્રી કે તેથી વધુના તાપમાનને હીટવેવ ગણી શકાય છે. જ્યારે પહાડી કે ઠંડા વિસ્તારમાં 30 ડિગ્રી કે તેથી વધુના તાપમાનને હીટવેવ ગણવામાં આવે છે. ઘણા યુરોપિયન દેશોમાં બરફ પડતો હોય છે, તો ત્યાં 20 ડિગ્રી તાપમાનને પણ હીટવેવ ગણવામાં આવે છે. કારણ કે, ત્યાં તેટલી ગરમી ક્યારેય પડતી નથી હોતી. એટલે સામાન્ય શબ્દોમાં દરેક દેશ અને સ્થળોમાં હીટવેવને અલગ-અલગ રીતે વ્યાખ્યાતિત કરવામાં આવ્યું છે. ભારતમાં મેદાની પ્રદેશમાં 40 ડિગ્રીથી વધુના તાપમાનને હીટવેવ ગણાય છે અને પહાડી વિસ્તારમાં 30 ડિગ્રીથી વધુના તાપમાનને હીટવેવ ગણાય છે. 45 ડિગ્રીથી વધુ તાપમાન થાય ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. જે અમદાવાદ જેવા જિલ્લાઓમાં જાહેર કરાયો છે.

    હીટવેવના લક્ષણો

    આપણાં વિસ્તારમાં હીટવેવ છે કે કેમ તેની આપણે પોતે પણ તપાસ કરી શકીએ છીએ. સામાન્ય રીતે વધુ ગરમી લાગવાની આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે, તાપમાન વધી રહ્યું છે. તે સિવાય તેના ઘણા લક્ષણો પણ છે. જેમ કે શરીર વધુ પડતું ગરમ થવું, વારંવાર તરસ લાગવી, ત્વચા પર ગાંઠો વળવી અથવા તો ત્વચા સંબંધિત બીમારીઓ થવી, સ્નાયુઓમાં ખેંચાણ થવું, માથાનો દુખાવો થવો, ઊબકા આવવા, સ્વભાવ ચીડિયો થઈ જવો, અકળામણ થવી, શ્વાસ ચડવો, હાંફી જવું વગરે. આ સામાન્ય લક્ષણોથી આપણે સમજી શકીએ છીએ કે, વિસ્તારમાં અતિશય ગરમી પડી રહી છે. તેથી તે મુજબના ઉપાયો કરવાથી ગરમીથી બચી શકાય છે.

    કઈ રીતે સર્જાય છે હીટવેવ?

    જ્યારે વાતાવરણમાં ઉચ્ચ દબાણ ગરમ હવાને નીચે તરફ ધકેલે છે અને જમીનની નજીક ફસાવે છે, ત્યારે અતિશય ગરમી અનુભવાય છે. જેને હીટવેવ તરીકે ઓળખવામાં આવે છે. વાતાવરણનું દબાણ ગરમ થઈ ગયેલી હવાને જમીન તરફ ધકેલે છે, જેના લીધે જમીન સાથે જોડાયેલા પ્રાણીઓ પર તેની અસર થાય છે.

    હવાનું દબાણ અને હીટવેવની સંભાવના (ફોટો: Drishti IAS)

    આ સાથે જ વાતાવરણમાં રહેલું તે દબાણ તાળાંની જેમ કામ કરે છે. જે હવાને નીચેની તરફ ધકેલે તો છે, પરંતુ પછી તેને ઉપર આવતા પણ અટકાવે છે. તેથી લાંબા સમય સુધી ગરમ હવા જમીની સ્તર પર ફરે છે અને હીટવેવને સર્જે છે. ગરમ હવાના દબાણના કારણે વરસાદ પણ પડતો નથી અને ગરમી દિનપ્રતિદિન વધતી રહે છે.

    હીટવેવના કારણો

    હીટવેવના કારણોમાં સૌપ્રથમ કારણ હવાનું પ્રદૂષણ હોય છે. ગરમ હવા અને પ્રદૂષણ ધરાવતો વાયુ વાતાવરણમાં ભળી જઈને દબાણ સર્જે છે અને ઉપરોક્ત જણાવ્યા અનુસાર, તે દબાણ ગરમ હવાને જમીન તરફ ધકેલે છે. તે સિવાય હીટવેવના અન્ય પણ ઘણા કારણો હોય શકે છે. જેમ કે વૃક્ષોનું નિકંદન, વધુ પડતું પ્રદૂષણ, વાહનોનું પ્રદૂષણ, આગનો ધુમાડો, કંપનીઓ-ફેક્ટરીઓ જેવા ઔદ્યોગિક એકમોના ઝેરી ધુમાડાનું પ્રદૂષણ. આવા અનેક પરિબળો હીટવેવ માટે જવાબદાર છે.

    આ ઉપરાંત કોઈ જગ્યાએ હવાનું દબાણ સર્જાવાથી વાવાઝોડાની અસર રહે છે અને આસપાસની તમામ ગરમ હવાઓ બીજી જગ્યાએ સ્થળાંતરીત થાય છે. તેથી પણ હીટવેવની સંભાવનાઓ વધી જાય છે. તે સિવાય ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પણ હીટવેવ સર્જાય છે.

    હીટવેવથી બચવાના ઉપાયો

    હવામાન વિભાગ દ્વારા હીટવેવથી બચવાના ઘણા ઉપાયો વિશે પણ માહિતી આપવામાં આવે છે. તેથી સામાન્ય રીતે લોકો હીટવેવથી બચી શકે. આપણે મુદ્દાસર હીટવેવથી બચવાના ઉપાયો, શું કરવું અને શું કરવું જેવા મુદ્દાઓને સમજવા માટે પ્રયાસ કરીશું.

    • હીટવેવ દરમિયાન 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું
    • ગરમ પાણીની જગ્યાએ ઠંડા પાણીથી સ્નાન કરવું
    • વધુમાં વધુ પાણી પીવું. તરસ ન લાગે તોપણ પાણી પીવું
    • હળવા અને સુતરાઉ કાપડનો ઉપયોગ કરવો, કાળા રંગના કપડાંનો ઉપયોગ ટાળવો, સફેદ રંગના કપડાં પહેરીને બહાર જવું
    • તડકામાં બહાર જતાં સમયે ચશ્મા, ટોપી, છત્રીનો ઉપયોગ કરવો
    • બહાર તાપમાન વધુ હોય તો ભારે મહેનતવાળા કાર્યો અટકાવી દેવા
    • યાત્રા કરતી વખતે અથવા બહાર જતી વખતે પોતાની સાથે પાણી જરૂરથી રાખવું
    • દારૂ, ચા, કોફી અને કાર્બોનેટેડ કોલ્ડડ્રિંક્સથી બચવું જોઈએ, કારણ કે તે શરીરને ડિહાઇડ્રેડ કરી શકે છે.
    • વાસી ખોરાક ન ખાવો અને વધુ પ્રોટીનવાળા ખોરાકથી પણ બચવું
    • પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા તો પાલતુ પશુઓને ન છોડવા
    • ORS, ઘરમાં બનેલું પીણું જેવુ કે, લસ્સી, લીંબુ પાણી/શરબત, છાશનો વધુમાં વધુ ઉપયોગ કરવો
    • પશુઓને છાંયાડામાં રાખવા અને તેને પીવા માટે પૂરતું પાણી પણ આપવું
    • રાત્રે સૂતા સમયે ઘરની બારીઓ ખુલ્લી રાખવી
    • ACનો ઉપયોગ ટાળવો, પંખાનો ઉપયોગ કરવો અને ભીના કપડાં પહેરવા અથવા તો દિવસ દરમિયાન ત્રણવાર ઠંડા પાણીથી સ્નાન કરવું
    • તરબૂચ, દ્રાક્ષ, દાડમ, સાકરટેટી વગરે જેવા ફળો આરોગવા
    • ફ્રિજના ઠંડા પાણીની જગ્યાએ માટલાંનું શુદ્ધ પાણી પીવું
    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં