Saturday, July 27, 2024
More
    હોમપેજસંપાદકની પસંદમોરબી પુલ દુર્ઘટના બાદ ગુજરાતભરના પ્રવાસન સ્થળો પર તંત્રની ચાંપતી નજર: અટલ...

    મોરબી પુલ દુર્ઘટના બાદ ગુજરાતભરના પ્રવાસન સ્થળો પર તંત્રની ચાંપતી નજર: અટલ બ્રિજ, સુદામા સેતુ, ઓખા જેટી વગેરે પર લાગ્યા નવા નિયંત્રણો

    મોરબીના ઝૂલતા બ્રિજ પર થયેલા અકસ્માત બાદ હવે ગુજરાતનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજ્યમાં દરેક રો-વે,ફૂટ ઓવર બ્રિજ, ભીડ ભેગી થતી હોય તેવા સ્થળો અને મહત્વની જગ્યાઓના ફિટનેશ સર્ટિફિકેટ તપાસવાની કામગીરી શરૂ કરાઈ છે.

    - Advertisement -

    રવિવાર (30 ઓક્ટોબર) ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલ સદી જૂનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેમાં 140થી વધુ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાય ઘાયલ થયા હતા. જે બાદ તંત્ર આ દુર્ઘટના માટે જવાબદાર લોકોને શોધી શોધીને પકડી રહી છે. હમણાં સુધી 9 લોકોની અટકાયત કરાઈ છે. હવે આ દુર્ઘટના પરથી બોધ લઈને ગુજરાતના તમામ અન્ય ફરવાલાયક સ્થળો કે જ્યાં આ પ્રકારની ભીડ જામતી હોય ત્યાં સાવચેતીના પગલાંઓ લેવાની શરૂઆત થઇ ચુકી છે. અટલ બ્રિજ, સુદામા સેતુથી લઈને દ્વારકા-ઓખાની નાવ અને દરેક ભીડભાડવાળી જગ્યાઓ માટે નવા નિયમ બનશે.

    રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા તમામ રોપ-વે, ભીડભાડવાળી જગ્યાઓ અને કેબલ બ્રીજોની ફીટનેસ ચકાસણી માટે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જે અનુસંધાનમાં પોલીસ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેન્સીક વિભાગોને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતો તપાસવામાં આવનાર છે.

    અમદાવાદના અટલબ્રીજ પર નવા નિયમો લાગુ કરવામાં આવ્યાં

    મોરબીની ઘટના પરથી બોધ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવાયો છે કે, અટલ બ્રિજ ઉપર એક કલાકમાં મહત્તમ 3000 લોકોથી વધુને પ્રવેશ નહિ આપવામાં આવે.

    - Advertisement -

    નવા બનેલા આ આધુનિક ફૂટ ઓવર બ્રિજની ક્ષમતા એક સાથે 12,000 લોકોના વાહન કરવાની છે. તેમ છતાંય તકેદારીના ભાગરૂપે હમણાં માત્ર કલાકના 3000 લોકોને જ બ્રિજ પર પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે.

    નોંધનીય છે કે દિવાળી વેકેશનમાં અમદાવાદના સેન્ટર ઓફ અટ્રેક્શન ગણાતા અટલ બ્રિજ પર ગત રવિવારે 38,000 લોકોએ મુલાકાત લીધી હતી.

    દ્વારકામાં સુદામા સેતુ હાલ પૂરતો બંધ

    મોરબીના ઝૂલતા પુલ જેવો જ એક કેબલ બ્રિજ દ્વારકામાં આવેલો છે. ગોમતી નદી પર બનેલા આ બ્રીજનું નામ છે ‘સુદામા સેતુ’. મોરબીમાં બનેલ દર્દનાક ઘટના બાદ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દ્વારકા ખાતે આવેલ સુદામા સેતુ પુલ પર અવર-જવર પર તંત્ર દ્વારા બ્રેક લગાવાઈ છે.

    એક દિવસ પહેલા જ સુદામા સેતુ પર એક સાથે માત્ર 100 પ્રવાસીઓને જવા દેવાનો નિયમ લાગુ કરાયો હતો, પરંતુ બાદમાં સુરક્ષા કારણોને ધ્યાને રાખીને તંત્રએ હાલ પૂરતો આ પુલ યાત્રીઓ માટે બંધ કર્યો છે અને તેની તપાસની કામગીરી ચાલી રહી છે.

    એકવાર ફિટનેસની ચકાસણી સંતોષજનક રીતે થઇ જાય બાદમાં આ બ્રિજને નવા નિયમો સાથે પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.

    પોરબંદર અને બેટદ્વારકાની બોટ્સમાં યાત્રીઓની સંખ્યા કરશે નિયંત્રિત

    મોરબીની ઘટના સામે આવ ય બાદ સોશિયલ મીડિયામાં લોકોએ દ્વારકાથી બેટદ્વારકા લઇ જતી બોટ્સ વિષે પણ ફરિયાદ કરી હતી કે તેમાં ક્ષમતા કરતા અનેક ગણા લોકોને બેસાડવામાં આવે છે જેમાં સૌના જીવને જોખમ હોય છે.

    જે બાદ દ્વારકા જિલ્લાના કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી મહેસુલ તંત્રની આખી ટીમને લઈને બેટદ્વારકા પહોંચ્યા હતા. તેમણે બેટ દ્વારકા જેટી અને ઓખા જેટીનું નિરીક્ષણ કર્યું હતું.

    તંત્રએ હાલપૂરતું ફેરી બોટ્સમાં તેમની કેપેસીટી કરતા 10 લોકો ઓછા બેસાડવાના નિર્દેશ આપ્યા છે. ઉપરાંત તમામ બોટ્સમાં પૂરતી સંખ્યામાં લાઈફ જેકેટ ઉપલબ્ધ રાખવાની તાકીદ કરી છે.

    ધાર્મિક સ્થળો પર ક્રાઉડ મેનેજમેન્ટ માટે પગલાં લેવા તાકીદ

    આ ઉપરાંત રાજ્ય સરકારે દરેક ધાર્મિક સ્થળો કે જ્યાં મોટા પાયે ભીડ એકથી થતી હોય ત્યાં તંત્રને ક્રાઉડ મેનેજમેન્ટ માટે સજાગ રહેવા કહેવાયું છે. જે સ્થળોએ રોપ-વે હોય ત્યાં તેની ઇન્સ્પેક્શન કરવાનું કહેવાયું છે.

    આમ મોરબીની આ દુઃખદ ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે અને તંત્રને દોડતું કરી મૂક્યું છે જેથી ભવિષ્યમાં આવી હોનારત ટાળી શકાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં