Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાજે જ્યોર્જ સોરોસનું નામ ભારતમાં હસ્તક્ષેપ કરવા માટે પણ કુખ્યાત, તેમણે અમેરિકામાં...

    જે જ્યોર્જ સોરોસનું નામ ભારતમાં હસ્તક્ષેપ કરવા માટે પણ કુખ્યાત, તેમણે અમેરિકામાં ચૂંટણી પહેલાં ખરીદ્યાં 200+ રેડિયો સ્ટેશન: ટ્રમ્પ-મોદી જેવા રાષ્ટ્રવાદીઓ સામે લડવા ઊભું કર્યું હતું ₹8300 કરોડનું ભંડોળ

    સોરોસને ચીન, ભારતના નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ પસંદ નથી. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ઠગ અને પીએમ મોદીને તાનાશાહ કહ્યા હતા. તેમણે વિશ્વમાં 'રાષ્ટ્રવાદ'ના પવન સામે લડવા માટે લગભગ 100 બિલિયન ડૉલરનું ફંડ સ્થાપ્યું છે.

    - Advertisement -

    સામ્યવાદી (Leftist) અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસને (George Soros) અમેરિકામાં ‘ઓડેસી’ ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. ઓડેસી કંપની USAમાં બીજી સૌથી મોટી રેડિયો ચેઇન છે અને યુએસની અંદર 200થી વધુ રેડિયો સ્ટેશનોની (Radio Station) માલિકી ધરાવે છે. તેને સાંભળનારા લોકોની સંખ્યા 16 કરોડથી વધુ છે. અમેરિકામાં રેડિયો, કેબલ અને તેના જેવા ઈલેક્ટ્રોનિક માધ્યમોને નિયંત્રિત કરતી સંસ્થા FCC દ્વારા તાજેતરમાં તેને મંજૂરી આપવામાં આવી છે. આ એક મોટો સોદો માનવામાં આવી રહ્યો છે.

    FCCની આ મંજૂરીને કારણે US ચૂંટણીના થોડા દિવસો પહેલા સામ્યવાદી ઉદ્યોગપતિની પહોંચ 16 કરોડથી વધુ લોકો અને 40 બજારો સુધી પહોંચી શકશે. સોરોસે જે કંપની હસ્તગત કરી છે તેના પર $400 મિલિયનનું (આશરે ₹3200 કરોડ) દેવું છે. સોરોસે તાજેતરમાં જ આ લોન પોતાના માથે લઇ લીધી હતી. સોરોસે લગભગ $280 મિલિયનની ટર્મ લોન અને $135 મિલિયનનું રિવોલ્વિંગ દેવું 50 સેન્ટ/ડોલર, અથવા ઓડેસીમાં લગભગ 40% માલિકી હકના બદલે પોતાના માથે લીધું હતું.

    રિપોર્ટ્સ અનુસાર, “FCCનો આ નિર્ણય મતદાન કર્યા બાદ આવ્યો છે. FCCમાં સામેલ 3 ડેમોક્રેટ્સે આ મામલાની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે બે રિપબ્લિકન્સે તેની વિરુદ્ધમાં મત આપ્યો.” FCCના (Federal Communications Commission) નિયમો અનુસાર, અમેરિકન રેડિયો સ્ટેશનો પર 25% થી વધુની માલિકી કોઈ વિદેશી કંપનીની હોઈ શકે નહીં.

    - Advertisement -

    આ મામલે સાર્વજનિક ઉપલબ્ધ દસ્તાવેજો અનુસાર, સોરોસે આ કંપની માટે બોલી લગાવવા તેની વિદેશી રોકાણવાળી કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. તેણે વિદેશી કંપની દ્વારા માલિક બનવા માટે FCC પાસેથી છૂટ પણ માંગી હતી. આ પ્રક્રિયામાં, અમેરિકન સુરક્ષા પર આનો કેવો પ્રભાવ પડશે એ અંગે પણ તપાસ કરવામાં આવે છે, આ પ્રક્રિયામાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ વખતે તેનું પાલન પણ થયું ન હતું.

    FCC પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “જ્યાં સુધી આયોગ સમગ્ર જાણકારી સાર્વજનિક ના કરે ત્યાં સુધી કોઈ પણ નિર્ણયને અંતિમ માની શકાય નહિ. સોરોસ માટે લેવાયેલા નિર્ણયો અમે જાહેર કર્યા નથી.” FCC પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેને ઓડેસીની નાદારી પહેલાની અને પછીની સ્થિતિ સંબંધિત અરજીઓ મળી છે. તેણે કહ્યું કે તેમાં 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે.

    બીજી તરફ, FCCના કેટલાક લોકોએ સોરોસ સાથેનો સોદો ઉતાવળે થયો હોવાનું નકારી કાઢ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ક્યુમ્યુલસ મીડિયા (2018), iHeart મીડિયા (2019), લિબરમેન ટેલિવિઝન (2019), ફ્યુઝન કનેક્ટ (2019), વિન્ડસ્ટ્રીમ હોલ્ડિંગ્સ (2020), અમેરિકા-સીવી સ્ટેશન ગ્રુપ (2021), અને આલ્ફા મીડિયા (2021) આ કંપનીઓ પણ નાદાર થયા પછી તેમના માટે પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી અને એટલો જ સમય લેવામાં આવ્યો હતો.

    ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નામાંકિત FCC કમિશનર નાથન સિમિંગ્ટને આ પ્રક્રિયાની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે પ્રક્રિયા ઝડપથી આગળ વધારી દેવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે “FCC નાદારીમાંથી બહાર આવતી કંપનીઓને વિદેશી માલિકીની મર્યાદાવાળી શરતોમાંથી મુક્તિ આપે છે. મારા વિરોધ છતાં આ નિર્ણયમાં એવું જ કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રક્રિયાને ઝડપથી આગળ વધારવાનું આ એક માત્ર કારણ નહોતું.”

    સિમિંગ્ટને આગળ કહ્યું કે, “FCC એ કર્મચારી સ્તરે સમગ્ર મામલો સંભાળવાનું નક્કી કર્યું હતું. FCC આયુક્તોને શુક્રવારે આની જાણ કરવામાં આવી હતી. આ સંબંધમાં લગભગ કોઈ તથ્યપૂર્ણ રેકોર્ડ નથી કારણ કે કોઈ વિશ્લેષણ કરવામાં આવ્યું નથી. આ મુદ્દે વિચારણા કરવા ચેરમેન સિવાય કોઈ આયુક્તને બોલાવવામાં આવ્યા ન હતા. કર્મચારીઓને પણ અમારા મત વિના જ સમગ્ર મામલો અમારા વતી સંભાળવાની સૂચના આપવામાં આવી હતી. આ જ વાસ્તવિક ફાસ્ટ-ટ્રેક છે.”

    FCCમાં ટ્રમ્પ દ્વારા નામાંકિત બીજા સદસ્ય બ્રેન્ડન કરે પણ અગાઉ આ સોદા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.  તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે, “હું માનું છું કે FCC ઘણા વર્ષોથી સ્થાપિત થયેલા લેવડ-દેવડ સમીક્ષા કરવા માટે તેની સામાન્ય પ્રક્રિયાનું પાલન નથી કરી રહ્યું. મને લાગે છે કે FCC પ્રથમ વખત તદ્દન નવો શોર્ટકટ બનાવવા માટે તૈયાર છે.”

    આગળ કેરે કહ્યું કે, “અમે સામાન્ય રીતે લોકોને અમારી સમક્ષ અરજી કરવા માટે કહીએ છીએ, પછી વિદેશી માલિકીની તપાસ કરવા માટે સુરક્ષા એજન્સીઓ પાસેથી ઇનપુટ મેળવીએ છીએ અને પછી મતદાન કરીએ છીએ. અહીં, તેઓ એવું કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આયોગના મામલે પહેલા ક્યારેય કરવામાં આવ્યું નહોતું.”

    કેરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “સોરોસ દેશના બીજા સૌથી મોટા રેડિયો સ્ટેશન જૂથને ખરીદવા માંગે છે. તેમાંથી કેટલાક પેન્સિલવેનિયા, વર્જિનિયા અને ફ્લોરિડામાં (આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્વપૂર્ણ રાજ્યો) છે. મોટા ભાગના સંભવતઃ સંગીત અથવા રમત-ગમત સંબંધિત છે, પરંતુ તે રાજ્યોમાં કેટલાક એવા છે કે જે વાર્તાલાપનું પ્રસારણ કરે છે.”

    જો કે, એક વેબસાઈટ દર્શાવે છે કે તે અમેરિકાની શ્રેષ્ઠ કામગીરી કરતી રેડિયો કંપનીઓમાંની એક છે. ઓડેસીએ જાન્યુઆરીમાં નાદારી માટે આવેદન આપ્યું હતું, જેમાં દાવો કર્યો હતો કે તેની જાહેરાતથી થતી આવકમાં અબજો ડોલરનો ઘટાડો થયો છે. તેણે આને નાણાકીય મુશ્કેલીઓનું સૌથી મોટું કારણ ગણાવ્યું હતું.

    સોરોસે આ કંપની ખરીદ્યા બાદ કંપનીમાંથી વર્તમાન શેરધારકોની ભાગીદારી સમાપ્ત થઈ જશે. અગાઉ, ટેક્સાસ રિપબ્લિકન સાંસદ ચિપ રોયે એપ્રિલમાં સોરોસની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પ્રત્યે FCCના ઢીલા વલણનો મુદ્દો ઉઠાવ્યો હતો.

    રોય દ્વારા ખુલાસો કરાયાના થોડા મહિના પહેલા જ સોરોસે ઓડેસીમાં આશરે $400 મિલિયનનું રોકાણ કર્યું હતું. રોયે એક કાયદાને ટાંક્યો જે મુજબ 25%થી વધુ વિદેશી માલિકી ધરાવતી કંપનીઓ રેડિયો લાઇસન્સ ધરાવી શકે નહીં. રોયના કારણે, સોરોસની રેડિયો નેટવર્ક ખરીદવાની યોજના ખોરવાઈ ગઈ હતી.

    રોયે FCCને એક પત્રમાં જણાવ્યું છે સોરેસે FCCને આવેદન આપીને સામાન્ય પ્રક્રિયાને અનુસરવાને બદલે, પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે અને તેને થોડા સમય માટે મુલતવી રાખવા વિનંતી પણ કરી. સોરોસે આ સમગ્ર પ્રક્રિયાને ઉલટ-પુલટ કરવાનો પ્રયાસ કર્યો.

    93-વર્ષીય સામ્યવાદી સોરોસે પોતાની $6.7 બિલિયનની સંપત્તિનો ઉપયોગ કરીને સંખ્યાબંધ ઉદારવાદી નીતિઓને પ્રોત્સાહન આપ્યું  છે. 2021માં, તેણે તેના ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’ દ્વારા ચૂંટણી અને રાજકીય ન્યાયના નામે ઓછામાં ઓછા $140 મિલિયનનું યોગદાન આપ્યું હતું.

    સોરોસે 2023માં તેની વિરાસત તેના પુત્ર એલેક્સને સોંપી દીધી હતી. દરમિયાન, તેની સંસ્થા ટેક્સાસ જેવા રાજ્યોમાં ડેમોક્રેટ્સને જીતાડવા માટે લાખો ડોલરનો ખર્ચ કરી રહી છે. સોરોસે સતત દક્ષિણપંથ તરફ ઝુકાવ રાખતા મીડિયા સંસ્થાનો પર કબજો જમાવ્યો છે. સોરોસે ગયા વર્ષની ચૂંટણી પહેલા પોલેન્ડમાં એક મીડિયા કંપની ખરીદી હતી અને તેણે દક્ષિણપંથી સરકારને પછાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    કોણ છે જ્યોર્જ સોરોસ?

    જ્યોર્જ સોરોસ એક અમેરિકન અબજોપતિ છે જે શેરબજારમાં રોકાણ કરીને નફો કમાય છે. તેમનો જન્મ 1930માં પશ્ચિમ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં એક યહૂદી પરિવારમાં થયો હતો. એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે યહૂદીઓ પર અત્યાચાર થઈ રહ્યો હતો ત્યારે તેમણે ખોટુ ઓળખ કાર્ડ બનાવીને પોતાનો અને તેમના પરિવારનો જીવ બચાવ્યો હતો.

    જ્યારે વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને હંગેરીમાં સામ્યવાદી સરકારની રચના થઈ, ત્યારે તે 1947માં ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં રહેવા ગયા. ત્યાં તેમણે રેલ્વે સ્ટેશન પર કુલી અને ક્લબોમાં વેઈટર તરીકે પણ કામ કર્યું. આ સમય દરમિયાન તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. આ પછી તેમણે થોડો સમય લંડન મર્ચન્ટ બેંકમાં પણ કામ કર્યું.

    1956 માં, તેઓ લંડન છોડીને અમેરિકા આવ્યા અને ફાઇનાન્સ અને રોકાણ ક્ષેત્રમાં પગ માંડ્યા. તે પછી તેમનું નસીબ ચમક્યું અને તેમણે ખુબ પ્રગતિ કરવાનું શરૂ કર્યું અને ઘણી સંપત્તિ એકઠી કરી. નાણાકીય સામયિક ફોર્બ્સ મેગેઝિન અનુસાર, 17 ફેબ્રુઆરી, 2023 સુધીમાં, તેમની પાસે $6.7 બિલિયન (લગભગ ₹55,455 કરોડ)ની સંપત્તિ છે.

    1973માં, તેમણે સોરોસ ફંડ મેનેજમેન્ટની સ્થાપના કરી અને કથિત અત્યાચાર પીડિતોને મદદ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, તેમણે કાળા લોકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવાનું શરૂ કર્યું. તેમનો દાવો છે કે તેણે હવે જરૂરિયાતમંદોને 32 અબજ ડોલર (₹2.62 લાખ કરોડ) આપી ચુક્યા છે. 1984માં તેમણે ઓપન સોસાયટી નામની સંસ્થાની સ્થાપના કરી. આજે આ સંસ્થા 70 થી વધુ દેશોમાં કામ કરી રહી છે.

    આ બધી માનવતાવાદી સેવાઓ અને દાન પાછળ તેમનો વિકૃત ચહેરો પણ છે. તેઓએ નફો મેળવવા માટે ઘણી સંસ્થાઓ અને દેશોમાં નાણાકીય કટોકટી ઊભી કરી. આ ઉપરાંત, તેમણે ઘણા દેશોની સરકારો વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવ્યો અને તેમને ઉથલાવી પાડવા માટે ભંડોળ પૂરું પાડ્યું. જેમાં ઓપન સોસાયટીનું નામ આવ્યું છે. તેમના પર આવા આરોપો લગતા રહ્યા છે.

    અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને હટાવવા માટે મોટી રકમ ખર્ચવામાં આવી હતી. 2003માં તેમણે કહ્યું હતું કે જ્યોર્જ બુશને હટાવવા એ તેમના માટે જીવન અને મૃત્યુનો મામલો છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ બુશને સત્તા પરથી હટાવવાની બાંયધરી લેશે તો તેઓ તેમની સંપૂર્ણ સંપત્તિ તેમના પર ખર્ચ કરશે. તેમણે બુશની આતંકવાદ સામેની કાર્યવાહીનો પણ સખત વિરોધ કર્યો હતો. બુશને હરાવવા માટે તેણે ₹250 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો.

    સોરોસને ચીન, ભારતના નરેન્દ્ર મોદી, વ્લાદિમીર પુતિન, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ પસંદ નથી. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને ઠગ અને પીએમ મોદીને તાનાશાહ કહ્યા હતા. તેમણે વિશ્વમાં ‘રાષ્ટ્રવાદ’ના પવન સામે લડવા માટે લગભગ 100 બિલિયન ડૉલરનું ફંડ સ્થાપ્યું છે. આ ભંડોળનો ઉપયોગ આ નેતાઓ વિરુદ્ધ પ્રોપગેંડા ફેલાવવા માટે કરવામાં આવે છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેમણે કહ્યું હતું કે દુનિયામાં રાષ્ટ્રવાદ ઝડપથી વધી રહ્યો છે. તેનું સૌથી ખતરનાક પરિણામ ભારતમાં જોવા મળ્યું છે.

    સરકારો વિરુદ્ધ પ્રોપગેંડા અને ભારત

    રાફેલ ડીલની તપાસ માટે ભંડોળ: ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદ્યા હતા. વિરોધ પક્ષ કોંગ્રેસે આ અંગે હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે આમાં દલાલી થઈ છે. જો કે, અહીંની સુપ્રીમ કોર્ટે આ આરોપોને ફગાવી દીધા હતા. આ પછી ફ્રેન્ચ NGO શેરપા એસોસિએશને ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી હતી અને તપાસની માંગ કરી હતી. જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન તરફથી આ એનજીઓને ફંડ આપવામાં આવે છે.

    ભારત જોડો યાત્રા અને સોરોસઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાથે જ્યોર્જ સોરોસનું નામ પણ જોડાયું હતું. 31 ઓક્ટોબર, 2022 ના રોજ, સલિલ શેટ્ટી નામના વ્યક્તિ કર્ણાટકના હાર્તિકોટમાં તેમની ભારત જોડી મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. સલિલ શેટ્ટી જ્યોર્જ સોરોસ દ્વારા સ્થાપિત ઓપન સોસાયટી ફાઉન્ડેશનના વૈશ્વિક ઉપપ્રમુખ છે. આ પહેલા શેટ્ટી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા હતા.

    CAA પ્રોટેસ્ટ: જ્યોર્જ સોરોસનું નામ પણ CAA પ્રોટેસ્ટ સાથે સંકળાયેલું છે. એવું કહેવાય છે કે જ્યોર્જ સોરોસે નાગરિકતા સંશોધન બિલ સામે મોટા પાયે વિરોધ કરવા ભંડોળ પૂરું પાડ્યું હતું. તેમના નિવેદનોથી પણ આ વાતની પુષ્ટિ થાય છે. સોરોસે ભારતમાં લાગુ થઈ રહેલા NRC અને CAAને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા.

    કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ: એ જ રીતે, જ્યારે કેન્દ્રની મોદી સરકારે કલમ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો, ત્યારે સોરોસે વિરોધ કર્યો હતો. તેમણે મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. સોરોસે કહ્યું હતું કે ભારત હિંદુ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. એ જ રીતે, ખેડૂતોના આંદોલનમાં અને ભારતે કોરોના રસી બનાવ્યા પછી તેના વિરોધમાં ચાલવામાં આવેલા વૈશ્વિક અભિયાનમાં પણ સોરોસનું નામ સામે આવ્યું છે.

    વાસ્તવમાં, કેન્દ્રની ભાજપ સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ લગભગ દરેક બાબતમાં જ્યોર્જ સોરોસની ભૂમિકા સામે આવી હતી. જ્યોર્જ સોરોસને નરેન્દ્ર મોદીથી એટલી બધી નફરત છે, કે તેનો પુરાવો તેઓ તેમને સરમુખત્યાર કહીને આપે છે અને સમયાંતરે અન્ય આરોપો દ્વારા તેની પુષ્ટિ કરતા રહે છે. જો કે સોરોસની વાટ સેંકડો પૃષ્ઠોમાં પણ સમાપ્ત થશે નહીં, પરંતુ અત્યારે સંક્ષિપ્તમાં આટલું જ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં