કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં ભાજપની હાર અને કોંગ્રેસનો વિજય થયો છે. આ ચૂંટણીમાં બજરંગ બલી અને બજરંગ દળનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. હવે તમામ લોકો કોંગ્રેસના આ વિજયને આવનારા વર્ષે આવી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છે. એવામાં એક પત્રકારે દિલ્હીના કનોટ પેલેસ ખાતે જુદા જુદા વ્યક્તિઓ પાસે આ આખો ચિતાર સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં એક વ્યક્તિએ તેમને જે જવાબ આપ્યા એ વિડીયો હમણાં વાઇરલ થઇ રહ્યો છે.
ન્યુઝ 24 ચેનલના કાર્યક્રમ ‘માહૌલ ક્યાં હૈ’ ના એન્કરે દિલ્હીના કનોટ પેલેસ ખાતે લોકો સાથે વાતચીત કરી હતી અને પૂછ્યું હતું કે, ‘શું કર્ણાટકના પરિણામ પરથી એમ કહી શકાય કે દેશનો મૂડ બદલાઈ રહ્યો છે?’ ઘણા લોકોએ જુદા જુદા જવાબ આપ્યા હતા આ બાબતે. પરંતુ ત્યાં એક વ્યક્તિએ એન્કરને દરેક પ્રશ્નોના જે જવાબ આપ્યા એ સાંભળીને એન્કર પણ ચોંકી ગયા હતા.
આ વ્યક્તિએ કર્ણાટકના પરિણામ, આવનારા લોકસભા ચૂંટણી, જય બજરંગ બલીના નારા, બજરંગ દળ જેવા અનેક મુદ્દાઓ પર વિગતવાર વાત કરી હતી. તેમણે શું વાત કરી એ તો આપણે આગળ જાણીશું, પરંતુ જે સાંભળીને એન્કરની આંખો પહોળી રહી ગઈ એ છે તેમનું નામ. તે વ્યક્તિએ જણાવ્યું કે તેમનું નામ ‘મોહંમદ ફૈઝ ખાન’ છે અને તેઓ એક ગૌસેવક છે. તેમણે જણાવ્યું કે તેઓ રાયપુર, છત્તીસગઢના રહેવાસી છે.
શું હતા રીપોર્ટરના સવાલ અને ફૈઝ ખાને શું આપ્યા જવાબ?
રિપોર્ટર : શું કર્ણાટકના પરિણામ પરથી એમ કહી શકાય કે દેશો મૂડ બદલાઈ રહ્યો છે?
ફૈઝ ખાન : દેશનો મૂડ બદલાઈ રહ્યો છે એવું તો ના જ કહી શકાય કેમ કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને તેમની સરકાર પર 10 વર્ષથી જનતા ભરોસો બતાવી રહી છે અને આગળ પણ બતાવશે. કર્ણાટકમાં જે થયું એ તો લોકતંત્રનો ભાગ છે. એક રાજ્ય હાર્યા છે, બાકી રાજ્ય જીતી જશે. 2024માં પણ શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બનશે, અમને એમના નેતૃત્વ પર પૂરો ભરોસો છે. દેશને આવું જ નેતૃત્વ જોઈએ છે. કર્ણાટકથી દેશનું ભવિષ્ય નક્કી થઇ જશે એવું નથી.
રિપોર્ટર : બજરંગ બલીનું નામ લઇ લીધી, ટીપુ સુલ્તાનને વિલન બનાવી દીધો અને બધી તાકાત લગાવી દીધી તો પણ જીતી ના શક્યા. તો એવું ના માની શકાય કે નરેન્દ્ર મોદીનો જાદુ હવે ઓછો થઇ રહ્યો છે? 2018માં નરેન્દ્ર મોદીએ આનાથી ઓછી તાકાત લગાવીને ભાજપને નંબર 1 પાર્ટી બનાવી હતી.
ફૈઝ ખાન : એક રાજ્યના પરિણામથી આખા દેશનો મૂડ ના ભાસી શકાય અને રહી વાત ભાજપાની તો તેમનો નારો છે સબકા સાથ સબકા વિકાસ. તેઓ એક ધર્મને સપોર્ટ કરે છે અને બીજાનો વિરોધ કરે છે એવું બિલકુલ નથી.
રિપોર્ટર : બજરંગ બલીના નારા લગાવે છે એનું શું?
ફૈઝ ખાન : બજરંગ બલી કોઈ સાંપ્રદાયિક નારો થોડી છે? જય બજરંગ બલી, જય સિયારામ, જય શ્રી રામ, અલ્લા હુ અકબર એ બધા ધાર્મિક નારા છે કોઈ રાજકીય નારા નથી.
રિપોર્ટર : જય સિયારામ તો ઠીક છે, પણ જયારે તેઓ જય શ્રી રામ કહે છે તો એમાં આક્રમકતા જોવા નથી મળતી?
ફૈઝ ખાન : પ્રભુજી, શ્રી નો અર્થ જ લક્ષ્મીજી હોય છે સીતામાતા હોય છે. દરેક શ્રી નો અર્થ નારશક્તિ જ થાય છે.
રિપોર્ટર : જય શ્રી રામ ના નારા તો 1990 થી જ આવ્યા છે.
ફૈઝ ખાન : તો શ્રી નારાયણ ક્યારથી છે? એ તો ખુબ જૂનું છે. શ્રી લક્ષ્મી નારાયણ ક્યારથી છે?
રિપોર્ટર : અચ્છા એ જણાવો કે તમારું નામ શું છે?
ફૈઝ ખાન : મારુ નામ મોહંમદ ફૈઝ ખાન છે અને હું ગૌસેવક છું.
રિપોર્ટર : (પહોળી આંખે અચંબિત અવસ્થામાં કેમેરા સામે અને ફૈઝ સામે જોયા કરે છે.)
ફૈઝ ખાન : ઉંધુ પડી ગયું બધું! મોહંમદ ફૈઝ નામ સાંભળીને તમને એક કે આ તો…. પણ હું નિષ્પક્ષ વાત કરું છું. હું મુસ્લિમ છું પણ નિષ્પક્ષ વાત કરું છું. હું અહીંયા બેસીને આખા હનુમાન ચાલીસા તમને સંભળાવી શકું છું. કેમ કે બજરંગબલીનું નામ પવિત્ર છે, રામનું નામ પવિત્ર છે, અલ્લાનું નામ પવિત્ર છે, ગોડનું નામ પવિત્ર છે, વાહેગુરુનું નામ પવિત્ર છે, કોઈ પણ લઇ શકે છે. તો આપ એવું કેમ કહો છો કે બજરંગબલીનું નામ લીધું એટલે હારી ગયા.? જો બજરંગબલીનું નામ લઈને જીતી જતા તો તમે કહેતા કે ધાર્મિક કાર્ડ રમ્યા.
રિપોર્ટર : ધાર્મિક કાર્ડ કોંગ્રેસે પણ રમ્યું છે. ઓલરેડી PFI બેન હતી તો કોંગ્રેસે બજરંગદળનું નામ લખવાની શું જરૂર હતી? તેણે પણ મુસ્લિમ વોટો વિભાજીત ના થાય અને JDSના વોટ તેને મળે એટલે આવું કર્યું. અને એનો ફાયદો પણ તેમને મળ્યો છે. JDSને જેટલું નુકશાન થયું એટલો જ ફાયદો કોંગ્રેસને થયો છે.
ફૈઝ ખાન : ખાલી બજરંગદળની વાત કરવાથી કોંગ્રેસ જીતી ગઈ તમે એવું માનતા હોવ તો દેશની જનતા હજુ એ લેવલે નથી ગઈ.
રિપોર્ટર : ના ના ના. ફક્ત એ જ કારણ છે એવું નથી. હું એમ કહું છું કે કોંગ્રેસ માટે મુસ્લિમ મત એક થયા.
ફૈઝ ખાન : જો ખાલી બજરંગદળ પર બેન લગાવવાની વાતથી મુસ્લિમોએ કોંગ્રેસને વોટ આપ્યા હોય કોંગ્રેસ જીતી હોય તો તે કેન્દ્રમાં પણ જીતી જતી. ત્યારે પણ કોંગ્રેસે બજરંગદળ પર બેન લગાવવા અને RSS પર બેન લગાવવાની વાતો કરી જ હતીને? તો 10 વર્ષથી કેન્દ્રમાં ક્યાં જીતી છે એ?
રિપોર્ટર : તમે ક્યાંના રહેવાવાળા છો? કઈ પાર્ટીમાં છો?
ફૈઝ ખાન : હું રાયપુર, છત્તીસગઢનો રહેવાસી છું. અને હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. તમે ભાજપ અને કોંગ્રેસ બંનેનું લિસ્ટ ઉઠાવીને જોઈ શકો છો, હું કોઈનો સદસ્ય નથી. હું માત્ર એક ગૌસેવક છું, ગૌસેવા કરું છું.
રિપોર્ટર : ગૌસેવાના નામ પર આ જે બજરંગદળવાળા અને અન્ય ગૌરક્ષકોએ કેટલાય લોકો પર અટેક કર્યા અલવર અને અન્ય જગ્યાઓએ એનું શું?
ફૈઝ ખાન : અરે પ્રભુજી જેટલા ગૌરક્ષકો મરી ગયા છે, ઘાયલ થયા છે, માર વાગ્યો છે, એની સામે આ કાંઈ નથી. અમારી પાસે તમામ ગૈરક્ષકોનો રેકોર્ડ છે ને. કેટલાય લોકોએ પોતાની આખી જિંદગીની દોલત, ધન, ઘર લગાવી દીધા છે આ કામમાં.
રિપોર્ટર : હિંદુ મુસ્લિમમાં તિરાડ પડી, નફરતની રાજનીતિ થઇ રહી છે. બંને તરફથી. તેને તમે એક મુસ્લિમ કે જે ગૌરક્ષક છે જેને હનુમાન ચાલીસ આવડે છે એ કઈ રીતે જોવો છે?
ફૈઝ ખાન : હિંદુ મુસ્લિમમાં ખાઈ આ દેશમાં ના પહેલા ક્યારેય હતી, ના હમણાં છે, ના કદી થશે. આપણો દેશ પ્રેમનો દેશ છે. નફરત વહેંચવાવાળા ગમે તેટલો પ્રયત્ન કરે, નફરત વહેંચાશે નહિ. આજ પણ આ દેશ એટલે ચાલે છે કેમ કે એક બાજુ રામ રહે છે, એક બાજુ રહીમ રહે છે. લોકો ઈદમાં અને દિવાળીમાં સામેલ થાય છે. બધા મળીને રહે છે. કોઈ રાજકીય દળ તેમાં ફૂટ નથી પડાવી શકતું. કોઈ રાજનૈતિક દળની વિચારધારાને કારણે હું એવું નથી માની શકતો કે જનતાનો આ પ્રેમ સમાપ્ત થઇ ગયો છે.
રિપોર્ટર : લોકો BJP પર ધર્મની રાજનીતિ કરવાનો આરોપ લગાવે છે તેના વિષે શું કહેશો?
ફૈઝ ખાન : BJP ધર્મની રાજનીતિ નથી કરી રહી, કોંગ્રેસ પણ નથી કરી રહી. પરંતુ ધર્મના નામે જે ભાગલા પડ્યા ત્યારે કોણ હતું તે તમે જાતે જોઈ લો. સેનામાં ગણતરી જાતિના આધાર પર, કાશ્મીરમાં આટલો સમય 370 બન્યા રહેવું, બે સંવિધાન રહેવા, આ બધું કોના સમયમાં થયું એ તમે પોતે સમજી જાવ. હું કોંગ્રેસનો વિરોધ નથી કરી રહ્યો, સત્ય બતાવી રહ્યો છું.
રિપોર્ટર : તો મુસલમાનો પર કટ્ટરતાનો આરોપ લાગે છે?
ફૈઝ ખાન : મુસ્લિમોની કટ્ટરતાની વાત હોય તો પણ એ જોવું જોઈએ કે એ કોણ લોકો હતા જે કાશ્મીરમાં મુસ્લિમોને ઉપસાવી રહ્યા હતા, ત્યારે કોની સરકાર હતી. 370 કોને ગમતી હતી?
રિપોર્ટર : ચાલો એ બધું જવા દો. ઇતિહાસની વાત નથી કરવી. હનુમાન ચાલીસા સંભળાવશો?
ફૈઝ ખાન : હા… (હનુમાન ચાલીસા સંભળાવવાનું ચાલુ કરે છે)
રિપોર્ટર : (વચ્ચેથી રોકીને) અરે બસ બસ…. એટલું તો મને પણ નથી આવડતી.
ફૈઝ ખાનની બાજુમાં બેસેલા મુસ્લિમ વ્યક્તિ : ગાયત્રી મંત્ર પણ સરસ રીતે સંભળાવશે ફૈઝ સાહેબ, શિવતાંડવ સ્તોત્રમ પણ સંભળાવશે.
રિપોર્ટર (ફૈઝ ખાનના મિત્રને) : ફૈઝ ભાઈ જે વાત કરે છે તેનાથી આપ સહમત છો?
ફૈઝ ખાનના મિત્ર : બિલકુલ સહમત છું. વિધાનસભા ચૂંટણી, મેયર ચૂંટણી, લોકસભા ચૂંટણી બધું અલગ હોય છે. કર્ણાટક હાર્યા તો સામે ઉત્તર પ્રદેશમાં તમામ મેયર જીત્યા પણ છે.
રિપોર્ટર : હા, ઉત્તર પ્રદેશમાં તમામ મેયર પદ ભાજપ જીત્યું પણ એની ચર્ચા ક્યાંય નથી થઇ રહી. કેમ?
ફૈઝ ખાનના મિત્ર : એ એટલે થાય છે કે જો તમે સફેદ કપડાં પહેર્યા હોય અને એના પર એક કાળો દાગ લાગે તો તમામ લોકો એ દાગની જ વાત કરશે. કોંગ્રેસ માટે આ ઘણું મોટું કામ હશે, કેમ કે તે મરણપથારીએ પડેલી હતી. માટે ચર્ચા એની થઇ રહી છે.
રિપોર્ટર : છત્તીસગઢમાં હવે 4 મહિના બાદ ચૂંટણી છે. કોંગ્રેસ ભાજપ સેમ સામે હશે. તમને શું લાગે છે એ વિષે?
ફૈઝ ખાનના મિત્ર : છત્તીસગઢની જનતાએ નક્કી કરી લીધું છે અને ત્યાં બદલાવ થવાનો છે. ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતથી સરકાર ત્યાં બનવાની છે.
રિપોર્ટર : તમે ભાજપમાં છો?
ફૈઝ ખાનના મિત્ર : ના હું ભાજપમાં નથી. હું એમનો સપોર્ટ કરું એનો અર્થ એ નથી કે હું તેમની પાર્ટીમાં છું. મોદીજીએ સબકા સાથ અને સબકા વિકાસની વાત કરી છે એટલે અમે તેમના સમર્થનમાં છીએ.
રિપોર્ટર : 2024માં શું લાગે છે?
ફૈઝ ખાનના મિત્ર : હું લખીને આપું છું, જો મોદીજીની 330થી ઓછી બેઠકો આવે તો તમે મારી પાસે આવજો. 330+ બેઠકો આવશે.
ફૈઝ ખાન : એક વસ્તુ સમજી લો કે, મુસ્લિમ છે તો કોંગ્રેસનું સમર્થન કરશે અને હિંદુ છે તો ભાજપનું સમર્થન કરશે. ઘણા મુસ્લિમ છે જે ભાજપનું સમર્થન કરે છે અને ઘણા હિંદુ છે જે કોંગ્રેસ-સપાનું સમર્થન કરે છે. માટે આ માનસિકતા બદલવાની જરૂર છે.
રિપોર્ટર : એકવાર હું મથુરા ગયો હતો. ત્યાં એક બજાર છે ગાયા, અને ત્યાં એક ટાયરની દુકાન છે જેના માલિક મુસ્લિમ હતા જેમનું નામ હું ભૂલી ગયો છું, તેમણે મને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીથી લડવા માટે સૌથી પહેલા મુસ્લિમોએ જ ભાજપનો જંડો ઉઠાવવો પડશે. ભાજપથી દૂર રહીને ભાજપની વાતો નહીં સમજી શકાય, ભાજપનો જંડો ઉપાડવો પડશે.
અંતે આ વિડીયો અને વાતચીત સમાપ્ત થઇ. આ આખી ચર્ચામાં એ વસ્તુ જોઈ શકાય કે ફૈઝ ખાનની ભાજપ અને PM મોદી તરફી વાતો સાંભળીને રિપોર્ટર ચોંકી ઉઠ્યા હતા. ખાસ કરીને જયારે ફૈઝ ખાને કહ્યું કે તેઓ ગૈસેવક છે અને તેમને હનુમાન ચાલીસા આવડે છે એ વાત રિપોર્ટર માટે અચંબિત કરવાવાળી હતી.
સાથે જ બંને મુસ્લિમ મિત્રોએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામની કોઈ જ અસર દેશના અન્ય રાજ્યોમાં કે લોકસભા ચૂંટણીમાં નથી થવાની.