Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમરામ મંદિરના પ્રથમ બલિદાની, 16 વર્ષના રામ ચંદર યાદવ: કારસેવકોને બચાવવા ગયા,...

    રામ મંદિરના પ્રથમ બલિદાની, 16 વર્ષના રામ ચંદર યાદવ: કારસેવકોને બચાવવા ગયા, પોલીસે મારી ગોળી, ઘરે નહોતા થવા દીધા અંતિમ સંસ્કાર

    રામ નારાયણને સ્પષ્ટ આદેશ મળ્યો હતો કે તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાના પુત્રના મૃતદેહને ગામમાં નહીં લઇ જાય. મૃતકના પિતાએ હિંદુ વિધિ-વિધાનથી પોતાના વ્હાલસોયા દીકરાના અંતિમ સંસ્કાર કરવા ઘણી આજીજી કરી પરંતુ નિષ્ઠુર અધિકારીઓના પેટનું પાણી નહોતું હલ્યું.

    - Advertisement -

    ધર્મનગરી અયોધ્યામાં સોમવારે (22 જાન્યુઆરી 2024) ભગવાન રામના જન્મસ્થળ પર બની રહેલા ભવ્ય મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અવસરે દેશ એ તમામ બલિદાની રામભક્તોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે, જેમણે છેલ્લા લગભગ 500 વર્ષોમાં જન્મભૂમિના નામે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું છે. આ દરમિયાન અયોધ્યામાં એક ગ્રાઉન્ડ રિપોર્ટ પર ઉતરેલી ઑપઇન્ડિયાની ટીમને માહિતી મળી હતી કે મુલાયમ સિંઘ સરકારમાં 1990માં પોલીસના હાથે પહેલો નરસંહાર 30 ઓક્ટોબરના 8 દિવસ પહેલા થયો હતો. ત્યાર બાદ 22 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યાને અડીને આવેલા બસ્તી જિલ્લાના એક ગામમાં કારસેવકો હોવાની માહિતી મળ્યા બાદ ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ નરસંહારમાં રામ મંદિરના પ્રથમ બલિદાની સહિત 3 રામભક્ત ગ્રામીણોના પ્રાણ નીકળી ગયા હતા, સાથે જ અન્ય કેટલાક ઘાયલ થયા હતા.

    22 ઓક્ટોબર 1990ના રોજ થયેલા આ નરસંહારમાં પ્રથમ બલિદાની રામ ચંદર યાદવ હતા. તે સમયે દુબૌલિયા પોલીસ સ્ટેશન પ્રભારીને સાંદપુર ગામમાં કારસેવકોની હાજરીની બાતમી મળી હતી. પોલીસને તેમના બાતમીદારે જણાવ્યું હતું કે ગામમાં એકઠા થયેલા કારસેવકો અયોધ્યા તરફ કૂચ કરવાના છે. પોલીસે આ ગામને ઘેરી લીધું હતું. તે સમયે વિશ્વભરમાં ઉદભવેલા રામમય માહોલમાં સાંડપુર અને આસપાસના લોકો રામભક્તો વિરુદ્ધ પોલીસ કાર્યવાહીના વિરોધમાં એકઠા થવા લાગ્યા. વિરોધ દરમિયાન ઉપરથી આદેશ મળતાની સાથે જ પોલીસે ગ્રામજનો પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. અમે રામ મંદિરના પ્રથમ બલિદાની રામ ચંદર યાદવના ઘરે પહોંચીને ત્યાંની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

    સગીર વયના રામ ચંદર યાદવને ગોળી ધરબી દેવામાં આવી

    રામ ચંદર યાદવ મૂળ બસ્તી જિલ્લાના બરસાંવ ટેઢવા ગામના રહેવાસી હતા. આ ગામ ડબૌલિયા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. સરયૂ નદી અહીંથી લગભગ 1 કિમી દૂર છે, જેનો બીજો છેડો અયોધ્યા શહેરની સીમાને સ્પર્શે છે. અમે જ્યારે રામ ચંદરના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તેમના ભાઈ રામનાથ યાદવ હાજર હતા. રામનાથ યાદવ થોડી વાર પહેલા જ ખેતરોમાં કામ કરીને પરત ફર્યા હતા. તેમણે જણાવ્યું કે રામ ચંદર યાદવ 5 ભાઈઓમાં ત્રીજા નંબરના હતા. 22 ઓક્ટોબરના રોજ બલિદાન સમયે રામ ચંદર લગભગ 16 વર્ષના હતા અને તેમના લગ્ન પણ નહોતા થયા. બાકીના ભાઈઓએ જેમ-તેમ કરીન દુઃખને વિસરાવવાનો પ્રયત્ન કરીને નાના-મોટા કામો કરીને પરિવારનું જતન કર્યું.

    - Advertisement -

    પ્લાસ્ટર અને છાપરા વગરનું ઘર

    રામ મંદિરના પ્રથમ બલિદાની રામ ચંદર યાદવનો બાકીનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવી રહ્યો છે. તેમનું ઘર 2 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો ભાગ છાપરાવાળો છે અને બીજા ભાગમાં પાકું મકાન છે, જેમાં તળિયું કે પ્લાસ્ટર નથી થયેલું. ખેતી કરવા માટે પરિવારના સભ્યોએ લોન લઈને ટ્રેક્ટર-ટ્રોલી લીધી છે. રામનાથ યાદવ, જેમની ઉંમર હાલ લગભગ 60 વર્ષ છે, તેમણે જણાવ્યું હતું કે પિતા રામ નારાયણ યાદવે પુત્રના દુ:ખમાં પોતાનો જીવ આપી દીધો હતો અને થોડા દિવસો પછી માતાનું પણ નિધન થયું હતું. રામનાથના જણાવ્યા અનુસાર, તેમના ભાઈ રામ ચંદરે હજુ તો ઘરના ખર્ચમાં મદદ કરવાનું શરૂ કર્યું જ હતું કે તેઓ મુલાયમ સરકારમાં પોલીસની ગોળીઓનો શિકાર બન્યા હતા.

    રામ ચંદર યાદવનું જર્જર મકાન

    રામ મંદિરના પ્રથમ બલિદાની રામ ચંદરને માથામાં મારી હતી ગોળી

    રામ ચંદર યાદવ ભગવાન રામ અને મહાદેવ શિવના અનન્ય ભક્ત હતા. રામનાથ યાદવ 22 ઓક્ટોબર 1990ની તે આખી ઘટના યાદ છે તેમ કહેતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે ત્યારે ગામના તમામ લોકો રામના નામે પોલીસકર્મીઓના અત્યાચાર સામે એક ખેતર પાસે એકઠા થયા હતા. આ દરમિયાન તમામને પોલીસકર્મીઓએ ઘેરી લીધા હતા. પોલીસે ગ્રામજનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર દરમિયાન રામ ચંદર યાદવ ખેતરમાં લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. તેમની સારવાર પણ કરવામાં નહોતી આવી. માથામાં ગોળી વાગવાને કારણે રામ ચંદરે થોડી જ વારમાં દમ તોડી દીધો હતો.

    અહીં જ પૂજા કરતા હતા રામ ચંદર યાદવ

    બાકીના ભાઈઓને પકડવા પણ દરોડા પાડ્યા

    રામનાથ યાદવે વધુમાં જણાવ્યું હતું કે, આડેધડ ગોળીબારના કારણે કોણ ક્યાં ગયું તે પણ ન જાણી શકાયું. પોલીસના ગયા બાદ લોકો પોતાના પ્રિયજનોની શોધખોળ કરવા લાગ્યા હતા. રામ ચંદર પણ ઘરે પરત નહોતા ફર્યા. પરિવારને ગોળીબારમાં રામ ચંદરનું મોત થયાની માહિતી મળી હતી. ભારે મથામણ બાદ પરિવારના સભ્યોને ખબર પડી કે રામ ચંદરનો મૃતદેહ બસ્તી જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પરિવાર શબ લેવા માટે નીકળવાની તૈયારીમાં જ હતો ત્યાં જ પોલીસની ટીમે ગામમાં ફરી દરોડા પાડ્યા હતા.

    આ દરોડા દરમિયાન પોલીસે દિવંગત રામ ચંદરના અન્ય ભાઇઓને પણ પકડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના ડરથી બલિદાનીના અન્ય ભાઇઓ પણ ઘર છોડીને ભાગવા મજબુર બન્યા હતા. આવી સ્થિતિમાં, ઘરમાં ફક્ત રામ ચંદરના વૃદ્ધ પિતા અને માતા જ બચ્યા હતા. રામનાથના જણાવ્યા મુજબ પોલીસનો એવો ડર હતો કે તેમના યાદવ પ્રભુત્વવાળા ગામના બાકીના યુવા સભ્યો પણ ઘર છોડીને ક્યાંક સંતાઈ જવા મજબૂર થયા હતા.

    બલિદાનીના ગામ સુધી નહોતો પહોંચવા દીધો પાર્થિવ દેહ

    રામનાથે જણાવ્યું કે 22 ઓક્ટોબર 1990નો સમય તેમના પરિવાર માટે અત્યાર સુધીનો સૌથી કપરો સમય હતો. તેઓએ જણાવ્યું હતું કે, પોલીસના દરોડાના ડરથી ગામના અન્ય ભાઈઓ અને શુભચિંતકોની ગેરહાજરીમાં તેમના વૃદ્ધ માતા-પિતાને લગભગ 50 કિમી દૂર બસ્તીમાં સ્થળાંતર કરવું પડ્યું હતું. તે સમયે પોલીસના કડક બંદોબસ્તના કારણે વાહનોના પૈડા પણ થંભી ગયા હતા. રામ નારાયણ યાદવ પત્ની સાથે પોતાના પુત્રના પાર્થિવ દેહ સુધી કેવી રીતે પહોંચ્યા તે પુત્ર રામનાથને પણ ખબર નથી.

    રામ ચંદર યાદવના ભાભી

    રામ નારાયણ યાદવ જ્યારે પોતાની પત્ની સાથે બસ્તી હોસ્પિટલ પહોંચ્યા તો તેમને કહેવામાં આવ્યું કે તેમના દીકરાની લાશ પોસ્ટમોર્ટમ હાઉસમાં પડી છે. અહીં પહોંચ્યા બાદ રામ નારાયણે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત જોયો હતો. જયારે તેઓ પોતાના દીકરાની લાશ ઉઠાવવા લાગ્યા, ત્યારે પોલીસે તેમને અટકાવી દીધા હતા. રામ નારાયણને સ્પષ્ટ આદેશ મળ્યો કે તેઓ કોઈ પણ સંજોગોમાં પોતાના પુત્રના મૃતદેહને ગામમાં નહીં લઇ જાય. મૃતકના પિતાએ હિંદુ વિધિ-વિધાનથી પોતાના વ્હાલસોયા દીકરાના અંતિમ સંસ્કાર કરવા ઘણી આજીજી કરી પરંતુ નિષ્ઠુર અધિકારીઓના પેટનું પાણી નહોતું હલ્યું.

    આખરે, બસ્તી જિલ્લા હોસ્પિટલથી થોડે દૂર, શહેરમાં સ્થિત નદીના કિનારે આવેલા સ્મશાનમાં રામ ચંદર યાદવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન વૃદ્ધ માતા-પિતા ઉપરાંત ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાત્રે રામ ચંદરનો પરિવાર ખાલી હાથે પોતાના ગામ પાછો ફર્યો. પોલીસના ડરના કારણે અન્ય પુત્રો ફરાર થઇ જવાના કારણે રામ ચંદરના મૃત્યુ બાદના અન્ય સંસ્કારમાં પણ ઘણો સમય લાગ્યો હતો.

    ન રાખી શક્યા એક પણ ફોટો

    રામ ચંદરનું કુટુંબ આજની તારીખમાં પણ ખૂબ ધાર્મિક છે. તેમના ભાઈ રામનાથ ભગવાન ભોલેનાથના ભક્ત છે. પરિવારના અન્ય સભ્યોને પણ સનાતન પર અસ્થા છે. રામનાથ યાદવે કહ્યું કે, અયોધ્યામાં ભગવાન રામના મંદિરના નિર્માણથી તેઓ અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ છે. રામનાથના જણાવ્યા પ્રમાણે તે પોતાના ભાઈની એક પણ તસવીર ન જાળવી શક્યા. તેના પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, વર્ષ 1990માં કેમેરા વગેરેનું ચલણ ઓછું હતું, અમારી ગરીબીના કારણે ફોટો ન પડાવી શકવા અને અંતિમ સમયે પોલીસનો ગોળીબાર થવાના કારણે ફોટા નથી.

    સનાતનમાં માને છે રામ ચંદર યાદવનો પરિવાર

    રામનાથની ઈચ્છા છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ દરમિયાન તેમના ભાઈ રામ ચંદરને પણ યાદ કરવામાં આવે. પરિવાર ઈચ્છે છે કે સરકાર અયોધ્યામાં રામ ચંદર યાદવનું સ્મારક બનાવે. આ શ્રેણીના અમારા આગામી ગ્રાઉન્ડ રિપોર્ટ્સમાં, અમે વાચકોને અન્ય રામભક્તો સાથે પરિચય કરાવીશું, જેમણે 22 ઓક્ટોબર 1990ના રોજ થયેલા હત્યાકાંડમાં બલિદાન આપ્યું હતું અને તેમની વર્તમાન પરિસ્થિતિ શું છે તેનાથી પણ અવગત કરાવીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં