Thursday, July 18, 2024
More
  હોમપેજસંપાદકની પસંદબંગાળમાં મુસ્લિમોનો પોલિટીકલ વીટો, કોણ શાસન કરશે, કેવી રીતે કરશે એ તેઓ...

  બંગાળમાં મુસ્લિમોનો પોલિટીકલ વીટો, કોણ શાસન કરશે, કેવી રીતે કરશે એ તેઓ જ નક્કી કરે છે : સ્વપન દાસગુપ્તા

  પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ બાદ થયેલી હિંસાના એક વર્ષ બાદ ભાજપ નેતા સ્વપ્ન દાસગુપ્તાએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં મન ખોલીને પોતાના વિચારો આગળ ધર્યા છે.

  - Advertisement -

  પશ્ચિમ બંગાળ. વર્ષ 2021, તારીખ 2 મે. કેટલાક લોકો સત્તાની ખુરશી જીતી રહ્યા હતા, તો બીજી તરફ કેટલાક જિંદગી સામેનો જંગ હારી રહ્યા હતા. ક્યાંક લીલો ગુલાલ ઉડી રહ્યો હતો તો ક્યાંક અનેકનું લોહી વહી રહ્યું હતું. કેટલાક માનનીય જીતી રહ્યા હતા તો કેટલાયની ઈજ્જત-આબરૂ લૂંટાઈ રહી હતી.

  2 મે 2021. આ દિવસ અનેક લોકો માટે જાણે થોભી ગયો છે. અને આ ‘અનેક લોકો’ પશ્ચિમ બંગાળ નામના રાજ્યના છે. આ રાજ્ય વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં જ સ્થિત છે. આ એ રાજ્ય છે, જેના લોકોએ જીવ બચાવીને બીજા રાજ્યમાં ભાગવું પડ્યું હતું. એ દિવસે જ્યારે લોકતંત્રના સત્તાધારીઓ જીતી રહ્યા હતા ત્યારે બીજી તરફ સ્વયં લોકતંત્ર હારી રહ્યું હતું. લોકતંત્રના સાચા સિપાઈઓને કચડી નાંખવામાં આવી રહ્યા હતા.

  કટોકટી વખતે નાગરિકોની, નેતાઓની અને સત્તા-તંત્રની શું સ્થિતિ હતી? ચાળીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો તેની કથા કે વાતો માત્ર વાંચી કે સાંભળી શકે છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં બીજી મેના દિવસે જે થયું એ 21મી સદીના ભારતની કટોકટી જ હતી. મમતા બેનર્જીની સરકાર ભલે તેને લઈને લાખ સ્પષ્ટતાઓ કરે, પરંતુ તે દિવસે થયેલ દરેક દમન, હત્યા, બળજબરી, લૂંટ.. બધું જ આંખ સામે છે. મમતા બેનર્જીને આ બધું સરળતાથી ભૂલવા દેવામાં નહીં આવે.

  - Advertisement -

  રાજ્યસભા સાંસદ સ્વપ્ન દાસગુપ્તા સાથે આ જ મુદ્દાને લઈને બંગાળની રાજનીતિ, સમાજ વગેરે વિષયો પર ઑપઇન્ડિયાની લાંબી વાતચીત થઇ હતી.

  પ્રશ્ન: ટ્વીટર અને ફેસબુક પર ભાજપના જ સમર્થકો આરોપ લગાવે છે કે બીજેપીએ બંગાળના કાર્યકર્તાઓ માટે કંઈ નહતું કર્યું કે જેટલું કરવું જોઈતું હતું એટલું ન કર્યું. આ મુદ્દે આપની પ્રતિક્રિયા.

  જવાબ: આ સત્ય છે. આ હિંસા અનપેક્ષિત હતી. કોઈને અનુમાન ન હતું. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ ગણતરીના સ્થળેથી જ જે રીતે હિંસા શરૂ થઇ, એવું ક્યારેય જોવા મળ્યું ન હતું. આજ સુધી ભારતમાં ક્યાંય આવું જોવા મળ્યું ન હતું. આ સ્તરની હિંસા માટે ભાજપના કાર્યકર્તા કે સંગઠન તૈયાર ન હતાં. આ આરોપ બિલકુલ સાચો છે.

  અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલાઓ થયા છે. લગભગ પચાસ હજાર કાર્યકરોએ ઘરો છોડવા પડ્યાં. લગભગ 20 લોકોની હત્યા કરી નાંખવામાં આવી. તેમ છતાં અમારું સંગઠન પોતાના કાર્યકર્તાઓની થોડીઘણી પણ મદદ ન કરી શક્યું. ઘણા પ્રયત્નો પછી પણ હજુ સુધી ઘણી જગ્યાએ પાંચ-દસ હજાર રૂપિયા પણ અમે કાર્યકર્તાઓ સુધી નથી પહોંચાડી શક્યા. રાજનીતિક રીતે અમે આ બાબતે નિષ્ફળ રહ્યા છીએ- એ બાબત હું સ્વીકારું છું.

  પ્રશ્ન: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ હિંસા- આનો રાજનીતિક અર્થ કે સંદેશ આપ શું સમજો છો?

  જવાબ: 2 મે 2021ની બપોર પછી જે હિંસા શરૂ થઇ તેનો એક જ હેતુ હતો- ભાજપનું જે સંગઠન છે, તેને તોડી નાંખવામાં આવે. 38 ટકા મતો ભાજપને મળ્યા. બહુમતી હિંદુઓના મતો ભાજપના પક્ષમાં રહ્યા. તેનો અર્થ એ કે એક નિર્ણાયક મતનું સમર્થન અમારી સાથે હતું. જેથી તેમનો ઉદ્દેશ્ય એ હતો કે હિંસાથી એવો માહોલ પેદા કરવામાં આવે જેનાથી ભવિષ્યમાં ભાજપના સમર્થકોને ખતમ કરી નાંખવામાં આવે, સંગઠનનું મૂળ તોડી નાંખવામાં આવે. ડર એવો હોય કે ભાજપનો સમર્થક ઘરમાંથી નીકળે જ નહીં, અને એવું થયું પણ.

  પશ્ચિમ બંગાળમાં 2021 વિધાનસભા ચૂંટણી બાદ થયેલ પેટાચૂંટણી અને નગરપાલિકા ચૂંટણીમાં આ ડર દેખાય આવે છે. આ ચૂંટણીમાં અનેક સ્થળોએ ભાજપના લોકો ઉમેદવારી પણ કરવા નહતા ગયા. જે તમે એક ઉદાહરણ દ્વારા સમજી શકો છો. બોલપુર શાંતિનિકેતનની બાજુમાં આવેલ એક નાનું શહેર છે. વિધાનસભા ચૂંટણીમાં અહીંના નગરપાલિકાવાળા વિસ્તારમાં ભાજપને બહુમત મળ્યો હતો. હવે આ વખતે નગરપાલિકા ચૂંટણી થઇ તો અમારા કોઈ ઉમેદવારે નામાંકન સુદ્ધા ન કર્યું.

  આ બધાં નાનાં-નાનાં ઉદાહરણો છે. પરંતુ સત્ય એ છે કે ઘણી જગ્યાએ જ્યાં ભાજપને જીત મળી હતી ત્યાં હવે બૂથનું સંચાલન કરવાની પણ સ્થિતિ નથી. ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ તૂટી રહ્યું છે. ઘણા એવું પણ કહે છે કે કેન્દ્ર સરકાર શું કરી રહી છે? અમારી તો કેન્દ્રમાં પણ સરકાર છે. પરંતુ કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે. તેમાં કેન્દ્ર સરકાર ઇચ્છીને પણ કશું કરી શકતી નથી. જો હાઈકોર્ટે નોંધ ન લીધી હોત તો કંઈ થયું ન હોત, કોઈ પગલાં ન લેવાયાં હોત.

  પશ્ચિમ બંગાળમાં સંગઠનની રીતે ભાજપ પર મોટી અસર થઇ છે. પરંતુ સત્ય એ પણ છે કે આજે હિંસાનો જે માહોલ બનાવવામાં આવ્યો છે, તેની પ્રતિક્રિયા નક્કી છે. ભાજપે હમણાંથી ધીમે-ધીમે સંગઠન સ્તરે કામ કરવું પડશે. ભાજપ માટે સૌથી મોટું કામ કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનું હશે. હમણાં તેમનું મનોબળ તૂટ્યું છે. આ કાર્યકર્તાઓને એક સક્ષમ નેતા અને રાજનીતિક ઈચ્છાશક્તિની જરૂર છે.

  પ્રશ્ન: દેશની રાજધાની અને વ્યાપારવાળા બંગાળ, સાહિત્ય અને ક્રાંતિવાળા બંગાળથી લઈને હમણાં સુધીનું બંગાળ- આ બહુઆયામી પતનને કેટલું રાજનીતિક અને કેટલું સામાજિક માનો છો?

  જવાબ: આ પતન રાજનીતિક પણ છે અને સામાજિક પણ. આ પતનની શરૂઆત 60 ના દાયકાથી થાય છે. નક્સલ આંદોલન, સીપીએમવાળી રાજનીતિ…50-60 વર્ષોમાં જે-જે થયું એ જ હવે ફરીથી જોવા મળી રહ્યું છે. તેની અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. બંગાળમાં થઇ રહેલું આર્થિક પલાયન સ્પષ્ટ છે. બંગાળ પહેલાં ઉદ્યોગ-વ્યવસાયનું નેતૃત્વ કરતું હતું, ત્યારે કોલકત્તા મુંબઈ સમાન ગણાતું હતું. હવે ક્યાંથી ક્યાં પહોંચી ગયું. દુર્ગા પૂજા, રજાઓ, તહેવારો…બંગાળના દરેક શહેરને તમે ‘સિટી ઓફ ફેસ્ટિવલ’ કહી શકો છો પરંતુ અહીંના કોઈ પણ શહેરને ‘સીટી ઓફ પ્રોડક્શન’ નહીં કહી શકાય.

  બંગાળમાં ઉદ્યોગના ઘટાડાની અસર ત્યાંની સંસ્કૃતિ પર પડશે, આના કારણે લોકોની સર્જનાત્મક ક્ષમતાને અસર થશે. એવું નથી કે બંગાળમાં રહેતા લોકોની સર્જનાત્મક ક્ષમતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. પરંતુ એ પણ સાચું છે કે આવા વાતાવરણમાં લોકો તેમની ક્ષમતાનો પચાસ ટકા પણ ઉપયોગ કરી શકતા નથી. રાજ્યમાં શાંતિનું વાતાવરણ હોય ત્યારે જ કળા અને સંસ્કૃતિનો વિકાસ અને વિસ્તરણ શક્ય છે, અને બંગાળમાં વહીવટની આ બધી સારી બાબતોનો અભાવ છે.

  60ના દાયકાથી પશ્ચિમ બંગાળમાં રાજકીય સ્તરે જે શરૂઆત થઈ હતી, હવે તેની સંપૂર્ણ અસર અહીંના સામાજિક જીવન પર પડી છે. દુ:ખની વાત એ છે કે જો આ પ્રકારનું રાજકારણ હજુ થોડા દિવસ ચાલતું રહેશે તો સમાજનું બાકી રહેલું માળખું પણ નાશ પામશે.

  પ્રશ્ન: બંગાળમાં વસ્તીવિષયક પરિવર્તનના કારણે હિંદુ-મુસ્લિમ સમીકરણ કે કેટલાક વિસ્તારોમાં હિંદુઓ પ્રત્યેની નફરતને તમે કઈ રીતે જુઓ છો?

  જવાબ: આ બાબત નકારી શકાય નહીં. બંગાળમાં આવું થઈ રહ્યું છે. ત્યાંની કુલ વસ્તીના 30% મુસ્લિમો છે (કેટલાક 23% કહે છે, કેટલાક 25%…પરંતુ મતદાનના આંકડા પ્રમાણે 30%) બાંગ્લાદેશને અડીને આવેલા સરહદી જિલ્લાઓ- નાદિયાનો મોટો ભાગ, દિનાજપુર, મુર્શિદાબાદ, માલદા, દક્ષિણ 24 પરગણાનો મોટો ભાગ, વગેરે સંપૂર્ણપણે મુસ્લિમ બહુલ બની ગયા છે.

  તેની પાછળ 2 કારણો છે: પહેલું કારણ- CPMની રાજનીતિને કારણે 1990 અને 2000 ના દાયકામાં બાંગ્લાદેશમાંથી નોંધપાત્ર સંખ્યામાં થયેલી ગેરકાયદેસર ઘૂસણખોરી. બીજું કારણ- સારા કામ, સારી સુવિધાઓ જેવી બાબતોની શોધમાં ઘણા બંગાળીઓએ પશ્ચિમ બંગાળ છોડીને અન્ય રાજ્યોમાં સ્થળાંતર કર્યું છે. આજે બેંગ્લોરમાં 12 લાખ બંગાળીઓ છે. દિલ્હી પણ બંગાળીઓથી ભરેલું છે. આ એક નાનું ઉદાહરણ છે. આનું કારણ શું છે? શું કારણ છે કે મોટાભાગના બંગાળી હિંદુઓએ જ પશ્ચિમ બંગાળમાંથી પલાયન કર્યું છે?

  આ બે કારણો સિવાય ત્રીજી સમસ્યા પણ છે – રોહિંગ્યા. મોટી સંખ્યામાં રોહિંગ્યા ઘૂસણખોરો પણ અહીં આવીને વસવાટ કરી રહ્યા છે. આ બાબતોને કારણે પશ્ચિમ બંગાળની ડેમોગ્રાફી ઘણી બદલાઈ ચૂકી છે, બગડી ચૂકી છે.

  પશ્ચિમ બંગાળની રચના શા માટે થઈ? પ્રથમ સંયુક્ત બંગાળ હતું. તો પછી વિભાજન કેમ થયું? એ વિચારો. જે પૂર્વ બંગાળ હતું, ત્યાં હિન્દુઓની વસ્તી 30% હતી, આજે આપણે ત્યાં 10% પણ નથી. તો આ 20% હિંદુ વસ્તી ક્યાં ગઈ? તેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળ આવ્યા હતા. કેમ આવ્યા હતા? કારણ કે એ લોકોને લાગ્યું કે આ તેમની માતૃભૂમિ છે. બંગાળી હિંદુઓને રહેવા માટે જમીન મળવી જોઈએ, આ જ કારણ હતું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળના વિભાજનની માંગ કરી હતી. આ વિચારના આધારે જ પશ્ચિમ બંગાળ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસ, ‘પશ્ચિમ બંગાળ, બંગાળી હિન્દુઓનું ઘર’નો આ મૂળ વિચાર આજે નાશ પામી રહ્યો છે. આ માત્ર વસ્તી વિષયક પરિવર્તનને કારણે થઈ રહ્યું છે. વસ્તીવિષયક પરિવર્તન કેટલી મોટી સમસ્યા છે, તે આસામમાંથી પણ સમજી શકાય છે. 80-90ના દાયકામાં આ બાબતને લઈને મોટું આંદોલન પણ થયું હતું.

  જો આપણે પશ્ચિમ બંગાળમાં વસ્તીવિષયક પરિવર્તનના રાજકીય પાસાંને જોઈએ તો આજે મુસ્લિમ સમુદાયનો રાજકીય વીટો છે. આનો અર્થ એ થયો કે મુસ્લિમ સમુદાય નક્કી કરે છે કે કોણ શાસન કરશે, અને કેવી રીતે કરશે. આનો અર્થ એ પણ છે કે સત્તા પર નામ મમતા બેનર્જીનું હોઇ શકે છે, 10 વધુ બંગાળી હિન્દુ નેતાઓ-મંત્રીઓ હોય શકે છે, પરંતુ જે તેમની પાછળ જેનો વીટો હશે એ મુસ્લિમ સમુદાયનો રહેશે. આને એક નાનકડા ઉદાહરણથી એવી રીતે સમજો કે કોલકાતામાં તમે મુસ્લિમ છોકરાઓને હેલ્મેટ વિના બાઇક ચલાવતા જોઈ શકો છો, પોલીસ હાથ બાંધીને ઉભી થઇ રહે છે. આ રાજકારણે પશ્ચિમ બંગાળમાં પણ આવું જ વાતાવરણ ઊભું કર્યું છે.

  પ્રશ્ન: તમે પોતે મીડિયા સાથે જોડાયેલા રહ્યા છો. આવી સ્થિતિમાં બળાત્કાર-હત્યા જેવી ઘટનાઓ ઓછી તીવ્રતા સાથે બતાવનારા કે એકદમ છુપાવનારા મીડિયા સંસ્થાનોને લઈને સરકારની પહેલ શું હોવી જોઈએ?  બંગાળ હિંસા દરમિયાન કેટલાક મીડિયા સંસ્થાનોએ જે રીતે કવરેજ કર્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પર કોલકત્તા હાઈકોર્ટના એડિશનલ સોલિસિટર જનરલે તો મીડિયા હાઉસને માફી માંગવા પણ કહ્યું હતું.

  જવાબ: બંગાળમાં આજે મીડિયા મુક્ત નથી. ત્યાંના મીડિયા પર કોઈ બંદૂક તાંકીને ઉભું રહેતું નથી. આ લોકો બંદૂકના ડરથી સત્ય કે સમાચાર છુપાવતા નથી, પરંતુ પૈસાના કારણે છુપાવે છે. સરકાર પૈસા આપે છે, સરકારના કહેવા મુજબ સમાચારોનું રિપોર્ટીંગ થાય છે. પરંતુ તેના પરિણામો દૂરગામી હોય છે. ધારો કે ભવિષ્યમાં કોઈ ઈતિહાસકાર બંગાળની હિંસા વિશે માહિતી એકઠી કરી રહ્યો હશે તો તેને શું મળશે? જ્યારે તે વર્તમાન સમાચારો અને અખબારો પર નજર ફેરવશે ત્યારે તે ‘કંઈ થયું નથી અને ઘટના નાની છે’ એમ વિચારીને બેસી જશે.

  આજે બંગાળના મીડિયામાં તમે જોશો કે મમતા બેનર્જીને લઈને એક હરીફાઈ ચાલી રહી છે, કે કોણ કેટલી વખત તેમની તસવીર પહેલા પાને છાપશે. એનાથી પણ મોટું ઉદાહરણ જુઓ. ઈન્ડિયા ગેટની સામે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંગાળીઓની ભાવના માટે આ બહુ મોટી વાત છે. પરંતુ પશ્ચિમ બંગાળના સૌથી મોટા અંગ્રેજી અખબારના પહેલા પાનાની વાત છોડો, અંદરના 10મા પાનાં પર પણ આ સમાચારને સ્થાન મળ્યું નહતું. કારણ કે આ મોદી સરકારનો નિર્ણય હતો. આ ત્યાંના મીડિયાની માનસિક સ્થિતિ છે. આ ફ્રી પ્રેસ નથી. તે મીડિયા પણ નથી. તેઓ માત્ર ટાઈપિસ્ટ છે.

  પ્રશ્ન: આ પ્રશ્ન મીડિયા, સત્ય, ઇતિહાસ, લેખન વગેરે સાથે સંબંધિત છે. જ્યારે વિક્રમ સંપથ પર લિબરલ લોબી તૂટી પડી ત્યારે તમે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક લેખ લખ્યો હતો. બંગાળ હિંસાનો જ્યારે ઈતિહાસ લખવામાં આવશે ત્યાં સુધીમાં શું ઈતિહાસકારોની રાષ્ટ્રવાદી ફૌજ તૈયાર હશે કે એકલ-દોકલ હોવાના કારણે ત્યારે પણ આ લોકો વોક લોકોના હુમલાઓ સહન કરતા રહેશે?

  જવાબ: જો આપણે રાજકીય લેન્સથી જોઈએ તો આજે રાષ્ટ્રવાદી શક્તિ ઘણી આગળ વધી ગઈ છે. જોકે, એ સાચું છે કે રાષ્ટ્રવાદી વિચારસરણીથી પ્રેરિત બૌદ્ધિક ચેતના અથવા પ્રભાવનો હજુ પણ અભાવ છે. આ ચિંતાનો વિષય છે અને આપણે વિચારવું જોઈએ કે આવું કેમ થયું? આજે પણ કહેવાતી બૌદ્ધિક સંસ્થાઓ પર લિબરલ/લેફ્ટ/વોક વગેરેનું નિયંત્રણ છે. આવી સ્થિતિમાં આપણી ખામીઓને ઓળખવી, આપણા લોકોને તૈયાર કરવા આપણી ફરજ બની જાય છે.

  લિબરલોએ વિક્રમ સંપત પર શા માટે હુમલો કર્યો? આવું એટલા માટે થયું કારણ કે તેમણે રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણથી એવો ઇતિહાસ લખ્યો હતો જેને નકારી શકાય તેમ નથી. જ્યારે ઉદારવાદીઓ/ડાબેરીઓની વિચારસરણી એવી છે કે તે તો રાષ્ટ્રવાદી છે, જમણેરી છે… તે શું લખશે! પણ વિક્રમ સંપતે એવું લખ્યું કે તે પછી લિબરલ લોબીનો હુમલો પણ ખૂબ તેજ અને લાંબા સમય સુધી ચાલ્યો હતો. જો ખરાબ લખાયું હોત તો નિશ્ચિતપણે તેમણે વધુ ધ્યાન ન આપ્યું હોત અને મજાક પણ ઉડાવી હોત.

  રાષ્ટ્રવાદી વિચારસરણી અને તેની સાથે સંકળાયેલા લોકો અંગે લિબરલો/ડાબેરીઓની આ માનસિકતા છે. વિક્રમ સંપતે તેની માનસિકતાને ઠેસ પહોંચાડી. કેવી રીતે? તેણે શાનદાર રીતે લખ્યું, શુદ્ધ લખ્યું, અકાટ્ય રીતે લખ્યું. તેથી તેમની ઉપર આ કહેવાતા બૌદ્ધિકો (ઉદારવાદી/ડાબેરીઓ) દ્વારા હુમલો કરવામાં આવ્યો.

  આપણે આ પ્રકરણમાંથી શીખવું જોઈએ. જો આપણે ખરેખર લિબરલો/ડાબેરીઓના સૌથી મજબૂત ભાગ પર પ્રહાર કરવો હશે તો પહેલાં પોતાને બૌદ્ધિક સ્તરે મજબૂત બનાવવા પડશે, તથાકથિત બુદ્ધિજીવી સંસ્થાનો પર પોતાનું નિયંત્રણ લાવવું પડશે.

  પ્રશ્ન: તમે પશ્ચિમ બંગાળમાં હિંસાની રાજનીતિ અને તેના કારણે ઉદ્ભવતા વાતાવરણની પ્રતિક્રિયા વિશે વાત કરી. બંગાળના લોકો પરિવર્તન ઈચ્છે છે, આ વાત RSSના પ્રતિનિધિ પાસેથી પણ સાંભળવામાં મળી હતી. ભાજપના નેતા કે સાંસદ તરીકે આ પરિવર્તનનો રોડમેપ શું હશે, ભાજપ સત્તામાં કેવી રીતે આવશે?

  જવાબ: સૌપ્રથમ તો જાણી લો કે બંગાળમાં ભાજપ એક નવો પક્ષ છે. ભારતભરમાં ભાજપની યાત્રાને તમે જનસંઘ સુધી જોઈ શકો છો, પરંતુ બંગાળમાં તેને 3-4 વર્ષ જૂની પાર્ટી પણ કહી શકાય નહીં. ખરા અર્થમાં, એક પક્ષની જે અસર થવી જોઈએ, જે નેતૃત્વ જોવું જોઈએ, બંગાળમાં ભાજપ હજુ તે સ્તરે પહોંચ્યું નથી. અમારે બંગાળમાં નેતૃત્વ ઊભું કરવાનું છે.

  2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગ્રામીણ વિસ્તારોમાં જબરદસ્ત સમર્થન મળ્યું હતું. પરંતુ શહેરી વિસ્તારોમાં, જેને બંગાળીઓ ભદ્રલોક કહે છે, આ સમર્થનનો અભાવ હતો… બિલકુલ શૂન્ય. કોલકાતા અને આસપાસના વિસ્તારો, જેમ કે કોલકાતા, હાવડા વગેરે… ત્યાં 109 બેઠકો છે, જેને જૂનો પ્રેસિડેન્સી ડિવિઝન કહેવામાં આવતો હતો. અહીં ભાજપને માત્ર 1-2 બેઠકો મળી શકી. આનો અર્થ એ થયો કે તથાકથિત બુદ્ધિજીવી વર્ગ પર કે એવા લોકો જેઓ ઓપિનિયન મેકર છે, તેમની ઉપર આપણો પ્રભાવ નહીંવત છે. ટૂંકમાં, પ્રભાવશાળી બંગાળીઓને પોતાની તરફ ભાજપ કરી શક્યો નથી.

  પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આ એક મોટો પ્રોજેક્ટ છે. સંગઠન સ્તરની વાત કરીએ તો, અમને OBC બંગાળી, SC-ST વગેરે જેવા વર્ગોનું ઘણું સમર્થન છે. પરંતુ શહેરી વિસ્તારોમાં નહીંવત સમર્થન છે. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમો 30% વોટિંગ વીટોથી શરૂઆત કરે છે, આવી સ્થિતિમાં ભાજપે બધાને સાથે લઈને ચાલવું પડશે. તેથી બંગાળના શહેરી વિસ્તારો, પ્રભાવશાળી બંગાળી, તથાકથિત બુદ્ધિજીવી વર્ગોને પોતાની સાથે જોડવા માટેનો પ્રોજેક્ટ ભાજપ માટે સૌથી મહત્વનો છે.

  (ગુજરાતીમાં અનુવાદિત થયેલ આ ઇન્ટરવ્યૂ મૂળ હિંદીમાં ચંદન કુમાર દ્વારા લેવામાં આવ્યો છે. જે અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં