Sunday, April 28, 2024
More
    હોમપેજદેશકોઈપણ બાળક નહીં હોય ગેરલાયક, પરંતુ 'ઔરંગઝેબ'ને પૈતૃક સંપત્તિમાં નહીં મળે 'શ્રવણ...

    કોઈપણ બાળક નહીં હોય ગેરલાયક, પરંતુ ‘ઔરંગઝેબ’ને પૈતૃક સંપત્તિમાં નહીં મળે ‘શ્રવણ કુમાર’ જેટલો દરજ્જો: જાણો ઉત્તરાખંડમાં રજૂ થયેલા UCC વિધેયકના મુખ્ય અંશો

    લગ્ન કર્યા પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે એક રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. જેથી બંનેના સહવાસની જાણકારી અને તેમની ઓળખ વિશે સરકારને જાણકારી રહે.

    - Advertisement -

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ ઉત્તરાખંડ વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કર્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાખંડમાં કોઈપણ જાતના ભેદભાવ વિના તમામને સમાન ન્યાય અને સમાન અધિકાર પ્રદાન કરવાનો છે. તેનો હેતુ રાજ્યના રહેવાસીઓને તેમના ધર્મ, મઝહબ, જાતિ, સામાજિક-આર્થિક સ્થિતિ અને લિંગને ધ્યાને લીધા વિના સમાન અધિકાર આપવાનો છે. આ બિલને ઉત્તરાખંડના સત્તાપક્ષના નેતાઓએ વધાવ્યું છે. જ્યારે વિપક્ષોએ આમાં પણ હોબાળો કર્યો છે.

    ઉત્તરાખંડમાં રજૂ કરવામાં આવેલ સમાન નાગરિક સંહિતા (UCC) વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે. સામાન્ય લોકોએ આ બિલ વિશે અને લાગુ થયા બાદ તેની શું અસર થશે તે વિશે જાણવું ખૂબ જરૂરી છે. તથા કઈ રીતે ભેદભાવથી મુક્ત થઈને રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર સાથે એક તાંતણે બાંધી શકાશે તે વિશેની જાણકારી આ લેખમાં પ્રસ્તુત કરવામાં આવી છે. UCC બિલની કેટલીક હાઈલાઈટ્સ અહી પ્રસ્તુત કરવામાં આવી છે.

    વારસાઈ કાયદામાં હવે કોઈપણ ભેદભાવ નહીં

    ઉત્તરાખંડમાં રજૂ થયેલા UCC બિલમાં જણાવવામાં આવ્યું છે કે, હજુ પણ ઘણી જગ્યાએ સમાન અધિકાર મળી શક્યો નથી. નિર્ધારિત કાયદા હોવા છતાં વિરાસત અને વારસાઈની પ્રક્રિયામાં હજુ પણ ઘણી જગ્યાએ અનિયમિતતા અને પૂર્વગ્રહ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, એક પિતાને તેના પુત્રના મૃત્યુ બાદ તેની સંપત્તિમાં કોઈ અધિકાર આપવામાં આવતો નથી. મૃતક પુત્રની મિલકત પર ભાગીદારીનો દાવો કરવાનો અધિકાર પિતાને આપવામાં આવતો નથી. તેનો અધિકાર માત્ર માતા, પત્ની અને બાળકોને આપવામાં આવ્યો છે. જ્યારે આ બિલનો ઉદ્દેશ્ય આ પૂર્વગ્રહને તથા તેની પ્રક્રિયાને બદલવાનો છે.

    - Advertisement -

    તે જ રીતે મૃત વ્યક્તિના બાળકોને લિંગ અને જાતિના આધારે અલગ-અલગ વારસાઈ અધિકાર આપવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ વિવાહિત અને અવિવાહિત પુત્રીઓને પણ અલગ-અલગ વારસાઈ અધિકારો આપવામાં આવ્યા છે. આ નવું બિલ આ પરંપરાને બદલે છે અને કોઈપણ વ્યક્તિની જાતિ અને વૈવાહિક સ્થતિને ધ્યાને રાખ્યા વગર તમામ બાળકોને વારસાઈ હક્કોમાં સમાન અધિકાર આપે છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે, સ્ત્રીઓને હજુ પણ ખેતીની જમીનના વારસામાં લિંગ આધારિત ભેદભાવોનો સામનો કરવો પડી રહ્યો છે. UCC બિલમાં આ તમામ પ્રકારની અસમાનતાઓને નાબૂદ કરવામાં આવી છે.

    ‘કોઈપણ બાળક નાજાયજ નથી, ભલે પછી સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ કાયદેસર હોય કે ના હોય’

    બિલમાં કહેવામાં આવ્યું છે કે, એક સ્ત્રી અને પુરુષ વચ્ચે સહમતીથી બનેલા સંબંધને સામાજિક માપદંડોના આધારે કાયદેસર કે નાજાયજ કહી શકાય છે. પરંતુ ક્યારેય કોઈપણ બાળક ‘નાજાયજ’ નથી હોતું. આ બિલ સામાજિક રીતે સ્વીકાર્ય અને કાયદેસર સંબંધો સિવાય જન્મેલા બાળકને સન્માન અને વારસામાં સમાન અધિકાર આપવાનો પ્રયાસ કરે છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, નવજાત બાળક હંમેશા નિર્દોષ હોય છે. સામાજિક કે કાયદાકીય પવિત્રતા અથવા માતા-પિતા વચ્ચેના સંબંધોની પરિસ્થિતિની ચિંતા કર્યા વગર તે નિર્દોષ હોય છે, તેથી તેને સમાન અધિકાર મળવો જરૂરી છે.

    કલમ 55માં, બિલ વારસાના કાયદામાં ભ્રૂણના અધિકારોને પણ પરિભાષિત કરવામાં આવ્યા છે. આ કાયદો એ સુનિશ્ચિત કરે છે કે, કોઈપણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના જન્મનારા બાળકને માતા-પિતાની સંપત્તિમાં સમાન અધિકાર મળે.

    ‘શ્રવણ કુમાર અને ઔરંગઝેબને પૈતૃક સંપતિ પર સમાન અધિકાર મળી શકે નહીં’

    ઉત્તરાખંડમાં રજૂ થયેલા UCC બિલમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક બાળકો શ્રવણ કુમારની જેમ વૃદ્ધ માતા-પિતાની યોગ્ય સારસંભાળ રાખે છે અને કેટલાક આવું કરતાં નથી, જ્યારે કેટલાક બાળકો તો એવા પણ છે જે ઔરંગઝેબની જેમ માતા-પિતાની સંપત્તિ પર દાવો કરવા માટે તેમના માતા-પિતા સાથે જ મારઝૂડ કરે છે અને હાનિ પહોંચાડે છે. વિધેયકની કલમ 58માં એ પ્રાવધાન આપવામાં આવ્યો છે કે, માતા-પિતાની હત્યા કરનારો કોઈપણ વ્યક્તિ ક્યારેય પણ માતા-પિતાના વારસામાં અધિકારનો દાવો કરી શકશે નહીં.

    અંતિમ વસિયત અને વસિયતનામું કરાવવામાં અસમાનતા અને અવરોધોને સંબોધતા બિલ એ પણ સુનિશ્ચિત કરે છે કે, કોઈપણ વ્યક્તિ વસિયતનામું બનાવી શકે છે અને પોતાની પસંદ મુજબ તેમની સંપતિનો વારસો નક્કી કરી શકે છે. જો તેઓ ઈચ્છે તો તેઓ કોઈપણ વ્યક્તિને પોતાનો વારસદાર બનાવી શકે છે. કોઈપણ વ્યક્તિ તેની સંપતિને પોતાની ઈચ્છા અનુસાર કોઈપણ સમયે વિભાજિત કરી શકે છે. તેઓ પોતાના નામ પર મોજૂદ વસિયતને ખારીજ અથવા તો પરત પણ લઈ શકે છે. અન્ય કાયદાઓની જેમ જ આ પ્રાવધાન પણ રાજ્યના તમામ લોકો પર સમાન રીતે લાગુ થશે. ભલે પછી તેઓ કોઈપણ ધર્મ, મઝહબ કે જાતિમાંથી આવતા હોય.

    લગ્ન અંગેના નિયમો, લગ્નયોગ્ય ઉંમર અને ‘સમલૈંગિક લગ્નની કોઈ કાયદેસર માન્યતા નહીં’

    બિલમાં જણાવ્યા અનુસાર, પુરુષ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ છે. એ સિવાય બિલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેના વિવાહને જ કાયદેસર માનવામાં આવશે. તે સિવાય કોઈ પુરુષ કે મહિલા કોઈપણ અન્ય વ્યક્તિ સાથે લગ્ન ના કરી શકે, જ્યાં સુધી તેનો જીવનસાથી જીવિત હોય અથવા તો છૂટાછેડા થયા હોય. નવા કાયદામાં તત્કાલ તલાક, નિકાહ હલાલા અને ડિવોર્સ વગરના લગ્નને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે, ઈદ્દત અને હલાલા જેવા સામાજિક કુરિવાજો ખતમ કરવામાં આવવા જોઈએ. તે સિવાય બિલમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈપણ વ્યક્તિને લગ્ન પછી ધર્મ બદલવા માટે મજબૂર કરવામાં આવે છે તો તે ડિવોર્સ લઈ શકે છે અને ભરણપોષણનો દાવો પણ કરી શકે છે.

    સાથે જ લગ્નની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે. લગ્નની નોંધણી ગ્રામ પંચાયત, એનએસી, નગરપાલિકા, જિલ્લા અથવા રાજ્ય સ્તરે કરી શકાય છે. એક સમર્પિત વેબ પોર્ટલ શરૂ કરવામાં આવશે જે આ પ્રક્રિયાને સરળ બનાવશે અને યુગલોને નોંધણી પ્રક્રિયાને સમજવામાં મદદ કરશે. જે યુગલોએ તેમના લગ્નની નોંધણી કરાવી નહીં હોય તેઓ તેમના અને તેમના પરિવારો માટે સરકારી યોજનાઓના લાભોનો દાવો કરી શકશે નહીં. જોકે, અનરજિસ્ટર્ડ લગ્નને અમાન્ય ગણી શકાય નહીં, પરંતુ લગ્નની નોંધણીને પ્રોત્સાહિત કરવા માટે સરકારી યોજનાઓને માત્ર રજિસ્ટર્ડ લગ્નો સુધી મર્યાદિત કરતી જોગવાઈ ઉમેરવામાં આવી છે.

    બાલવિવાહ, બહુલગ્ન, ત્રિપલ તલાક, દેવદાસી અને દહેજ પર પ્રતિબંધ

    વિધેયક એ વાત પર જોર આપે છે, તમામ ધર્મો અને મઝહબો માટે સમાન નાગરિક સંહિતાના અભાવના લીધે સૌથી વધુ શિકાર મહિલાઓ બની છે. કારણ કે, દેવદાસી, બાલવિવાહ, ત્રિપલ તલાક અને હલાલા જેવા ઘણા સામાજિક કુરિવાજો ‘ધાર્મિક પ્રથા’ના નામે ફેલાયા છે. આવા કુરિવાજો માત્ર મહિલાઓને જ નિશાનો બનાવે છે અને તેમને ભારતના નાગરિક તરીકે મળતા અધિકારોથી વંચિત રાખે છે. આ બિલ આ તમામ કુરિવાજોની નાબૂદી માટે પ્રયાસ કરશે.

    લિવ-ઈન રિલેશનશિપ

    લિવ-ઈન રિલેશનશિપ દરમિયાન કે તે પછી થતાં વિવાદોથી બચવા માટે સરકાર UCCમાં ખાસ જોગવાઈ લાવી છે. જેમાં કહેવાયું છે કે, લગ્ન કર્યા પહેલાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા માટે એક રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. જેથી બંનેના સહવાસની જાણકારી અને તેમની ઓળખ વિશે સરકારને જાણકારી રહે. તેમજ આ રજીસ્ટ્રેશન વિશે માતા-પિતાને પણ જાણ કરવી પડશે કે, તેઓ ઘરથી અલગ કયા અને કોની સાથે રહે છે. આ પ્રક્રિયા પુરુષ અને સ્ત્રી બંને માટે સમાન ધોરણે લાગુ પડશે. લિવ-ઈન રિલેશનમાં રહેવા માટે યુવતીની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષ હોવી અનિવાર્ય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં