Thursday, September 19, 2024
More
    હોમપેજરાજકારણએક જમાનામાં કોંગ્રેસે સત્તા પર રહીને જે સિસ્ટમ બનાવી, આજે તે 'લેટરલ...

    એક જમાનામાં કોંગ્રેસે સત્તા પર રહીને જે સિસ્ટમ બનાવી, આજે તે ‘લેટરલ એન્ટ્રી’ દેશ વિરોધી પગલું કેવી રીતે? વાંચો UPSC દ્વારા સંચાલિત આ સીધી પ્રતિ પ્રક્રિયા વિશે જાણવા જેવું બધું

    'લેટરલ એન્ટ્રી' મારફતે ભરતી જાહેર થતાની સાથે જ કોંગ્રેસ સહિતની તેમની સહયોગી પાર્ટીઓએ રોકકળ કરી મૂકી. કેન્દ્ર સરકાર પર સવાલો ઉભા કરતા તેમણે દાવો કર્યો છે કે આ લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાથી પછાત (OBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જનજાતિના (ST) અનામતના અધિકારો નબળા પડી જશે.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી એક શબ્દ સાંભળવા કે વાંચવા મળી રહ્યો છે ‘લેટરલ એન્ટ્રી’… એવું બિલકુલ નથી કે આ શબ્દ અચાનક અસ્તિત્વમાં આવી ગયો હોય. પરંતુ અનેક લોકોને તેના વિશે કદાચ માહિતી નહીં હોય. વિપક્ષના અનેક નેતાઓ આ લેટરલ એન્ટ્રી (Lateral Entry) નામના શબ્દ સાથે કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ લેખમાં સમજીશું કે આખરે આ લેટરલ એન્ટ્રી છે શું અને શા માટે INDI ગઠબંધન અને કોંગ્રેસનો તેને લઈને વિરોધ કરવો ‘સિલેક્ટીવ’ લાગી રહ્યો છે.

    શરૂથી શરૂ કરીએ તો તાજેતરમાં જ સંઘ લોક સેવા આયોગ, કે જેને આપણે UPSCના ટૂંકા નામથી ઓળખીએ છીએ. તેણે વિભિન્ન સરકારી ક્ષેત્રોમાં વિશેષજ્ઞોની ભરતી માટે 45 પદોની જાહેરાત કરી હતી. આ પળોમાં 10 સંયુક્ત સચિવ અને 35 નિદેશક/ઉપ સચિવના પદોનો શમાવેશ થાય છે. હવે આ પદોને અનુબંધના આધારે ‘લેટરલ એન્ટ્રી’ના માધ્યમથી ભરવામાં આવશે. જાહેરાત થતાની સાથે જ કોંગ્રેસ સહિતની તેમની સહયોગી પાર્ટીઓએ રોકકળ કરી મૂકી. કેન્દ્ર સરકાર પર સવાલો ઉભા કરતા તેમણે દાવો કર્યો છે કે આ લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાથી પછાત (OBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જનજાતિના (ST) અનામતના અધિકારો નબળા પડી જશે.

    કોંગ્રેસ પાર્ટીએ જ શરૂ કરી હતી આ સિસ્ટમ

    અહીં સવાલ એ છે કે આ લેટરલ એન્ટ્રી છે શું અને તેનાથી અનામતનો લાભ મેળવતી જાતિઓના હક કેવી રીતે છીનવાઈ જાય? તો અહીં નોંધવું જરૂરી છે કે આ ‘સિસ્ટમ’ની શરૂઆત એ જ કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં રહેતા કરી હતી જેઓ આજે તેનો વિરોધ કરી રહ્યા છે. લેટરલ એન્ટ્રીની અવધારણા સૌપ્રથમ કોંગ્રેસ પાર્ટીની નેતૃત્વવાળી સરકારે કરી હતી અને વર્ષ 2005માં કોંગ્રેસના જ વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીની અધ્યક્ષતામાં સ્થાપિત દ્વિતીય પ્રશાસનિક સુધાર આયોગ એટલે કે ARCએ તેનું તીવ્ર સમર્થન કર્યું હતું. શરૂઆતના તબક્કામાં લેટરલ એન્ટ્રીના માધ્યમથી મુખ્ય આર્થિક સલાહકાર જેવા મહત્વપૂર્ણ હોદ્દાની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક કોની અને ક્યારે થઇ તે જાણતા પહેલા વર્તમાન જાહેરાત પર એક નજર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે.

    - Advertisement -

    UPSC દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર વિભિન્ન મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પડેલા સ્થાનો પર ત્રણ વર્ષની અવધી માટે લેટરલ એન્ટ્રી મારફત અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. શરૂઆતમાં ત્રણ વર્ષ અને બાદમાં તેમની કાર્ય કુશળતા અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમના કાર્યકાળને 5 વર્ષ સુધી લંબાવી પણ શકાય છે. UPSCએ કરેલી જાહેરાત અનુસાર અગામી 17 ડિસેમ્બર સુધી આવેદનો સ્વીકારવામાં આવશે. જાહેરાત અનુસાર ગૃહ વિભાગ, નાણા વિભાગ અને ઇસ્પાત મંત્રાલયોમાં સંયુક્ત સચિવ પદ માટે 10 તેમજ કૃષિ તેમજ કિસાન કલ્યાણ, સુચના તેમજ પ્રસારણ મંત્રાલય અને એવિએશન મંત્રાલય નાતે નિદેશક/ઉપ સચિવ પદ પર 35 પદ માટે આ જાહેરાત કરવામાં આવી છે.

    શું છે જાહેરાત કરાયેલા પદો માટેની લાયકાત અને મર્યાદાઓ

    ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કન્સલ્ટન્સી સંસ્થાઓ, સંયુક્ત સચિવ સ્તરની જગ્યાઓ માટે ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ ધરાવતી બહુરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરતી વ્યક્તિઓ, ડિરેક્ટર સ્તરની પોસ્ટ્સ માટે ઓછામાં ઓછા 10 વર્ષ અને ડેપ્યુટી સેક્રેટરી સ્તરની પોસ્ટ્સ માટે ઓછામાં ઓછા સાત વર્ષનો અનુભવ ધરાવતી વ્યક્તિઓ આ જાહેર કરાયેલા પદ માટે અરજી કરવા પાત્ર છે. સંયુક્ત સચિવ (Joint Secretary) સ્તરના પદ માટે લઘુત્તમ અને મહત્તમ વયમર્યાદા અનુક્રમે 40 અને 55 વર્ષ છે અને મોંઘવારી, પરિવહન અને મકાનભાડા ભથ્થા સહિત અંદાજિત કુલ પગાર આશરે 2.7 લાખ રૂપિયા હશે. ડિરેક્ટરના પદ માટે ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ અને મહત્તમ વય 45 વર્ષ છે.

    વર્તમાન સરકાર દ્વારા આજની નહી, 2018થી ચાલી રહી છે આ પ્રક્રિયા

    કોંગ્રેસ અને ગઠબંધન જે રીતે હોબાળો મચાવી રહ્યા છે, તેનાથી એમ લાગતું હશે કે કેન્દ્ર સરકાર કોઈ મોટા ફેરબદલ કરીને આ ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી હશે. પરંતુ વાસ્તવિકતા તે છે કે કોંગ્રેસ દ્વારા જ શરૂ કરવામાં આવેલી આ પ્રક્રિયા અનુસાર કેન્દ્ર સરકાર વર્ષ 2018થી આ પ્રકારે જરૂર મુજબ જે-તે જગ્યા પર લાયકાત ધરાવતા વ્યક્તિઓને ભરતી કરી રહી છે. ચોક્કસ કામગીરી માટે લાયકાત ધરાવતી કે પછી જે-તે કાર્યક્ષેત્રમાં વિશેષજ્ઞ વ્યક્તિઓની નિમણૂક કરવા માટે 2018થી જ સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવના સ્તરે લેટરલ એન્ટ્રી સિસ્ટમથી ભરતી કરવામાં આવી રહી છે. અહીં નોંધવું જોઈએ કે આ ભરતી ખાસ સંબંધિત ક્ષેત્રની વ્યક્તિના વિશેષ જ્ઞાન અને કુશળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ સ્તરના અધિકારીઓ નીતિ-નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અત્યાર સુધીમાં 63 નિમણૂકો લેટરલ એન્ટ્રી દ્વારા કરવામાં આવી છે, જેમાંથી 35 નિમણૂકો ખાનગી ક્ષેત્રથી કરવામાં આવી છે.

    જુલાઈ 2017માં સરકારે બ્યૂરોક્રેસીમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસીસમાં પરીક્ષા દ્વારા નિમણૂક ઉપરાંત અન્ય ક્ષેત્રો એટલે કે લેટરલ એન્ટ્રીમાં સીધી નિમણૂક કરવા પર વિચાર કરશે તેમ કહ્યું હતું. સરકાર ઇચ્છે છે કે ખાનગી ક્ષેત્રના અનુભવી ટોચના અધિકારીઓને વિવિધ વિભાગોમાં ઉપ સચિવ, નિદેશક અને સંયુક્ત સચિવ કક્ષાના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવે. લગભગ એક વર્ષ બાદ કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીનું નોટિફિકેશન બહાર પાડીને 10 વિભાગોમાં સંયુક્ત સચિવની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી.

    સિસ્ટમનો ફાયદો શું? કોને-કોને મળી ચૂકી છે જવાબદારી?

    આ ઉપરાંત નીતિ આયોગે પણ એક રિપોર્ટમાં કહ્યું હતું કે લેટરલ એન્ટ્રી હેઠળ સિસ્ટમમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ કરવો જરૂરી છે. આ સીસ્ટમનો મૂળ હેતુ અમલદારશાહીને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની શોધ કરવાનો હતો. જેને ધ્યાનમાં રાખીને સરકારે બ્યૂરોક્રેસી માટે લેટરલ એન્ટ્રી શરૂ કરી હતી, જે અંતર્ગત વિવિધ વિભાગોમાં જોઇન્ટ સેક્રેટરીની 9 જગ્યાઓ માટે પ્રથમ ખાનગી ક્ષેત્રના અરજદારોની પસંદગી કરવામાં આવી હતી.

    UPSC દ્વારા જ પસંદ કરવામાં આવેલા નિષ્ણાતોમાં અંબર દુબે (નાગરિક ઉડ્ડયન), અરુણ ગોયલ (વાણિજ્ય), રાજીવ સક્સેના (આર્થિક બાબતો), સુજિત કુમાર બાજપાઇ (પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન), સૌરભ મિશ્રા (નાણાકીય સેવાઓ), દિનેશ દયાનંદ જગદાલે (નવી અને નવીનીકરણીય ઉર્જા), સુમન પ્રસાદ સિંહ (માર્ગ પરિવહન અને હાઇવે), ભૂષણ કુમાર (શિપિંગ) અને કાકોલી ઘોષનો (કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ) સમાવેશ થાય છે. કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયને આ પદો માટે કુલ 6,077 અરજીઓ મળી હતી જેમાંથી આટલા વિશેષજ્ઞોની પસંદગી કરવામાં આવી હતી.

    શું કહે છે લેટરલ એન્ટ્રીનો ઈતિહાસ, કોણે કોણે લીધા છે લાભ

    ભાજપના નેતૃત્વવાળી સરકારે તો વર્ષ 2018માં કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી આ સીસ્ટમ પર કામ કર્યું હતું. પરંતુ કોંગ્રેસના નેતૃત્વમાં તે ખૂબ પહેલા થઇ ચૂક્યું હતું. શરૂઆત કરીએ ઇન્દિરા ગાંધીથી, તો તેમણે મંતોષ સોંધીને આ પ્રકારના ઊંચા હોદ્દા પર બેસાડ્યા હતા. આ પહેલા તેમણે અશોક લેલેન્ડ અને બોકારો સ્ટીલ પ્લાન્ટમાં ફરજ બજાવી હતી અને તેમણે ચેન્નાઇમાં હેવી વ્હીકલ ફેક્ટરી સ્થાપી હતી. નોંધવું જોઈએ કે લાલ બહાદુર શાસ્ત્રીએ ડૉ. વર્ગીસ કુરિયનને એનડીબીબીના ચૅરમૅન તરીકે નિયુક્ત કર્યા હતા, જેઓ તે વખતે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક હતા.

    ભારતના પૂર્વ કોંગ્રેસી વડાપ્રધાન મનમોહન સિંઘ અર્થશાસ્ત્રી અને દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. કોઈ પણ સિવિલ સર્વિસીસની પરીક્ષા લીધા વગર જ વર્ષ 1971માં તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1972માં તેમને નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર પણ બનાવવામાં આવ્યા હતા અને નોંધવું જોઈએ કે આ પદ પણ સંયુક્ત સચિવના સ્તરનું જ છે.

    આગળ જતા મનમોહન સિંઘને કોંગ્રેસે વડાપ્રધાન બનાવ્યા અને તેમણે પોતે PM તરીકે રઘુરામ રાજનને તેમના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મજાની વાત તે છે કે તેમણે પણ કોઈ UPSCની પરીક્ષા પાસ નહોતી કરી, તેમ છતાં તેઓ સંયુક્ત સચિવના સ્તરે પહોંચ્યા હતા અને પછીથી તેમને રિઝર્વ બેંકના ગવર્નર પણ બનાવવામાં આવ્યા હતા.

    કેરળ સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન કે.પી. નામ્બિયારને રાજીવ ગાંધીએ ઇલેક્ટ્રોનિક્સ વિભાગની જવાબદારી સોંપી હતી. તેવી જ રીતે તેમણે ગાંધી પરિવારના સહુથી નજીકના વ્યક્તિ ગણતા એવા સેમ પિત્રોડાને પણ આ કક્ષાની અનેક મહત્વ પૂર્ણ જવાબદારીઓ સોંપી હતી અને એ પણ કોઈ જ પરીક્ષાઓ આપ્યા વગર. આટલું જ નહીં, મોન્ટેકસિંહ આહલુવાલિયા ઉપરાંત નાણાં મંત્રાલયના સંયુક્ત સચિવ અને આયોજન પંચના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શંકર આચાર્ય, રાકેશ મોહન, અરવિંદ વિરમણી અને અશોક દેસાઈએ પણ લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં સ્થાન મેળવ્યું હતું.

    કોઈ પ્રકારની સિવિલ સર્વિસીસની પરીક્ષા આપ્યા વગર જ જગદીશ ભગવતી, વિજય જોશી અને ટી.એન. શ્રીનિવાસને પણ આવી જ રીતે સરકારમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત યોગિંદર અલાઘ, વિજય કેલકર, નીતિન દેસાઈ, સુખમોય ચક્રવર્તી જેવા અનેક નામ છે, જેમને લેટરલ એન્ટ્રી દ્વારા સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરવાની તક મળી હતી.

    ઇન્ફોસિસના મુખ્ય આર્કિટેક્ટ્સમાંના એક નંદન નીલેકણીને પણ આ જ રીતે આધાર કાર્ડ જારી કરતી બંધારણીય સંસ્થા યુઆઈડીએઆઈના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ જ રીતે બિમલ જલાન આઈસીઆઈસીઆઈના બોર્ડ મેમ્બર હતા જેમને સરકારમાં લેટરલ એન્ટ્રી મળી અને તેઓ રિઝર્વ બેન્કના ગવર્નર બન્યા. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ પણ લેટરલ એન્ટ્રી દ્વારા આ પદ પર આવ્યા હતા. એનટીપીસીના ફાઉન્ડર ચેરમેન ડી.વી. કપૂર પણ આ જ સિસ્ટમથી ઊર્જા મંત્રાલયમાં સચિવ બન્યા હતા. બીએસઇએસના સીએમડી આર.વી. શાહીએ 2002-07 સુધી ઊર્જા સચિવ તરીકે પણ સેવા આપી હતી. હિન્દુસ્તાન લીવરના પૂર્વ ચેરમેન પ્રકાશ ટંડનને સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનના વડા બનાવવામાં આવ્યા હતા.

    કોંગ્રેસ પાર્ટીની બનાવેલી સિસ્ટમ પર ચાલતી વર્તમાન સરકારનો વિરોધ કેમ ‘સિલેક્ટીવ’?

    ઉપર આપેલા લિસ્ટથી એટલું તો ખ્યાલ આવી જ ગયો હશે કે આ લેટરલ એન્ટ્રી છે શું અને તે કોઈ નવી કાર્યપ્રણાલી નથી. ભૂતકાળની સરકારો પણ તે મુજમ મહત્વના પદો માટે ‘વિશેષજ્ઞોને’ સ્થાન આપતી જ આવી છે. ત્યારે UPSCએ તાજી જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસ સહિત મોટાભાગની પાર્ટીઓ તેના વિરોધમાં આવી ગઈ છે.

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપ સરકાર IASનું ખાનગીકરણ કરી દેવા માંગે છે. જે લેટરલ એન્ટ્રી દ્વારા તેમના પક્ષની પૂર્વ સરકારોએ અઢળક લોકોને મહત્વપૂર્ણ પદો પર બેસાડ્યા, એ જ સીસ્ટમથી વર્તમાન સરકારના કાર્યને ‘રાષ્ટ્ર વિરોધી પગલું‘ ગણાવી રહ્યા છે. પછાત વર્ગો અને દલિતોને ‘અન્યાય’ થશેની શરણાઈ વગાડતા રાહુલ ગાંધીને શું તે યાદ નથી કે જે સિસ્ટમ કોંગ્રેસ પાર્ટીની નેતૃત્વવાળી સરકારે બનાવી હતી, તેના પર વર્તમાન સરકાર ચાલી રહી છે. તો શું આને ‘સિલેક્ટીવ વિરોધ’ ન કહી શકાય? શું રાહુલ ગાંધી દેશના પછાત અને દલિતોને તેમના ‘સિલેક્ટીવ વિરોધ’થી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન નથી કરી રહ્યા?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં