Sunday, October 6, 2024
More
    હોમપેજરાજકારણસમન અવગણીને હાજર ન થયા અરવિંદ કેજરીવાલ, શું એક્શન લેશે ED?: જાણો...

    સમન અવગણીને હાજર ન થયા અરવિંદ કેજરીવાલ, શું એક્શન લેશે ED?: જાણો એજન્સી પાસે કેટલી સત્તા હોય છે, આ કેસમાં હવે આગળ શું થઈ શકે

    એજન્સી સામે હાજર ન થતાં કેજરીવાલે કહ્યું કે, આ સમન્સમાં એ જણાવવામાં નથી આવ્યું કે તેમને શા માટે બોલાવવામાં આવી રહ્યા છે. એ પણ નથી કહ્યું કે, તેમને વ્યક્તિગત રીતે બોલાવાયા છે કે પછી દિલ્હીના સીએમ તરીકે કે પછી AAPના નેશનલ કન્વીનર તરીકે.

    - Advertisement -

    દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસની તપાસનો રેલો આખરે મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. EDએ તેમને સમન પાઠવીને 2 નવેમ્બરે (ગુરૂવારે) પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું. આમ આદમી પાર્ટી બે દિવસથી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવા માંડી હતી કે ED કેજરીવાલની ધરપકડ કરી લેશે, પણ જ્યારે એજન્સી પાસે જવાનો વખત આવ્યો તો તેઓ ગયા જ નહીં અને એક પત્ર લખીને જાતજાતનાં બહાનાં કાઢ્યાં. 

    EDને પત્ર લખીને કેજરીવાલે કહ્યું કે, આ સમન્સમાં એ જણાવવામાં નથી આવ્યું કે તેમને શા માટે બોલાવવામાં આવી રહ્યા છે. એ પણ નથી કહ્યું કે, તેમને વ્યક્તિગત રીતે બોલાવાયા છે કે પછી દિલ્હીના સીએમ તરીકે કે પછી AAPના નેશનલ કન્વીનર તરીકે. આ સિવાય તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ સમન સત્તાપક્ષના (ભાજપ) ઇશારે જારી કરવામાં આવ્યું છે.

    પત્રમાં કેજરીવાલે પાંચ રાજ્યોની ચૂંટણીનું પણ બહાનું કાઢ્યું. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે અને સ્ટાર પ્રચારક તરીકે તેમણે પ્રચારમાં જવું પડશે અને પાર્ટીના કાર્યકરોને ‘રાજકીય માર્ગદર્શન’ આપવું પડશે. એવું પણ કહ્યું કે, દિલ્હીના સીએમ તરીકે તેમણે કારભાર પર પણ ધ્યાન રાખવું જરૂરી છે અને દિવાળી પણ આવી રહી છે. જોકે, એ વાત અલગ છે કે કેજરીવાલ પાસે કોઇ ખાતું નથી. જ્યારે સામાન્ય રીતે મુખ્યમંત્રીઓ અને અહીં સુધી કે વડાપ્રધાન પાસે પણ અમુક ખાતાં હોય છે. 

    - Advertisement -

    કેજરીવાલ દ્વારા લખવામાં આવેલા પત્રમાં અંતે ED સમક્ષ વિનંતી કરવામાં આવી કે તેઓ આ સમન પરત લઇ લે. આ પત્ર મોકલીને તેઓ મધ્ય પ્રદેશ ઊપડી ગયા અને પાર્ટીની રેલી કરી. જ્યાં પણ તેમણે જાતજાતની વાતો કહી અને એવું પણ કહ્યું કે કેજરીવાલના શરીરની ધરપકડ થઈ શકે પણ વિચારોની નહીં. 

    આ બધાની વચ્ચે એ પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે કે હવે આગળ શું થશે અને કોઇ સમન સ્કિપ કરીને હાજર ન થાય તો ED શું કરે છે? કેજરીવાલ સાથે હવે આગળ શું થશે?

    3 વખત સમન જારી કરે છે ED, ચોથી વખત લઇ આવે છે વૉરન્ટ

    સામાન્ય રીતે નિયમ એવો છે કે ED પહેલી વખત સમન્સ મોકલે અને વ્યક્તિ હાજર ન થાય તો નવું સમન ઇસ્યુ કરવામાં આવે છે અને પૂછપરછ માટે નવી તારીખ આપવામાં આવે છે. એટલે પ્રબળ સંભાવનાઓ એવી જ છે કે એજન્સી કેજરીવાલને નવી તારીખ આપતું સમન મોકલશે. જો બીજી વખત વ્યક્તિ હાજર ન થાય તો વધુ એક સમન મોકલવામાં આવે છે. જો તેને પણ અવગણ્યું તો એજન્સી કોર્ટનું શરણ લે છે. 

    કોઇ વ્યક્તિ 3 વખત EDનું સમન સ્કિપ કરી શકે છે. ત્રીજી વખત પણ જો હાજર ન થાય તો એજન્સી કોર્ટ પાસે જઈને નોન-બેલેબલ વૉરન્ટ લઇ આવે છે. આ વૉરન્ટ કોર્ટનો આદેશ હોય છે જેમાં જે-તે આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવા સૂચના આપવામાં આવે છે. જો આ આદેશનું પાલન ન કર્યું તો એજન્સી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી શકે છે. 

    આ દરમિયાન ED પાસે કેજરીવાલના ઘર પર દરોડા પાડીને સર્ચ ઑપરેશન હાથ ધરવાનો વિકલ્પ પણ ખુલ્લો છે. આ દરમિયાન કશુંક શંકાસ્પદ મળે તો પણ એજન્સી તેમની ધરપકડ કરી શકે છે. જોકે, અત્યારે તો લાગી રહ્યું છે કે એજન્સી તબક્કાવાર જશે અને બીજું સમન ઇસ્યુ કરશે. જોકે, એજન્સીએ આ અંગે આ લખાય રહ્યું છે ત્યાં સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. 

    કેજરીવાલ પાસે શું વિકલ્પ છે? 

    અરવિંદ કેજરીવાલ આ સમનને પડકારતી અરજી કરી શકે છે અને કોર્ટનો સંપર્ક કરી શકે છે. ઉપરાંત, તેઓ આગોતરા જામીન માટે પણ અરજી કરી શકે છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે કેજરીવાલને PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ સમન પાઠવવામાં આવ્યું છે. જેમાં જોગવાઈ એવી છે કે એજન્સીએ સમન્સ ઈસ્યુ કરવા માટે સરકારની પરવાનગી લેવી પડતી નથી. PMLAની કલમ 50 કોઇ કેસની તપાસ માટે કે નિવેદન નોંધવા માટે કોઇ વ્યક્તિને સમન્સ પાઠવવાની સત્તા આપે છે. આ દરમિયાન જો એજન્સી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા કહે તો જે-તે વ્યક્તિ તે રજૂ કરવા માટે બંધાયેલ હોય છે. 

    PMLAની કલમ 50 EDને એવી જ સત્તા આપે છે જેવી સત્તા સિવિલ પ્રોસિજર કોડ હેઠળ સિવિલ કોર્ટને મળી હોય છે. જોકે, PMLAની કલમ વ્યક્તિ તપાસમાં સહયોગ ન આપે તો તે સ્થિતિમાં ઈડીને વ્યક્તિની ધરપકડ કરવાની શક્તિ આપતી નથી. આ સ્થિતિમાં એજન્સી દંડ ફટકારી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં