Monday, April 22, 2024
More
  હોમપેજએક્સપ્લેઇનરઇઝરાયેલ સાથે દુશ્મની, હમાસ જેવાં જ કારસ્તાન, 'મુસ્લિમ બ્રધરહૂડ'માંથી ઉદય: જાણો શું...

  ઇઝરાયેલ સાથે દુશ્મની, હમાસ જેવાં જ કારસ્તાન, ‘મુસ્લિમ બ્રધરહૂડ’માંથી ઉદય: જાણો શું છે ‘ઈસ્લામિક જેહાદ’, જેના રૉકેટથી ગાઝાની હૉસ્પિટલમાં માર્યા ગયા 500 લોકો 

  અમેરિકાની વિદેશનીતિ અને અંતરરાષ્ટ્રીય બાબતોમાં વિશેષજ્ઞતા ધરાવતા થિંક ટેંક કાઉન્સિલ 'ઑન ફોરેન રિલેશન (OFR)'ના રિપોર્ટ અનુસાર, 'પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ' (PIJ) એક ઇસ્લામી પેલેસ્ટાઈની સંગઠન છે. તે ઇઝરાયેલના અસ્તિત્વનો હિંસક વિરોધ કરે છે.

  - Advertisement -

  ગાઝા શહેરની અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલ મિસાઈલ હુમલામાં અનેક લોકોનાં મોતના સમાચાર મળ્યા બાદ મંગળવાર (27 ઓકટોબર, 2023)ની રાત્રે ઇઝરાયેલની સેનાએ જણાવ્યું હતું કે આ હુમલો તેમણે નથી કર્યો પરંતુ ઇસ્લામિક જેહાદ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ પોતાનો દાવો સાચો હોવાનું સાબિત કરવા મજબૂત પુરાવાઓ પણ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના X હેન્ડલ પર દુનિયા સામે મૂક્યા હતા.

  આ હુમલા માટે ઇઝરાયેલી સુરક્ષા દળોએ ગાઝાના પેલેસ્ટાઇનના સશસ્ત્ર વિદ્રોહી જૂથ પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ (PJI)ને જવાબદાર ગણાવ્યું છે. સેનાનું કહેવું છે કે PJI તરફથી છોડવામાં આવેલું રોકેટ મિસફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. બીજી તરફ ગાઝામાં હમાસ સાથે જોડાયેલા સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વિસ્ફોટને ઇઝરાયેલનો હવાઈ હુમલો ગણાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મોડી સાંજે હવાઈ હુમલામાં ગાઝા શહેરની આ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી. પરંતુ ઇઝરાયેલ દ્વારા જે જૂથને આ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે તે શું છે તે જાણવું પણ જરૂરી છે.

  ઇસ્લામી જેહાદ (PJI) શું છે?

  અમેરિકાની વિદેશનીતિ અને અંતરરાષ્ટ્રીય બાબતોમાં વિશેષજ્ઞતા ધરાવતા થિંક ટેંક કાઉન્સિલ ‘ઑન ફોરેન રિલેશન (OFR)’ના રિપોર્ટ અનુસાર, ‘પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ‘ (PIJ) એક ઇસ્લામી પેલેસ્ટાઈની સંગઠન છે. તે ઇઝરાયેલના અસ્તિત્વનો હિંસક વિરોધ કરે છે. અમેરિકન વિદેશ વિભાગના 2006ના આતંકવાદ પરના રિપોર્ટ અનુસાર 1997માં PIJને આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું હતું.

  - Advertisement -

  PIJનો મકસદ પણ પેલેસ્ટાઇનમાં ઇસ્લામી શાસન લાગુ કરવાનો છે અને જે માટે તેઓ ઇઝરાયેલના નાગરિકો અને સૈનિકોને નિશાન બનાવતા રહે છે. જોકે, તેઓ ફતહ અને હમાસની જેમ રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કરતા હોતા નથી. ઉલ્લેખનીય છે કે હમાસથી માંડીને પેલેસ્ટાઈનનાં અન્ય આતંકવાદી-ઉગ્રવાદી સંગઠનો ઇઝરાયેલને દેશ માનતા નથી અને સંપૂર્ણ ધરતી પર દાવો કરતા આવ્યા છે.  

  ક્યારે અસ્તિત્વમાં આવ્યું આ સંગઠન

  પેલેસ્ટેનિયન ઈસ્લામિક જેહાદના સ્થાપકો ફતેહી શાકાકી અને અબ્દ અલ-અઝીઝ અવદા ઈજિપ્તમાં વિદ્યાર્થીઓ હતા. બંને 1970ના દાયકાના અંત સુધી ઇજિપ્તના ‘મુસ્લિમ બ્રધરહૂડ’ના સભ્યો પણ રહ્યા હતા. તેમને લાગ્યું કે બ્રધરહુડ વધારે પડતું ઉદાર બની રહ્યું છે અને પેલેસ્ટાઇનના ફાયદા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પૂરતી નથી. ત્યારબાદ બંનેએ ‘પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ’ (PIJ)ની રચના કરવાનો નિર્ણય કર્યો. ઉલ્લેખનીય છે કે ‘મુસ્લિમ બ્રધરહૂડ’ ઇજિપ્તનું સુન્ની ઇસ્લામી સંગઠન છે. જેની સ્થાપના 95 વર્ષ પહેલાં 1928માં થઈ હતી. ઇજિપ્ત, રશિયા, સાઉદી જેવા ઘણા દેશોએ તેને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યુ છે.

  ‘ઇઝરાયેલના વિનાશ’ અને ‘સાર્વભૌમ પેલેસ્ટાઇન રાજ્યની પુનઃસ્થાપના’ માટે પ્રતિબદ્ધ PIJ એક અલગ સંગઠન તરીકે ઉભરી આવ્યું હતું. નોંધનીય છે કે PIJએ સુન્ની જૂથ હોવા છતાં 1979ની ઇરાની ક્રાંતિ દરમિયાન અપનાવવામાં આવેલી ક્રાંતિકારી, મઝહબી શિયા નીતિઓમાંથી પ્રેરણા લીધી હતી, જેણે ઇસ્લામિક શાસનની સ્થાપના કરી.

  ઇસ્લામિક જેહાદી જૂથની સ્થાપના 1980ના દાયકામાં ગાઝા પટ્ટી પર ઇઝરાઇલી કબજા સામે લડવા અને ગાઝા અને વેસ્ટ બેન્કમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવામાં આવી હતી. PIJ ગાઝાનું બીજું સૌથી મોટું સશસ્ત્ર જૂથ છે અને તે આતંકવાદી સંગઠન હમાસ સાથે મળીને જ કામ કરે છે.

  વર્ષ 2006થી હમાસ ગાઝા પર શાસન કરે છે. છેલ્લાં 35 વર્ષથી ગાઝામાં હમાસનું જ વર્ચસ્વ છે. ઇરાન આ બંને જૂથોને ભંડોળ તેમજ શસ્ત્રો પણ પૂરાં પાડે છે. બીજી તરફ ઈઝરાયેલ અમેરિકા અને અન્ય ઘણા દેશો બંનેને આતંકવાદી સંગઠનો માને છે.

  શું છે PIJનો મકસદ

  વાસ્તવમાં ‘પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદ’ 1948 પહેલાંના પેલેસ્ટાઇનની ભૌગોલિક સરહદો પર એક સાર્વભૌમ, ઇસ્લામિક પેલેસ્ટાઇન રાજ્યની પુન:સ્થાપના કરવા માંગે છે. PIJ હિંસક માધ્યમથી ઇઝરાઇલના વિનાશની હિમાયત કરે છે. એટલું જ નહીં, તે આરબ-ઇઝરાયલ સંઘર્ષને પ્રાદેશિક વિવાદ તરીકે નહીં પરંતુ વૈચારિક યુદ્ધ તરીકે જુએ છે. પીઆઈજેના સભ્યો હિંસાને મધ્ય પૂર્વના નકશામાંથી ઇઝરાઇલને દૂર કરવાના એકમાત્ર ઉપાય તરીકે જુએ છે. PIJ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સહ-અસ્તિત્વમાં રહેલી કોઇ પણ બે-રાજ્યની વ્યવસ્થાને નકારી કાઢે છે.

  પેલેસ્ટાઇનનાં અન્ય અલગાવવાદી જૂથોથી વિપરીત, PIJ રાજદ્વારી પ્રક્રિયામાં વાટાઘાટો કરવાનો કે તેમાં જોડાવાનો ઇનકાર કરે છે. તે પેલેસ્ટાઇન ઓથોરિટીની અંદર રાજકીય પ્રતિનિધિત્વની માંગ નથી કરતું, અને આ જ કારણ છે કે PIJ પર એવો પણ આરોપ છે કે તેણે ઇઝરાયેલી ઠેકાણાં પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓ કરીને 1993ના ઇઝરાયેલી-પેલેસ્ટાઇન ઓસ્લો સમજૂતીના પ્રયાસોને અવરોધિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

  આ દેશ છે PIJનો સ્પોન્સર

  અમેરિકાના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇરાન PIJ બજેટના મોટાભાગનું ભંડોળ પૂરું પાડે છે. બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાએ સીરિયા પર આ જૂથ માટે ‘સલામત આશ્રયસ્થાન’ પ્રદાન કરવાનો અને પીઆઈજે મુખ્યમથકને દમાસ્કસમાં રહેવાની મંજૂરી આપવાનો પણ આરોપ લગાવ્યો છે.

  PIJ હમાસથી કેવી રીતે અલગ?

  PIJ એક રીતે હમાસનું હરીફ આતંકવાદી જૂથ છે. તે પેલેસ્ટાઇનના સમર્થન માટે ઘણીવાર હમાસ સાથે સ્પર્ધામાં ઉતરી આવે છે. આ સિવાય તેઓ ઇઝરાયલ સાથે કોઇ પણ પ્રકારની ડિપ્લોમેટિક વાતચીત કરતા નથી. હમાસ કરતાં ઘણા નાના આ આતંકવાદી જૂથ PIJના સભ્યો ઇસ્લામ માટે તેના ઐતિહાસિક મહત્વને કારણે આ ભૂમિને પાક માને છે. તેથી જ આ જૂથ હિંસક રીતે ઇઝરાઇલના સંપૂર્ણપણે વિનાશ કરવા માટે પ્રતિબદ્ધ છે.

  કોણ છે PIJના નેતા

  શકાકી મેડીકલના ભણતર માટે ગાઝાથી મિસ્ર ચાલ્યો ગયો હતો. જ્યાં તે મિસ્ર ‘મુસ્લિમ બ્રધરહુડ’ સાથે સક્રિયપણે જોડાઈ ગયો. ત્યારબાદ તે લાંબા સમય સુધી PIJના નેતા રહી ચુકેલા અબ્દ અલ-અઝીઝ અવદા સાથે જોડાઈ ગયો. શાકાકી સીરિયન સંરક્ષણ હેઠળ દમાસ્કસમાં સ્થાયી થતાં પહેલાં દેશનિકાલને કારણે મધ્ય પૂર્વમાં ફરતો હતો. આખરે તે સીરિયાના રક્ષણ હેઠળ દમાસ્કસમાં જ સ્થાયી થઇ ગયો.

  શાકાકી 1995માં ઇઝરાઇલી એજન્ટો દ્વારા માલ્ટામાં કથિત રીતે તેની હત્યા કરવામાં આવી ત્યાં સુધી આ જૂથનો વડો રહ્યો. ત્યારબાદ તેના સ્થાને બ્રિટનમાં ભણેલા પેલેસ્ટાઈનના રમઝાન અબ્દુલ્લાહ શાલ્લાહને વડો બનાવવામાં આવ્યો. અબ્દુલ્લાહ શાલાહ 1990થી 1995 દરમિયાન યુનિવર્સિટી ઑફ સાઉથ ફ્લોરિડામાં મિડલ ઈસ્ટ કોર્સ ભણાવતો હતો.

  અમેરિકી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓએ 2003માં આઠ પેલેસ્ટેનિયન ઈસ્લામિક જેહાદના 8 નેતાઓને 50 આરોપોમાં દોષી ઠેરવ્યા હતા. આમાંથી માત્ર એક સામી અલ-એરિયનની ધરપકડ થઇ શકી અને તેની સામે કેસ ચલાવવામાં આવ્યો. જોકે, અલ-એરિયને આતંકવાદ સાથે સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો.

  શું છે PIJનો ઈતિહાસ

  શાકાકી અને અવદા 1970ના દાયકાના અંતમાં મુસ્લિમ બ્રધરહુડથી અલગ થયા. ત્યારબાદ 1981માં ઇજિપ્ત સરકારે રાષ્ટ્રપતિ અનવર સદાતની હત્યા બાદ દેશવટો ન આપ્યો ત્યાં સુધી તેમણે ત્યાંથી જ PIJનું કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.

  PIJ 1987 સુધી ગાઝામાં રહ્યું. ત્યારબાદ આ આતંકવાદી જૂથને ગાઝાથી લેબનોન નિર્વાસિત કરવામાં આવ્યું. આ સમય દરમિયાન લેબનોનમાં રહેતા PIJના નેતૃત્વએ હિઝબુલ્લાહ સાથે સંબંધો બાંધ્યા. આ અંતર્ગત આ ગ્રુપે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ પાસેથી ટ્રેનિંગ પણ લીધી હતી.

  વર્ષ 1989માં શાકાકીએ PIJનું સત્તાવાર વડું મથક સીરિયાની રાજધાની દમાસ્કસમાં સ્થાનાંતરિત કરી નાંખ્યું. ત્યારથી તેઓ ત્યાંથી જ ઓપરેટ કરી રહ્યા છે. જોકે, અમેરિકાના વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, લેબનોનમાં PIJના નેતાઓની એક નાનકડી ટુકડી વર્તમાન સમયમાં પણ હાજર છે. દક્ષિણ લેબેનોનમાં તેની સતત હાજરીને કારણે પીઆઇજે (PIJ) અને હિઝબુલ્લાહે 1990ના દાયકામાં સંયુક્ત હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું.

  વર્તમાન સમયમાં પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ એક નાનું પણ અત્યંત ગોપનીય સંગઠન છે. તે 1,000થી ઓછા સભ્યો અને મર્યાદિત જનસમર્થન સાથે ભૂગર્ભમાં કામ કરે છે. જોકે, 2003માં આ જૂથના આઠ સિનીયર સભ્યો પર અમેરિકાના આરોપોએ તેની તાકાતમાં ઘટાડો કરી દીધો છે.

  કેવા પ્રકારના હુમલા કરે છે PIJ

  PIJ ઘણીવાર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરે છે જેનો ભોગ મુખ્યત્વે સામાન્ય નાગરિકો અને લશ્કરી કર્મચારીઓ બંને હોય છે. જોકે, ગાઝાની આસપાસ સુરક્ષા વધારવાને કારણે ઇઝરાઇલી ક્ષેત્રની અંદર થતા હુમલાની સંખ્યામાં ઘટાડો થયો છે. આ સમય દરમિયાન PIJએ અમેરિકન સંપત્તિઓ અથવા નાગરિકો પર કોઇ સીધો હુમલો નથી કર્યો. જોકે, કેટલાક હુમલામાં અમેરિકનો ચોક્કસથી માર્યા ગયા હતા. PIJએ ધમકી આપી છે કે જો અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી જેરૂસલેમ ખસેડવામાં આવશે તો તે અમેરિકી દૂતાવાસ પર હુમલો કરશે.

  ઇસ્લામિક જેહાદ અને હમાસ વચ્ચેનો સંબંધ

  ઇઝરાયેલી સૈન્યએ મે મહિનામાં કહ્યું હતું કે તેણે ત્રણ ઇસ્લામિક જેહાદ નેતાઓને નિશાન બનાવ્યા હતા અને તેમનું કાસળ કાઢી નાંખ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ઇઝરાઇલ સામે રોકેટ હુમલાઓ અને વેસ્ટ બેંકમાં ઇઝરાઇલી નાગરિકો વિરુદ્ધના અન્ય હુમલાઓ માટે જવાબદાર હતા. ભૂતકાળમાં ઇસ્લામિક જેહાદ સહિતના પેલેસ્ટાઇનનાં સશસ્ત્ર જૂથો દ્વારા છોડવામાં આવેલા રૉકેટમાં કેટલીકવાર ખામી સર્જાતી હતી અને તે નાગરિક વિસ્તારોમાં બ્લાસ્ટ થઈ જતાં હતાં. હમાસ અને ઇસ્લામિક જેહાદ ઘણીવાર ઇઝરાઇલ સામે એકજૂટ થાય છે.

  તેઓ સંયુક્ત અભિયાનોમાં બે સૌથી મહત્વપૂર્ણ સભ્યો હોય છે. જે ગાઝાના નાના તટીય ક્ષેત્રમાં વિભિન્ન સશસ્ત્ર સમૂહો વચ્ચે મોટાભાગની સૈન્ય ગતિવિધિઓનું સંકલન કરે છે. પરંતુ કેટલીકવાર તેમના વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ પણ હોય છે, ખાસ કરીને જ્યારે હમાસે ઇસ્લામિક જેહાદ પર દબાણ કર્યું હોય કે તે ઇઝરાઇલ સામેના હુમલાઓ અથવા બદલો લેવાનું બંધ કરે.

  ઇસ્લામિક જેહાદ ઘણીવાર હમાસથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને મુખ્યત્વે લશ્કરી ટકરાવ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટલાક પ્રસંગોએ ઇસ્લામિક જેહાદની ઇઝરાયેલ સાથે અથડામણ થઇ હોવાથી હમાસ સાઇડલાઇન પર રહ્યું છે. અન્ય કેટલાક કિસ્સાઓમાં હમાસ ઇઝરાયેલી સેના સામે લડવામાં ઇસ્લામિક જેહાદમાં જોડાયું હોવાના પણ દાખલા છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં