Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘લહેરા….દો…. લહેરા દો…. સરકશી કા પરચમ લહેરા….દો’ ગીત ગમે છે? શું આપ...

    ‘લહેરા….દો…. લહેરા દો…. સરકશી કા પરચમ લહેરા….દો’ ગીત ગમે છે? શું આપ દેશ સાથે ‘વિદ્રોહ’ કરી રહ્યા છો? વાંચો વાસ્તવિકતા

    ભારતમાં બૉલીવુડ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આખા ફિલ્મજગત પર ઉર્દૂ ભાષા છવાયેલી રહી છે. ફિલ્મોનાં નામ, પટકથા અને ગીતોમાં ઉર્દૂ ભાષાનું વર્ચસ્વ આપણે જોતા આવ્યા છીએ અને સિનેમા સાથે આ ભાષાના અમુક શબ્દો પણ આપણા જીવનમાં વણાઈ ગયા છે.

    - Advertisement -

    ‘લહેરા…દો લહેરા…દો સરકશી કા પરચમ લહેરા…દો….’ ખાતરી સાથે લખું છું કે આ પંક્તિઓ તમે એ જ રાગ અને લયમાં ગણગણાવતા વાંચી હશે જેમાં આ ગાવામાં આવી છે. ખરું ને? અને એમ બને પણ કેમ નહીં? આપણે સ્વતંત્રતા મેળવી તેનાં 75 વર્ષ થયાં, ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ ઉજવતી વેળાએ દેશભક્તિનો રંગ આપણા બધા ઉપર કઈંક એવો ચડ્યો છે કે આ ગીત સાંભળીને આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી જાય અને આપોઆપ આ ‘લહેરા દો…’ ગીત ગણગણાઈ જવાય.

    ઓગસ્ટ મહિનોચાલુ થયો ત્યાર બાદ છેલ્લા ઘણા દિવસોથી આ ગીત આખા દેશના લગભગ દરેક વ્યક્તિનાં વોટ્સપ સ્ટેટસ, ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ, ફેસબુક ટ્વિટર અને મોટાભાગના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર જોવા અને સાંભળવા મળી રહ્યું છે. કરોડો લોકો અરિજિત સિંઘ દ્વારા ગવાયેલા આ ફ઼િલ્મી ગીતની આ કડીને તિરંગા સાથે પોસ્ટ કરી રહ્યા છે. અને કેમ ન કરે? દેશનો દરેક નાગરિક સ્વતંત્રતાના આ મહાપર્વમાં દેશ માટે પોતાની દેશદાઝ, દેશ માટેનો પોતાનો પ્રેમ અને રાષ્ટ્રભક્તિ આ ગીત થકી વ્યકત કરી રહ્યો છે અને તમે પણ તેમાના એક હશો જ. પણ કદાચ આ લેખ ગીત પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલવામાં મદદરૂપ થશે.

    ગીત વિશે માહિતી

    ગીત ઉપર આગળ વધીએ એ પહેલાં સૌપ્રથમ તેના વિશે થોડું જાણી લઈએ. વર્ષ 2021માં રિલીઝ થયેલી રણવિરસિંહ અને દિપીકા પાદુકોણ અભિનીત ફિલ્મ ’83’નું આ ગીત છે. ગીતકાર કૌસર મુનીર દ્વારા લખાયેલા આ ગીતને સ્વર સંગીત પ્રિતમ સાથે અરિજીતસિંહે આપ્યો છે. આ ફિલ્મ વર્ષ 1983માં ભારતની ક્રિકેટ ટીમે કપિલ દેવની આગેવાનીમાં જીતેલા વર્લ્ડકપની વાર્તાના આધારે બનાવવામાં આવી છે.

    - Advertisement -

    ગીત ખૂબ જ સરસ છે. સરસ મજાના સંગીતના તાલે અરિજિતસિંઘના કર્ણપ્રિય અવાજ સાથેનું આ ગીત ખરેખર સાંભળવા જેવું છે અને ફિલ્મની અંદર દર્શાવાયેલી પરિસ્થિતિને અનુરૂપ પણ છે. જ્યાં જીત અસંભવ લાગી રહી હતી ત્યાં વિજયધ્વજ લહેરાવીને ભારતની ક્રિકેટ ટીમ પ્રથમ વર્લ્ડકપ લઈને આવી હતી. જેથી ફિલ્મમાં દર્શાવેલી પરિસ્થિતિ ગીતને સાર્થક કરે છે. પરંતુ વર્તમાન સમયમાં આ ગીતનો અને તેના શબ્દોનો અર્થ આપણે જાણીએ છીએ ખરા? આપણે દેશભક્તિમાં લીન થઈને જે શબ્દો રાષ્ટ્રને અને તિરંગાને સમર્પિત કરી રહ્યા છીએ તેનો અર્થ આપણને નથી ખબર, કારણ કે ગીતના શબ્દો ઉર્દૂ ભાષામાં છે.

    ગીતના શબ્દોનો અર્થ

    ફિલ્મ, ગીત, સંગીતકાર અને ગાયકની માહિતી મેળવી લીધા પછી હવે મુદ્દાની વાત. ઉપર જેમ લખ્યું કે આ લેખ વાંચીને શા માટે આપનો દ્રષ્ટિકોણ બદલાશે તેના ઉપર આવીએ, તો તેના માટે સૌપ્રથમ તો ગીતના શબ્દો ઉપર ધ્યાન આપીએ. ગીતના શબ્દો છે ‘લહેરા દો…લહેરા…દો સરકશી કા પરચમ લહેરા…દો ” જેનો શાબ્દિક અર્થ આ પ્રકારે થાય- ‘ફરકાવી દો…ફરકાવી દો..વિદ્રોહનો ધ્વજ ફરકાવી દો.’

    હવે એ પ્રશ્નનો ઉત્તર આપો કે દેશ સ્વતંત્ર થયો તેનાં 75 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, દેશ સ્વતંત્ર થયો તેને 75 વર્ષ થઇ ગયાં તો પછી આ ‘વિદ્રોહ’ની ચળવળનું ગીત આપણે આટલા દિવસોથી કોના માટે વગાડી રહ્યા છીએ? વિદ્રોહ કોનો? દેશનો? દેશની સરકારનો? દેશની સેનાનો? કે પછી સ્વતંત્રતાનો? અજાણતામાં આપણે શું પ્રચાર કરી રહ્યા છીએ તે આપણને જ નથી ખબર. ઉર્દૂ ડિક્શનરી વેબસાઈટ Rekhta ઉપર ‘સરકશી’ શબ્દનો અર્થ ‘બગાવત’ અથવા ‘ઉપદ્રવ’ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અનેક ઉર્દૂ સાહિત્યની વેબસાઈટો ઉપર આ જ અર્થ જોવા મળે છે. ગૂગલ પર જઈને ‘સરકશી’, ‘सरकशी’, કે ‘Sarkashi’ શબ્દનો અર્થ સરળતાથી જોઈ શકો છો.

    જાણ્યે-અજાણ્યે આંધળું અનુકરણ

    ભારતમાં બૉલીવુડ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આખા ફિલ્મજગત પર ઉર્દૂ ભાષા છવાયેલી રહી છે. ફિલ્મોનાં નામ, પટકથા અને ગીતોમાં ઉર્દૂ ભાષાનું વર્ચસ્વ આપણે જોતા આવ્યા છીએ અને સિનેમા સાથે આ ભાષાના અમુક શબ્દો પણ આપણા જીવનમાં વણાઈ ગયા છે. બૉલીવુડના ઉર્દૂકરણની વાત ફરી ક્યારેક પણ ધ્યાન આપવાની વાત એ છે કે આ ગીત દ્વારા જાણ્યે-અજાણ્યે વિદ્રોહની વાત આજે લાખો-કરોડો લોકો કરી રહ્યા છે. સ્વતંત્રતા પહેલાં કદાચ આ ગીત આવ્યું હોત તો સો ટકા આના શબ્દો લેખે હતા. કદાચ આ ગીત ક્રાંતિ લાવવામાં પણ મદદરૂપ થયું હોત, પણ સ્વતંત્રતા મળ્યા ને 75 વર્ષ બાદ વિદ્રોહની આ વાત શું ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા અનેક નામી અનામી વીરગતિ પામેલા હુતાત્માઓનું અપમાન નથી?

    વિદ્રોહ કોનાથી?

    અહીં આ ગીતનો વિરોધ નથી, પણ સમજ્યા અને જાણ્યા વગર આપણે અજાણતાં દેશની સ્વતંત્રતા પર પ્રશ્ન ઉભો કરી રહ્યા છીએ વાત તેની છે. જાણ્યે-અજાણ્યે આપણે ભગતસિંહ જે રસ્સાથી ફાંસીના માંચડે ચડ્યા તેનું અને ચંદ્રશેખર આઝાદની બંદૂકમાં રહેલી અંતિમ ગોળીનું અપમાન છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રથમ આઝાદ હિંદ ફૌજ અને વર્તમાન સમયની આપણી સેનાની ત્રણેય પાંખ અને તે ઉપરાંત આપણા શહેર, ગામ, અને ગલીઓમાં રાત દિવસ પોતાનું કર્તવ્ય દાખવતા અને આપણું રક્ષણા કરતા પોલીસ અને સુરક્ષા દળોના સ્વાભિમાનની છે. કોના વિરુદ્ધમાં આપણે આ ‘વિદ્રોહનો ધ્વજ’ લહેરાવવાની વાત કરી રહ્યા છીએ તેનું મનોમંથન હું વાંચકો ઉપર છોડું છું.

    ઉપર લખેલા શબ્દો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી, પરંતુ આપણા દેશના સ્વાભિમાન સંસ્કૃતિ અને સ્વતંત્રતાને ખરા અર્થમાં પ્રતિબિંબિત કરવાનો જે સાચો રસ્તો છે તેના પર વિચાર કરવા માટે છે. આંધળું અનુકરણ વહેલા કે મોડા નુકસાનકારક નીવડી શકે તે સમજવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં