Monday, July 15, 2024
More
  હોમપેજદેશપહેલી વાર કોઇ ગુજરાતી બન્યા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ: જાણો કોણ...

  પહેલી વાર કોઇ ગુજરાતી બન્યા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ: જાણો કોણ છે કિશોર મકવાણા? શું છે NCSC? શું છે તેના ઉદ્દેશ્ય અને ધ્યેય? – OpIndia Exclusive

  ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં કિશોર મકવાણાએ જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂંકથી તેઓ અત્યંત ખુશ છે અને સૌ પ્રથમવાર એક ગુજરાતીની આ પદ પર નિયુકિત કરવામાં આવી હોવાથી તેઓ વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

  - Advertisement -

  દેશભરમાં અનુસુચિત જાતિના પ્રશ્નોને વાચા આપવાનું, સમસ્યાઓનું નિરાકરણ કરવાનું, તેમની સુખાકારી માટે પ્રયત્ન કરવાનું અને સમય આવ્યે તેમના માટે ઢાલ બનીને ઉભા રહેવાનું કામ જે સંસદીય સંસ્થાને માથે હોય તો એ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (National Commission for Scheduled Castes – NCSC). NCSCની રચના થઈ ત્યારથી હમણાં સુધી આ વખતે પહેલી વાર તેના અધ્યક્ષ તરીકે એક ગુજરાતી વ્યક્તિને નિયુક્તિ મળી છે. તે વ્યક્તિનું નામ છે કિશોર મકવાણા. તેઓ ગુજરાતના લેખન ક્ષેત્રે કોઇ નવું નામ નથી. ઉપરાંત તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન, કાર્યો અને વિચારોના ઉમદા અભ્યાસુ છે. આજે આપણે તેમની સાથે વાત કરીને NCSC વિશે અને તેઓ પોતાને મળેલ આ નવી જવાબદારીને કઈ રીતે વાચા આપશે એ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીશું.

  નોંધનીય છે કે વર્તમાન સમયમાં તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના પ્રખર વક્તા તરીકે દેશભરમાં વિખ્યાત બન્યા છે. આવા એક વિદ્વત ગુજરાતીની તાજેતરમાં સૌપ્રથમવાર રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે તે સમગ્ર ગુજરાત માટે તો ખરો જ, પરંતુ એમાંય, વિશેષતઃ અનુસૂચિત સમાજ માટે પણ ખૂબ જ ગૌરવનો વિષય છે.

  ઑપઇન્ડિયાએ કિશોર મકવાણા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂંકથી તેઓ અત્યંત ખુશ છે અને સૌ પ્રથમવાર એક ગુજરાતીની આ પદ પર નિયુકિત કરવામાં આવી હોવાથી તેઓ વિશેષ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.

  - Advertisement -

  કોણ છે કિશોર મકવાણા?

  ગુજરાતમાં જ્યારે અગ્ર હરોળના લેખકોની વાત હોય, વિચારકોની વાત હોય, બૌદ્ધિકોની વાત હોય, સમાજચિંતકોની વાત હોય કે પછી રાજકીય કે સામાજિક વિશ્લેષકોની વાત હોય, ત્યારે એક નામ અવશ્ય આવે. એ નામ છે કિશોર મકવાણા.

  આજે દેશભરમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જે વિષદ્ અભ્યાસુઓ છે, તેમજ તેમના વિશે સંપૂર્ણ આધારભૂત માહિતી સાથે સાતત્યપૂર્ણ વિષય મૂકી શકનાર જે જૂજ વિદ્વાનો રહ્યાં છે તેમાંનું પણ મોખરાનું એક નામ એટલે કિશોર મકવાણા.

  કિશોર મકવાણાએ ડો. બાબાસાહેબ આંબેડકરના બહુ આયામી વ્યક્તિત્વના દરેક પાસાનો ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂળ વિચારધારાને આજે દેશભરમાં ફરી જીવંત કરી છે. આમ જોવા જઈએ તો કિશોર મકવાણાને ડૉ. બાબાસાહેબનો હાલતો ચાલતો જ્ઞાનકોશ (Encyclopaedia) કહીએ તો પણ એમાં કશું ખોટું નથી.

  ગુજરાતના આ વિખ્યાત લેખક, ગહનચિંતક અને પ્રખર વક્તા એવા કિશોર મકવાણાએ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર વિસ્તૃત સંશોધન કર્યું છે. તેમણે ડૉ. આંબેડકરના અનેક અપ્રકાશિત પાસાંઓને લોકો સમક્ષ સાચી રીતે રજૂ કર્યા છે અને લોકોને ડૉ. આંબેડકરની મૂળ વિચારસરણી બતાવી છે. કિશોર મકવાણાએ ગુજરાત સહિત દેશની પ્રખ્યાત યુનિવર્સિટીઓમાં ડૉ. આંબેડકર પર સેંકડો પ્રવચન આપ્યાં છે તથા દેશભરના સામાયિકો અને પુસ્તકોમાં અસંખ્ય લેખો લખ્યા છે. આ ઉપરાંત  જુદા જુદા અનેક વિષયો પર પોતાના આશરે ચાળીસથી વધુ પુસ્તકો પ્રકાશિત કરી તેમણે સૌને તેમની લેખનીનો ઉત્તમ પરિચય આપ્યો છે.

  પત્રકાર અને લેખક તરીકેની કારકિર્દી

  કિશોર મકવાણાની કારકિર્દીની શરૂઆત એક પત્રકાર તરીકે થઈ હતી. ખયતનામાં નચિકેતા પુરસ્કાર, ગુજરાત ગૌરવ પુરસ્કાર, તથાગત પુરસ્કાર જેવા નામાંકિત પુરસ્કાર સહિત દેશભરના નાના મોટા અનેક માન-સન્માન મેળવનાર કિશોર મકવાણાની પત્રકાર તરીકેની કારકિર્દી પણ એટલી જ નોંધપાત્ર રહી છે. સાધના અને નમસ્કાર જેવાં સામયિકોના તંત્રીપદે રહી ચૂકેલા કિશોર મકવાણાએ અગાઉ પંચજન્ય સામયિકના રિપોર્ટર તરીકે એલ.કે. અડવાણીની સોમનાથથી અયોધ્યાની યાત્રા (1989) તથા કારગીલ યુદ્ધનું (1999) પણ કવરેજ કર્યું હતું.

  1990ની સાલમાં પાડોશી દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધરેએ દિશામાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સમજોતા એક્સપ્રેસના નામે બન્ને દેશો વચ્ચે બસસેવા શરૂ કરી. આ બસસેવાના પ્રારંભ સમયે ભારત સરકાર તરફથી કિશોરભાઈ મકવાણાને પણ પાકિસ્તાન પ્રવાસે જવાનું આમંત્રણ મળ્યું હતું. આમ તેઓએ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે સમજોતા એક્સપ્રેસ દ્વારા પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો.

  ત્યારબાદ ભારત સરકાર ના માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજિનલ આઉટરીચ બ્યુરો સાથે મળી પચાસથી વધુ ગામોમાં સતત એક મહિના સુધી સરકારના ઉલ્લેખનીય કાર્યો બાબતે પ્રચાર અને પ્રસારની કામગીરી કરી હતી. આ ઉપરાંત 2004માં અમદાવાદથી લંડનની આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવા શરૂ થતા ગુજરાત સરકાર તરફથી તેમને આ ઉડ્ડયન સેવાના પ્રારંભે લંડનના વિમાનીપ્રવાસની તક પણ પ્રાપ્ત થઈ હતી.

  જે સમયે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UPA સરકારે, અનુસૂચિત જાતિને મળતી અનામત વ્યવસ્થામાં ધર્માંતરિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને પણ સામેલ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રેરણાથી ભાજપ અને અન્ય રાષ્ટ્રીય સંગઠનોએ અનુસૂચિત જાતિની અનામત બચાવવા માટે ‘આરક્ષણ બચાવો સમિતિ’ના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં અભિયાન છેડયું ત્યારે ગુજરાતના પ્રદેશ સંયોજકની જવાબદારી કિશોર મકવાણાને સોંપી હતી. આ સમિતિ દ્વારા તેમણે પ્રાંતભરમાં જનજાગરણના સંમેલનો અને યાત્રાઓ શરૂ કરી.

  ઉનાકાંડ સમયે ઘટનાની જાણ થતાની સાથે તુરંત જ ઉના પહોંચી પીડિતોને ન્યાય મળે તે માટે જરૂરી રજૂઆતો અને ઉપાયો કરીને પીડિતોને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલી સરકારી સહાયમાં સક્રિય રીતે ભાગ ભજવી સમાજ પ્રત્યે પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો.

  આ ઉપરાંત અનુસૂચિત સમાજના ઉદ્યોગ સાહસિકોના સંગઠન ‘દલિત ઈન્ડિયન ચેમ્બર ઑફ કોમર્સ’ ના ગુજરાત ચેપ્ટરના સહ-સચિવ રહી ચૂકેલા કિશોર મકવાણાએ સામાજિકક્ષેત્રે પણ સતત કાર્યરત રહી સામાજિક સુધારણા અને વૈચારિક જાગરણ જેવા વિષયો પર પણ ખૂબ કામ કર્યું છે. પોતાના આ કાર્યને સમાજમાં વધુ મજબૂત રીતે આગળ ધપાવવા અનુસૂચિત સમાજના વિષયને કેન્દ્ર સ્થાને રાખી તેમણે ‘સંવેદના સમાજ’ નામે સામયિક શરૂ કર્યું. ત્યારબાદ ‘સંવેદના પબ્લિકેશન’ શરૂ કરી આધારભૂત માહિતી સાથેના સ્વલિખિત ડૉ. બાબાસાહેબના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા. આ જ વિચારે આજથી  સાતેક વર્ષ પહેલાં શ્રી સંવેદના ફાઉન્ડેશનની રચના કરી સમાજલક્ષી રચનાત્મક કાર્યોની શરૂઆત કરી. 

  આવા કિશોર મકવાણા સાથે થયેલ ઑપઇન્ડિયાની એક્સક્લૂસિવ વાતચીતના અંશ આગળ પ્રશ્નોતરીના રૂપમાં આપની સમક્ષ મૂકી રહ્યા છીએ.

  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે આપની મુખ્ય કામગીરી શું રહેશે?

  ઑપઇન્ડિયાના ઉપરોક્ત પ્રશ્ન પર કિશોર મકવાણાનો ઉત્તર આ મુજબ હતો.

  આ હોદ્દા પર મુખ્યત્વે સમગ્ર દેશની અનુસૂચિત જાતિઓના અધિકારોના રક્ષણ, તેમનાં કલ્યાણ, તેમને લગતી કાનૂની બાબતોની દેખરેખ તેમજ મૂલ્યાંકન જેવી બાબતોનો સમાવેશ થાય છે. દેશના અનુસૂચિતવર્ગોને જે અધિકારો મળેલા છે તેની અમલવારીમાં ઘણીવાર આંખ આડા કાન થતા હોય છે. આ પ્રકારના સામાજિક ભેદભાવપૂર્ણ વ્યવહારને કારણે આ વર્ગોમાં આક્રોશપૂર્ણ નારાજગી રહેતી હોય છે અને તેની ફરિયાદો થતી હોય છે. આયોગ સમક્ષ આવી ફરિયાદ આવે ત્યારે તેની નિષ્પક્ષ અને તલસ્પર્શી તપાસ કરી, તેનો સમયસર નિકાલ કરી, પીડિતોને યોગ્ય ન્યાય મળે તેમજ સાથે સાથે  તેમનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ થાય તે માટેના ઉપાયો કરવાના હોય છે.

  આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન અથવા તો જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આ સંદર્ભે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા જે કોઈ કામગીરી કરવામાં આવી હોય તેનો તથા અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની ભલામણો સાથેનો એક વાર્ષિક અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરવાનો હોય છે.

  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની રચના તથા તેનો ઉદ્દેશ્ય શું છે?

  રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) એ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય  સંલગ્ન ભારતીય સંવિધાનના ભાગ – 16, અનુચ્છેદ 338 હેઠળ કાર્ય કરતી એક બંધારણીય સંસ્થા છે. 

  અનુસૂચિત જાતિ સમુદાયોને જાતિગત ભેદભાવો અને શોષણ સામે સુરક્ષા મળે તેમજ  તેઓના સામાજિક, શૈક્ષણિક, આર્થિક એવમ્ સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન અને સુરક્ષા પ્રદાન થાય તેવા ઉમદા ઉદ્દેશ્યો સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અનુચ્છેદ 338 A અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે સંબંધિત છે.

  સંવિધાનમાં ભાગ 16, અનુચ્છેદ 338 શું કહે  છે?

  89મા સંવૈધાનિક સંશોધન અધિનિયમ, 2003 દ્વારા ભારતીય સંવિધાનના ભાગ-16, અનુચ્છેદ-338માં સંશોધન કરી તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની રચનાની જોગવાઇ સ્પષ્ટ કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.

  અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ, જેમાં

  1. અનુસૂચિત જાતિઓ માટે એક આયોગ હશે જે ‘રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ’ તરીકે ઓળખાશે.
  2. સંસદ દ્વારા આ માટે કરવામાં આવેલ કાયદાની જોગવાઈઓને આધીન આ કમિશનમાં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને અન્ય ત્રણ સભ્યોની નિયુક્તિ તેમજ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને અન્ય સભ્યોની સેવાની શરતો તેમજ તેમના કાર્યકાળનો સમાવેશ થાય છે. આ નિમણૂક નક્કી કરાયેલા નિયમોનુસાર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે.
  3. કમિશનના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ તથા અન્ય સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા તેમના હસ્તાક્ષર અને મહોર સાથે સીલબંધ અધિપત્ર દ્વારા કરવામાં આવશે.

  સંવિધાનમાં સંશોધન એટલે શું?

  સંસદિય પ્રણાલી દ્વારા કરવામાં આવતી આ એક સંવિધાનમાં સુધારાની પ્રક્રિયા છે. સમયની સાથે દેશમાં બદલાતી પરિસ્થિતિને કારણે, ઘણીવાર સંવિધાનના નિયમોમાં સંજોગો અનુસાર ફેરફાર કરવાની જરૂર ઊભી થાય છે. તેવા સમયે સંવિધાનના કોઈપણ અધિનિયમમાં સંસદ દ્વારા કરવામાં આવતા પરિવર્તન કે સુધારો કરવાની ઘટનાને સંશોધન કહે છે.

  આ આયોગની રચના કરવાનું કારણ શું અને તેનો ઈતિહાસ શું છે?

  શરૂઆતમાં સંવિધાનમાં અનુચ્છેદ 338 અનુસાર એક વિશેષ અધિકારીની નિમણૂક કરવાની જોગવાઈ હતી. આ વિશેષ અધિકારી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કમિશ્નર તરીકે કાર્ય કરતા.

  ત્યારબાદ, સંવિધાનમાં 65મા સંવૈધાનિક સંશોધન અધિનિયમ 1990 અનુસાર સંવિધાનના અનુચ્છેદ 338માં સુધારો કરી આ એક સદસ્યીય એટલે કે માત્ર કમિશ્નરવાળી પ્રણાલીને સ્થાને દેશના રાષ્ટ્રપતિ દ્વારા સૌપ્રથમવાર અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે બહુ સદસ્યીય રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી.

  બાદમાં સંવિધાનમાં 89મા સંવૈધાનિક સંશોધન અધિનિયમ 2003 અંતર્ગત અનુચ્છેદ 338માં કરાયેલા સુધારા અનુસાર 2004માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા એસસી (SC) એસટીના (ST) સંયુક્ત રાષ્ટ્રીય આયોગને વર્ષ 2004થી જુદાં જુદાં બે રાષ્ટ્રીય આયોગમાં રૂપાંતરિત કરી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) એમ બે અલગ રાષ્ટ્રીય આયોગ અસ્તિત્વમાં આવ્યા.

  જેમાં અનુચ્છેદ 338 અંતર્ગત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (NCSC) તથા અનુચ્છેદ 338A અંતર્ગત રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) એમ બે આયોગ કાર્યરત કરવામાં આવ્યા.

  આયોગની સત્તા શું છે? શું છે તેની કાર્યપદ્ધતિ?

  આ આયોગને ઘણી સત્તાઓ આપવામાં આવી છે. તે એક પ્રકારે દિવાની ન્યાયાલય જેવી કામગીરી કરે છે. આ આયોગમાં એક રાષ્ટ્રીય અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ તથા ત્રણ સભ્યો હોય છે. આ રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષને કેબિનેટ મંત્રી કક્ષાનો દરજ્જો મળે છે. તેમની પાસે વિશાળ અને મહત્વની ન્યાયિક સત્તાઓ છે. આ આયોગ રાજ્યસ્તરના અધિકારીઓની સાથે મળીને અનુસૂચિતસમાજલક્ષી ન્યાયિક કામગીરી કરે છે. જો ફરિયાદ ગંભીર પ્રકારની હોય અને તેનો ઉકેલ ન આવતો હોય તો આયોગ દેશના કોઈપણ ખૂણે જે તે જવાબદાર અધિકારી પાસેથી જવાબ માંગી શકે છે.

  હવે જો આ આયોગની કાર્યપદ્ધતિની વાત કરીએ તો, બંધારણીય રીતે તેને પોતાની કાર્યપદ્ધતિનું નિયમન કરવાની સત્તા હોય છે. તેના કાર્યોમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.

  1. બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓ માટે પ્રદાન કરવામાં આવેલ સુરક્ષાને લગતી તમામ બાબતો તથા વર્તમાન સમય માટે અમલમાં હોય અથવા સરકારના કોઈપણ આદેશ હેઠળ અન્ય કોઈપણ કાયદો અને સુરક્ષા પગલાંની કામગીરીની તપાસ અને દેખરેખ રાખવી તેમજ તેનું મૂલ્યાંકન કરવું
  2. અનુસૂચિત જાતિના અધિકારો અને સુરક્ષાની વંચિતતાના સંદર્ભમાં ચોક્કસ ફરિયાદોની તપાસ કરવી
  3. અનુસૂચિત જાતિના સામાજિક-આર્થિક વિકાસની આયોજન પ્રક્રિયામાં ભાગ લેવો અને સલાહ આપવી, તથા સંઘ તેમજ કોઈપણ રાજ્ય હેઠળ તેમના વિકાસની પ્રગતિનું મૂલ્યાંકન કરવું
  4. રાષ્ટ્રપતિ સમક્ષ વાર્ષિક તેમજ જરૂરિયાત મુજબ આયોગને યોગ્ય લાગે તે સમયે રક્ષાસંબંધી કામગીરી અંગેના અહેવાલો રજૂ કરવા
  5. અનુસૂચિત જાતિના સંરક્ષણ, કલ્યાણ અને સામાજિક-આર્થિક વિકાસ માટે, તેમની સુરક્ષા અને સલામતી માટેના યોગ્ય પગલાંના અસરકારક અમલીકરણ માટે સંઘ અથવા કોઈપણ રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાં અંગે અહેવાલોમાં નોંધ સાથેની ભલામણો કરવી
  6. રાષ્ટ્રપતિ, સંસદ દ્વારા બનાવેલા કોઈપણ કાયદાની જોગવાઈઓને આધીન, નિયમ દ્વારા સ્પષ્ટ કરેલા હોય તેવા અનુસૂચિત જાતિના સંરક્ષણ, કલ્યાણ, ઉત્થાન અને વિકાસ સંબધિત કાર્યો કરવા
  7. રાષ્ટ્રપતિ આ આયોગ દ્વારા થયેલા કાર્યો, ભલામણો, તેમજ ન થયેલા કાર્યો અથવા તેની અસ્વીકૃતિના કારણો સાથેના તમામ અહેવાલો, મેમોરન્ડમ સાથે સંસદના દરેક ગૃહ સમક્ષ મુકે છે
  8. જ્યાં આવા કોઈપણ અહેવાલ, અથવા તેનો કોઈપણ ભાગ, કોઈપણ રાજ્ય સરકાર સંબંધિત હોય કે તેની કોઈપણ અન્ય બાબતથી સંબંધિત હોય, તો આવા અહેવાલની એક નકલ રાજ્યના રાજ્યપાલને મોકલવામાં આવે છે. જેઓ રાજ્યને થયેલી દરખાસ્ત પર લેવામાં આવેલ પગલાં, કરવામાં આવેલી ભલામણો પર લેવામાં આવેલા પગલાં તેમજ  આ પ્રકારની જો કોઈ ભલામણો હોય, અને જો તેનો સ્વીકાર થયો ન હોય તો તેમ થવાનાં કારણો સમજાવતા મેમોરેન્ડમ સાથે તેને રાજ્યની વિધાનસભા સમક્ષ મૂકવાનું કાર્ય કરે છે
  9. કમિશન, પેટા-કલમ (a) માં ઉલ્લેખિત કોઈપણ બાબતની તપાસ કરતી વખતે અથવા કલમ (5) ના પેટા-કલમ (b) માં ઉલ્લેખિત કોઈપણ ફરિયાદની તપાસ કરતી વખતે, સિવિલ કોર્ટની તમામ સત્તાઓ ધરાવશે. દાવો અને ખાસ કરીને નીચેની બાબતોના સંદર્ભમાં, એટલે કે:
   • ભારતના કોઈપણ ભાગમાંથી, કોઈપણ વ્યક્તિને પોતાની સમક્ષ બોલાવી શપથ સાથે તેની તપાસ કરવી તથા કાયદાની જોગવાઈઓ લાગુ કરવી
   • કોઈપણ દસ્તાવેજની શોધ અને દસ્તાવેજ બનાવવાની આવશ્યકતા
   • એફિડેવિટ પર પુરાવા પ્રાપ્ત કરવા
   • કોઈપણ સાર્વજનિક રેકોર્ડ અથવા તેની નકલ કોઈપણ પાસેથી માંગવી
   • કોર્ટ અથવા ઓફિસ બાબતે: સાક્ષીઓની તપાસ માટે કમિશન બહાર પાડવું
   • દસ્તાવેજો સંદર્ભે: અન્ય કોઈપણ બાબત જે રાષ્ટ્રપતિ, નિયમ દ્વારા, નક્કી કરી શકે છે.
  10. કેન્દ્ર અને દરેક રાજ્ય સરકાર અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મુખ્ય નીતિ વિષયક બાબતો પર આયોગનો સંપર્ક કરશે

  આ આયોગની મુદ્દત શું હોય છે અને હમણાં સુધી કોણ આ જવાબદારી નિભાવી ચૂક્યું છે?

  આ આયોગની મુદત ત્રણ વર્ષની હોય છે અને ત્યારબાદ સરકારને યોગ્ય લાગે તો ત્રણ વર્ષની વધુ એક મુદત માટે એક્સટેન્શન આપી શકે છે. આમ ઓછામાં ઓછી એક મુદત એટલે કે ત્રણ વર્ષ અને મહત્તમ બે મુદત એટલે કે છ વર્ષ સુધી જે તે નિયુક્ત આયોગની કામગીરી રહે છે.

  આવા અતિમહત્વના આયોગના અધ્યક્ષપદે વર્ષ 2004થી 2006 સુધી સ્વ. સુરજભાણજી, વર્ષ 2007થી 2010 સુધી સ્વ. બુટાસિંહ ત્યારબાદ પી.એલ. પુનિયા જેવી વરિષ્ઠ હસ્તીઓ આ સ્થાને કામગીરી કરી ચૂક્યા છે. આ વખતે છઠ્ઠા અધ્યક્ષ તરીકે મારી પસંદગી કરવામાં આવી છે.

  આ પદ પર આપની શું ભૂમિકા રહેશે?

  સૌ પ્રથમ તો આ પદ ઘણું મોટું તો જ છે પરંતુ એમાં જે જવાબદારી નિભાવવાની છે એ એનાથી પણ મોટી છે. અહીં મારે સૌના વિશ્વાસ પર ખરા ઉતારવાનું છે, જે મારા માટે સૌથી મોટી અને મહત્વની તો છે જ પરંતુ સાથે સાથે આ ઘણી કપરી બાબત પણ છે.

  હવે જો આ પદને લઈને મારી ભૂમિકા વિશે વાત કરું તો ‘રાષ્ટ્ર પ્રથમ’ એ હંમેશાથી મારો જીવનમંત્ર રહ્યો છે. મારી સમજણ આવી ત્યારથી હું રાષ્ટ્રીયકાર્યમાં જોડાયેલો રહ્યો છું. ડો.બાબા સાહેબની રાષ્ટ્રીય વિચારધારા, વંચિતોનું ઉત્થાન તથા દેશના વિકાસની વાત મને ખૂબ સ્પર્શી છે, એટલે જ હું એને અનુસરતો આવ્યો છું અને આ જ કારણે મેં એક સમાજચિંતક તરીકે છેલ્લા ઘણા લાંબા સમયથી  ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ ની દિશામાં વૈચારિકથી લઇ દરેક રીતે મારો જીવ રેડીને કાર્ય કર્યું છે. હજી પણ મારા જીવનની છેલ્લી ક્ષણ સુધી મારો આ જ પ્રયાસ રહેશે કે સમાજમાં સૌહાર્દ, સમાજિક સમરસતા અને બંધુતાનું વાતાવરણ ઊભું થાય. સૌમાં આ ભાવના કેળવાય એ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને જેમને અન્યાય થયો છે તેમને ઝડપથી ન્યાય મળે એવો હૃદયથી પ્રયાસ કરીશ.

  ’રાષ્ટ્ર પ્રથમ’ એ આપનો જીવન મંત્ર રહ્યો છે તો આના બીજ ક્યાંથી અને કેવી રીતે  રોપાયા?

  મારો જન્મ ગુજરાતના ધોળકા નામના એક નાનકડા ગામના ખૂબ સામાન્ય એવા ગુજરાતી અનુસૂચિત જાતિ પરિવારમાં થયો. અમે ત્રણ ભાઈ એક બહેન હતા. પિતા શરૂઆતમાં રોડ- રસ્તા બનાવનાર એક રોજમદાર તરીકે કામ કરતા હતા, બાદમાં તેઓ એક કર્મચારી તરીકે રેલવે વિભાગની નોકરીમાં જોડાઈ, ફરજ નિવૃત્ત થયેલા.

  મારો ઉછેર પણ અગાઉ જણાવ્યું એમ ધોળકાના મફ્લીપુર નામના ગામડાના અનુસૂચિત સમાજ વિસ્તારની વસ્તી વચ્ચે થયેલો. અમારો આખો વિસ્તાર ખૂબ પછાત. હું આશરે સત્તર-અઢાર વર્ષનો હોઈશ તે સમયે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમારા ધોળકામાં પ્રચારક તરીકે આવેલા. આથી તેઓની અમારા વિસ્તારમાં પણ નિયમિત રીતે આવનજાવન શરૂ થઈ. તે સમયે મારી ઉંમર પણ એવી હતી અને માનસિક અવસ્થા પણ એવી હતી ને ઉપરથી સામે નરેન્દ્રભાઈ જેવું વ્યક્તિત્વ… એ સમયે મારા  મનમસ્તિષ્કમાં નરેન્દ્રભાઈના વ્યક્તિત્વની એવી અને એટલી બધી અસર થઈ કે એમની પાછળ પાછળ હું પણ ચાલી નીકળ્યો. આમ, નરેન્દ્રભાઈ થકી જ મારા સંઘજીવનની શરૂઆત થઈ. એ પછી તો મારા મનમાં એમના માટે એટલી લાગણી ઊભી થઈ ગઈ અને એવી લગની લાગી કે મારો આખો જીવનપંથ બદલાઈ ગયો. 

  તેમના પગલે ‘રાષ્ટ્ર પ્રથમ’ એ મારો પણ જીવનમંત્ર બની ગયો. બસ ત્યારથી આમ  ચરૈવેતી… ચરૈવેતી… જ છીએ…

  અને આમ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના નવા અધ્યક્ષ કિશોર મકવાણા સાથે ઑપઇન્ડિયાની આ ટૂંકી મુલાકાતમાં તેઓએ પોતાના વિશે, NCSC વિશે અને NCSCમાં તેમને મળેલ મહત્વની જવાબદારી વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં