Monday, September 9, 2024
More
    હોમપેજદેશઈસ્લામિક દેશોમાં વક્ફનું નામ-નિશાન નહીં, ભારતમાં રાત-દિવસ વધી રહી છે તેની સંપત્તિ:...

    ઈસ્લામિક દેશોમાં વક્ફનું નામ-નિશાન નહીં, ભારતમાં રાત-દિવસ વધી રહી છે તેની સંપત્તિ: દેશભરમાં 8.65 લાખથી વધુ પ્રોપર્ટી, સૌથી વધુ બંગાળમાં- જાણો વિસ્તારથી

    વક્ફની જમીનનો કોન્સેપ્ટ એ હતો કે જો કોઈ મુસ્લિમ ઈચ્છે તો પોતાની સંપત્તિને અલ્લાહના નામે દાન કરવા માંગે તો તે વક્ફના દાયરામાં આવી જાય. હવે એ જ ક્રમમાં વક્ફ બોર્ડવાળા અલ્લાહના નામે એક સાથે કેટલી જમીન પર દાવો ઠોકી દે તેની કોઈ જ સીમા નથી.

    - Advertisement -

    પાછલા કેટલક દિવસથી સોશિયલ મીડિયામાં બંગાળના એક મૌલાનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તે દાવો કરી રહ્યો છે કે બંગાળની એક-એક ઇંચ જમીન મુસ્લિમોની છે. વિડીયોમાં તેને એમ કહેતા પણ સાંભળી શકાય છે કે- કલકત્તા હાઈકોર્ટ મુસ્લિમોની જમીન પર છે, મુખ્યમંત્રી કાર્યાલય મુસ્લિમોની જમીન પર છે, કલકત્તા એરપોર્ટ મુસ્લિમોની જમીન પર છે અને ઈડન ગાર્ડન સ્ટેડિયમ પણ મુસ્લિમોની જમીન પર જ છે.

    મૌલાનાની આ નાનકડી વિડીયો ક્લિપ પાછળ સત્ય કેટલું અને કેવડું છે, તે તો ખ્યાલ નથી. પરંતુ તે વાસ્તવિકતા ચોક્કસથી છે કે દેશમાં વક્ફ બોર્ડ ‘મઝહબી જમીનદાર’ બનીને ઉભરી રહ્યું છે. તેમણે પોતાની એટલી જમીનો દર્શાવી છે કે સહુથી વધુ જમીનની સૂચિમાં તેની આગળ માત્ર રેલવે અને સેના જ આવે છે. ભૂતકાળની અનેક એવી ખબરો ઉઠાવીને જોઈ લો, વક્ફ બોર્ડ તમને ક્યારેક મંદિરની સંપત્તિ પર કબજો જમાવતું નજરે પડશે તો ક્યારેક આખે આખા ગામ પર પોતાનો દાવો ઠોકતું નજરે પડશે.

    તેવું ક્યારેય ન કહી શકાય કે ક્યારે, ક્યાં અને કેટલી જમીન પર વક્ફ પોતાની જમીન હોવાનો દાવો કરી દે. જોકે વાસ્તવમાં વક્ફની જમીનનો કોન્સેપ્ટ એ હતો કે જો કોઈ મુસ્લિમ ઈચ્છે તો પોતાની સંપત્તિને અલ્લાહના નામે દાન કરવા માંગે તો તે વક્ફના દાયરામાં આવી જાય. હવે એ જ ક્રમમાં વક્ફ બોર્ડવાળા અલ્લાહના નામે એક સાથે કેટલી જમીન પર દાવો ઠોકી દે તેની કોઈ જ સીમા નથી.

    - Advertisement -

    30 વર્ષ પહેલા કર્યો હતો કબજો, પોલ ખુલી ગઈ

    તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે દશકાઓ પહેલા સહારનપુરના નગર નિગમની ત્રણ હેક્ટર જમીન પર વક્ફ દ્વારા ઘાલમેલ કરવામાં આવ્યો હતો. આ ખુલાસો થયા બાદ કમિશનરે ડીએમને પત્ર લખીને વર્ષ 1994ના આદેશને રદ કરીને ભૂમિને પહેલાની માફક નિગમને આપવાના આદેશ આપ્યા હતા. આ આદેશ સંપૂર્ણ તપાસ બાદ આપવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઉપરોક્ત જમીન 1874થી નગર પાલિકા પરિષદની હતી પરંતુ વર્ષ 1994માં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના સચિવે આ જમીનને વક્ફની જમીન તરીકે નોંધવાના આદેશ આપ્યા હતા. ત્યાર બાદ અન્ય અધિકારીઓએ તે આદેશનું પાલન કર્યું.

    આટલું જ નહીં, જે પાલિકા પાસે આ જમીન પહેલાથી જ હતી તેમને પોતાનો પક્ષ મુકવાનો મોકો પણ ન આપવામાં આવ્યો. આ રીતે ત્રણ હેક્ટર સરકારી જમીન વક્ફ બોર્ડ ચાઉં કરી ગયું. હવે આ મામલે તપાસ થઈ તો મંડલાયુક્તે જિલ્લા અધિકારીને નિર્દેશ આપ્યા કે આ જમીન વક્ફની નથી તેને પહેલાની જેમ નગર નિગમના નામે કરી દેવામાં આવે.

    સુરત મહાનગરપાલિકાની આખેઆખી મુખ્ય કચેરી વક્ફે પચાવી પાડી હતી

    ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના સુરતથી પણ સામે આવી હતી. ‘મુગલીસરા’ (મુઘલ સરાય) નામે ઓળખાતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને (SMC) વક્ફની મિલકત ઘોષિત કરી દેવામાં આવી હતી. વર્ષ 2016માં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી સુરતના અબ્દુલ્લાહ જરૂલ્લાહ નામના વ્યક્તિએ કરી હતી, જેમાં તેમણે વક્ફ અધિનિયમ 36ને ટાંકીને SMCની મુખ્ય કચેરીની ઈમારતને વક્ફ બોર્ડની માલિકી તરીકે નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વર્ષ 2021માં આંશિક રીતે અરજદારની તરફેણમાં હુકમ આપીને કચેરીની ઈમારતને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધવામાં આવી હતી. આ સાથે જ હુકમમાં બિલ્ડીંગનો વહીવટ SMCને આધીન રાખવાને બદલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડને વહીવટ કરવા હક આપવામાં આવ્યો હતો.

    વક્ફ બોર્ડે જારૂલ્લાહની અરજી માન્ય રાખીને SMC કાર્યાલયની મુખ્ય બિલ્ડીંગને વક્ફ સંપત્તિ ઘોષિત કરવાના નિર્દેશ આપી દીધા હતા. આ નિર્ણય વિરુદ્ધ સુરત મહાનગર પાલિકાની કાયદા સમિતિના ચેરમેન અને કોર્પોરેટર નરેશ રાણા અને મનપાના અધિકારીઓએ લડત આપી. દરમિયાન આ મામલે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતાં તેમાં કેટલીક ક્ષતિઓ નજરે પડી. જે બાદ આ સમગ્ર મામલાને વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. SMC તરફે એડવોકેટ કૌશિક પંડ્યાએ ટ્રિબ્યુનલ સમક્ષ તર્ક રજૂ કર્યા હતા.

    વક્ફ ટ્રિબ્યુનલે SMCની અરજી ધ્યાને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, “આ ઈમારત બંદરગાહના કરવેરા અને રેવન્યુના નાણાંમાંથી બાંધવામાં આવી હતી, નહીં કે શાહજહાં કે ઈશક બેગની અંગત આવકથી. આથી આ મિલકત મુઘલોની સ્વપાર્જિત મિલકતની વ્યાખ્યામાં નથી આવતી. જેના કારણે બંદરગાહના કરવેરા અને રેવન્યુની આવકમાંથી બનેલી મિલકતને વક્ફના નામે કરી શકાય નહીં.”

    અનેક પૂરાવાઓ અને દલીલો બાદ તમામ તથ્યો અને માહિતીને ધ્યાને લઈને ટ્રિબ્યુનલે ઠેરવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડનો 25 નવેમ્બર, 2021નો સુરત શહેરના વૉર્ડ નંબર, 11ની સિટી સરવે નંબર, 1504ની મિલકતને ‘હુમાયુ સરાય’ વક્ફ મિલકત તરીકે નોંધણી કરવાનો હુકમ ગેરકાયદેસર, કાયદાના પ્રથાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ, ભૂલ ભરેલો અને મનસ્વી હતો અને ન્યાયનાં હિતમાં તેને રદબાતલ ઠેરવવામાં આવે છે.”

    તામિલનાડુનું આખેઆખું હિંદુ ગામ વક્ફબોર્ડે પોતાના નામે કરી નાખ્યું

    આવી જ રીતે વર્ષ 2022માં તમિલનાડુથી એક સમાચાર સામે આવ્યા હતા કે હિંદુઓના આખેઆખા એક ગામ પર વક્ફ બોર્ડે કબજો જમાવી લીધો હતો. આ ગામમાં એક 1500 વર્ષ જૂનું મંદિર પણ બનેલું છે. આ ઉપરાંત હાલ જામા મસ્જિદ પાસે બનેલા બાગ-બગીચાઓને લઈને પણ ફરિયાદો સામે આવી હતી કે મસ્જિદો તેને પોતાના અંગત કામ માટે વાપરી રહી છે અને પ્રયત્નો બાદ પણ તે જગ્યા નથી છોડી રહી. આ પહેલા વર્ષ 2021માં બારાબાંકીમાં ક્તુરીકલામાં વક્ફ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. ત્યાં પણ ઘાલમેલ કરીને જમીનો વક્ફ બોર્ડના નામે કરી દેવામાં આવી હતી.

    શું છે વક્ફ બોર્ડ અને એક્ટ?

    ઉલ્લેખનીય છે કે વક્ફ બોર્ડના કારસ્તાનોના સમાચારોના કારણે મીડિયામાં વારંવાર સવાલ ઉઠે છે કે, આ રીતે એક બોર્ડ સામાન્ય લોકોની સંપત્તિનો કબજો કેવી રીતે લઇ શકે? અને જો લઇ પણ લે તો તેને પરત ન લઈ શકાય? આ ઉપરાંત એવા સવાલો પણ ઉઠે છે કે લોકશાહીથી ચાલતા દેશમાં એવું બોર્ડ શા માટે બનાવવામાં આવ્યું કે કોઈ ધર્મના નામે સંપત્તિ એકઠી કરવામાં આવે… આ તમામ સવાલોનો જવાબ નહેરુ કાળથી મળે છે.

    વાસ્તવમાં ભારતમાં ‘વક્ફ એક્ટ’ની શરૂઆત 1954માં નહેરુ સરકારના શાસનમાં થઈ હતી. આ પછી 1964માં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી. તેનું કામ સેન્ટ્રલ બોડી વકફ એક્ટ, 1954ની કલમ 9(1)ની જોગવાઈઓ હેઠળ સ્થાપિત વિવિધ રાજ્ય વકફ બોર્ડ હેઠળ કામગીરીની દેખરેખ રાખવાનો હતો. વર્ષ 1995માં આ કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા અને તેને વધુ મજબૂતી મળી. આ સુધારા બાદ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં વકફ બોર્ડની રચનાને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં કેટલાક ફેરફારો થયા હતા જે અંગે અવારનવાર વિવાદ થતાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે હાલ એક સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને 32 સ્ટેટ બોર્ડ છે. દરેક રાજ્યમાં અલગ અલગ વકફ બોર્ડ હોય છે. આ બોર્ડનું કામ દરેક જકાતમાં મળેલી પ્રોપર્ટીનું ધ્યાન રાખવાનું છે. વકફ જકાતની તમામ સંપત્તિને અલ્લાહની સંપત્તિ માને છે અને તેની સાથે સંકળાયેલા કાનૂની કામને પોતે જ સંભાળે છે. પછી તેને ખરીદવું હોય કે ભાડે આપવું હોય તમામ નિર્ણયો તેઓ જ લે છે. આ ઉપરાંત એક વખત આ બોર્ડ હેઠળ કોઈ મિલકત આવી જાય પછી તે વ્યક્તિ તેને પાછી લઈ શકતી નથી, પછી ભલે તે અગાઉ તેની માલિકીની હોય. સાથે જ વક્ફ તેનો પોતાની ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકે છે.

    સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય વક્ફના વિરુદ્ધમાં

    હાલમાં જ સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયે પણ આ અંગે ટ્વીટ કર્યું હતું. મૌલાનાના વિડિયો પર પ્રતિક્રિયા આપતી વખતે તેમણે વક્ફનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે રાહુલ ગાંધીના પરિવાર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે, “પરનાના (જવાહરલાલ નહેરુ)એ વકફ એક્ટ બનાવ્યો, દાદી (ઈન્દિરા ગાંધી)એ વકફ એક્ટને મજબૂત કર્યો, પિતા (રાજીવ ગાંધી)એ વકફ એક્ટને વધુ મજબૂત બનાવ્યો, જૂનો કાયદો 1995માં પાછો ખેંચી લેવામાં આવ્યો અને નવા કાયદાએ 2013માં વકફ બોર્ડને અમર્યાદિત શક્તિઓ, કોંગ્રેસે ભારતને બરબાદ કરવા માટે 50 બેકાર કાયદા બનાવ્યા છે.”

    તેમણે આ વકફ બોર્ડને ગેરબંધારણીય જાહેર કરવા માટે અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે તેને એમ કહીને ફગાવી દીધી હતી કે અરજદારને તેનાથી વ્યક્તિગત રીતે કોઈ અસર થઈ નથી. આ મામલે અશ્વિની ઉપાધ્યાયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ભારતીય બંધારણમાં વકફના નામથી એક પણ શબ્દ નથી. સરકારે 1995માં વકફ એક્ટ બનાવ્યો હતો અને તેને મુસ્લિમોના નામે કરી દેવામાં આવ્યો. વકફ બોર્ડને અમર્યાદિત શક્તિઓ આપવામાં આવી છે. તેમને તેમની તમામ ધાર્મિક સંપત્તિ સંબંધિત કેસોમાં ટ્રિબ્યુનલ કોર્ટમાં જવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેઓ સવાલ કરે છે કે દેશમાં ટ્રિબ્યુનલ કોર્ટ એટલી બધી નથી, આવી સ્થિતિમાં જો વકફ જઈને કોઈની મિલકતનો દાવો કરે તો લોકોને ઠેક-ઠેકાણે ભટકવું પડે છે છેક ત્યારે સુનાવણી થાય છે, જ્યારે અન્ય ધર્મના કેસોની સુનાવણી સિવિલ કોર્ટમાં સરળતાથી થાય છે.”

    વક્ફ બની રહ્યું છે દેશનું ત્રીજું સહુથી મોટું જમીનદાર

    અહીં તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે વક્ફનો આખો કોન્સેપ્ટ ઇસ્લામિક દેશોમાં પણ નથી. પછી તે તુર્કી હોય, લિબિયા હોય, સીરિયા હોય કે પછી ઇરાક હોય. પરંતુ ભારતમાં મુસ્લિમ તુષ્ટિકરણના કારણે આજે સ્થિતિ એવી છે કે તેમને દેશના ત્રીજા સૌથી મોટા જમીનદાર તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. વક્ફની પાસે અપાર સંપત્તિ છે. અલ્પસંખ્યક મામલાના મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરમાં વકફ બોર્ડમાં 8,65,646 સંપત્તિ નોંધાયેલી છે. જેમાંથી 80 હજારથી વધુ સંપત્તિ માત્ર બંગાળ વકફમાં જ છે. આટલું જ નહીં, વક્ફની 70,994 મિલકતો ધરાવતું પંજાબ, 65,945 મિલકતો ધરાવતું તામિલનાડુ અને 61,195 મિલકતો ધરાવતું કર્ણાટક પણ અવ્વલ આવે છે. આ સંસ્થા દેશના અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં સંપત્તિ ધરાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં